હેલો મૅડમ હેલો સર, હૅપી ન્યુ યર હૅપી ન્યુ યર

28 December, 2020 03:28 PM IST  |  Mumbai | Pravin Solanki

હેલો મૅડમ હેલો સર, હૅપી ન્યુ યર હૅપી ન્યુ યર

૩૧ ડિસેમ્બરની મધરાતે ઊગેલો જશનનો સૂરજ ૧ જાન્યુઆરીની વહેલી સવારે સ્વયં ઝળહળતો દેખા

આજથી ત્રણ દિવસ પછી ૩૧ ડિસેમ્બરની મધરાતે નવા વર્ષનો મંગળ દિવસ ઊગશે (મંગળ જ ઊગે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના). દુનિયાના ખૂણેખૂણામાંથી ‘હૅપી ન્યુ યર’ના દુંદુભિનાદ થશે. ક્યાંક ટ્રમ્પપેક વાગશે, ક્યાંક બ્યૂગલ વાગશે. ક્યાંક વાયોલિન અને સેક્સોફોન વાગશે. ક્યાંક શરણાઈ, ઢોલ-નગારાં, ત્રાંસા ગુંજશે! સમસ્ત વિશ્વ આંનદથી નાચતું-ગાતું ઝૂમતું હશે. આતશબાજી થશે, ફટાકડા ફૂટશે, લાઇટો ઝબૂકશે, પાર્ટીઓમાં ચિયર્સ થશે, મોબાઇલ રણકશે. વૉટ્સઍપ પર શુભેચ્છાઓના સંદેશના સાગર છલકાશે, લોકો એકબીજા સાથે હાથ મિલાવશે, ગળે વળગશે, ભેટશે, ચુંબન કરશે. ૩૧ ડિસેમ્બરની મધરાતે ઊગેલો જશનનો સૂરજ ૧ જાન્યુઆરીની વહેલી સવારે સ્વયં ઝળહળતો દેખાશે!
બધું જ યથાવત્, પૂર્વવત્, પરંપરા મુજબ હશે, પણ કદાચ, જી હા, કદાચ, માનવમહેરામણ સાથે સામૂહિક ઉજવણી નહીં હોય. જાહેરમાં ટોળાબંધ હલ્લાગુલ્લાનો અભાવ હશે. હૈયેહૈયું દળાય એવી ભીડ વચ્ચે ‘હૅપી ન્યુ યર’નો નાદ નહીં સંભળાય. કદાચ! કદાચ એવું થશે તો સોનામાં સુગંધ મળશે. એમ લાગશે કે નવા વર્ષની શુભ શરૂઆત થઈ છે. આપણે આશા રાખીએ કે કદાચના સ્થાને ચોક્કસ શબ્દ ગોઠવાઈ જાય.
પ્રશ્ન થાય કે નવા વર્ષની શરૂઆત ૧ જાન્યુઆરીથી જ કેમ?
વિશ્વભરમાં નવા વર્ષનું કૅલેન્ડર સૂર્ય-ચંદ્રની ગતિવિધિના આધારે, ધાર્મિક માન્યતા ને ખગોળશાસ્ત્ર પ્રમાણે નક્કી થાય છે. ભારત એક કૃષિપ્રધાન દેશ હોવાથી કૃષિને પણ મહત્ત્વ અપાય છે.
૧૫૮૨ની ૧૫ ઑક્ટોબરથી નવા વર્ષની ઉજવણી ૧ જાન્યુઆરીએ કરવાનું ગ્રેગોરિયન કૅલેન્ડર પ્રમાણે નક્કી થયું. પ્રાચીન રોમમાં જાન્યુઆરી મહત્ત્વનો મહિનો ગણાતો. કેમ કે એ મહિનાનું નામ દેવતા ‘જાનુસ’ પરથી રાખવામાં આવ્યું હતું (કેટલાક ‘જેનસ’ પણ ઉચ્ચાર કરે છે). રાવણને જેમ ૧૦ માથાં હતાં એમ જાનુસને બે ચહેરા હતા, આગળ અને પાછળ. એ ચહેરા ‘આરંભ અને અંત’ તરીકે ઓળખાતા. એમ પણ કહેવાય છે કે બે ચહેરામાંથી એક ચહેરો ભૂતકાળનું પ્રતીક ગણાતો અને બીજો ચહેરો ભવિષ્યકાળનું પ્રતીક. ભૂત અને ભવિષ્ય જેને સાક્ષાત્કાર હતા એ દેવતા જાનુસ.
