સામૂહિક આરાધના વિનાના પર્યુષણ પર્વ માટે કેવો ઉત્સાહ છે?

14 August, 2020 07:41 PM IST  |  Mumbai | Alpa Nirmal

સામૂહિક આરાધના વિનાના પર્યુષણ પર્વ માટે કેવો ઉત્સાહ છે?

ક્લોકવાઇઝ- ભાવિની શાહ, નીતા શાહ અને પરિવાર તથા મિતાબહેન સલોટ

પર્યુષણ પર્વમાં દેરાસર અને ઉપાશ્રયોમાં પરમાત્માની ભવ્ય અંગરચના, ભક્તિભાવના, સવાર-સાંજ પ્રતિક્રમણ, વ્યાખ્યાન, પ્રવચન, તપશ્ચર્યા આદિ અનેક આરાધનાઓ વિશાળ સમૂહમાં થાય છે. પરંતુ હાલની વિકટ પરિસ્થિતિમાં આવતી કાલથી શરૂ થતા મહાપર્વમાં સામુદાયિક આરાધનાઓ પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જિનાલયો, ઉપાશ્રયો અને અન્ય ધાર્મિક સ્થાનો પર જવા પાબંદી છે ત્યારે જૈન શ્રાવક-શ્રાવિકોઓનો પર્યુષણમાં આરાધના કરવાનો જુસ્સો કેવો છે એ જાણીએ

પ્રભુભક્તિ વધી છે પણ સામુદાયિક શક્તિ મિસ કરું છું
મુલુંડ (વેસ્ટ)માં રહેતાં મીતા સલોતના ઘરે લૉકડાઉન થયું ત્યારથી ભગવાન પધાર્યા છે. લૉકડાઉનમાં પુષ્કળ સમય મળવાથી તેમણે પરિવાર સાથે મળી પ્રભુજીની ખૂબ ભક્તિ કરી છે. 59 વર્ષનાં મીતાબહેન કહે છે, ‘રૂટીનમાં દેરાસર જાઉં. ભગવાનની સેવાપૂજા, ચૈત્યદન કરીને ઘરે આવી જાઉં. સંધ્યા આરતી તો આટલી લાઇફમાં ખૂબ થોડા દિવસ કરી હશે, પરંતુ ગૂઢીપાડવાથી અમારા ઘરે પ્રભુજી પધાર્યા ત્યારથી દરરોજ અષ્ટ પ્રકારી પૂજા, વિવિધ અંગરચના, સાજે મંગલ આરતી-દીવો, સંધ્યાભક્તિ કરીએ છીએ. આમ જે દેરાસરમાં નહોતું થતું એ અમે કરતાં થઈ ગયાં એટલે એ રીતે અમારી આરાધના વધી, પણ ચોમાસું શરૂ થતાં અને વિશેષ પર્યુષણમાં જે ઉપાશ્રયમાં સામુદાયિક આરાધના થાય એ હું મિસ કરીશ. એમાં પણ વ્યાખ્યાન અને પ્રતિક્રમણ ખાસ. જુઓ, પર્યુષણના વ્યાખ્યાન વગેરેનાં પુસ્તકો અમારા ઘરે છે, પ્રતિક્રમણ પણ મને આવડે છે જે અમે આ દિવસોમાં ઘરે કરીશું, પણ એ બધી વિધિ યંત્રવત્ થાય, એમાં ભાવ ન આવે. કલ્પસૂત્રનું શ્રવણ ઘણી વખત કર્યું છે. છતાં દર વર્ષે ચાતુર્માસમાં પધારતા મહારાજસાહેબના મુખે એ સાંભળવામાં અનેરી અનુભૂતિ થાય એ જ પ્રમાણે પ્રતિક્રમણમાં પણ સમૂહનો પ્રભાવ અનોખો જ હોય.’
હા, સલોતપરિવારે પર્યુષણમાં પ્રભુજીની ભવ્ય અંગરચના રચવાની તૈયારી જોરશોરથી કરી છે. મીતાબહેન કહે છે, ‘દરરોજ અલગ-અલગ થીમ રાખી કેવું ડેકોરેશન કરવું, આંગી કરવી એ બાબતે અમારે દરરોજ ડિસકશન થાય છે. દેરાસરમાં પણ આ દિવસોમાં સુંદરતમ આંગી રચાય. પરંતુ આજ સુધી મેં એમાં ક્યારેય ભાગ નથી લીધો. ફક્ત પૈસા આપીને સંતોષ માની લઈએ. જ્યારે અત્યારે ફૂલ ગૂંથવાથી લઈને વિવિધ શણગાર રચવામાં હું અન્ય પરિવારજનો સાથે સક્રિય ભાગ લઉં છું.’

