લાઇફ કા ફન્ડા - ત્યાગનું અભિમાન

13 July, 2020 04:40 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - ત્યાગનું અભિમાન

એક સ્મશાનમાં એક વ્યક્તિ ચિતાની આગ પર પોતાને ભિક્ષામાં મળેલા લોટના રોટલા શેકતો હોય છે. તે અલગારી સાધુ, રાજા ભર્તૂહરિ (ભરથરી) હોય છે જેણે પોતાની રાણી પીંગળાની બેવફાઈ બાદ રાજપાટ બધું જ ત્યાગી દીધું હોય છે અને વૈરાગી બની એક ગુફામાં બાર વર્ષ સુધી તપ કર્યું, વૈરાગ્ય શતકની રચના કરી અને સંત-પદ મેળવ્યું હતું.

મા પાર્વતીજી ભગવાન શંકરને કહે છે કે ‘સ્વામી આ સાધુ સાવ અલગારી છે, આટલું તપ કરે છે, કોઈ મોહ નથી, ભિક્ષા મળે તો સ્મશાનમાં બેસી રોટલા શેકી ખાય છે અને ન મળે તો ભૂખો રહે છે. તમારે હવે તેને દર્શન આપવા જોઈએ.’ ભગવાન શંકર કહે છે કે ‘દેવી મને ખ્યાલ છે પણ હજી સમય નથી થયો.’ મા પાર્વતી જીદ કરે છે એટલે પ્રભુ કહે છે, ‘ચાલો મારી સાથે...’ ભગવાન શંકર અને દેવી પાર્વતી જ્યાં સાધુ ભર્તૂહરિ ત્રણ દિવસ બાદ મળેલા ભિક્ષાના લોટમાંથી રોટલા બનાવતો હોય છે ત્યાં આવે છે. તેણે ચાર રોટલા બનાવ્યા હોય છે. ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે ‘તમે અહીં ઊભા રહો.’ અને પોતે અઘોરી સાધુ બની ભર્તૂહરિ પાસે જાય છે અને કહે છે, ‘મને ભૂખ લાગી છે કંઈક આપ.’ ભર્તૂહરિ તરત જ પોતે બનાવેલા ચાર રોટલા અઘોરી સાધુ બનેલા ભગવાનને આપી દે છે. દૂર ઊભેલા માતા પર્વતી ખુશ થાય છે.
રોટલા લઈને પોતાની ઝોળીમાં મૂકી અઘોરી સાધુ ભર્તૂહરિને કહે છે, ‘આ ભિક્ષાપાત્ર તો ખાલી છે અને તે બનાવેલા બધા રોટલા મને આપી દીધા તો હવે તું શું ખાઈશ? તારે ચારે ચાર રોટલા મને નહોતા આપવા, પહેલા વિચાર તો કરવો હતો.’ ભર્તૂહરિ બોલી ઊઠે છે કે, ‘અરે મેં તો એક ઝાટકે બધું રાજપાટ છોડી દીધું અને જો હું આખા રાજ્યનો ત્યાગ કરી શકું તો પછી આ તો માત્ર ચાર રોટલા છે, ચાર રોટલાનો ત્યાગ કરવામાં વળી શું વિચારવાનું? ભર્તૂહરિનો જવાબ સાંભળી અઘોરી સાધુ બનેલા ભગવાન શિવ મંદ મંદ હસતા ત્યાંથી ચાલ્યા જાય છે.
માતા પાર્વતી પાસે જઈને ભગવાન શંકર કહે છે, ‘જોયું દેવી, હજી આ સાધુમાં સંપૂર્ણ સાધુતા નથી આવી. તેણે રોટલા આપી દીધા તે સારું કર્મ, પણ તેના જવાબમાં તેણે પોતે વર્ષો પહેલાં કરેલા ત્યાગનું અભિમાન હજી સુધી ડોકાઈ રહ્યું હતું, ભલે તેણે ત્યાગ કર્યો છે, ભક્તિ કરી છે, વૈરાગ્ય ધારણ કર્યો છે પણ મનમાં જ્યાં સુધી પોતે કોઈ પણ મોટો ત્યાગ કરી શકે છે તેવું અભિમાન છે ત્યાં સુધી આપણે તેને દર્શન ન આપી શકીએ, સંપૂર્ણ વૈરાગી બનવા તેણે પોતે કરેલા ત્યાગ વિશેના અભિમાનને પણ ત્યાગવું પડશે, ત્યારે તે સાચો વૈરાગી બનશે.’

heta bhushan columnists