મધ્યકાળમાં રોમન સામ્રાજ્યનું પતન થયું, પછી વિશ્વભરમાં ખ્રિસ્તીઓનો દબદબો શરૂ થયો. તેઓ બધા દેશમાં ૨૫ માર્ચે નવું વર્ષ ઊજવવા માગતા હતા, કારણ કે ઈશ્વરના દૂત એવા ગ્રેબિયરે વર્જિન મૅરીને ૨૫ માર્ચે સંદેશો આપ્યો હતો કે તમારી કૂખે ભગવાન ઈશુનો જન્મ થશે એટલે ઈશુનો જન્મ ભલે ૨૫ ડિસેમ્બરે થયો હોય, પણ તેમના જન્મનો સંદેશો ૨૫ માર્ચે આવ્યો હતો એટલે ૨૫ માર્ચ તેઓ માટે ભાવનાત્મક દિવસ હતો.
૧૬મી સદીમાં પોપ ગ્રેગોરિયન કૅલેન્ડરની શરૂઆત થઈ અને એમાં નવા વર્ષની તારીખ ૧ જાન્યુઆરી નક્કી થઈ અને રોમન કૅથલિકે એ માન્ય રાખી, પરંતુ બ્રિટને એ માન્ય ન કરી, એને ૨૫ માર્ચ જ નવું વર્ષ માન્ય હતું.
વર્ષો પછી રોમન બાદશાહ જુલિયસ સિઝરે બધું બદલી નાખ્યું. તેણે ખગોળશાસ્ત્રના આધારે રોમન કૅલેન્ડર બનાવ્યું. ૧ જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની એકદમ નજીક આવે છે એટલે નવા વર્ષની શરૂઆત એ દિવસથી જ કરવી એવું નક્કી થયું. ખેર, ઘણા બધા વાદવિવાદ થયા, પણ છેલ્લાં ૧૦૦-૧૫૦ વર્ષથી વિશ્વના મોટા ભાગના દેશો નવું વર્ષ ૧ જાન્યુઆરીએ જ ઊજવે છે.
દુનિયામાં અલગ-અલગ ધર્મ અને સંસ્કૃતિ પ્રમાણે અનેક જાતનાં કૅલેન્ડર છે. ભારતમાં જ લગભગ ૫૦ જાતનાં કૅલેન્ડર છે. ભારતમાં જુદા-જુદા રાજ્યમાં, જુદા-જુદા મહિનામાં, જુદા-જુદા નામે ઊજવાતા નવા વર્ષના ઉત્સવની યાદી જોઈએ...
