લાઇફ કા ફન્ડા: થાક દૂર કરવા માટે

14 January, 2021 04:07 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા: થાક દૂર કરવા માટે

પ્રતીકાત્મક તસવીર

એક શ્રીમંત સજ્જન સતત આગળના ભવિષ્યનું આગોતરું પ્લાનિંગ કરવામાં વ્યસ્ત રહે અને સતત કઈ ને કઈ વિચાર્યા કરે. આ સતત વિચારો અને એને કારણે ઉત્પન્ન થતી ચિંતાને કારણે તેઓ હંમેશાં થાકેલા રહે. એ.સી. કારમાં ફરવા છતાં, એ.સી. ઑફિસમાં બેસવા છતાં, એ.સી. બેડરૂમમાં સૂવા છતાં અને પડ્યો બોલ ઝીલવા નોકરોની ફોજ હોવા છતાં આટલો થાક કેમ લાગે છે એનું કારણ સમજાતું ન હતું એટલે સજ્જન એક દિવસ તેમના ડૉક્ટર-મિત્ર પાસે ગયા.
સજ્જને ડૉક્ટર-મિત્રને પોતાને સતત થતા થાકના અનુભવની વાત કરી અને આ થાક દૂર કરવા માટે કોઈ ઉપાય સૂચવવા કહ્યું. ડૉક્ટર-મિત્રએ હસતાં-હસતાં કહ્યું, ‘દોસ્ત, આ તકલીફમાં હું કઈ કરી શકું એમ નથી.’
શ્રીમંત સજ્જન બોલ્યા, ‘અરે દોસ્ત, તું ડૉક્ટર છે. કોઈ દવા આપ, કોઈ ટૉનિક આપ જેથી મને લાગતો આ થાક દૂર થઈ જાય.’
ડૉક્ટર-મિત્રએ કહ્યું, ‘દોસ્ત, તારો આ થાક દૂર કરી શકે એવી કોઈ દવા નથી. તારા આ થાકનાં મૂળિયાં બહુ ઊંડાં છે, એને માટે જીવનપદ્ધતિ બદલવી પડશે.’
સજ્જન બોલ્યા, ‘દોસ્ત, મારી જીવનપદ્ધતિ તો
સારી જ છે. રોજ સવારે વૉક પર જાઉં છું, સાંજે ક્લબમાં સ્વિમિંગ કરું છું. તળેલું બહુ ખાતો નથી. હજી શું બદલું. શું આ બધું બંધ કરું? એક કામ કરું, આ બધું કામકાજ છોડી એક-બે મહિનાના લાંબા વેકેશન પર જાઉં?’
ડૉક્ટર હસ્યા અને બોલ્યા, ‘એનાથી પણ ઉકેલ નહીં આવે, વેકેશન પર પણ તને તો થાક લાગશે જ.’ આમ કહી તે હસવા લાગ્યા.
સજ્જન થોડા ચિડાયા અને બોલ્યા, ‘દોસ્ત, તું ડૉક્ટર થઈને મારી સમસ્યાનો ઉકેલ ન આપી શકે એ કેમ ચાલે અને વળી પાછો હશે છે.’
ડૉક્ટર-મિત્રએ કહ્યું, ‘દોસ્ત, આ થાક તે જ તારા જીવનમાં સામેલ કર્યો છે. તને સતત ભાર ઉપાડીને ફરવાની ટેવ પડી ગઈ છે. ભવિષ્યનું પ્લાનિંગ કરવામાં તું એટલો બિઝી થઈ ગયો છે કે તું સતત ભવિષ્યની ચિંતામાં રહેવા લાગ્યો છે, ઇન્વેસ્ટમેન્ટ હોય કે બિઝનેસ, ભવિષ્યની સફળતા અને નિષ્ફળતાની ચિંતાનો ભાર જ તને થકવી નાખે છે. અને મારી કોઈ દવા, ટૉનિક કે કોઈ લાંબું વેકેશન આ થાક દૂર નહીં કરી શકે, કારણ કે થાકનું મૂળ ચિંતાનો ભાર છે, જે તું નીચે મૂકવાનો જ નથી. આ થાક તું જ દૂર કરી શકીશ. જ્યારે તું ભવિષ્યની ચિંતાને ભૂલીશ, એનો ભાર તારા મન અને મગજમાંથી ઉતારીશ ત્યારે જ તારો થાક દૂર થશે.’
ડૉક્ટર-મિત્રએ દોસ્તને જીવનમાં થતા થાકના અનુભવને દૂર કરવા સાચો રસ્તો દેખાડ્યો.

heta bhushan columnists