દીકરો અને હસબન્ડ ધર્મારાધનામાં જોડાય છે એનો આનંદ છે
પંચાવન વર્ષનાં મીતાબેન શાહ ચાતુર્માસ બેઠો ત્યારથી તો ખૂબ ખુશ છે. બોરીવલી (વેસ્ટર)ના દેવીદયાલ રોડ પર રહેતાં નીતાબહેન કહે છે, ‘મારા હસબન્ડ કિરણ અને દીકરા મિતેશને ધર્મની બહુ માયા નથી. હા, પર્યુષણમાં ચોવિહાર-પ્રતિક્રમણ કરે, પરંતુ યંત્રવત. પણ છેલ્લા સવા મહિનાથી તેમનામાં અચાનક ચેન્જ આવ્યો છે. એક દિવસ કિરણ મને કહે કે હું પણ તારી સાથે હવે સવારે પ્રતિક્રમણ કરીશ. મારા માટે તો એ દિવસે જાણે સોનાનો સૂરજ ઊગ્યો હતો.’
એ સાથે મીતાબહેનના દીકરાને વર્ક ફ્રૉમ હોમ હોવાથી ચોમાસામાં ક્યાંય બહારનું નથી ખાધું એનો પણ તેમને ખૂબ આનંદ છે. તેઓ કહે છે, ‘આપણે છોકારાઓને કહીએ કે ચોમાસામાં હોટેલમાં નહીં ખાતા, પણ તેઓ જાય જ. જ્યારે આ વખતે તેણે મારું કહ્યું બરાબર પાળ્યું છે. એ લોકોને સામેથી કોઈ ધર્મક્રિયા કરવાનું મન નથી થતું પણ આપણે કહીએ તો આર્ગ્યુમેન્ટ વગર હોંશેથી જોડાય. ચોમાસું શરૂ થયું ત્યારથી અમારા ઘરે રહેલી ભગવાનની પ્રતિમાને દરરોજ અમે વાસક્ષેપ પૂજા કરીએ છીએ અથવા કિરણ તીર્થ સિવાય ક્યારેય પૂજા કરવા નથી ગયા. દરેક વખતે તેઓ ઉપાશ્રયમાં સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા જાય. ગિરદી હોય, સંકડાશ પડે, ક્યારેક સંભળાય પણ નહીં એટલે વિધિમાં કે ક્રિયામાં બહુ ધ્યાન ન રહે. પણ આ વખતે અમે સાથે એ પ્રતિક્રમણ કરીશું એટલે હું તેમને બધું સમજાવીશ. હા, દેરાસર, ઉપાશ્રયના સામૂહિક કાર્યક્રમો બંધ છે એનો રંજ મને જરૂર છે. ખાસ તો વ્યાખ્યાન સાંભળવા મળતું નથી એ. પરંતુ ઘરના પુરુષો ચોવિહાર તેમ જ અન્ય ધાર્મિક આરાધના કરતા થયા આથી મન પ્રફુલ્લિત છે અને એ લોકો પણ પર્યુષણ માટે આતુર છે એની ખુશી વધુ છે.’

