લાઇફ કા ફન્ડા:ચાર રત્ન

12 March, 2021 01:59 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા:ચાર રત્ન

એક લોકકથામાં જીવનના અતિઉપયોગી ચાર રત્નોની
વાત આવે છે, જે બધાએ જાણવા જેવી છે.
રાજાના અનુભવી પ્રધાન ખૂબ જ બુદ્ધિશાળી હતા. તેમની પાસે રાજાના દરેક પ્રશ્નો અને મુંઝવણનો ઉકેલ રહેતો. રાજા અને અન્ય નગરના લોકો આ પ્રધાનની સલાહ પ્રમાણે જ કાર્ય કરતા અને દરેક કાર્ય સફળ થતા. વખત જતાં પ્રધાન વૃદ્ધ થયા. તેઓ સમજી ગયા કે તેમનો અંત સમય નજીક છે એટલે તેમણે પોતાના એકના એક દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ‘દીકરા, આજે હું તને ચાર રત્ન આપવા માગું છું. જ્યાં સુધી તારી પાસે આ ચાર રત્ન હશે ત્યાં સુધી તને સતત સફળતા મળતી જ રહેશે.’
દીકરો પણ સમજદાર હતો. સમજી ગયો કે પિતાજી કંઈક ઊંડી વાત કરી રહ્યા છે. તે પિતાજીના ખાટલા પાસે તેમના મુખ પાસે પોતાના કાન આવે એ રીતે ઘૂંટણ પર બેસી ગયો. વૃદ્ધ પ્રધાન બોલ્યા, ‘દીકરા, ચાર રત્નમાંથી પહેલું રત્ન છે ‘માફી’. ઘર-પરિવાર-સ્વજનોમાં કોઈ કંઈ પણ બોલે, કોઈની પણ નાની-નાની વાતો પર ધ્યાન આપવું નહીં. ખરાબ વાતો અને વર્તનને ભૂલી જવું. નાની-નાની વાતો પર બદલો લેવાની ભાવના રાખવી નહીં. બધાને માફ કરી દેવા.’
પ્રધાને બીજા રત્નની વાત કરતાં કહ્યું, ‘બીજું રત્ન છે ‘ભૂલી જવું’. કોઈની પણ મદદ કરી હોય તો એ ભૂલી જવી, યાદ રાખવી નહીં. ત્રીજું રત્ન છે ‘વિશ્વાસ’. હંમેશાં જાત પર આત્મવિશ્વાસ રાખવો અને ભગવાન પર અખૂટ વિશ્વાસ રાખવો. આત્મવિશ્વાસ અને કડી મહેનત સાથે દરેક કામ કરવા અને ભરોસો ભગવાન પર રાખવો કે તેઓ જે કરશે એ સારું જ કરશે અને કોઈએ તમારા પર વિશ્વાસ રાખ્યો હોય તો તેમનો વિશ્વાસઘાત ક્યારેય ન કરવો.’
ત્રણ જીવન જીતવા અંગેનાં રત્નો જણાવ્યાં બાદ પ્રધાને કહ્યું, ‘બેટા, ચોથું રત્ન છે ‘વૈરાગ્ય’. જીવન જીવવા જેવું છે, માણવા જેવું છે. જીવનમાં ઘણા પ્રલોભનો છે, જે આપણને મોહ-માયાના બંધનમાં બાંધે છે અને જીવનનું એક સનાતન સત્ય છે કે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને કોઈ પણ વ્યક્તિ પોતાની સાથે કઈ જ લઈને જતું નથી એથી કોઈ વસ્તુ કે સુખ-સુવિધાનો મોહ રાખવો નહીં. સંસારમાં રહીને પણ મનમાં વૈરાગ્યભાવ જાગૃત રાખવો. દીકરા, જો તું આ ચાર રત્ન હંમેશાં તારી પાસે રાખીશ તો જીવનમાં હંમેશાં સુખી અને સંપન્ન રહીશ.’
આ ચાર રત્નો બધાએ પોતાની પાસે રાખવા જેવા છે. આ ચાર રત્નો જીવનને સાચા અર્થમાં સુખી, સમૃદ્ધ અને ખુશમય બનાવે છે.

heta bhushan columnists