આભાર માનો ઈશ્વરનો - (લાઇફ કા ફન્ડા)

10 August, 2020 07:14 PM IST  |  Mumbai | Heta Bhushan

આભાર માનો ઈશ્વરનો - (લાઇફ કા ફન્ડા)

લૉકડાઉનમાં મંદિરો બંધ રહ્યાં, પછી ફરી ખુલ્યાં. એક શેઠ અને શેઠાણી પોતાની ગાડીમાંથી ઊતરીને એક મંદિરમાં પ્રવેશ્યાં. પ્રવેશદ્વાર પાસે બેઠેલા ભિખારીએ ગાડીમાંથી ઊતરતા શેઠને જોઈને કઈક મેળવવાની આશા સાથે હાથ લાંબો કર્યો. શેઠે કઈ આપ્યું નહીં અને હડધૂત કર્યો. મંદિરમાં અંદર ગયા. પૂજારીને ભેટ આપી પ્રભુનાં ચરણમાં મૂકવા કહ્યું અને શેઠ-શેઠાણી હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યાં. પ્રાર્થના તો શું, સીધી ફરિયાદ જ કરવા લાગ્યાં.
શેઠ બોલ્યા, ‘ભગવાન, આ તારો ખેલ હવે બંધ કર, ઘરમાં રહીને કંટાળી ગયા છીએ. વેપારમાં ઊઘરાણી અટકી ગઈ છે. ધંધામાં નવા સોદા થતા નથી વગેરે... વગેરે’ કેટલીયે ફરિયાદો કરી. શેઠાણી પણ બોલતાં હતાં, ‘પ્રભુ, હવે આ તકલીફમાંથી છોડવો, બીમારીનો ડર ભગાવો, નવી સાડી પહેરી બહાર નથી જવાતું. દીકરી ત્રણ મહિનાથી ઘરે નથી આવી, કંઈ શૉપિંગ નથી કર્યું વગેરે... વગેરે’ ફરિયાદો કરી.
પૂજારી શેઠ અને શેઠાણીની પ્રાર્થના સાંભળી રહ્યા હતા અને આ પ્રાર્થના સાંભળી પ્રસાદ આપતાં તેઓ વ્યંગપૂર્ણ હસ્યા અને બોલ્યા, ‘પ્રભુએ જે આપ્યું છે એનો આભાર માનવાને સ્થાને તમારું મનગમતું નથી થતું એની ફરિયાદ કરો છો, નાદાન છો.’
શેઠને પૂજારીનું આ વાક્ય ન ગમ્યું. તેઓ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘પૂજારીજી, આ શું બોલો છો? કોને નાદાન કહો છો?’ શેઠાણીએ મોઢું બગાડ્યું.
પૂજારીજી બોલ્યા, ‘શેઠજી, તમને જ નાદાન કહું છું. હાલના આ કપરા કાળમાં દુનિયા આખી તકલીફમાં છે. આ પૃથ્વી પર જીવિત કોઈ વ્યક્તિએ આવી મહામારી અને તકલીફો જોઈ નથી કે સાંભળી પણ નથી. આ સંજોગોમાં સૌથી પહેલાં તમે સ્વસ્થ છો. તમારી પાસે રહેવા માટે ઘર છે. સવાર-સાંજ તમે ભાવતા ભોજન જમો છો. મનગમતી પ્રવૃત્તિ કરો છો. પૈસાની કોઈ તકલીફ નથી પડી રહી. આ તો તમારા પૂર્વ જન્મનાં સારાં ફળ તમને ભગવાન અત્યારે આપી રહ્યાં છે. તમારા વડીલો અને ગુરુના આશીર્વાદ છે કે તમે બધી રીતે સુરક્ષિત અને સલામત છો અને આ સંજોગોમાં તમને સુખરૂપ રાખવા માટે તમારે ભગવાનનો અને ગુરુનો આભાર માનવો જોઈએ કે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ તમને કેટલાં સુખ પ્રાપ્ત છે, જે અન્ય પાસે નથી અને ભગવાનનો આભાર માનવાને બદલે તમે ફરિયાદ કરો છો. એને નાદાની ન કહું તો શું કહું? અને તમારી બીજી પણ એક ભૂલ થઈ રહી છે. અત્યારે બધા તકલીફથી ઘેરાયેલા છે ત્યારે ભગવાને તમને તકલીફોથી તો મુક્ત રાખ્યા જ છે, પણ સાથે-સાથે એવી શક્તિ પણ આપી છે કે તમે અન્યને મદદરૂપ થઈ શકો. બીજાને મદદ કરવાના સ્થાને તમે તો રૂપિયો માગનાર ભિખારીને પણ હડધૂત કરો છો. એ તમારી ભૂલ છે. અત્યારે અન્યને મદદ કરો અને સારાં કર્મ કરી પુણ્ય ફળ મેળવો.’
પૂજારીની વાત સાંભળી શેઠ અને શેઠાણીની આંખો ખૂલી ગઈ.

heta bhushan columnists