શબ્દોની તાકાત - (લાઇફ કા ફન્ડા)

26 June, 2020 03:03 PM IST  |  Mumbai | Heta Bhushan

શબ્દોની તાકાત - (લાઇફ કા ફન્ડા)

એક ચિત્તાનું બચ્ચું થોડું મોટું થયું. રોજ માતાને દૂરથી શિકાર કરતાં જોતું. એક દિવસ તેણે નક્કી કર્યું કે આજે પોતે જાતે શિકાર કરશે. તે વહેલી સવારે મા સૂતી હતી ત્યારે પહેલીવાર જાતે શિકાર કરવા નીકળ્યું. રસ્તામાં ચિત્તાના બચ્ચાને એકલું જોતાં શિયાળે પૂછ્યું, ‘ક્યાં જાય છે તું? તારી મા ક્યાં છે?’ ચિત્તાના બચ્ચાએ હોંશથી કહ્યું, ‘મા સૂતી છે અને હું આજે પહેલીવાર જાતે શિકાર કરવા જાઉં છું.’ આ સાંભળી શિયાળ હસવા લાગ્યું અને બોલ્યું, ‘અરે તું શું શિકાર કરીશ, હજી તારા રમવાના દિવસો છે. તું હજી નાનું છે અને તારી પાસે શિકાર કરવાનો કોઈ અનુભવ પણ નથી, તું શું શિકાર કરીશ. જા તારી મા પાસે તે તને શોધતી હશે.’
શિયાળની આવી વાત સાંભળી ચિત્તાનું બચ્ચું ઉદાસ અને નાસીપાસ થયું; તેની હિંમત શિયાળના શબ્દોથી તૂટી ગઈ હતી. તે આગળ વધ્યું. આખો દિવસ શિકાર શોધવા જંગલમાં આમથી તેમ ભટકતું રહ્યું. નાનાં પ્રાણીઓના
શિકાર કરવાના પ્રયત્નો કર્યા પણ તેને સફળતા મળી નહીં. તે ભૂખ્યા પેટે પાછું ફર્યું. નિરાશા સાથે બોલ્યું, ‘મા, મને શિકાર કરતા નથી આવડતું.’ મા કંઈ બોલી નહીં.
બીજા દિવસે ચિત્તાના બચ્ચાની માએ તેને સામેથી કહ્યું, ‘ચલ ઊઠ બેટા, જા શિકાર કરવા, મને વિશ્વાસ છે કે તું શિકાર કરી શકીશ. તું એક ચિત્તાનું બાળક છે જેની પાસે અદ્ભુત તાકાત અને ઝડપ છે, તું શિકાર કરી શકીશ.’ માના શબ્દોએ બચ્ચાને હિંમત આપી અને બચ્ચું શિકાર કરવા નીકળ્યું. થોડે દૂર એક વૃદ્ધ
વાંદરો ઝાડ પર બેઠો હતો તેણે ચિત્તાના બચ્ચાને પૂછ્યું, ‘ક્યાં જાય છે?’
બચ્ચાએ કહ્યું, ‘શિકાર કરવા જાઉં છું.’ અનુભવી વાંદરાએ બચ્ચાની હિંમત વધારતા કહ્યું, ‘અરે તારી દોડવાની ગતિ તો સૌથી વધારે છે, તું ચોક્કસ એક કુશળ શિકારી બનીશ અને શિકાર કરવામાં સફળ થઈશ.’
માતા અને વાંદરાના શબ્દોથી ચિત્તાના બચ્ચાને એક તાકાત મળી અને તેનામાં શિકાર કરવાનો ઉત્સાહ વધ્યો. તેણે થોડે દૂર દેખાતા નાના હરણનો શિકાર કર્યો.
આ નાનકડી વાર્તા આપણને સમજાવે છે શબ્દોની તાકાત. આ શબ્દો જીવનમાં અનેરું મહત્ત્વ ધરાવે છે. ચિત્તાનું બચ્ચું તો એક જ હતું, તેનામાં એ જ સ્ફૂર્તિ અને શક્તિ હતા પણ જ્યારે પહેલા તેને શિયાળે નકારાત્મક શબ્દો કહ્યા તો તેની હિંમત તૂટી ગઈ, જાત પરનો વિશ્વાસ ઓછો થઈ ગયો અને તે જ બચ્ચાને તેની માતાએ હિંમત આપી, વિશ્વાસ મૂક્યો...વાંદરાએ ઉત્સાહ વધાર્યો તો તેનો વિશ્વાસ વધ્યો અને તેને શિકાર કરવામાં સફળતા મળી.

heta bhushan columnists