નવા વર્ષનાં રેઝોલ્યુશનનું લિસ્ટ બનાવી લીધું?

27 December, 2020 07:16 PM IST  |  Mumbai | Bhavya Gandhi

નવા વર્ષનાં રેઝોલ્યુશનનું લિસ્ટ બનાવી લીધું?

નવા વર્ષનાં રેઝોલ્યુશનનું લિસ્ટ બનાવી લીધું?

પ્રતિજ્ઞા કે પછી કહો કે રેઝોલ્યુશન લેવામાં આપણી દિવાળી ફાવતી નથી. મોટા ભાગના લોકો એવા છે જેને થર્ટીફર્સ્ટથી શરૂ થતા નવા વર્ષમાં નવાં-નવાં રેઝોલ્યુશન લેવાનું ગમે છે અને આ મોટા ભાગના લોકોમાં ઑલમોસ્ટ ૮૦થી ૯૦ ટકા આવી જાય છે. રેઝોલ્યુશન લેવા જોઈએ, જો એને પાળવાની કોશિશ થતી હોય તો. રેઝોલ્યુશન લેવાં જોઈએ જો એને ફૉલો કરવાની તૈયારી હોય તો. લીધેલાં રેઝોલ્યુશન્સમાંથી ધારો કે બેચાર તૂટે અને બેચાર લાઇફમાં ઉમેરાઈ જાય તો એમાં કશું ખોટું નથી. સુધારો કોઈ હિસાબે રાતોરાત નથી આવતો, એ ધીમે-ધીમે જ આવતો હોય અને ધીમે-ધીમે આવનારો સુધારો જ લાઇફટાઇમ સાથે રહેતો હોય છે. મારી વાત કરું તો પહેલાં મને જે રેઝોલ્યુશન તૂટતાં એને માટે અફસોસ થતો, પણ પછી ધીમે-ધીમે સમજાયું કે તૂટતાં રેઝોલ્યુશન માટે અફસોસ કરવાને બદલે એને માટે પ્રયાસ કર્યો એની ખુશી હોવી જોઈએ.
આપણે ત્યાં રેઝોલ્યુશન મોટા ભાગે એવાં જ લેવામાં આવે છે જેમાં કાં તો પૈસાની વાત હોય, જૉબની વાત હોય અને કાં તો પર્સનલ મૅટર હોય. હું સવારે વહેલો જાગી જઈશ, હું એક્સરસાઇઝ કરવા જઈશ, હું જિમ જૉઇન કરીશ કે પછી એવાં જ બીજાં બધાં; પણ મારું કહેવું એ છે કે જો તમારે માટે આ બધી વાતો રેઝોલ્યુશન જેવી હોય તો માનજો કે તમે ખરેખર હજી રેઝોલ્યુશન લેવાને લાયક નથી બન્યા અને કાં તો તમે રેઝોલ્યુશન બનાવવા માટેની ગંભીરતા નથી સમજ્યા.
રેઝોલ્યુશન એવાં લેવાનાં છે જે ખરેખર લાઇફ બદલનારાં હોય. વાત સાચી કે જે મોડે સુધી પથારીમાં પડ્યા રહે છે એ લોકો પણ જો વહેલા જાગતા થઈ જાય તો તેમની લાઇફ પણ બદલવાની જ છે, પણ આ કામ કરવાનું તો કોઈ પણ તેને શીખવી શકે અને એ કરવું જ જોઈએ. સૂર્યને જો પોતાનાં ટાઇમિંગ યાદ રહેતાં હોય તો નૅચરલી આપણે તો જીવતાજાગતા માણસો છીએ, આપણને તો ખબર પડવી જ જોઈએ કે આપણે ક્યારે જાગી જવું જોઈએ. હું એમ નહીં કહું કે તમે સવારે પાંચ વાગ્યે જાગો, જો જાગી શકો તો બહુ સારી વાત છે, પણ ઍટ લીસ્ટ સવારે સાડાસાત વાગ્યા સુધીમાં જાગી જવાનું રાખો તો એ પણ સારી વાત છે.