બેસતું વર્ષ- ગુજરાત, રાજસ્થાન - ઑક્ટોબર-નવેમ્બર
ઉગાડી- કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ - માર્ચ-એપ્રિલ
ગુઢીપાડવા- મહારાષ્ટ્ર, ગોવા - માર્ચ-એપ્રિલ
નવરેહ- કાશ્મીર - માર્ચ-એપ્રિલ
અષાઢી બીજ-કચ્છ - જૂન-જુલાઈ
ચેતી ચાંદ- સિંધી પ્રજા માટે - માર્ચ-એપ્રિલ
ફાગુ પૂર્ણિમા- ઉત્તર ભારત, યુપી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ, જમ્મુ, ઝારખંડ, છત્તીસગઢ - ફેબ્રુઆરી-માર્ચ
વૈશાખી-પંજાબ - એપ્રિલ ૧૩, ૧૪, ૧૫
પુઠાંડુ-તામિલનાડુ - એપ્રિલ ૧૩, ૧૪, ૧૫
વિશુ-કેરળ - એપ્રિલ ૧૩, ૧૪, ૧૫
સિંગમ- મલયાલમ કૅલેન્ડર પ્રમાણે પહેલો દિવસ કોલ્લમ પ્રાંત - ઑગસ્ટ ૧૫, ૧૬, ૧૭
બિશું પ્રબા- તાલુનાડુ, કર્ણાટક - એપ્રિલ ૧૪, ૧૫
સાજિબુ છે રોબા-મણિપુર માર્ચ-એપ્રિલ
બુઈસુ- ત્રિપુરા - એપ્રિલ ૧૪, ૧૫
વિસાગુ-બોડોલૅન્ડ આસામ - એપ્રિલ ૧૪, ૧૫
બોહગબિન્દુ- આસામ - એપ્રિલ ૧૩, ૧૪, ૧૫
પાનાસંક્રાન્તિ- ઓડિશા - એપ્રિલ ૧૩, ૧૪
પહેલા વૈશાખ- પશ્ચિમ બંગાળ - એપ્રિલ ૧૪, ૧૫
જડે શીતલ- મિથિલા (બિહાર) - એપ્રિલ ૧૩, ૧૪, ૧૫
‘લો સુંગ-સિક્કિમ ડિસેમ્બર
ગાલડન નામચોથ- લદાખ - ડિસેમ્બર
લોસર - અરુણાચલ પ્રદેશ (મોનપા) ફેબ્રુઆરી
સંગકેન -અરુણાચલ પ્રદેશ (ખમતી) એપ્રિલ
પતેતી - પારસી - ઑગસ્ટ
નવરોઝ - ઝોરોસ્ટ્રિયન માટે માર્ચ ૨૧
મુસ્લિમ ભાઈઓનું નવું વર્ષ મોહરમ-અરેબિક નવું વર્ષ હિજરી તરીકે ઓળખાય છે - ઑગસ્ટ. (નવા વર્ષના નામનાં ઉચ્ચારણ અલગ-અલગ રીતે જોવા મળે છે.)
છેલ્લાં કેટલાંય વર્ષોથી દિવાળીનો દોરદમામ ઓછો થયો છે અને ૧ જાન્યુઆરીના જલસાનો મહિમા વધારે રહ્યો છે. ૨૫ ડિસેમ્બરની રાતથી એનો પ્રારંભ થાય છે અને ૩૧ ડિસેમ્બરની મધરાતે એ ચરમસીમાએ પહોંચે છે.
દિવાળી અને બેસતું વર્ષ શું કામ ઊજવાય છે? જે દિવસે અસુર રાવણનો વધ કરી રામ, લક્ષ્મણ, જાનકીએ અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો એ દિવસ એટલે દિવાળી. એ દિવસે અયોધ્યાવાસીઓએ આ ત્રિપુટીને આવકારવા ઘરે-ઘરે દીપ પ્રગટાવ્યા, તોરણ બાંધ્યાં, રંગોળી કરી, સાથિયા કર્યા, મીઠાઈ વહેંચી, ઢોલનગારાં-ત્રાંસા વગાડ્યાં. સર્વત્ર આનંદમય વાતાવરણ સર્જાયું હતું. લોકો હર્ષના માર્યા નાચ્યા, ગળે વળગ્યા, હાથ મિલાવ્યા, અબીલ-ગુલાલ ઉડાડ્યા.
