સંબંધોમાં ભાવ - લાઇફ કા ફન્ડા

12 August, 2020 06:13 PM IST  |  Mumbai | Heta Bhushan

સંબંધોમાં ભાવ - લાઇફ કા ફન્ડા

એક વખત એક રિલેશનશિપ મૅનેજમેન્ટ પર સેમિનાર હતો. ‘આપણા રિલેશન એટલે કે પરિવાર સાથે, સગાંસંબંધીઓ સાથે, પાડોશીઓ સાથે, મિત્રો સાથે, સાથી કર્મચારીઓ સાથે કે બોસ સાથે, અન્ય કોઈ પણ વ્યક્તિ સાથેના આપણા સંબંધો આપણી ઓળખ બને છે. આપણે આ સંબંધોને કઈ રીતે સાચવીએ છીએ અને કેવો વ્યવહાર કરીએ છીએ તેનાથી આપણા જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓનો આધાર રહેલો છે.’
આવું ઘણું બધું સમજાવવામાં અને કહેવામાં આવ્યું. ઘણી રીતે સંબંધો જીવનમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તે સમજાવવામાં આવ્યું. પછી પ્રશ્નોતરીનો રાઉન્ડ શરૂ થયો. બધાએ પોતાના મનમાં ઊઠતા પ્રશ્નો પૂછ્યા. એક યુવાને બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો, ‘સંબંધો વિષે બધા સ્પીકરોએ સરસ સમજાવ્યું. બધા સંબંધોનું મહત્ત્વ જાણે છે. સંબંધો બાંધે છે, સંબંધો નિભાવે છે, પણ હું જોઉં છું કે સમાજમાં જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે છે ત્યારે બધું ઔપચારિક લાગે છે. બધા મળે છે, હસે છે, હળે છે અને ભળે છે પણ મને તો બધે સાચા ભાવનો અને લાગણીઓનો અભાવ લાગે છે. જ્યારે કોઈ પણ મળે તેમાં સાચો ભાવ હોતો જ નથી, આવું કેમ?’
એક સ્પીકર ઊભા થયા અને હસતા હસતા થોડા વ્યંગ્ય સાથે બોલ્યા, ‘આવું એટલે થાય છે કારણ કે આપણે બધા જ સંબંધોનો ભાવ લગાડીએ છીએ. એટલે પછી સંબંધોમાં ભાવ રહેતો નથી.’ એક વાક્યમાં સ્પીકરે ઘણું ઘણું કહી દીધું. બીજા સ્પીકરે પ્રશ્ન પૂછતાં કહ્યું, ‘સૌથી પહેલા મને એ જણાવો કે તમારા શર્ટમાં ખિસ્સું કઈ બાજુએ છે? પ્રશ્ન પૂછનાર યુવાને જવાબ આપ્યો, ‘ડાબી બાજુએ...મારા જ શર્ટમાં નહીં, બધાના શર્ટમાં ખિસ્સું ડાબી બાજુએ જ હોય છે...પણ આપણે તો વાત સંબંધોની કરીએ છીએ તેમાં ખિસ્સું કઈ બાજુએ હોય તેને શું લેવા-દેવા?’
સ્પીકર બોલ્યા ‘સમજાવું છું, પહેલા હવે મને એ જણાવો કે ભગવાને આપણને હૃદય કઈ બાજુએ આપ્યું છે?’ યુવક બોલ્યો ‘સર, આપણા શરીરમાં હૃદય ડાબી બાજુએ હોય છે.’ સ્પીકર આગળ બોલ્યા ‘બરાબર, અને આપણે શું કર્યું છે કે ડાબી બાજુએ આવેલા હૃદયને આપણે બહારી ખિસ્સાથી ઢાંકી દીધું છે. આ ખિસ્સું આપણા સ્વાર્થનું પ્રતીક છે અને એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને મળે છે, ભેટે છે ત્યારે બે હૃદય નથી મળતાં, બે ખિસ્સા મળે છે એટલે સંબંધોમાં ભાવ નથી રહ્યો અને સંબંધોના જ ભાવ બોલાવા લાગ્યા છે. જ્યારે આ સ્વાર્થ બધાના મનમાંથી દૂર થશે અને માત્ર દેખાડા ખાતર નહીં પણ સાચો પ્રેમ પ્રગટ થશે ત્યારે સંબંધો લાગણીથી ખીલી ઊઠશે.’ બધાએ સ્પીકરના જવાબને તાળીઓથી વધાવી લીધો.

heta bhushan columnists