એચએમવી, મ્યુઝિક ઇન્ડિયા અને ખઝાના

30 September, 2020 11:58 AM IST  |  Mumbai | Pankaj Udhas

એચએમવી, મ્યુઝિક ઇન્ડિયા અને ખઝાના

મહાનુભાવોએ જે કામ કર્યું છે એવું કામ તો ક્યારેય નથી થઈ શકવાનું.

’૮૦ના દસકામાં બે મ્યુઝિક-કંપનીઓની બોલબાલા હતી, એક તો એચએમવી અને બીજી મ્યુઝિક ઇન્ડિયા. જૂજ લોકોને ખબર હશે કે આ બીજી કંપની આપણા ગુજરાતી ભાઈઓએ શરૂ કરી હતી...

‘ખઝાના.’
મારા જે વાચકો છે તેમને આ ‘ખઝાના’ ફેસ્ટિવલ વિશે થોડી તો ખબર હશે જ. ‘ખઝાના’ ફેસ્ટિવલ એટલે ગઝલોનો ઉત્સવ. કહો કે ગઝલોનો મહાઉત્સવ. એક એવો સમારોહ જેની ગઝલના ચાહકો અને સંગીતના રસિકો આખું વર્ષ કાગડોળે રાહ જુએ અને એને માટે ઍડ્વાન્સમાં પ્લાનિંગ પણ કરી લે. છેલ્લાં થોડાં વર્ષોથી તો એવી પરિસ્થિતિ હતી કે અમુક લોકો ખાસ આ કાર્યક્રમ માટે ઇન્ડિયા આવતા, તો જેઓ આવી ન શકતા હોય એ લોકો વિદેશમાં પોતાના ઘરે ‘ખઝાના’ના લાઇવ વેબકાસ્ટિંગનો કાર્યક્રમ ગોઠવતા. ગયા વર્ષે દુબઈના એક મિત્રએ તેમને ઘરે ‘ખઝાના’ના માનમાં મિની ‘ખઝાના’ જેવો માહોલ ઊભો કરી દીધો હતો. ‘ખઝાના’ માટે પોતાના ઘરે તેણે મોટા ટીવી પર આખો પ્રોગ્રામ જોવાનું નક્કી કર્યું, એટલું જ નહીં, ત્યાં તેણે પોતાના બધા મિત્રોને ઘરે બોલાવીને ભારતીય બેઠકની અરેન્જમેન્ટ કરીને આખો પ્રોગ્રામ ટીવી પર એવી રીતે જોયો જાણે તેઓ ઇન્ડિયામાં જ હાજર હોય અને ‘ખઝાના’ જોવા માટે રૂબરૂ આવ્યા હોય. આ ‘ખઝાના’ની સફળતાની નિશાની છે અને ‘ખઝાના’એ આ સ્તરની લોકચાહના પણ મેળવી છે.
હું કહીશ કે ‘ખઝાના’ એક યુનિક ફેસ્ટિવલ છે. નોખો કે અનોખો ફેસ્ટિવલ તમે એને કહી શકો. દુનિયાભરમાં મ્યુઝિકને લગતા અનેક ફેસ્ટિવલ થાય છે એ ફેસ્ટિવલોમાં અગ્રીમ એટલે ‘ખઝાના’. ત્રણ દિવસનો એવો મહોત્સવ, એમ થાય કે આ ત્રણ દિવસ પૂરા જ ન થાય. થોડાં વર્ષો પહેલાં તો સંગીતના શોખીનોએ એવી ડિમાન્ડ કરી હતી કે કોઈ પણ હિસાબે ‘ખઝાના’ના દિવસો વધારો પણ એ શક્ય નહોતું. ‘ખઝાના’માં જે સ્તરના સિંગર્સ અને ગઝલગાયકોને લાવવામાં આવે છે એ બધા બહુ બિઝી હોય છે. તમને યાદ હોય તો બે વર્ષ પહેલાં અનુપ જલોટાજી ખાસ ‘ખઝાના’માં હાજર રહેવા માટે છેક ઑસ્ટ્રેલિયાથી આવ્યા અને ઍરપોર્ટ પરથી સીધા જ હોટેલ પર આવીને તેમણે પર્ફોર્મ કર્યું હતું. આ તો માત્ર એક વાત છે, પણ ‘ખઝાના’ સાથે જોડાયેલા સૌકોઈનું ડેડિકેશન આ જ સ્તરનું રહ્યું છે. બધાને ‘ખઝાના’ને દર વર્ષે નવી ઊંચાઈ પર લઈ જવાની ખેવના હોય છે.
‘ખઝાના’ જેવો ભવ્ય છે, જેટલો ગ્રૅન્ડ છે એટલો જ ભવ્ય અને ગ્રૅન્ડ એની પાછળનો ઇતિહાસ છે, એની પાછળની હિસ્ટરી છે. એ હિસ્ટરી કહેવા બેસું તો એક આખી બુક લખાઈ જાય. એની યાદો પણ એટલી છે અને એની વાતો પણ એટલી છે. દરેકેદરેક ‘ખઝાના’ સમયે લખલૂટ યાદો એકત્રિત થઈ છે. સ્પૉન્સર્સથી માંડીને ‘ખઝાના’ સાથે જોડાયેલો એકેએક સિંગર પોતાના અનુભવ શૅર કરે તો તો ‘ખઝાના’નો એક આખો દળદાર ગ્રંથ બને એવું હું વિનાસંકોચ કહી શકું. ‘ખઝાના’ને કારણે ભારતીય ગઝલોની જાળવણી થઈ છે એવું હું વિનમ્રતાપૂર્વક કહીશ. કહીશ કે ‘ખઝાના’એ ગઝલોને પણ એના આગવા સ્થાને અકબંધ રાખી તો ‘ખઝાના’એ ગઝલને નવા સિંગરો આપવાનું કામ પણ કર્યું.
આ વખતે આપણે વાત કરવાની છે ‘ખઝાના’ની. ‘ખઝાના’ ત્યારે અને ‘ખઝાના’ આજના આ સમયમાં. આ વર્ષે ‘ખઝાના’ની શું પરિસ્થિતિ છે એની વાત પણ મારે તમારી સાથે શૅર કરવી છે, પણ એ પહેલાં વાત કરીએ ‘ખઝાના’નાં શરૂઆતનાં વર્ષોની.
વર્ષ ૧૯૮૧.
