લાઇફ કા ફન્ડા - પાપનાં હથિયાર

29 July, 2020 08:55 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - પાપનાં હથિયાર

દુનિયામાં ચારે તરફ પાપ અને પાપીઓની બોલબાલા છે. સત્ય, સુધારકો અને પુણ્ય નામશેષ થઈ રહ્યાં છે. દરેક સ્થળે બસ પાપ અને પાપીઓ-ખોટું બોલનારાઓની જ જીત થાય છે.
પૃથ્વીએ પાપને પૂછ્યું, ‘પાપ, મારા પર તારી બોલબાલા છે. તારી વિરુદ્ધ અવાજ ઉઠાવનારને અંતે હારનો સામનો કરવો પડે છે. આવું કઈ રીતે શક્ય છે.’ પાપે અટ્ટહાસ્ય કરતાં કહ્યું, ‘અરે, હંમેશાં મારો જ વિજય થશે. મને કોઈ નહીં હરાવી શકે, કારણ કે મારી પાસે છ હથિયાર છે. જેનાથી હું બધાને હરાવી દઉં છું.’
પૃથ્વીએ પૂછ્યું કે ‘કયાં હથિયાર છે તારી પાસે?’ પાપે કહ્યું, ‘મારી પાસે જે છ હથિયાર છે તે લાભ, સ્વાર્થ, ઉપેક્ષા, નિંદા, હત્યા અને શ્રદ્ધા. જ્યારે પણ મારી વિરુદ્ધ અવાજ ઊઠે છે ત્યારે સૌથી પહેલાં મારા બે હથિયાર લાભ અને સ્વાર્થ પાપ કરનાર વ્યક્તિ કે સમાજની આંખો પર લાગી જાય છે અને જ્યારે વ્યક્તિને પોતાનો લાભ અને સ્વાર્થ જ દેખાય ત્યાં તે પોતે પાપ કરતા અચકાતો નથી અને પોતાનો લાભ અને સ્વાર્થ સચવાતો હોય તો તે કોઈ પાપ કરનારને રોકતો નથી.’
પાપે આગળ કહ્યું, ‘જ્યારે કોઈ મારા પહેલા બે હથિયારને હરાવી ઉપર ઊઠી, જાગ્રત બની સમાજ અને વ્યક્તિઓમાં જાગૃતિ લાવવા મારી વિરુદ્ધ અવાજ ઉઠાવે છે ત્યારે મારું ત્રીજું હથિયાર મોરચો સંભાળે છે અને ‘બધાને તે તો બોલ્યા કરે’, ‘તેની વાત સાંભળવાની નહીં’ વગેરે રીતે ઉપેક્ષા કરવામાં આવે છે. પોતાની થતી ઉપેક્ષાથી, સમાજ સુધારવા અને મને હરાવવા આગળ આવેલો માણસ જો પોતાનો અવાજ વધુ મોટો કરે તો હું ચોથા હથિયારનો પ્રયોગ કરું છું. તે છે નિંદા, મને (પાપ) રોકવા, માણસોની આંખ ખોલવા આગળ આવનારની ‘તે તો ખોટો છે’, ‘પોતાના ફાયદા ખાતર ખોટી વાતો કરે છે’ એવી નિંદા કરવાની શરૂ થાય છે અને સમાજમાં થતી નિંદાથી તે હારી જ જાય છે.’
પૃથ્વી બોલી, ‘તો પછી તારા સાવ વિરોધાભાસી છેલ્લાં બે હથિયાર શું કામ કરે છે?’
પાપે જણાવ્યું કે ‘આ બે તો મારા અમોઘ શસ્ત્ર છે. જ્યારે સદીઓમાં કોઈ જાગૃત યુગપુરુષ મારા ચાર હથિયાર વડે હારતો નથી અને તેની સત્ય, સારી, સાચી વાતો માણસો માનવા લાગે છે ત્યારે મારી સામે પુણ્ય જીતવા લાગે છે. અને ત્યારે કોઈ રસ્તો ન રહેતા મારે તે યુગપુરુષની હત્યા કરાવવી પડે છે અને પછી જ્યારે આ યુગપુરુષોની વાતો હત્યા બાદ વધુ અસરકારક થઈ જાય છે ત્યારે હું શ્રદ્ધાનું બ્રહ્માસ્ત્ર વાપરું છું. હું જ શ્રદ્ધાનો સ્વાંગ રચી જે તે સુધારકનો જય જયકાર કરી, પરમ શ્રદ્ધેય હતા તેમ ફેલાવી તેમનાં મંદિરો બંધાવું છું, તેમના વિચારોનાં પુસ્તકો લખાવું છું અને તેમનાં જ મંદિરો અને પ્રવૃત્તિઓમાં સત્ય ભુલાતું જાય છે અને પાપ પ્રવૃત્તિઓ ફેલાતી રહે છે. આમ હું નષ્ટ ક્યારેય થતો જ નથી અને થવાનો પણ નથી.’

heta bhushan columnists