રેઝોલ્યુશન પર્સનલ લાઇફનાં લેવાને બદલે જો એ સમાજલક્ષી લેવામાં આવે તો એનાથી ચોક્કસ બેનિફિટ થશે અને સોસાયટી તંદુરસ્ત થશે. જો આ વર્ષે તમારે રેઝોલ્યુશન લેવું હોય તો એ લેજો કે તમે દર મહિને એક ગરીબ બાળકને ચંપલ કે કપડાં લઈ આપશો. નવાં જ લઈ આપવાનાં. ઘરમાં હોય એ જૂનાં કપડાં કે ચંપલ નહીં આપવાનાં અને ધારો કે એવું કરવું હોય તો કોઈ એક સારો દિવસ પસંદ કરીને તમારા કબાટમાંથી બધાં કપડાં કોઈને દાન કરી દો. પયુર્ષણ, ધારો કે તમે જૈન હો તો સંવત્સરીની સવારે તમારા કબાટને ખાલી કરી નાખો અને કપડાં શાકવાળાને, ડ્રાઇવરને કે પછી તમારી આજુબાજુમાં જેકોઈ જરૂરિયાતવાળું હોય તેને આપી દો. એ બહાને તમે નવાં કપડાં લઈ શકશો અને તમારો આખો વૉર્ડરોબ નવો થઈ જશે અને તમારાં સાજાંસારાં કપડાં બીજા લોકોને કામ લાગશે. પહેર્યા હોય એ કપડાં આપી દેવાનાં. પછી એમાં એવું પણ નહીં કરવાનું કે આ ટીશર્ટ મને ગમે છે કે મને આ શર્ટ તો મારી ગર્લફ્રેન્ડે લઈ દીધો હતો. આપી જ દેવાનાં કપડાં અને તમારે માટે નવાં લઈ લેવાનાં. આ સિસ્ટમ મારા એક ફ્રેન્ડના ફાધરે કરી છે, જેને લીધે એવું બને છે કે તે પોતે જ ઓછાં કપડાં લે અને દર વર્ષે ઑટોમૅટિકલી તેની પાસે નવાં કપડાં આવી જાય.
આપણે વાત કરતા હતા દર મહિને એક બાળકને ચંપલ કે કપડાં લઈ આપવાની. આવું જ બીજું ‌રેઝોલ્યુશન છે. જેકોઈ માગવા આવે તેને પૈસા આપવાને બદલે ખાવાનું લઈ આપવાનું. આપણે મોટા ભાગે જોતા હોઈએ છીએ કે ખાવાના સ્ટૉલ કે રેસ્ટોરાં પાસે માગનારા બહુ હોય છે. આપણે તેને પાંચ-દસ રૂપિયા આપી પણ દઈએ, પણ એવું કરવાને બદલે તેને પૂછીને જ ખાવાનો ઑર્ડર આપી એ પાર્સલ તેને ખાવા માટે આપી દેવાનું. ખાવાનું મળશે તો એ સારું ખાઈ શકશે.
મારા એક ફ્રેન્ડની વાઇફે આવો જ નિયમ રાખ્યો છે. તે જેકંઈ ખાતાં હોય એ ખાવાનું જ માગવાવાળાને ખવડાવે. પેલો પૈસા માગે તો કારણ પૂછે અને કારણ વાજબી ન લાગે તો ના પાડી દે. સુરતમાં તેમની પાસે કોઈ માગવા આવ્યું ત્યારે તેઓ સુરતનો બહુ ફેમસ કોકો પીતાં હતાં. તેમણે તરત જ એ માગવાવાળા છોકરા માટે કોકોનો ઑર્ડર આપી દીધો. હું તો જોઈને જ ઇમ્પ્રેસ થઈ ગયો. મારી સામે એવું પહેલી વાર બનતું હતું. એ પછી હું તેમને અમદાવાદમાં મળ્યો. અમદાવાદમાં અમે ‘ઓનેસ્ટ’ની પાઉંભાજી ખાઈને બહાર નીકળ્યાં ત્યાં જ એક ગરીબ છોકરો અમારી પાસે માગવા આવી ઊભો. મારે તેમનો આ નિયમ ચેક કરવો હતો એટલે મેં ખિસ્સામાંથી ૧૦ રૂપિયા પેલા છોકરાને આપ્યા. છોકરાએ લઈ લીધા અને તે ચાલવા માંડ્યો એટલે તેણે તરત જ તેને રોક્યો અને પૂછ્યું કે પાઉંભાજી ખાશે?
પેલાએ હા પાડી એટલે તેમણે ચીઝ પાઉંભાજી વિથ એક્સ્ટ્રા પાઉંનો ઑર્ડર આપીને પૈસા ચૂકવી દીધાં, એટલું જ નહીં, ઑર્ડર આવ્યો નહીં ત્યાં સુધી ઊભાં પણ રહ્યાં અને પેલા છોકરાને પાર્સલ મળી ગયું એટલે ત્યાંથી નીકળ્યાં. હૅટ્સ ઑફ.
