કચ્છના આ આર્મીમૅને હવે ઑર્ગેનિક ખેતીમાં ક્રાન્તિ કરવાનો સંકલ્પ કર્યો છે

13 September, 2026 05:33 PM IST  |  Bhuj | Varsha Chitaliya

મણિપુર અને કાશ્મીરમાં ૨૨ વર્ષ સૈનિક તરીકે સેવા આપનાર મોહન જોશીએ નિવૃત્તિ બાદ કચ્છમાં ૩૦ એકર જમીન પર ૫૦૦૦ નારિયેળીનાં વૃક્ષો વાવી ઑર્ગેનિક ખેતી અને ઍગ્રો-ટૂરિઝમથી હરિયાળી ક્રાન્તિ સર્જી છે.

મલેશિયન ગ્રીન ડ્વૉર્ફ વૃક્ષ બતાવતા મોહનભાઈ.

દેશની સરહદ પર તાપમાન માઇનસમાં હોય, ઘનઘોર જંગલો હોય કે પહાડી વિસ્તારો, ભારતીય સેનાના જવાનો હંમેશાં અડીખમ ઊભા રહે છે. આ સૈનિકો જ્યારે નિવૃત્ત થઈને વતન પાછા ફરે છે ત્યારે પણ તેમનો દેશપ્રેમ અને વતન માટે કંઈક નવું કરવાનો જઝ્બો ઓછો નથી થતો. આવી જ પ્રેરણાદાયી કહાણી છે કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામના ભૂતપૂર્વ આર્મીમૅન મોહન જોશીની. હજારો યુવાનોને કમાન્ડોની ટ્રેઇનિંગ આપનારા મોહનભાઈએ કચ્છના શુષ્ક વાતાવરણમાં નારિયેળીનાં વૃક્ષો વાવીને કેરલમ અને થાઇલૅન્ડ જેવી હરિયાળી સર્જી દીધી છે. ૩૦ એકરમાં ૫૦૦૦થી વધુ નારિયેળી વાવીને ૧૦૦ ટકા ઑર્ગેનિક ખેતી અને ઍગ્રો-ટૂરિઝમ દ્વારા તેઓ કચ્છનો નકશો બદલવા જઈ રહ્યા છે. બંદૂક છોડીને હળ પકડનારા આ સૈનિકની સફર આજે દેશના લાખો ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનના નારાને કઈ રીતે સાર્થક કર્યો એની વાત કરી હતી.

સશસ્ત્ર દળમાં સેવાકાળ

પ્રારંભિક જીવન અને સેનામાં જોડાવાના નિર્ણય વિશે ૪૪ વર્ષના મોહનભાઈ કહે છે, ‘મારો જન્મ અને ઉછેર કચ્છમાં જ થયો છે. ગુજરાતીઓ સેનામાં જોડાતા નથી એવું મહેણું મારે ભાંગવું હતું. બારમા ધોરણનો અભ્યાસ પૂરો કર્યો એ દરમ્યાન ૧૯૯૯માં કારગિલ યુદ્ધ થયું હતું. એ વખતે દેશસેવા કરવાનો પ્રબળ ભાવ જાગ્યો. યુદ્ધ પછી સેનામાં જોડાવા ઇચ્છુક યુવાનો માટે ભરતીમેળો યોજાયો જેમાં મારી પસંદગી થઈ ગઈ. નાનપણથી જ શારીરિક કસરતનો બહુ શોખ હતો. દરિયાકિનારે દોડવાનો અનુભવ હતો એટલે ફિઝિકલ ટ્રેઇનિંગ મારા માટે મુશ્કેલ નહોતી. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)માં 55 બટૅલ્યનમાં સૈનિક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. મારી પ્રાથમિક ટ્રેઇનિંગ ગ્વાલિયરના ટેકનપુરમાં થઈ હતી. પહેલું પોસ્ટિંગ મેઘાલયમાં મળ્યું અને ત્યાર બાદ સ્પેશ્યલ ઑપરેશન હેઠળ મણિપુરમાં કેટલોક સમય વિતાવ્યો. પાંચ વર્ષ કાશ્મીરમાં શ્રીનગરથી ૮૦ કિલોમીટર દૂર સોપોરમાં સુરક્ષા-કામગીરી કરી પછી મારી પસંદગી નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ (NSG)ના બ્લૅક કૅટ કમાન્ડો તરીકે થઈ. ઑપરેશન ડ્યુટી માટે સરહદ પર જતા આર્મીનાં વાહનો ઉગ્રવાદીઓથી પ્રોટેક્ટ કરવાની જવાબદારી અમારી હતી. મણિપુર અને કાશ્મીર ઘાટી જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવતી વખતે ઉગ્રવાદીઓનો સીધો આમનો-સામનો નથી થયો, પણ તેમને ઘેરવાનું કામ કર્યું છે. નોકરીના છેલ્લાં ૯ વર્ષ કમાન્ડો ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી. આટલાં વર્ષોમાં ભરતી થઈને આવેલા અંદાજે ૪૦,૦૦૦ યુવાનોને શારીરિક અને યુદ્ધકૌશલ્યની તાલીમ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભારતીય સેનાની વિવિધ સુરક્ષા પાંખોમાં બાવીસ વર્ષ સુધી સેવા આપ્યા બાદ સિવિલ લાઇફ જીવવા સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વૉલન્ટરી રિટાયરમેન્ટ લઈને વતન પાછો ફર્યો.’