કાયાથી ક્રિયાઓ બહુ કરી, હવે મન-વચન સહિત ક્રિયા કરીએ


કેમિકલનો બિઝનેસ કરતા વિમલ સંઘવી છેલ્લાં 16 વર્ષથી દર વર્ષે ધારાવી જૈન સંઘમાં જઈ શ્રાવકોને સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવે છે. સાયન (વેસ્ટ)માં રહેતા વિમલભાઈ કહે છે, ‘જે સંઘોમાં મહારાજસાહેબનો જોગ ન હોય તેમ જ શ્રાવકોને પ્રતિક્રમણ વિધિ ન
આવડતી હોય તો અન્ય સંઘોમાંથી જાણકાર અને શુદ્ધ પ્રતિક્રમણ વિધિ કરાવનારને એ જૈન સંઘમાં શ્રાવકોને પ્રતિક્રમણ કરાવવા મોકલાય છે. અનેક વર્ષોથી ભારતનાં અનેક સ્થાનોમાં આ પ્રકારની વ્યવસ્થા ચાલે છે. પરંતુ આ વર્ષે કોરોનાના પ્રકોપને લીધે સર્વે સામુદાયિક ક્રિયાઓ બંધ છે. આથી ત્યાં પ્રતિક્રમણ કરાવવા જવાનું નથી. હું મારા પરિવારજનોને આ વર્ષે સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવીશ.’
‘દેરાસર-ઉપાશ્રય બંધ છે, પરંતુ જને આરાધનામાં ઊંડા જવું છે તેઓ તો સર્વે આરાધના કરશે જ’ એમ કહેતા 44 વર્ષના વિમલભાઈ ઉમેરે છે, ‘આપણે ઘણી વખત માત્ર કાયાથી ક્રિયાઓ કરતા હોઈએ છીએ, પરંતુ આ સમયે તો આપણને તક મળી છે કે સર્વે આરાધના મન, વચન, કાયાથી કરીએ. પૌષધ નથી થયો તો દેશાવગાસિક કરાય. પૂજા-સેવાનો સ્કોપ નથી તો વધુમાં વધુ સામાયિક કરાય. જુઓ, ભગવાનની સ્પર્ષના નથી થતી એનો રંજ જરૂર છે, પરંતુ એ એકમાત્ર જ આરાધના નથી. વ્યાખ્યાન નથી સાંભળવા મળતું તો જૈન શાસ્ત્રો વાંચો, વિચારો, સમજો. આ બધું જ અમારા કુટુંબે લૉકડાઉન દરમિયાન પણ કર્યું છે અને પર્યુષણમાં પણ કરવાના છીએ. હા, સમુદાયની ઊર્જા નહીં મળે, જેથી કદાચ શરીરને જોશ નહીં મળે. પરંતુ આ સમય એવો આવ્યો છે આથી સંજોગોને શિરોમાન્ય કરવા જ રહ્યા.’

આ વખતે પર્યુષણનો ઉત્સાહ જ નથી આવતો

 


પર્યુષણમાં ત્રણ વખત ઉપાશ્રય જનારાં અને આ દિવસોમાં કાયમ એકાસણાં કરનારાં રીટા ગાલાને આ પરિસ્થિતિમાં ધર્મક્રિયા કરવાનું મન જ નથી થતું. એનું કારણ આપતાં સેર્ટમાં રહેતાં રીટાબહેન કહે છે, ‘ચાતુર્માસમાં અમારા સંઘમાં સંત, સતીજીનો પ્રવેશ થાય ત્યારથી આરાધના એક્સપ્રેસ ઊપડે, જે દોઢ મહિના બાદ ફુલ સ્પીડમાં આવે. એટલે પર્યુષણમાં ધાર્મિક વાતાવરણ ચરમસીમાએ હોય અને એ વાતાવરણને કારણે દરેક નાનામોટા વ્યક્તિઓ ભક્તિના રંગમાં રંગાઈ જાય. પરંતુ આ પૅન્ડેમિક ટાઇમમાં એ એક્સપ્રેસ ગાડી ખોટકાઈ છે. સ્થાનકમાં જવાનું નથી આથી ધાર્મિક ક્રિયાનું મન જ નથી થતું. આમ તો દર વર્ષે હું ચાતુર્માસ શરૂ થતાં સવારે પ્રવચનમાં જાઉં, બપોરે શિબિરમાં જાઉં એ સાથે જ સમૂહમાં થતાં તપ, પ્રતિક્રમણ પણ કરું. મને હંમેશાં કોઈનો સાથ, કોઈ મોટિવેશનની જરૂર પડે જે સમૂહ ક્રિયાઓ ને મહાસતીજીઓના સત્સંગથી આવે છે. આ વખતે હું બહુ મિસ કરી રહી છું. એવરી ટાઇમ મારી બે દીકરીઓ પણ પર્યુષણમાં ઉપાશ્રયમાં આવવા જાતે રેડી થઈ જાય. તેમને કહેવું ન પડે પણ આ વખતે તેમને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી આવી રહ્યો. આથી થોડા ધક્કા મરવા પડશે. જોકે હું નથી કરતી, મને મન નથી થતું એનું ગિલ્ટ બહુ ફીલ થાય છે. એ વગર નથી ગમતું પણ પર્યુષણ નજીકમાં છે ને જેવો ઉલ્લાસ થાય એવો નથી જ થતો. જોકે મને અને મારા જ બિલ્ડિંગમાં રહેતી મારી કઝિનને પ્રતિક્રમણ આવડે છે એટલે અમે બિલ્ડિંગના બધા લોકો સાથે મળી પ્રતિક્રમણ અને અન્ય આરાધના કરીશું.’

