ભુલાશે નહીંને?

29 May, 2020 05:32 PM IST  |  Mumbai | Rashmin Shah

ભુલાશે નહીંને?

બ્રૅન્ડેડ કપડાંઓનો વૉર્ડરોબ ભરેલો રહી ગયો અને બાંડિયું પહેરીને આખો દિવસ ખેંચી કાઢ્યો. દરરોજ સવારે મોરારજી દેસાઈ જેવા ઝગારા મારતા ચહેરા માટે ઘસી-ઘસીને શેવ કરવામાં આવતું અને આ જ નિત્યક્રમ હતો, પણ આ નિત્યક્રમ છેલ્લા બે મહિનાએ ખોરવી નાખ્યો. હવે વધેલી દાઢીની આદત પડી ગઈ છે. આંખો નીચે આવી ગયેલાં કાળાં કૂંડાળાંને ઢાંકવાની કોશિશ પણ હવે કરવામાં નથી આવતી અને સફેદ થઈ રહેલા વાળ પણ હવે ટેન્શન નથી કરાવતા. તમે જ નહીં, કરણ જોહરથી માંડીને અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મીએ પણ વાઇટ હેર સાથેની સેલ્ફી વિના સંકોચે પોસ્ટ કરી દીધી. વાળ કાળા હોવા જોઈએ અને એ કાળા હોય તો જ તમે યંગ છો એવી માન્યતા લૉકડાઉને દૂર કરી નાખી છે અને દૂર થયેલી એ માન્યતાને તમે પણ અપનાવી લીધી છે.

લૉકડાઉનને લીધે હવે બહાર જઈને ફરનારાઓ પણ ઘરમાં આવતાંની સાથે હાથ ધોવા માંડ્યા અને એ પણ ઘસી-ઘસીને. પહેલાં કહેવામાં આવતું તો પણ વાત માનવામાં નહોતી આવતી. ‘આપણને કશું થતું નથી’ અને ‘આપણને ક્યારેય કંઈ થવાનું નથી’ એવી માનસિકતા સજ્જડ રીતે મનમાં ઘર કરી ગઈ હતી પણ ના, હવે એ માન્યતા રહી નથી. કોરોનાએ તમને સજાગ કરી દીધા છે અને વારંવાર એવું બોલતાં પણ કરી દીધા છે કે ચેતતા નર સદા સુખી. ચેતતા નર હવે ખિસ્સામાં સૅનિટાઇઝરની ડબી ભેગી રાખવા માંડ્યા છે અને ચેતતા નરને હવે ઘરનું ભાવતું થઈ ગયું છે. નરને પણ અને વર્કિંગ સન્નારીઓને પણ. દિવસમાં બે વખત બહારના ભોજન પર તરાપ મારનારા આ સૌકોઈ માત્ર ઘરનું ખાતાં જ નથી, ઘરનું ખાવાનું સ્વાદિષ્ટ છે એવું કહેવામાં પણ હવે સંકોચ નથી થતો. કેટલાક વિરલાઓ તો બનાવતાં શીખી પણ ગયા અને બનાવેલી વાનગીઓના ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા પણ થઈ ગયા.

પુરુષ કોઈ દિવસ આવું કામ કરે ખરા?                       

નીકળી ગઈ મનમાંથી આ દલીલ અને આ દલીલના સ્થાને હવે સાથે મળીને જીવવાની આદત પડી ગઈ. રાતે સાથે બેસીને જમવું અને જમ્યા પછી સાથે બેસીને પત્તાં રમવાની આ જે આદત પડી છે એ આદત આવતી કાલે ભુલાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. પાડોશી પહેલો સાથી છે એ વાત પણ આ કોરોનાએ સમજાવી દીધી અને ઘરમાં બનતી રસોઈ પહેલાં પાડોશીને પહોંચાડવાનો સ્વભાવ પણ લોહીમાં ભળવા માંડ્યો છે. પણ જો જો હોં, આ આદત ફરીથી છૂટી ન જાય અને આવતી કાલે, વૅક્સિન આવી ગયાના સમાચાર સાથે જ મૂડ પેલા એકતારા જેવો થઈ ન જાય. સાથે જંગ લડ્યો છે, એકમેકને સાથ આપ્યો છે અને એકબીજાને હાથ આપ્યો છે એ વાત વિસરાઈ ન જાય.