કચ્છ વાપસી

સરહદ પર દેશની સેવા કરવા માટે શિસ્ત અને સમર્પણની જરૂર હોય છે એવી જ રીતે મૂળ વતન માટે કંઈક કરી છૂટવા માટે ભવિષ્યની દૂરદર્શિતા જરૂરી છે. મોહનભાઈ કહે છે, ‘સેનામાં લાંબો સમય આપ્યા પછી મને લાગ્યું કે હવે દેશના સામાન્ય નાગરિક તરીકે સમાજમાં યોગદાન આપવું જોઈએ. બાપુજીની તબિયત પણ સારી નહોતી રહેતી એટલે ૨૦૨૧માં સ્વેચ્છાએ નિવૃત્તિ લઈને કચ્છ પાછા ફરવાનો નિર્ણય લીધો. પારિવારિક ખેતીવાડીમાં પણ મારી હંમેશાંથી રુચિ હતી. જોકે વતનમાં પણ કમાન્ડોની તાલીમ આપવાનું કામ ચાલુ રાખ્યું હતું. શરૂઆતમાં ઍર ફોર્સમાંથી નિવૃત્ત થયેલા મિત્ર વિશાલ ગઢવી સાથે મળીને માંડવીમાં કમાન્ડો ડિફેન્સ ઍકૅડેમી શરૂ કરી. તે શૈક્ષણિક બાબતો સંભાળતો અને હું ફિઝિકલ ટ્રેઇનિંગ આપતો. અમારી પાસે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાંથી પણ ૩૫૦થી વધુ યુવક-યુવતીઓ તાલીમ લેવા આવતાં. ખુશીની વાત એ છે કે અમારા ૧૫૦થી વધુ તાલીમાર્થીઓ BSF, ઍર ફોર્સ અને નેવીમાં પસંદગી પામ્યા છે. બાપુજીની તબિયત અને ખેતીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સમય ખેતીવાડીને આપવાનું નક્કી કર્યું. આમ કમાન્ડોમાંથી ફુલ ટાઇમ ખેડૂત બની ગયો. મારું નવું ઑપરેશનલ મિશન બન્યું કચ્છ ગ્રીન. વતનને કેરલમ અને થાઇલૅન્ડ જેવી હરિયાળી ક્રાન્તિમાં ફેરવવાના સંકલ્પ સાથે નારિયેળીનાં વૃક્ષો ઉગાડવાના પ્રયોગો શરૂ કર્યા.’

