હાર્ટ-અટૅક આવ્યા પછી સારવાર માટે ઍન્જિયોપ્લાસ્ટી સચોટ ઇલાજ છે

10 January, 2019 09:48 AM IST  |  | Jigisha Jain

હાર્ટ-અટૅક આવ્યા પછી સારવાર માટે ઍન્જિયોપ્લાસ્ટી સચોટ ઇલાજ છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રહેતા ૩૫ વર્ષના એક વેપારીને છાતીમાં સવારથી દુખાવો ઊપડ્યો હતો છતાં તે ડૉક્ટર પાસે છેક રાત્રે પહોંચ્યા. રાત્રે હૉસ્પિટલમાં તેમની જરૂરી ટેસ્ટ થઈ અને ખબર પડી કે તેમને હાર્ટ-અટૅક આવ્યો છે. તેમને ઍન્જિયોગ્રાફી કરાવાની સલાહ ડૉક્ટરે આપી જેમાં તેમણે અને તેમના ઘરના લોકોએ ઘણી દલીલો કરી અને છેવટે ઍન્જિયોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી કે તેમની એક નળી ૧૦૦ ટકા બ્લૉક હતી અને બીજી એક નળીમાં ૭૫ ટકા બ્લૉકેજ હતું. ડૉક્ટરે તાત્કાલિક સલાહ આપી કે ઍન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. વેપારીના પરિવારમાં હાર્ટની તકલીફ હતી જ અને પરિવારે ઘણા કેસ તેમની નજરે જોયા હતા, જેમાં તેમનું અનુમાન એ હતું કે ઍન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી પણ ઘણા લોકોને બાયપાસ કરાવવી પડે છે. આખો પરિવાર એમ માનતો હતો કે બાયપાસ સર્જરી એક કાયમી સોલ્યુશન છે અને તેઓ એ જ કરાવવા માગતા હતા. ડૉક્ટરે તેમને કહ્યું કે અટૅક આવ્યા પછી તરત બાયપાસ ન કરી શકાય, અત્યારે ઍન્જિયોપ્લાસ્ટી જ ઉપાય છે. પરંતુ દરદીને લાગ્યું કે ડૉક્ટર ખોટો ખર્ચ કરાવી રહ્યા છે. પહેલાં ઍન્જિયોપ્લાસ્ટીનો ખર્ચ કરવો અને પછી બાયપાસનો ખર્ચ કરવો એના કરતાં તેમણે વિચાર્યું કે બાયપાસ જ કરવી યોગ્ય છે. ડૉક્ટરે એ પણ સમજાવ્યું કે જરૂરી નથી કે તમારે ભવિષ્યમાં બાયપાસ કરવી જ પડે. પરંતુ તકલીફ એ હતી કે દરદી અને તેના પરિવારને ડૉક્ટર્સ પર વિશ્વાસ ઓછો હતો. તેમણે ઍન્જિયોપ્લાસ્ટી ન જ કરાવી અને બાયપાસ માટે એક બીજા ડૉક્ટરને મળીને તારીખ લઈ લીધી, કારણ કે અટૅક આવ્યાના ઓછામાં ઓછા વીસ દિવસ પછી જ બાયપાસ સર્જરી થઈ શકે છે. એ દરમ્યાન દરદીએ હૉસ્પિટલથી રજા લઈ લીધી અને ઘરે બાયપાસની રાહ જોતા હતા. પરંતુ કમનસીબે બાયપાસ થાય એ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. પરિવારે પૈસા તો બચાવી લીધા, પણ વ્યક્તિને ન બચાવી શક્યા.

