જે છે એની કદર કરશો તો ખુશી તમારી સાથે રહેશે

15 November, 2020 07:11 PM IST  |  Mumbai | Bhavya Gandhi

જે છે એની કદર કરશો તો ખુશી તમારી સાથે રહેશે

જે છે એની કદર કરશો તો ખુશી તમારી સાથે રહેશે

હમણાં જ હું અમદાવાદથી પાછો આવ્યો. ફિલ્મનું શૂટિંગ હતું એટલે થ્રૂ-આઉટ એક મહિનો અમદાવાદ હતો અને હવે આવતા મહિને દુબઈ જવાનો છું. એ પછી ફરી અમદાવાદ-વડોદરા અને એ પછી દિલ્હી. ગયા વર્ષમાં, હા, આમ તો ગયું વર્ષ જ કહેવાય, આજે શાસ્ત્રોક્ત રીતે ધોકો છે એટલે. તો ગયા વર્ષમાં બહુ આરામ કરી લીધો, હવે થ્રૂ-આઉટ કામ છે, પણ એ કામની સાથોસાથ લાઇફ પણ જીવતા જવાની છે એ વાત ગયા વર્ષના લૉકડાઉન દરમ્યાન બધાને સમજાઈ ગઈ છે અને આ જ વાત જૉનીભાઈએ, આપણા સૌના જૉની લીવરે પણ બહુ સરસ રીતે હમણાં મને સમજાવી હતી.
અમદાવાદથી પાછો આવ્યા પછી ફિલ્મસિટીમાં ગયો. પહેલાં તો સિરિયલને લીધે વારંવાર ફિલ્મસિટી જવાનું બનતું, પણ ટીવી પર કામ ઓછું કર્યા પછી ઘણા લાંબા સમયે ફિલ્મસિટીમાં જવાનું બન્યું. ફિલ્મસિટીની એક મજા જુદી છે. મારે મન એ દેરાસર કે મંદિરથી જરા પણ ઓછું કે ઊતરતું નથી. ફિલ્મસિટીમાં ગાડી એન્ટર થઈ કે મેં તરત જ એક ઊંડો શ્વાસ લીધો. ગજબનાક ઠંડક મળી મનને અને ખુશી પણ થઈ, પરંતુ આ ખુશીમાં ઉછાળો ત્યારે આવ્યો જ્યારે મેં જૉનીભાઈને જોયાં. જૉની લીવર. મારી સિરિયલ સમયે તો અમે બે-ત્રણ વાર મળ્યા જ હતા, પણ મારી પહેલી ગુજરાતી ફિલ્મ ‘પપ્પા, તમને નહીં સમજાય’માં તેમણે મારા પ્રિન્સિપાલનું કૅરૅક્ટર કર્યું હતું. તેઓ કૉલેજના પ્રિન્સિપાલ અને હું તેમનો તોફાની સ્ટુડન્ટ. આખો દિવસ મારી ફરિયાદો તેમની પાસે જાય. બે-ચાર વખત તો મારાં કરતૂત તેમણે પોતે જ પકડ્યાં હતાં પણ એમ છતાં યુવાનીના જોશમાં હું સુધરવા માટે રાજી નહીં. આ પ્રકારની અમારા બન્ને વચ્ચેની ફિલ્મમાં કેમેસ્ટ્રી એ સહેજ તમારી જાણ ખાતર.
‘અરે, તુ ઇધર...’
મને જોઈને જૉનીભાઈ પણ ખુશ થઈ ગયા અને મને પરાણે ખેંચીને પોતાની સાથે પોતાની વૅનિટી વૅનમાં લઈ ગયા. થોડી વારમાં તેમનો લંચ-બ્રેક થયો અને અમે વધારે સમય સાથે બેસી શક્યા જૉનીભાઈની એક વાત મારે તમને કહેવી છે, જેની તેમને નજીકથી ઓળખનાર વ્યક્તિ સિવાય કોઈને ખબર નથી. જૉનીભાઈ જેટલો પૉઝિટિવ વ્યક્તિ મેં મારી લાઇફમાં બીજું કોઈ જોયો નથી. તેમના જેટલું પ્યૉર હાર્ટ પર્સન પણ મેં બીજા કોઈને જોયા નથી. આજે તેઓ સ્ટાર છે અને કૉમેડીના સુપરસ્ટાર છે છતાં તેઓ પહેલાં પોતાના ફૅન્સને મળવા માટે જશે. હું કહીશ કે પોતાના ફૅન્સ માટે આટલા પૉઝિટિવ મેં બીજા કોઈને જોયા નથી. અમે બેઠા હતા ત્યારે જ એક છોકરી આવી. તેના હાથમાં બૂમ-માઇક હતું, એક ચૅનલનું. મને એમ કે ઇન્ટરવ્યુ હશે, પણ એવું નહોતું. તે છોકરી જૉનીભાઈને થૅન્ક્સ કહેવા માટે આવી હતી.