રણમાં હરિયાળી

એક કહેવત છે કે કચ્છના રણમાં તો બાવળ ઊગે. પાણી ભલે ખારું હોય, જમીન ભલે સૂકી હોય પરંતુ ઇરાદો નેક હોય તો રણમાં નારિયેળીનાં વૃક્ષો પણ ઉગાડી શકાય છે. મણિપુર, મેઘાલયમાં ફરજ પર હતા ત્યારે ત્યાંના કૃષિ-અધિકારીઓ સાથે મોહનભાઈની ઓળખાણ થઈ હતી. ત્યાંનાં નારિયેળની ક્વૉલિટી જોઈને તેમને આશ્ચર્ય થતું. ત્યાંથી નારિયેળીની સારી જાતો એકઠી કરીને કચ્છની જમીનમાં અજમાવવાનું વિચાર્યું. ખેડૂતના દીકરા તરીકેની કોઠાસૂઝ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રયોગો કરી જોયા. સામાન્ય રીતે કચ્છના રણ અને એની આસપાસના વિસ્તારોની જમીનને શુષ્ક માનવામાં આવે છે. સ્થાનિક ખેડૂતોની એવી દૃઢ માન્યતા હતી કે કચ્છની ખારી અથવા રેતાળ જમીનમાં નારિયેળી જેવા બાગાયતી પાક ક્યારેય ન ઊગી શકે. મોહનભાઈએ આ પડકાર ઝીલી લીધો. વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે કેરલમ અને બૅન્ગલોરથી ખાસ ‘મલેશિયન ગ્રીન ડ્વૉર્ફ’, ‘મલેશિયન યલો ડ્વૉર્ફ’, ‘ડીટી હાઇબ્રીડ વરાઇટી’, ‘ક્રૉસ બોના’ અને ‘ગંગા બર્ધન’ નારિયેળીના રોપા મગાવ્યા. આ જાતો ખારાશવાળી જમીન સામે લડવાની ક્ષમતા ધરાવે છે. કચ્છના હવામાન અને જમીનને અનુકૂળ નારિયેળીને સફળતાપૂર્વક ઉગાડી એને નવું નામ આપ્યું ‘કચ્છ ગ્રીન’. આજે તેમની ૩૦ એકર જમીનમાં ૫૦૦૦ જેટલાં નારિયેળીનાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. 
કચ્છમાં સામાન્ય રીતે ખેડૂતો દાડમ, કપાસ કે ખારેકની ખેતી કરે છે અને મને પણ લોકોએ દાડમની ખેતી કરવાની સલાહ આપી હતી, પરંતુ મારે કંઈક અલગ કરવું હતું એમ જણાવીને મોહનભાઈ કહે છે, ‘કચ્છના રણમાં નારિયેળી ન ઊગે એ માન્યતાને તોડવી હતી. નારિયેળ એવું વૃક્ષ છે જેનું મૂલ્ય ખૂબ ઊંચું છે. કચ્છના ખેડૂતો પરંપરાગત પાકથી આગળ વધીને વૅલ્યુ ઍડિશન ખેતી તરફ વળે એવો હેતુ પણ છે. અમે આંતર-પાક (Intercropping) પદ્ધતિ અપનાવી છે. નારિયેળીની વચ્ચે ૭૦૦ જેટલાં લીંબુનાં ઝાડ, કપાસ, એરંડા અને શાકભાજી ઉગાડીએ છીએ. અમારી ખેતીની ખાસિયત એ છે કે એ ૧૦૦ ટકા પ્રાકૃતિક છે. અમે કોઈ કેમિકલ કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા નથી. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સંપૂર્ણપણે જીવામૃત આધારિત ઑર્ગેનિક (સજીવ) ખેતી કરીએ છીએ. સ્માર્ટ ફાર્મિંગને લીધે જમીનમાં ભેજ જળવાઈ રહ્યો છે અને શરૂઆતથી જ આવક મળતી રહી છે. હાલમાં ૩૦ એકર જમીન પર ૫૦૦૦થી વધુ નારિયેળીના છોડ વાવ્યા છે અને એમાંથી ૨૦૦૦ ઝાડ પર ફળ આવવાનાં શરૂ થઈ ગયાં છે. નારિયેળીનાં વૃક્ષ ઊંચાં હોય એ માન્યતા પણ ખોટી છે. અમારી પાસે એવી વરાઇટી છે જેમાં જમીન પર બેઠાં-બેઠાં હાથ ઊંચો કરીને નારિયેળ તોડીને પાણી પી શકો.’