અમુક વાર અધૂરી માહિતી સાથે આવેલો ઓવર-કૉન્ફિડન્સ અને ડૉક્ટર પરનો અવિશ્વાસ વ્યક્તિને કઈ રીતે લઈ ડૂબે છે એનું આ ઉદાહરણ છે. આપણા સમાજમાં ઘણા લોકો એવા છે જે બાયપાસ સર્જરીને ઍન્જિયોપ્લાસ્ટી કરતાં વધુ સારી સમજે છે. આ પરિવારની જેમ બીજા ઘણા પરિવાર છે જે માને છે કે ઍન્જિયોપ્લાસ્ટી ન જ કરાવાય, એમાં ખર્ચો વધુ છે અને આગળ જતાં બાયપાસ કરાવવી પડે છે. પહેલાં કરતાં સ્ટેન્ટના ભાવ ઘણા ઘટી ગયા છે, પરંતુ હજી પણ ઍવરેજ ઍન્જિયોપ્લાસ્ટીનો ખર્ચો સાવ સામાન્ય તો ન જ કહી શકાય. વળી પહેલાં એક સમય એવો હતો કે ડૉક્ટર કહે અને તે જે કરે એ સાચું માનનારા લોકો હતા. આજના ઇન્ટરનેટ યુગમાં ડૉક્ટર કંઈ પણ કહે તો લોકો એ વાતને ક્રૉસ-ચેક જરૂર કરે છે. આવી પરિસ્થિતિમાં છેલ્લો નિર્ણય ડૉક્ટરનો નહીં, દરદીનો માનવામાં આવે છે ત્યારે દરદી પાસે પૂરતી જાણકારી હોવી જરૂરી છે. આજે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અટૅક આવ્યા પછી તાત્કાલિક ઇલાજ તરીકે ઍન્જિયોપ્લાસ્ટી શા માટે યોગ્ય ઇલાજ છે.

 

જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ-અટૅક આવી ગયો હોય એ પછી તાત્કાલિક ઍન્જિયોગ્રાફી કરવામાં આવે જ છે, જેના દ્વારા વ્યક્તિના હાર્ટની નળીઓમાં કેટલું બ્લૉકેજ છે એ સમજી શકાય છે. આ બાબતે સમજાવતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘હાર્ટ-અટૅક ત્યારે જ આવે છે જ્યારે હાર્ટ સાથે જોડાયેલી કોઈ પણ ધમની ૧૦૦ ટકા બ્લૉક થઈ ગઈ હોય. દરદી જ્યારે અમારી પાસે આવે અને અમને ખબર પડે કે વ્યક્તિને અટૅક આવ્યો છે ત્યારે તેને જરૂરી સારવાર આપીને સ્ટેબલ કર્યા પછી અમે તેની ઍન્જિયોગ્રાફી કરતા હોઈએ છીએ. ખબર પડે કે આ નળીમાં બ્લૉક છે તો એની તાત્કાલિક ઍન્જિયોપ્લાસ્ટી કરાવી લેવી હિતાવહ છે. હાર્ટ-અટૅક પછી હાર્ટનું વધુ ડૅમેજ ન થાય એ માટે તાત્કાલિક કરવામાં આવતી ઍન્જિયોપ્લાસ્ટી આખી દુનિયામાં કરવામાં આવતો સ્ટાન્ડર્ડ ઉપચાર છે. ઍન્જિયોગ્રાફી દરમ્યાન જો ડૉક્ટરને ખબર પડે કે એક ૧૦૦ ટકા બ્લૉક ધમની ઉપરાંત બીજી ધમનીઓમાં પણ ૭૦ ટકાથી વધુ બ્લૉકેજ છે તો એ જ સમયે એ નળીઓમાં પણ ઍન્જિયોપ્લાસ્ટી કરાવવાનો નિર્ણય યોગ્ય ગણાશે, કારણ કે એ ૭૦ ટકા ક્યારેક એક રાતની અંદર ૧૦૦ ટકામાં ફેરવાઈ જાય તો ક્યારેક વીસ વર્ષ વીતી જાય તો પણ કંઈ ન થાય. આમ એ રિસ્ક ઘણું વધારે કહેવાય. કોઈ પણ નળી જો ૭૦ ટકાથી વધુ બ્લૉક થઈ હોય તો કાર્ડિયોલૉજિસ્ટ ઍન્જિઓપ્લાસ્ટી કરવાનું સૂચન કરે છે. એનાથી ઓછું બ્લૉકેજ હોય તો ઍન્જિયોપ્લાસ્ટી ન કરાવવી.’