જૉનીભાઈએ તેનું ઍડ્મિશન કરાવી દીધું હતું. એ છોકરીના પપ્પા જૉનીભાઈના જુનિયર સ્ટાફમાં કંઈક હતા. જૉનીભાઈને ખબર પડી કે છોકરીના ઍડ્મિશન માટે ટ્રાઇ ચાલતી હતી, જૉનીભાઈએ કોઈને પૂછ્યા વિના પોતાની ઓળખાણનો સદુપયોગ કર્યો અને પેલી છોકરીનું ઍડ્મિશન તેમણે કરાવી દીધું. આજે આવું કામ કોઈ કરવા રાજી નથી. બધાને પોતાના કૉન્ટૅક્ટ્સ અકબંધ રાખવા છે, પણ ના, જૉનીભાઈ એવા નથી. જૉનીભાઈ તેમની આજુબાજુની વ્યક્તિઓનું પહેલાં ધ્યાન રાખશે. આજે નાનામાં નાનો ઍક્ટર જેવું પોતાનું કામ પૂરું થાય કે સીધો જઈને વૅનિટી વૅનમાં બેસી જાય, પણ જાૅનીભાઈ એવું ક્યારેય કરતા નથી અને એવું કરવાની પણ તેઓ ના પાડે. જૉનીભાઈ કહે, ‘તારા ઘરે એસી હશે, ફૅન હશે અને બેડ પણ હશે, તું ત્યાં સૂઈ શકીશ, પણ તું આ સેટ તારી સાથે ક્યારેય લઈ નહીં જઈ શકે, સો એન્જૉય ઇટ. આ માહોલને તું તારી સાથે ક્યારેય લઈ જઈ નહીં શકે, તો લવ ઇટ અને બધાની સાથે રહેવાનો આનંદ લે.’
હમણાં સુધી હું એવું જ સમજતો હતો કે ગમે એ કરવાનું, પણ જૉનીભાઈને મળ્યા પછી મને સમજાયું કે જે મળે એ ગમતું કરવાનું અને કોઈ જાતના સંકોચ વિના એને પ્રેમ કરવાનો. જે મળે છે એ ફરી ક્યારેય મળશે કે નહીં એની કોઈને ખબર નથી તો પછી શું કામ મોઢું ચડાવીને કે પછી ફેસ બગાડીને એની સામે ખરાબ રીતે જોવું. જૉનીભાઈ પાસેથી જ સાંભળેલો એક કિસ્સો કહું તમને.
વર્ષો પહેલાં જૉનીભાઈ રામોજી ફિલ્મસિટીમાં કામ કરતા. આખો દિવસ કામ હોય અને આખો દિવસ ખૂબ જ મહેનત કરવાની હોય. જૉનીભાઈ સાથે જેકોઈ બીજા આર્ટિસ્ટ હતા એ બધા રામોજીને ‘બ્યુટિફુલ જેલ’ કહીને બોલાવે, પણ જૉનીભાઈને એ વાતની ખૂબ જ ચીડ. જૉનીભાઈ એ બધાને ના પાડે, કહે પણ ખરા કે આવું નહીં બોલો. આજે જે તમને જેલ લાગે છે એ આવતી કાલે રહેશે નહીં ત્યારે તમને એની કિંમત સમજાશે. બન્યું પણ એવું જ, જૉનીભાઈ આજે બૉલીવુડમાં કૉમેડીના સુપરસ્ટાર બની ગયા અને પેલા જે રામોજી ફિલ્મસિટીને ઉતારી પાડતા હતા એ લોકો પાસે કામ નથી રહ્યું. આપણે પણ ક્યાંક ને ક્યાંક આવું જ કરી બેસીએ છીએ.