સ્લિપરની બ્યુટી કેવી હોય એ આ કોરોનાએ સમજાવ્યું અને એકલા પડી ગયાનો અનુભવ પણ આ કોરોનાએ અપાવ્યો છે. ચાર કપડાં અને મેકઅપ વિનાનો ચહેરો સાચું જીવન દેખાડે છે એ પણ કોરોનાએ શીખવ્યું અને ઘરની ચાર દીવાલ જ સાચી દુનિયા છે એ પણ કોરોનાએ પ્રતીત કરાવ્યું. બર્ગરની સરખામણીમાં ખીચડી કેવી મીઠી છે એ સમજાવવા માટે મા બિચારી દેકારો કરતી, પણ એ બૂઢા શબ્દો કાને ધરવા ક્યાં કોઈ રાજી હતું? પણ ના, કોરોના છેને, એણે ખીચડીમાં મીઠાશ ભરી દીધી. ઘરમાં ભર્યા રહેતા મીઠાઈના ડબ્બાઓ ખાલી થઈ ગયા અને મીઠાઈ માર્કેટમાં મળતી બંધ થઈ ગઈ એટલે સાકરની પણ વૅલ્યુ સમજાઈ. કોકો કોલા અને પેપ્સી વિના થાળી ન મંડાય એ મૂળ મંત્ર બાષ્પીભવન થઈ ગયો. છાશ વહાલી લાગવા માંડી અને દૂધમાં હૉર્લિક્સને બદલે વાટેલાં ડ્રાયફ્રૂટ હવે ભાવવા માંડ્યાં. ગમાએ અણગમાનું રૂપ લીધું અને અણગમાએ જીવનમાં સ્થાન મજબૂત કરવાનું શરૂ કરી દીધું, પણ એ મજબૂતીને ફૅવિકોલના બેજોડ જોડ જેવી બનાવીને રાખવાની છે.

હવે કોઈ સુનામી નહીં, હવે કોઈ ધરતીકંપ નહીં. સાદગીને બાથ ભીડી લીધેલા આ જીવનને હવે ભૂલથી પણ જાકારો ન મળે એનું ધ્યાન રાખવાનું છે. ધ્યાન પણ રાખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. જે જોયું છે એ, જે અનુભવ્યું છે એ, જે ભોગવ્યું છે એ અને જે જીવનમાં ઉતાર્યું છે એ. સંબંધોનું મૂલ્ય સમજાવવાનું કામ પણ આ દિવસોએ કર્યું છે અને મોટું મન રાખીને તૂટેલા સંબંધોને નવેસરથી જોડવાનું કામ કર્યું એ પણ આ જ દિવસોએ સમજાવ્યું છે. પાસે છે એ શાશ્વત છે એ બ્રહ્મજ્ઞાન પણ કોરોનાના આ દિવસોએ સમજાવ્યું અને દૂરી કેવી કહેવાય, એની પીડા કેવી હોય એનો અનુભવ આપવાનું કામ પણ આ દિવસોએ કર્યું. ઘરમાં રહેલી મમ્મી સાથે વાતો કરવાની અને પપ્પાના બેતાળા ગ્લાસમાંથી જિંદગીને આરપાર જોવાની તક પણ કોરોનાએ આપી. ખાલી થઈ ગયેલા રસ્તાઓ પર આળોટતી માયૂસી પણ કોરોનાએ શ્વાસમાં ભરી અને ભાગતી રહેતી દુનિયા કેવી રીતે નરી આંખે પણ ન જોઈ શકાય એવા જંતુના કારણે અટકી ગઈ એની સમજણ પણ આ દિવસોએ આપી. આ દિવસો હવે સાથે રાખવાના છે. આ દિવસો દરમ્યાન થયેલા એકેક અનુભવ અને એ અનુભવમાંથી મળેલી શીખ હવે જીવનનું સમીકરણ બદલી નાખશે, આ શીખ હવે જીવનને વધારે બળવત્ત બનાવવાનું કામ કરશે અને સાથોસાથ જીવનનું મૂલ્ય પણ સ્પષ્ટ કરશે એટલે એને યાદ રાખજો, ભૂલતા નહીં.

lockdown coronavirus covid19 columnists Rashmin Shah