ચાર મહિના પહેલાં બ્રેક-અપ થયેલું, જોકે લાગે છે કે તેના વિના નહી રહેવાય

10 June, 2020 11:08 PM IST  |  Mumbai | Sejal Patel

ચાર મહિના પહેલાં બ્રેક-અપ થયેલું, જોકે લાગે છે કે તેના વિના નહી રહેવાય

પ્રતીકાત્મક તસવીર

સવાલ ઃ મારી ઉંમર ૨૫ વર્ષ છે. ચાર મહિના પહેલાં મારું બ્રેક-અપ થયું હતું. લગભગ ચાર વર્ષથી અમે સાથે હતાં. શરૂઆતના ગુલાબી પિરિયડ પછી જેવી સાથે મળીને ભવિષ્ય ઘડવાની વાત આવી ત્યારે અમારી વચ્ચે મતભેદો થવા શરૂ થઈ ગયા. એક તબક્કો એવો આવી ગયો કે અમે પંદર દિવસ સુધી અબોલા રાખ્યા હોય. છ મહિના પહેલાં એટલો ઝઘડો થયો અને અમે તેણે મને એટલી ગંદી ભાષામાં કડવી વાતો કરી કે મારું મન ઉતરી ગયું. અમારી વચ્ચે પઝેસિવનેસ પણ ખૂબ હતી. શરૂઆતમાં મને તેની પઝેસિવનેસમાં પ્રેમ દેખાતો પણ પછીથી એ મને ગૂંગળાવા લાગ્યો. મારા ફ્રેન્ડ્સ કોણ છે ત્યાંથી માંડીને હું કોની સાથે કેટલું હળુંભળું છું ત્યાં સુધીની વાતો તેને જાણવી હોય. ક્યારેક મને લાગતું કે મારી કેટલી સરસ કાળજી રાખે છે એ વાતે હું બહુ પોરસાતી, પણ એ જ કાળજી મને દરેક વખતે ગમતી નહીં. ખેર, એ બધી વાતો હવે જૂની થઈ ગઈ છે. અમારા બ્રેકઅપને પણ હવે તો ચાર મહિના થઈ ગયા છે. અત્યારે લૉકડાઉનની નવરાશમાં મેં તેને બહુ જ મિસ કર્યો. મને ખરેખર એવું લાગે છે કે હું કદાચ તેના વિના રહી નહીં શકું. મારે તેની પાસે પાછા જવું જોઈએ. મારાં ફ્રેન્ડસર્કલમાં બધાનું કહેવું છે કે ભલે તે પઝેસિવ હતો પણ તને પ્રેમ તો કરતો જ હતો. જોકે આટલા મહિનામાં તેણે મને એક વાર પણ ફોન નથી કર્યો. શું તે મને ભૂલીને આગળ વધી ગયો હશે? કે પછી તે પણ હું પહેલ કરું એની રાહ જોતો હશે? શું કરવું એ સમજાતું નથી. બ્રેકઅપના અનુભવી ફ્રેન્ડ્સ મને કહે છે કે એક વાર બ્રેક-અપ થયા પછી ફરીથી પેચ-અપ થાય તો એ સંબંધો પહેલા જેવા નથી રહેતા. એક વાર પડેલી ગાંઠ ઉકેલાતી નથી. બીજું, હું પેચ-અપ કરવા જાઉં અને તેને ફરીથી ન જોડાવું હોય તો શું?
જવાબઃ એક વાર સંબંધ તૂટ્યા પછી ફરીથી પૅચ-અપ કરાય કે ન કરાય એના કોઈ યુનિવર્સલ નિયમો નથી. દરેક સંબંધ યુનિક હોય છે અને એટલે એના તૂટવાના કારણો પણ યુનિક હોવાનાં. ‘હું તેના વિના રહી નહીં શકું’ એવું લાગતું હોવાથી ફરીથી એ જ પ્રેમસંબંધમાં જોડાવું એ મને અંગત રીતે યોગ્ય કારણ નથી લાગતું. ઇન ફૅક્ટ, જ્યારે કોઈ ઝઘડો ન હોય અને બધું જ સમૂસૂતરું ચાલતું હોય ત્યારે પણ ‘તારા વિના હું રહી નહીં શકું’ એવી લાગણી સ્વસ્થતાની નિશાની નથી.
સંબંધો તૂટ્યા પછી ઘણી વાર આપણને જે-તે વ્યક્તિની ખરી કિંમત સમજાતી હોય છે. ઘણી વાર સમજાતું હોય છે કે એ સંબંધ તૂટ્યો એમાં તમારી પોતાની ત્રુટિઓ હતી. જો આવી ત્રુટિ નજરે પડે તો સામેવાળો પહેલ કરે એની રાહ જોયા વિના જ માફી માગી લેવામાં કંઈ નાનમ નથી, પરંતુ હું તેને બદલી નાખીશ, તેની પઝેસિવનેસ હવે ઓછી થઈ જશે કે તેનામાં આ બ્રેક-અપને કારણે થોડોક બદલાવ આવી ગયો હશે એવી ધારણાઓ બાંધીને ફરીથી પૅચ-અપ કરવાની ભૂલ ન કરાય. કોઈ પણ બ્રેક-અપને ફરીથી પૅચ-અપ કરવા ત્યારે જ જવાય જ્યારે તમને એ સંબંધમાંથી પ્રેમ, કાળજી અને ભીની લાગણીઓ ઉપરાંત પણ કંઈક એવું મળતું હોય અને જે તમને અને તમારા વ્યક્તિત્વને નિખારવાનું કામ કરતું હોય. જો આવું હોય તો તેનો રિસ્પોન્સ શું હશે એની ચિંતા કર્યા વિના સામેથી એક વાર ફોન કરીને પહેલ કરી લેવામાં ખચકાટ ન રાખવો જોઈએ.

sex and relationships columnists