આવી જ બીજી જો કોઈ ભૂલ હોય તો એ છકી જવાની. સફળતાને પચાવવી કેવી રીતે એ જોવું હોય તો જૉનીભાઈને જોવાના, તેમની પાસેથી એ શીખવાનું. એક વખતનો કિસ્સો કહું તમને. એક વાર જૉનીભાઈ શૂટિંગ પર જવાના હતા. તેમને માટે ગાડી પણ આવી ગઈ હતી. હું હોટેલના જિમમાંથી ઉપર જતો હતો ત્યાં તેઓ મને સામે મળ્યા. મેં તેમને કહ્યું કે મારે પણ આવવાનું છે, આપણે સાથે જઈએ. મને કહે ભલે, સાથે નીકળીએ. હું રેડી થઈને નીચે આવ્યો ત્યારે જૉનીભાઈ હોટેલના રિસેપ્શનમાં રાખેલા સોફા પર આરામથી બેઠાં-બેઠાં સૂઈ રહ્યા હતા. મને બહુ શરમ આવી. મેં ધીમેકથી તેમને જગાડ્યા અને તેમને સૉરી કહ્યું તો મને કહે કે એવું નહીં લગાડવાનું. હું ક્યાં બહાર ઊભો હતો. તારી રાહ જોવામાં શરીરને થોડો આરામ મળી ગયો, બેસ્ટ છેને!
જૉનીભાઈ આજે શાંત પડ્યા છે. તેમણે કામ લેવાનું ઓછું કર્યું છે, પણ તેમનો જે ગોલ્ડન પિરિયડ હતો એ અદ્ભુત હતો. એની વાતો પણ તેમની પાસેથી સાંભળી છે. તેઓ હસતાં-હસતાં એની વાતો કરે અને કહે કે ભવ્ય, સચ માન, જીઝસ હૈ. જો એ સમયે તેમણે મને સાચવ્યો ન હોત તો હું સાચે જ મેડ થઈ ગયો હોત, પણ તેમણે મને બરાબર સાચવી લીધો અને મારી અક્કલ ઠેકાણે રહી. જૉનીભાઈની વાતોમાં તમને ભારોભાર સચ્ચાઈ નજરે પડે. તેઓ દરેક વાતમાં તમને બાળકની જેમ ટ્રીટ કરે અને મજા ત્યારે આવે જ્યારે તેઓ પોતે બાળક બનીને તમારી સાથે બધું એન્જૉય પણ કરે. ગાડીમાં ગીત વાગતાં હોય તો તેઓ બેઠાં-બેઠાં ડાન્સ કરે. હું વિડિયો ઉતારું તો પ્રોપર એક્સપ્રેશન સાથે વિડિયો ઉતારવા દે. કોઈ વાતની ના નહીં, કોઈ વાતનું ખરાબ લગાડવાનું નહીં. જૉનીભાઈની એક વાત મને કાયમ યાદ રહેવાની છે. અમારી એક ફિલ્મના શૂટિંગ વખતે તેમણે મને કહ્યું હતું કે જે છે એની કદર કરો. નહીં હોય ત્યારે બહુ તકલીફ પડશે.
વાત બહુ સાચી છે.
જે છે એની કિંમત નથી કરતા અને એને સતત ઉતારી પાડીએ છીએ, પણ પછી જ્યારે જે છે એ હાથમાં નથી રહેતું ત્યારે એની કિંમત કરવા માટે દોડીએ છીએ. જૉબથી લઈને એજ્યુકેશન અને ફૅમિલી બધી જ વાતમાં આ જ મેન્ટાલિટી રહી છે. આજે મને સ્કૂલ યાદ આવે છે, પણ જ્યારે સ્કૂલ હતી ત્યારે મને એનાથી દૂર ભાગવાનું મન થતું હતું. જૉબ કરનારાઓને બીજાની જૉબ સારી લાગે છે અને પોતે ફસાઈ ગયા હોય એવું લાગે છે. જે છે એની વૅલ્યુ કરો, જે છે એનું મહત્ત્વ સમજો. જો તમે મહત્ત્વ સમજશો તો જ તમારું મહત્ત્વ તેમને સમજાશે. ગમતું કામ કરો એ જૂની માનસિકતા છે. આજથી હવે નવી મેન્ટાલિટી અપનાવી લો અને નક્કી કરો કે જે છે એને ગમતું કરવાનું છે.

Bhavya Gandhi columnists