મને હજી પણ બરાબર યાદ છે કે એ અરસામાં ભારતમાં મ્યુઝિકના ક્ષેત્રમાં બે લેબલ બહુ જોરશોરથી ચાલતાં હતાં. મ્યુઝિકના ક્ષેત્રમાં તેમની બોલબાલા હતી, બહુ આગળ પડતાં નામ હતાં એ. એ બેમાંથી એક હતું, એચએમવી. આજે આ ‘એચએમવી’નું નામ ‘સારેગામા’ થઈ ગયું છે અને ૫૦થી ૮૦ અને ૯૦ના દસકાના મ્યુઝિકમાં ‘સારેગામા’ની આજે પણ બોલબાલા છે. ૧૯૮૧ની વાત કરીએ તો એ તબક્કે આ ‘એચએમવી’ ૪૦ વર્ષ જૂની કંપની હતી. આઝાદીના સમયથી એ શરૂ થઈ હતી અને ખૂબ મોટું નામ બની ગઈ હતી. આ એક કંપની કહો કે લેબલ, પછીના ક્રમે હતી એ કંપનીનું નામ ‘મ્યુઝિક ઇન્ડિયા’. આ મ્યુઝિક ઇન્ડિયા કંપની ૧૯૮૧ના સમયગાળામાં ૧૦થી ૧૨ વર્ષ જૂની કંપની હતી.
મ્યુઝિક ઇન્ડિયા વિશે થોડી વાત કરીએ...
બહુ ઓછા લોકોને ખબર હશે કે આ મ્યુઝિક ઇન્ડિયા કંપની આપણા એક ગુજરાતી ફૅમિલીએ શરૂ કરી હતી. ગુજરાતી પરિવારના ત્રણ ભાઈઓ હતાં, જેમાંથી બે ભાઈઓ શશી પટેલ અને રમેશ પટેલનાં નામ મને હજી પણ યાદ છે. શશી પટેલ અને રમેશ પટેલ મુંબઈની પ્રખ્યાત ફિલ્મ પ્રોસેસિંગ લૅબોરેટરી ‘ફિલ્મ સેન્ટર’ના માલિક. તમે જૂની ફિલ્મોમાં એના ટાઇટલની ક્રેડિટ્સ જોશો તો તમને એમાં ફિલ્મ પ્રોસેસિંગ થઈ હોય એવી જગ્યાએ ‘ફિલ્મ સેન્ટર’નું નામ વાંચવા મળશે. એ સમયે ‘ફિલ્મ સેન્ટર’નું કામ બહુ મોટું હતું. બધી ફિલ્મો પ્રોસેસ થવા ત્યાં આવે. એ સમયે આપણી બધી ફિલ્મો ૩પ એમએમ પર શૂટ થતી. શૂટ થયેલી આ ફિલ્મો પછી પ્રોસેસ કરવામાં આવે અને એ પછી એની રીલ્સ બને એ પૉઝિટિવ રીલ સિનેમા હૉલમાં જાય અને ત્યાં પ્રોજેક્ટર પર ફિટ થાય, જેના પરથી આપણે ફિલ્મ જોતા. ‘ફિલ્મ સેન્ટર’નું કામ ખૂબ મોટું હતું. મેં કહ્યું એમ, બધી ફિલ્મો પ્રોસેસ થવા માટે તેમને ત્યાં જતી.
પોતાના પ્રોસેસિંગના કામમાંથી ડાયવર્સિફાય થવાનું આ પટેલભાઈઓ લાંબા સમયથી વિચારતા હતા. શશી પટેલ શરૂઆતમાં અમેરિકામાં રહેતા, પણ પછી તેઓ ઇન્ડિયા પાછા આવીને અહીં સ્થાયી થયા. ઇન્ડિયા આવીને શશી પટેલે બધો સર્વે કર્યો, તૈયારીઓ કરી અને એ પછી તેમણે આ કંપની શરૂ કરી. કંપનીનું કોલાબોરેશન એક જર્મન કંપની સાથે હતું, એ જર્મન કંપનીનું નામ ‘પોલિડોર’. શરૂઆતમાં જર્મન કંપનીનો સ્ટેક વધારે હતો એટલે કંપનીનું નામ ‘પોલિડોર’ રહ્યું, પણ પછી ધીમે-ધીમે શશીભાઈએ પોતાના શૅર વધારવા માંડ્યા અને એ દરમ્યાન ઇન્ડિયામાં ‘પોલિડોર’ પણ એસ્ટૅબ્લિશ થઈ. સમય જતાં શશીભાઈએ આ ‘પોલિડોર’ આખી ટેકઓવર કરી લીધી અને પછી કંપનીનું નામ ચેન્જ કરીને ‘મ્યુઝિક ઇન્ડિયા’ કર્યું. અગાઉ મેં કહ્યું એમ, ’૮૦ના દસકામાં ‘મ્યુઝિક ઇન્ડિયા’નું ઘણું સારું નામ હતું, પણ સમય જતાં શશીભાઈએ પોતાનો સ્ટેક ઓછો કર્યો અને એ સ્ટેક ઇન્ટરનૅશનલ કંપની પાસે ગયો અને આ કંપની ફરીથી ટેકઓવર થઈ. હવે ફરીથી નામ બદલાયું અને કંપનીનું નામ થયું ‘પોલિગ્રામ.’
‘પોલિગ્રામ’ કંપનીએ પણ ઇન્ડિયામાં ઘણું કામ કર્યું, પણ એ પછી આ કંપની ફરીથી ટેકઓવર થઈ અને કંપનીના રાઇટ્સ આવ્યા યુનિવર્સલ મ્યુઝિકના હાથમાં. આજે આ કંપની યુનિવર્સલ ઇન્ડિયાના નામે આપણે ત્યાં કામ કરે છે. ઇન્ટરનૅશનલ મ્યુઝિક વિશે જે જાણે છે તેમને ખબર છે કે યુનિવર્સલ મૂળ અમેરિકા-ફ્રાન્સનું જૉઇન્ટ વેન્ચર છે અને અત્યારે એ કંપની દુનિયાની ટોચની મ્યુઝિક કંપનીઓ પૈકીની એક છે. ઇન્ડિયામાં પણ યુનિવર્સલ કંપનીએ પુષ્કળ કામ કર્યું છે. અનેક ગઝલ-સિંગરોનાં આલબમ યુનિવર્સલે માર્કેટમાં લૉન્ચ કર્યાં છે.
હવે ફરી આપણે મૂળ વિષય પર આવીએ.