સંયમમાં રહી અન્યો માટે ઉદાહરણ બનીશ
ઉત્સાહ અને ઉન્માદ વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતી ભાવિની શાહ કહે છે, ‘કોઈ પણ તહેવારોની ઉજવણી ઉત્સાહથી જરૂર કરવી જોઈએ, પણ એમાં ઉન્માદ ન ભળવો જોઈએ. પર્વાધિરાજ પર્યુષણને આવકારવા હું ખૂબ ઉત્સાહિત છું. વર્ષના મોટા 8 દિવસો છે આ એટલે રૂટીન ધર્મક્રિયાઓ કરતાં ચોક્કસ વધુ આરાધના કરીશું. પ્રતિક્રમણ, સામાયિક, ધાર્મિક પુસ્તકોનું વાંચન મીન્સ જે આરાધના ઇન્ડોર રહીને કરી શકાય એવી બધી જ ક્રિયાઓ વિપુલ પ્રમાણમાં કરીશું. ગુરુમહારાજના સાંનિધ્યમાં પ્રતિક્રમણ આદિ કરવાનાં નહીં આવે તેમ જ પર્યુષણમાં ભગવાન મહાવીરનું જન્મવાંચનના પ્રસંગોમાં નહીં જવાય એનો અફસોસ ચોક્કસ થશે. પરંતુ હું માનું છું કે અત્યારે એનો ઊહાપોહ કરવાના બદલે સંયમ અને સમતા રાખી અન્યો માટે ઉદાહરણરૂપ બનીએ એ જ સત્ય છે. આપણે સાડાચાર મહિનાથી આ રીતે જીવવા ટેવાઈ ગયા છીએ. હવે ફક્ત ગેધરિંગ કરી નવી ટ્રબલ ઊભી કરવામાં મૂર્ખતા છે. શાંતિથી ક્રિયા કરો. શારીરિક બળ હોય એ પ્રમાણે તપ કરો અને ઘરમાં રહેલાં ભગવાનનાં મૂર્તિ, ફોટોની પૂજા-સેવા કરો. ઉપાશ્રય લાઇફ ચેન્જર પ્લેસ છે. એમાંય ચાતુર્માસમાં અહીંનો માહોલ એકદમ વાઇબ્રન્ટ હોય છે. ડેફિનેટલી દેરાસર, ઉપાશ્રયથી મોટિવેશન મળે છે; પણ આ એક વર્ષે પરિસ્થિતિનો સ્વીકાર કરીએ એમાં જ શાણપણ છે. આમેય જૈન ધર્મ દેખાડાનો ધર્મ નથી, એ આત્મલક્ષી ધર્મ છે. હું એમ બિલકુલ નથી કહેતી કે સંજોગોનાં બહાનાં આગળ કરી ધર્મક્રિયાઓ ન કરવી. જૈનો માટે સાંવત્સરિક પ્રતિક્રમણ આવશ્યક છે, એ કરવું જ જોઈએ. બસ, આ વખતે થોડી સાવચેતી રાખવાની છે.’

alpa nirmal columnists