લાઇફ કા ફન્ડા - પ્રૉબ્લેમ શું છે?

02 July, 2020 07:25 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - પ્રૉબ્લેમ શું છે?


એક સાઇકોલૉજીના ઑનલાઇન વર્ગમાં પ્રોફેસરે એક ટાસ્ક આપ્યો કે ‘અત્યારે ચારે બાજુ એક નહીં, પણ અનેક પ્રૉબ્લેમ છે. મુશ્કેલીઓ છે અને તકલીફો પારાવાર છે તો દરેક વિદ્યાર્થીએ પોતાના મતે પ્રૉબ્લેમ શું છે એ વિશે હમણાં જ લખવું. બધાને ૧૫ મિનિટ વિચારવા અને જવાબ લખવા માટે આપવામાં આવી. જવાબ એક અક્ષરનો હોય કે એક ફકરાનો, કોઈ નિયમ ન હતો.
પ્રોફેસરે કહ્યું, ‘બરાબર ૧૫ મિનિટ પછી
દરેક જણ મને જવાબ સબમિટ કરો અને પછી બધા જવાબ વાંચી હું સૌથી અસરકારક જવાબ આપનારને પોતાનો જવાબ વાંચવાનું કહીશ અને આપણે પ્રૉબ્લેમ શું છે એ બરાબર સમજી શકીશું.’
૧૫ મિનિટ થઈ ગઈ. બધા વિદ્યાર્થીઓએ પોતાના મન અને મગજના વિચારો પ્રમાણે જવાબ લખ્યા અને સબમિટ કર્યા. પ્રોફેસરે પાંચ જવાબ પસંદ કર્યા અને તેમને વાંચવા કહ્યું. સૌથી યુનિક પહેલો જવાબ હતો કે ‘પ્રૉબ્લેમ એક પ્રૉબ્લેમ છે, જ્યાં સુધી એ સૉલ્વ ન થાય અને પછી એ કઈ નથી,
કારણ કે સૉલ્યુશન પછી આ પ્રૉબ્લેમ પ્રૉબ્લેમ રહેતો નથી.’
બીજો જવાબ હતો, ‘પ્રૉબ્લેમ નિરાશા અને પરિસ્થિતિથી દૂર ભાગવાનું એક કારણ છે. પ્રૉબ્લેમ આવતાં જ આપણે એ કામ, એ સંજોગ, એ પ્રસંગથી દૂર જવા ઇચ્છીએ છીએ. બધું છોડીને દૂર ભાગવાથી આપણે જીવનમાં આગળ વધી શક્તા નથી. પાછા પડીએ છીએ.’
ત્રીજો જવાબ હતો, ‘જીવનમાં આવતા પ્રૉબ્લેમ એક ચૅલેન્જ છે. આ પ્રૉબ્લેમ તમારી અંદર રહેલી શક્તિઓને ચૅલેન્જ કરે છે કે આ મુશ્કેલીમાંથી બહાર નીકળીને પોતાની જાતને સાબિત કર. પ્રૉબ્લેમને પડકાર ગણી લઈએ તો એ સફળતાની સીડી બની શકે છે.’
ચોથો જવાબ હતો કે ‘ખરી રીતે કોઈ પ્રૉબ્લેમ હોતો જ નથી. પ્રૉબ્લેમ તો આળસુ અને નિષ્ફળ જનાર લોકોના મનની ઊપજ છે. પ્રૉબ્લેમ કોઈ કામ ન કરવા માટે કે પીછેહટ કરવા માટે કે કોઈ વસ્તુ ન મેળવી શકવા માટેનાં બહાનાં છે. આળસુ લોકો પોતાનું કામ ન કરવાનું આળસ કોઈ ને કોઈ પ્રૉબ્લેમનું બહાનું બનાવી છુપાવે છે અને નિષ્ફળ લોકો પોતાની અક્ષમતા અને ભૂલને પ્રૉબ્લેમના બહાના પાછળ છુપાવે છે. ડરપોક લોકો પ્રૉબ્લેમને આગળ કરી પોતે પીછેહટ કરી લે છે.’
પાંચમો જવાબ હતો, ‘પ્રૉબ્લેમ એક પ્રેરણા છે. આગળ વધવા માટે પ્ર‍ૉબ્લેમ દૂર કરવો જરૂરી બને છે અને એ માટે પ્રૉબ્લેમ જ પ્રેરકબળ બની, પ્રૉબ્લેમને દૂર કરી આગળ વધવાની પ્રેરણા આપે છે. પ્રૉબ્લેમ પાસેથી પ્રેરણા લઈ એને જ દૂર કર્યા બાદ સફળતાનાં સોપાન ચડી શકાય છે.’
આ પાંચ જવાબ સાંભળી અને એની પર ચર્ચા કરી પ્રોફેસરે જુદી રીતે પ્રૉબ્લેમ વિશે સમજાવ્યું. આ બધા જવાબ વાંચી-વિચારી તમારે મન પ્રૉબ્લેમ શું છે? અને પ્રૉબ્લેમને બહાનું કે કારણ બનાવી અટકી ન જવું; પડકાર અને પ્રેરણા ગણી આગળ વધવું.

heta bhushan columnists