મારા શુક્રાણુની સંખ્યા ઓછી છે, શું કાળજી લઇ શકાય

21 September, 2020 10:51 AM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારા શુક્રાણુની સંખ્યા ઓછી છે, શું કાળજી લઇ શકાય

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારાં અરેન્જ્ડ મૅરેજ પાંચ વર્ષ પહેલાં થયાં છે. લગભગ દોઢ વર્ષથી અમે બાળક માટે પ્રયત્ન કરીએ છીએ, પણ સફળતા નથી મળી. પત્નીનું માસિક નિયમિત છે એટલે ડૉક્ટરે મારા વીર્યનું ચેકઅપ કરાવ્યું હતું. રિપોર્ટ મુજબ સ્પર્મ-કાઉન્ટ માત્ર ૨.૨ મિલ્યન છે. ડૉક્ટરનું કહેવું છે કે નૉર્મલી ચાર-છ કરોડ હોવા જરૂરી છે. મારી વાઇફનાં બ્લડ-રિપોર્ટ્સ અને સોનોગ્રાફી ફાઇન છે. ડૉક્ટરનું કહેવું છે કે શુક્રાણુ બહુ ઓછા નથી એટલે તમે દવા કરીને વધારી પણ શકો છો. જો દવાથી પણ ફાયદો નહીં થાય તો કૃત્રિમ ગર્ભધારણની પદ્ધતિ અપનાવવી પડશે. ઍલોપથીની દવા કરતાં આયુર્વેદની પદ્ધતિથી સ્પર્મ-કાઉન્ટ વધારી શકાય?
જવાબ-વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સ્ટાન્ડર્ડ પ્રમાણે શુક્રજંતુઓનો જથ્થો પ્રત્યેક મિલીલીટરમાં બેથી પાંચ મિલ્યન જેટલો હોવો જરૂરી છે. તમે એકદમ બૉર્ડરલાઇન પર છો એટલે સાવ જ પ્રેગ્નન્સી ન રહે એવું નથી. હા, આ સ્પર્મની ગતિ પણ ત્રણથી ૪ ગ્રેડ સુધીની હોવી જરૂરી છે, જેથી શુક્રજંતુ વેગ પકડીને ઈંડાને ફળીભૂત કરી શકે. બીજું, એની સાંદ્રતા પણ કેવી છે એ તપાસવું પડે. નાની ઉંમરે સ્પર્મ-કાઉન્ટ ઘટવાનું કારણ શું છે એ પણ શોધવું જરૂરી છે. ઘણી વાર કેટલીક દવાઓની આડઅસરરૂપે આવું થતું હોય છે તો કેટલીક વાર ખોટી જીવનશૈલીને કારણે ફર્ટિલિટીની સમસ્યા થતી હોય છે. તમે જો કોઈ દવાઓ લેતા હો અથવા તો લીધી હોય તો એની હિસ્ટરી પણ જાણવી જરૂરી છે.
આયુર્વેદ મુજબ શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુની સંખ્યા ઘટતી હોય છે એવું મનાય છે. શુક્રજંતુને વધારવા માટે આયુર્વેદમાં વધુ અસરકારક રસ્તો છે પિત્ત ઓછું થાય એવો ખોરાક લેવો. પિત્તનું શમન કરવા માટે ગાયનું ઘી, ગાયનું દૂધ, સૂકી કાળી દ્રાક્ષ જેવી ચીજો ઉત્તમ છે. સૉફ્ટ ડ્રિન્ક્સ, દારૂ, તમાકુ, સ્મોકિંગ કરતા હો તો એ છોડી દેવું જરૂરી છે. ખાવામાં મરચાં-મસાલાવાળા ખોરાકનું સેવન બંધ કરવું.
ખૂબ ગરમ પાણીથી ન નાહવું. શુક્રાણુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે. ટમ્બ્લરમાં બરફવાળા ઠંડા પાણીમાં વૃષણ ડુબાડીને પાંચ-દસ મિનિટ હળવા હાથે મસળવા. રોજ સવાર-સાંજ બે વાર આ પ્રયોગથી સ્પર્મની સંખ્યામાં વધારો થઈ શકે છે.

sex and relationships columnists dr ravi kothari