વૅલ્યુ ઍડિશન

મોહનભાઈનો કચ્છ ગ્રીન પ્રોજેક્ટ માત્ર ખેતી પૂરતો સીમિત નથી. એ ગ્રામીણ અર્થતંત્ર બદલવાની ક્ષમતા ધરાવે છે. આ ખાસ જાતની નારિયેળી વર્ષે ૨૫૦થી વધુ નારિયેળ આપે છે અને એ આગામી ૬૦ વર્ષ સુધી સતત ઉત્પાદન આપતી રહેશે. માત્ર કાચાં નારિયેળ વેચવાને બદલે એના દૂધમાંથી પૌષ્ટિક દહીં અને પ્રીમિયમ ક્વૉલિટીનું વર્જિન કોકોનટ ઑઇલ બનાવીને વૅલ્યુ ઍડિશન કરવાનું પણ આયોજન છે, જેનાથી ઝાડદીઠ વર્ષે ૬૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની ચોખ્ખી આવક થઈ શકે છે. કોકોનટ બોર્ડ અને સરકાર તરફથી પણ આ માટે હેક્ટરદીઠ સબસિડી મળી શકે છે. સરકાર દ્વારા હેક્ટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાની સબસિડી મળે છે. એ માટે કોકોનટ બોર્ડ અને બાગાયત ખાતામાં અરજી કરવાની હોય છે. તેમનું કહેવું છે કે કચ્છના ખેડૂતો ધારે તો મલેશિયન ગ્રીન કચ્છી ગ્રીન બની શકે છે. નારિયેળીની ખેતીમાં વધુ માથાકૂટ નથી અને કમાઉ પાક છે. કચ્છની જમીન, પાણી અને આબોહવા મલેશિયન ગ્રીનને માફક આવે એવાં છે. દરિયાકાંઠાથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલાં ખેતરોમાં પણ પાક સારી રીતે લઈ શકાય છે.

ભવિષ્યનું સ્વપ્ન ઍગ્રો-ટૂરિઝમ

આ પ્રોજેક્ટને લઈને ભવિષ્યનું તમારું શું વિઝન છે? આ પ્રશ્નનો જવાબ આપતાં મોહનભાઈ કહે છે, ‘મારું સપનું છે કે કચ્છ માત્ર રણ માટે નહીં પણ કેરલમ અને થાઇલૅન્ડની જેમ નારિયેળના ઉત્પાદન માટે ઓળખાય. અમે ઍગ્રો-ટૂરિઝમ પ્રોજેક્ટ પ્લાન કરી રહ્યા છીએ. સમુદ્રકિનારે કચ્છી સંસ્કૃતિને જાળવીને એક એવું સ્થળ બનાવવું છે જ્યાં લોકો આવીને પ્રકૃતિ સાથે જોડાય, ઑર્ગેનિક ખોરાકનો આસ્વાદ માણે અને કોઈ પણ ગ્રામીણ જિંદગીનો અનુભવ કરે. સેનાનો ગણવેશ ઊતરી જાય, પણ લોહીમાંથી દેશપ્રેમ ક્યારેય જતો નથી. સવારે ઊઠીને જ્યારે હું લીલાંછમ ખેતરોમાં વચ્ચે ચાલુ છું અને શુદ્ધ હવામાં શ્વાસ લઉં છું ત્યારે મને કુદરતના ખોળામાં હોવાનો અહેસાસ થાય છે. યુનિફૉર્મ બદલાયો છે, માતૃભૂમિ પ્રત્યેની સમર્પણ-ભાવના એ જ છે.’
નારિયેળની ખેતીવાડીમાં વૅલ્યુ ઍડ કરવા વધુ મોહનભાઈ સંશોધનો કરી રહ્યા છે. એ માટે મહુવાસ્થિત કોકોનટ બોર્ડનો સંપર્ક કર્યો છે. આગામી દિવસોમાં તેઓ વધુ જાણકારી મેળવવા કેરલમ જવાના છે. નૅશનલ કોકોનટ બોર્ડ પાસેથી લાઇસન્સ લઈને તેમણે પોતાની નારિયેળની નર્સરી પણ બનાવી છે જ્યાંથી ખેડૂતો રોપા લઈ જાય છે. તેમનાં પત્ની સરલા જોશી ખેતરમાં કામ કરતા શ્રમિકોની સંભાળમાં યોગદાન આપે છે. પુત્રી તમન્ના મેડિકલનો અભ્યાસ કરે છે અને દીકરો જય કૉમર્સ સ્ટુડન્ટ છે. 