૧૯૮૦-’૮૧નો એ સમયગાળો અદ્ભુત હતો. ભારતીય ફિલ્મસંગીતે ત્રણ દસકા એવા જોયા હતા જે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનો સુવર્ણકાળ હતો. ૧૯પ૦થી ૧૯૭૦ના આ ત્રણ દસકાનું સંગીત આજે પણ લોકો સાંભળી રહ્યા છે, આજે પણ એ સંગીત શરૂ થાય એટલે લોકોનું ધ્યાન ખેંચાઈ જાય છે અને ગીતના શબ્દો ગણગણવા માંડે છે. કેવાં-કેવાં ગીતો અને એ ગીતોના સર્જન પાછળ કેવા-કેવા ધુરંધર કે પછી કહો, અદ્ભુત લોકોનો ફાળો. એકેક નામ જુઓ તમે, એકેક ટૅલન્ટ જુઓ તમે.
હુસ્નલાલ-ભગતરામ, નૌશાદસાહેબ, જયદેવ, શંકર-જયકિશન, ઓ. પી. નૈયર, અનિલ બિશ્વાસ, મદન મોહન, સલિલ ચૌધરી અને એવાં જ અનેક બીજાં નામો જેમનું સંગીત તમારા રૂંવાડાં ઊભાં કરી દે, તમારા શરીરમાં ઝણઝણાટી પ્રસરાવી દે. જેવા અદ્ભુત સંગીતકાર એવા જ ધુરંધર ગાયક અને જેવા ધુરંધર ગાયક એવા જ અવ્વલ દરજ્જાના લખનારાઓ. શું એ કાળ, શું એ સમય હતો! આજે પણ મને ઘણી વાર થાય કે આ મહાનુભાવોએ જે કામ કર્યું છે એવું કામ તો ક્યારેય નથી થઈ શકવાનું.
(આ જ વિષયને આપણે ફરી આગળ વધારીશું આવતા બુધવારે. ત્યાં સુધી ઘરમાં રહો, સલામત રહો)

pankaj udhas columnists