અટૅક પછી તાત્કાલિક બાયપાસ ન થાય

ઘણી વાર વ્યક્તિને અટૅક આવે ત્યારે ઍન્જિયોગ્રાફીમાં જોવા મળે છે કે ૨-૩ નળીઓમાં વધુ બ્લૉકેજ છે. આ સમયે ઍન્જિયોપ્લાસ્ટી મોંઘી લાગે અને દરદીને એવું લાગી શકે કે બાયપાસ સસ્તી પડશે, પરંતુ હાર્ટ-અટૅક આવ્યા પછી તાત્કાલિક બાયપાસ કરી શકાતી નથી. એ બાબતે સ્પક્ટતા કરતાં નાણાવટી હૉસ્પિટલના કાર્ડિયોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. લેખા પાઠક કહે છે, ‘અટૅક આવ્યા પછી હાર્ટ એકદમ નબળું પડી ગયું હોય છે એટલે તાત્કાલિક એ સર્જરી માટે તૈયાર હોતું નથી. એટલે બાયપાસ સર્જરી હાર્ટ-અટૅક પછી તાત્કાલિક થતી નથી. એના માટે થોડો સમય થોભવું પડે છે. જ્યારે નળી ૧૦૦ ટકા બ્લૉક છે અને એટલે જ અટૅક આવી ગયો છે ત્યારે વીસ દિવસ કે એથી વધુ સમય રોકાવું એ બિલકુલ યોગ્ય નથી. અટૅક પછી તાત્કાલિક સારવારરૂપે ઍન્જિયોપ્લાસ્ટી જ કરાવવી જોઈએ. વળી લોકો માને છે કે એ લાંબું ચાલતી નથી. એવું જરાય નથી. મારી પાસે એવા દરદીઓ છે જે ૨૦-૨૫ વર્ષથી ઍન્જિયોપ્લાસ્ટી પર જ જીવે છે અને તેમને બીજી કોઈ સર્જરીની જરૂર પડી નથી. એટલે એમ માનવું કે ઍન્જિયોપ્લાસ્ટી કાયમી નથી એ ખોટું છે. વળી આજકાલ તો ઘણા સારી ગુણવત્તાના સ્ટેન્ટ આવે છે જે વર્ષો ટકે છે.’

ઍન્જિયોપ્લાસ્ટી પછી ભવિષ્યમાં સર્જરી કરાવવી જ પડે?

ઘણા લોકોને એવું થાય છે કે ઍન્જિયોપ્લાસ્ટી પછી થોડાં વર્ષો બાદ બાયપાસ કરાવવી પડે છે. પરંતુ એ ભવિષ્યની સુરક્ષા માટે જરૂરી થઈ પડે છે એટલે કરાવવી પડે છે. આ બાબતે સ્પક્ટતા કરતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘અટૅક પછી ઍન્જિયોપ્લાસ્ટી ન કરાવીને બાયપાસ માટે રાહ જોવાનું સ્ટેપ યોગ્ય ગણી શકાય નહીં. અટૅક આવે પછી તો તમારે ઍન્જિયોપ્લાસ્ટી કરાવી જ લેવી જોઈએ, જેથી એ બ્લૉકેજ જે હાર્ટને અસર કરી રહ્યું છે એ તરત ખૂલી જાય. ભવિષ્યનું પ્લાનિંગ પછી થઈ શકે. તાત્કાલિક ઉપચાર માટે એ જરૂરી છે.’

આ પણ વાંચો : ડાયાબિટીઝના દર્દી પગની સંભાળ લેવી છે ફરજિયાત

વળી એ જરૂરી નથી કે દરેક વ્યક્તિને એક વખત ઍન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી બાયપાસ કરાવવી જ પડે એ વિશે સમજાવતાં ડૉ. લેખા પાઠક કહે છે, ‘તમારા શરીરની પ્રકૃતિ છે કે એમાં બ્લૉકેજ બને જ છે. એટલે જો એક વાર તમારી એક નળી ૭૦ ટકાથી વધુ કે ૧૦૦ ટકા જેટલી બ્લૉક થઈ હોય તો સમજવું જરૂરી છે એ ભવિષ્યમાં બ્લૉકેજ થવાની શક્યતા વધી જ જાય. પરંતુ આ પ્રકૃતિને લાઇફ-સ્ટાઇલ બદલાવવાથી અને દવાઓ દ્વારા કન્ટ્રોલમાં કરી શકાય છે. એના માટે પ્રતિબદ્ધ થઈને કામ કરવું પડે છે. એમ માનીને ચાલવું કે બાયપાસ આવશે જ એ ખોટું છે.’

heart attack columnists