આ માન્યતા પ્રચલિત છે, પણ મતમતાંતર છે. દલીલ એવી થાય છે કે રામાવતાર પહેલાં પણ દિવાળી ઉત્સવ ઊજવાતો. લાંબી વાર્તા છે, પણ ટૂંકમાં ભગવાન વિષ્ણુએ જે દિવસે લક્ષ્મીજીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો એ દિવસ દિવાળી ગણાયો. તો એક મત એવો પણ છે કે ભગવાન વિષ્ણુએ જે દિવસે નૃસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશ્યપુનો વધ કર્યો એ દિવસ દિવાળી ગણાયો. છેલ્લે : બેસતા વર્ષની કથા પણ રસપ્રદ છે.
કૃષ્ણ અને ઇન્દ્રદેવના યુદ્ધની વાત ખૂબ પ્રચલિત છે. વૃજવાસી ગોવાળિયાઓ વર્ષાઋતુ બાદ ઇન્દ્રદેવની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરતા હતા. બાલકૃષ્ણએ પૂછ્યું, ‘ઇન્દ્રની પૂજા શું કામ?’ જવાબ મળ્યો કે ઇન્દ્ર વરસાદના દેવ છે. તે વરસાદ મોકલે છે એટલે અમે ધન-ધાન્ય પામીએ છીએ. વરસાદને લીધે ધરતી પર ઘાસ ઊગે છે જે ખાઈને આપણી ગાયો પૃષ્ટ થાય છે, આપણને દૂધ, દહીં, માખણ મળે છે અને આને કારણે ઇન્દ્રપૂજા કરીએ છીએ.
કૃષ્ણને આ વાત માન્ય નહોતી. તેમનું માનવું હતું કે ઋતુચક્ર તો કુદરતી ક્રમ છે. વરસાદનું કારણ દરિયો, પવન અને પર્વત છે. આપણે જો પૂજા કરવી હોય તો પર્વતની કરવી જોઈએ, ગાયોની કરવી જોઈએ. ઘણી બધી દલીલો થઈ. છેવટે કૃષ્ણ ગિરિપૂજા અને ગાયપૂજા કરાવવામાં સફળ થયા. ઇન્દ્રપૂજા સફળ થઈ ગઈ. પરિણામસ્વરૂપ ઇન્દ્ર અને કૃષ્ણ વચ્ચે વેર બંધાયું.
ઇન્દ્રએ વેર વાળવા અતિવૃષ્ટિ કરાવી. ચારે બાજુ હાહાકાર મચાવી દીધો. સતત ૭ દિવસ સાંબેલાધાર વરસાદ વરસ્યો. ગોવાળિયાઓ ભયભીત થઈ કૃષ્ણના શરણે આવ્યા. શ્રીકૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકીને લોકોને છત્ર પૂરું પાડ્યું. ઇન્દ્ર કૃષ્ણ સામે ઝૂકી ગયા. કૃષ્ણની સ્તુતિ કરીને તેમને ઉપેન્દ્ર અને ગોવિંદ ઉપનામ-ખિતાબ અર્પણ કર્યાં. આ દિવસ એટલે બેસતું વર્ષ.

સમાપન
૨૦૨૦ના વર્ષે ૨૦૨૧ને કહ્યું, ‘હું જાઉં છું. તારે કંઈ કહેવું છે?’ ૨૦૨૧ બોલ્યું, ‘જા ભાઈ જા, બે હાથ જોડીને બસ એટલી વિનંતી છે કે અહીં વરસાવ્યો એવો કાળો કેર જ્યાં જાય છે ત્યાં વર્તાવતો નહીં. ૨૦૨૦એ કહ્યું, ‘મેં કોઈ કેર વર્તાવ્યો નથી. મેં તો ફક્ત આટલાં વર્ષોનો હિસાબ સરભર કર્યો છે.’
બધાને ભાન કરાવ્યું છે કે માનવને મર્યાદા છે, કાળ સર્વોપરી છે. શિસ્ત નહીં રાખો તો હજી પણ પસ્તાશો. શાનમાં સમજી જજો.
મનનું માન્યું એ મર્યા
અને મનને માર્યું એ તર્યા
સૌને આગોતરા સાલ મુબારક-ખુશહાલ મુબારક.

Pravin Solanki columnists