લાઇફ કા ફન્ડા - જાતને પ્રેમ કરો

15 May, 2020 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લાઇફ કા ફન્ડા - જાતને પ્રેમ કરો

એક ઝેન ગુરુના આશ્રમમાં ગુરુજી અને શિષ્યો રોજ સાંજે પ્રાર્થના કરતા અને પછી વાતો કરતા. ગુરુજી વાતચીતમાં પણ શિષ્યોને કઈક ને કઈક શીખવાડતા રહેતા. ઝેન ગુરુનો એક શિષ્ય હતો તે પોતાની જાતને જ ધિક્કારતો હતો. તેને હંમેશાં દરેક બાબતમાં પોતાની જ ખામી અને પોતાની જ ભૂલો દેખાતી અને ભૂલ ન હોય તો પણ તે હંમેશાં આગળ થઈ ભૂલ સ્વીકારી લેતો અને માફી માગતો.
એક દિવસ સાંજે બધા વાતો કરતા બેઠા હતા ત્યાં ગુરુજીએ તે શિષ્યને પૂછ્યું, ‘શિષ્ય, તું તારી જાતથી શું કામ આટલી બધી નફરત કરે છે? આવું કરવાનું કોઈ ખાસ કારણ?’
શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, હું ધિક્કારને જ પાત્ર છું. કોઈ કાર્ય બરાબર કરી નથી શકતો અને જાતને નફરત કરી હું એક જાતની સાધના કરી રહ્યો છું.’
ઝેન ગુરુને શિષ્યની વાત યોગ્ય ન લાગી. તેમણે જરા કડક અવાજમાં કહ્યું, ‘શિષ્ય, આત્મધિક્કાર એ કોઈ સાધના નથી. એ તો તારી સૌથી મોટી ભૂલ છે.’
શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, તો પછી મારે શું
કરવું જોઈએ?’
ઝેન ગુરુજીએ જવાબ આપ્યો, ‘સૌથી પહેલાં તારી જાતને પ્રેમ કર. પોતાની જાતને નફરત કરવાનું છોડી દે.’
શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, આટલાં વર્ષોથી હું એક સાધનારૂપે મારી જાતને ધિક્કારતો રહ્યો છું એથી હવે નફરત કરવાનું છોડી જાતને પ્રેમ કરવો શક્ય નથી.’
ગુરુજી બોલ્યા, ‘તારે તારી જાતને ગમાડવી પડશે; આ મારો આદેશ છે.’
શિષ્ય અચકાયો પછી હિંમત ભેગી કરી બોલ્યો, ‘પણ ગુરુજી, આવો કેવો આદેશ? હું વિચારપૂર્વક એક તપસ્યાની જેમ સતત મારી ખામી અને ભૂલોને લીધે જાતને ધિક્કારું છું અને હવે તમે કહો છો જાતને પ્રેમ કર.આ પોતાની જાતને ગમાડવી કઈ રીતે?’
ઝેન ગુરુ બોલ્યા, ‘શિષ્ય, મારી વાત ધ્યાનથી સાંભળ. પોતાની જાત માટેની હીનતાની ભાવના ભૂલી; માનનો ભાવ કેળવ. તે જે કર્યું છે કે તું જે કરીશ એ બરાબર સમજી વિચારીને કરીશ એવો વિશ્વાસ રાખ.’
શિષ્ય બોલ્યો, ‘પણ ગુરુજી, આવું વિચારવું તો સ્વયંતૃપ્તિની કલ્પનામાં રચ્યાપચ્યા રહેવું થાય.’
ગુરુજી બોલ્યા, ‘ના શિષ્ય, તું મારા કહેવાનો અર્થ બરાબર સમજ્યો નથી. હું કાદવમાં પડેલા ડુક્કરની જેમ તને કાદવમાં રાચ્યા કરવાનું નથી કહેતો. જરૂરી છે પોતાની શક્તિઓ અને ખામીઓને જાણવી. આપણે અંદરથી કેવા છીએ એ જાતને ઓળખવી, પણ ધિક્કારવી નહીં. વાસ્તવિકતાનું ભાન ચોક્કસ રાખવું, આપણી ભૂલો અને ખામીઓને જાણી લઈને એને દૂર કરવી અને એક મનુષ્ય તરીકે જન્મ મળ્યાની દિવ્યતા અને દરેક મનુષ્યમાં કઈક ખાસ ગુણ હોય જ છે એ ભૂલવું નહીં અને ધિક્કારને ભૂલી જાતને પ્રેમ કરવો અને પ્રેમ ફેલાવવો, કારણ કે તારી અંદર જે હશે એ જ તું આપી શકીશ અને વળી પાછું તને એ જ મળશે. માટે જાતને પ્રેમ કર.’ 

heta bhushan columnists