સ્માર્ટ ખેતી

પરંપરાગત રીતે ખેડૂતો જૂની અને ઊંચી જાતનાં નારિયેળ વાવતા હોય છે, જેમાં ફળ આવતાં સાતથી ૮ વર્ષ લાગે છે અને એના પર ચડવું પણ જોખમી છે. મોહનભાઈએ હાઇબ્રીડ જાતો પસંદ કરીને સ્માર્ટ ખેતી અપનાવી છે. તેમના ખેતરમાં ત્રણથી ૪ વર્ષમાં જ નારિયેળ આવતાં સામાન્ય ખેડૂતો કરતાં અડધા સમયમાં વળતર આપે છે. મલેશિયન ગ્રીન ડ્વૉર્ફ (MGD) પર લીલા રંગનાં નારિયેળ આવે છે. એનું પાણી ખૂબ જ મીઠું હોય છે અને મલાઈ (કોપરું) જાડી હોય છે. મલેશિયન યલો ડ્વાર્ફ (MYD) ઝાડનાં પાન અને નારિયેળ સોનેરી-પીળા રંગનાં દેખાય છે. ગંગા બર્ધન આંધ્ર પ્રદેશની પ્રખ્યાત અર્ધ-ટૂંકી (Semi-Dwarf) દેશી વરાઇટી છે. આ ઝાડ ઘણું મજબૂત હોય છે અને દુકાળ જેવી સ્થિતિમાં પણ ટકી રહે છે. હાઇબ્રીડ વરાઇટી ક્રૉસ બોના અને ડીટી હાઇબ્રીડ ટૂંકી જાત (Dwarf) અને ઊંચી જાત (Tall)ના ક્રૉસિંગથી બનાવેલી સુપરવરાઇટી છે. આ ઉપરાંત લોટન, શ્રીલંકન, દેશી પિન્ક જેવી જાતો પણ છે. આ વૃક્ષોની ઊંચાઈ ઓછી હોવાને કારણે તેમને નારિયેળ ઉતારવા માટે મજૂરો પર નિર્ભર નથી રહેવું પડતું. નીચે ઊભા રહીને અથવા નાની સીડીની મદદથી પણ સરળતાથી નારિયેળ ઉતારી શકાય છે. નારિયેળની આવી આધુનિક હાઇબ્રીડ જાતો સાથે આંતરપાક પદ્ધતિ અપનાવવી એ મોહનભાઈની અસાધારણ કોઠાસૂઝ અને સાહસિકતા દર્શાવે છે. કચ્છ જેવા સૂકા હવામાન અને ખારાશવાળા વિસ્તારમાં આ પ્રકારનો પ્રયોગ કરવો એ કોઈ ભગીરથ કાર્યથી કમ નથી. નારિયેળનાં બે ઝાડ વચ્ચે સામાન્ય રીતે ૨૫×૨૫ ફુટનું અંતર રાખવામાં આવે છે. ૩૦ એકરના વિશાળ વિસ્તારમાં આ અંતરનો સદુપયોગ કરીને વચગાળાની જગ્યા ખાલી રાખવાને બદલે ત્યાં લીંબુનાં ઝાડ અને કપાસના આંતરપાક લીધા છે. આ પ્રકારની ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તેઓ માર્ગર્શન આપે છે. 

ફળ નહીં, ઔષધ

ખેડૂતોને સંદેશો આપતાં મોહનભાઈ કહે છે, ‘આજકાલ લોકો હેલ્થ-કૉન્શિયસ થઈ ગયા છે. ઠંડાં પીણાં કરતાં નારિયેળપાણી સ્વાસ્થ્યવર્ધક છે અને તાજગી આપે છે. આ પાણીદાર ફળમાંથી પ્રાપ્ત મૅન્ગેનીઝ પાચનતંત્ર સુધારે છે. વ્યાયામ બાદ શરીરમાં પ્રવાહીનું સ્તર જાળવી રાખવા જરૂરી પોટૅશિયમ અને મૅગ્નેશિયમ પણ એમાંથી પ્રાપ્ત થાય છે. એ ઍસિડિટી અને બળતરાનું શમન કરે છે અને શરીરમાં ઊર્જા જાળવી રાખે છે. ખેડૂતોએ આ તક ઝડપી લેવી જોઈએ.’

kutch bhuj columnists exclusive gujarati mid day