કોઈ વ્યક્તિ આટલું સરસ કામ કરે છે તો આપણે એમાંથી પ્રેરણા લઈએ અને આપણે ઍટ લીસ્ટ એવું નક્કી કરીએ કે જે માગવા આવે તેને પૈસાને બદલે ખાવાનું લઈ આપીએ. અરે, બહુ મોટી આઇટમ નહીં તો બિસ્કિટ કે વેફર્સ લઈ આપો, ચૉકલેટ લઈ આપો. આવું બધું ખાવાનું મન તો તેમને પણ થતું જ હશે, નૅચરલ છે. જો તમે એ ખાઈ શકો તો પછી એ પણ માણસ છે, તેને પણ ખાવાનો હક છે. તમારા પાંચ-દસ રૂપિયામાં તેનું કંઈ વળવાનું નથી. એના કરતાં તેને મદદ પણ કરો અને એ મદદની સાથોસાથ તેને ખુશ પણ કરો. યાદ રાખજો કે ખુશી વહેંચવાથી બમણી થઈને પાછી આવે છે.
રેઝોલ્યુશન લેવું હોય તો મોબાઇલનો ઉપયોગ ઓછો કરશો એવું નક્કી કરો. મોબાઇલ સામે મારો કોઈ વિરોધ નથી, પણ મોબાઇલને કારણે તમારી આજુબાજુના જે રિલેશન છે એના પર ધ્યાન આપી શકાતું નથી એ પણ એટલું જ સાચું છે. કોવિડના સમયમાં સ્માર્ટફોન ઉપયોગી બન્યા, પણ હવે જ્યારે કોવિડને લીધે આવેલા લૉકડાઉનની અસર ઓછી થઈ છે ત્યારે મોબાઇલનો ઉપયોગ ઓછો કરો એ પણ જરૂરી છે. બહુ એવું લાગે તો ‘નો મોબાઇલ સન્ડે’ની શરૂઆત કરો. એમાં રવિવારે મોબાઇલનો ઉપયોગ નહીં કરવાનો. અમુક શહેરોમાં આવી મૂવમેન્ટ શરૂ થઈ છે અને લોકો સન્ડેના દિને મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દે છે. મોબાઇલનો વપરાશ ઘટશે તો ફૅમિલી સાથેની ફીલિંગ્સ ક્લિયર થશે. ફૅમિલીના જે પ્રશ્નો હશે એનાં પણ સૉલ્યુશન મળવાની શરૂઆત થશે. આ વાત વડીલોને જ લાગુ નથી પડતી, આપણને યંગસ્ટર્સને પણ લાગુ પડે છે. વીકમાં એક દિવસ અને ખાસ કરીને એવો એક દિવસ જે દિવસે આખું ફૅમિલી સાથે હોય એ દિવસે નો વૉટ્સઍપ, નો ફેસબુક, નો ઇન્સ્ટાગ્રામ, નથિંગ.
સોશ્યલ મીડિયાની વાતો ત્યારે જ સારી લાગે જ્યારે તમે સોશ્યલ લાઇફ સાથે ઉચિત રીતે જોડાયેલા હો અને તમારી સોશ્યલ લાઇફને તમે સાચી રીતે સાચવી શકતા હો. એવાં કોઈ રેઝોલ્યુશન લેવાની જરૂર નથી જેમાં ઇકૉનૉમિકલ ગ્રોથની વાત હોય અને સોશ્યલ સ્ટેટ્સમાં ફરક પડવાનો હોય. આંખ સામે લૉકડાઉન રાખવાનું છે અને યાદ રાખવાનું છે કે અંતે તો બધું ઑલમાઇટના હાથમાં જ હોય છે અને એ ધારે એ જ થવાનું છે એટલે રેઝોલ્યુશન એવાં લેવાનું રાખો જેને પાળવાં અને લાઇફમાં ઉમેરવાં વાજબી લાગતાં હોય અને એનાથી લાઇફમાં એક ચેન્જ આવતો હોય. આ વર્ષનું સૌથી મહત્ત્વનું રેઝોલ્યુશન જો કોઈ હોય તો એક જ છે, કોવિડ સાથે શરૂ થયેલી ફાઇનલમાં હવે એને હરાવી દેવાનો છે અને એને હરાવવા માટે માસ્કથી માંડીને સોશ્યલ ડિસ્ટન્સ‌િંગ અને સૅનિટાઇઝેશન જેવા તમામ નિયમો પાળવાના છે. ભૂલ્યા વિના અને કોઈ જાતનું દોઢડહાપણ દાખવ્યા વિના.

Bhavya Gandhi columnists weekend guide