10 August, 2025 10:19 AM IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક તસવીર
ભારતીય શૅરબજારમાં આજકાલ જે રીતે ઘટાડાનું વલણ ચાલી રહ્યું છે એને જોતાં ઘણા નાના રોકાણકારો ચિંતિત થઈ ઊઠ્યા છે. જોકે તેઓ પોતાના રોકાણમાં સલામતીનું સ્તર વધારી શકે એવો એક વિકલ્પ છેઃ સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP).
SIPને લીધે રોકાણની શિસ્ત વધે છે અને લાંબા સમય સુધી રોકાણ થશે એવી ખાતરી થાય છે. આમાં દર મહિને કે નિશ્ચિત સમયાંતરે આપોઆપ રોકાણ થઈ જતું હોવાથી સામાન્ય સંજોગોમાં રોકાણકારો એને ચાલુ રહેવા દે છે. જોકે કેટલાક લોકો શૅરબજારની સ્થિતિ જોઈને ચિંતિત પણ થઈ જાય છે. બજાર ઉપર હોય કે નીચે, SIP ચાલુ રહે છે. આમ કોઈની પણ મધ્યસ્થી વગર જાતે બજારની ટોચે પ્રવેશીને નીચલા સ્તરે નીકળી જવાને લીધે થતા નુકસાનથી બચી જવાય છે. અગાઉ કહ્યું એમ, SIP લાંબા સમય સુધી ચાલુ રહેવાને લીધે સુરક્ષાનું સ્તર સુધરી જાય છે.
આ મુદ્દાને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક રોકાણકાર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાનો SIP કરે છે. એમાં પાંચ વર્ષના ગાળામાં તેમને ૧૨ ટકાના વાર્ષિક દરે વળતર મળે છે. પાંચ વર્ષમાં તેમનું રોકાણ છ લાખ રૂપિયાનું થાય છે અને એ મુદતના અંતે તેમના રોકાણનું કુલ મૂલ્ય વધીને ૮.૧૬ લાખ રૂપિયા થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમની સુરક્ષાનો માર્જિન ૨૬.૫૩ ટકા થાય છે. એનો અર્થ એવો થયો કે શૅરબજારમાં ૨૬ ટકા જેટલો ઘટાડો થઈ જાય તોપણ તેમની મુદ્દલને નુકસાન ન થાય. જેમ-જેમ સમયગાળો વધે એમ-એમ આ સુરક્ષાનું સ્તર સુધરતું જાય છે. દસ વર્ષના અંતે ૧૨ લાખ રૂપિયાનું રોકાણ થયું કહેવાય અને એનું કુલ મૂલ્ય વધીને ૨૩ લાખ થઈ જાય. આમ સુરક્ષાનો માર્જિન ૪૭.૮૩ ટકા થાય છે. ૧૫ વર્ષના અંતે રોકાણકારે ૧૮ લાખ રૂપિયા રોક્યા કહેવાય અને એનું મૂલ્ય વધીને ૪૯.૯૫ લાખ થઈ જાય, જે સુરક્ષાનો ૬૪ ટકાનો માર્જિન દર્શાવે છે.
આમ બજારના ઉતાર-ચડાવથી ડર્યા વગર રોકાણ ચાલુ રાખવામાં આવે તો ચક્રવૃદ્ધિ લાભ મળે છે. વીસ વર્ષના અંત સુધીમાં રોકેલા ૨૪ લાખ રૂપિયાનું મૂલ્ય વધીને ૯૮.૯૨ લાખ રૂપિયા થઈ જાય, જે ૭૫ ટકા માર્જિન દર્શાવે છે. ૨૫ વર્ષના અંતે ૩૦ લાખનું રોકાણ ૧.૮૭ લાખ મૂલ્યનું થઈ જાય છે અને સુરક્ષાનો માર્જિન ૮૪ ટકા સુધી પહોંચી જાય છે. એનાથી પણ વધુ એટલે કે ૩૦ વર્ષનો સમયગાળો ધ્યાનમાં લઈએ તો રોકાણ ૩૬ લાખ અને મૂલ્ય ૩.૪૯ કરોડ રૂપિયા થઈ જાય, જે ૮૯.૭ ટકાનો સુરક્ષાનો માર્જિન દર્શાવે છે. આમ સમય જતાં રોકાણમાં વૃદ્ધિ મોટા પ્રમાણમાં થાય છે અને જોખમ ઘટતું જાય છે.
SIP કરાવી હોય તો વૉલેટિલિટી ઑપોર્ચ્યુનિટીમાં પરિવર્તિત થઈ જાય છે અને સુરક્ષાનું સ્તર વધતું જાય છે. આ રીતે રોકાણકારો લાંબા ગાળે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને સાથે-સાથે નાણાકીય સુરક્ષા પણ માણી શકે છે.