કોઈને માથે હથોડી અને આપણા માથે ફેંટો

27 December, 2020 07:06 PM IST  |  Mumbai | Dinkar Joshi

કોઈને માથે હથોડી અને આપણા માથે ફેંટો

કોઈને માથે હથોડી અને આપણા માથે ફેંટો

લગભગ ૨૦૦ વર્ષ પહેલાં કવીશ્વર દલપતરામે હોંશે-હોંશે લખ્યું હતું, ‘હા ખેડૂત, તું ખરે જગતનો તાત ગણાયો!’ તાત એટલે પિતા. દુનિયામાં ધંધોધાપો કરનાર લાખો માણસો છે. આ બધા માણસો ખેડૂતની જેમ જ કંઈ ને કંઈ મહેનત-મજૂરી કરે છે અને રોટલો રળી ખાય છે. તાત એટલે પિતાની સૌપ્રથમ ફરજ સંતાનોનું પેટ ભરવાની છે. જે પિતા બાળકોની ભૂખ ભાંગી શકતો નથી એ પિતા ન કહેવાય. દલપતરામે ખેડૂતને પિતા કહ્યું. સોની, મોચી, લુહાર, સુથાર, દરજી, તંબોળી, ઘાંચી આવા હજારો વ્યાવસાયિકો માણસના જીવનને જીવતો રાખવા માટે કામ કરે જ છે. માણસને બધાની જરૂર છે. દલપતરામે ખેડૂતને તાત કહ્યું, કારણ કે ખેડૂત જે મજૂરી કરીને અનાજ પેદા કરે છે, ખેડૂત જે મજૂરી કરીને શાકભાજી કે ફળ પ્રદાન કરે છે, ખેડૂત જે મજૂરી કરીને દૂધાળાં ઢોર સંભાળે છે અને દૂધનાં વાસણો ભરી-ભરીને દૂધ પૂરું પાડે છે. એ બધું જીવન ટકાવી રાખવા માટે સૌથી વધુ જરૂરી છે અને એટલે દલપતરામે ખેડૂતને તાત એટલે કે બાપ કહ્યો છે.
ખેડૂત તાત મટીને બાપ બની જાય છે
તાત વાત્સલ્યનો સૂચક શબ્દ છે. પોતે ભૂખ્યો રહીને સંતાનોનાં પેટ ભરે એ તાત છે. સંતાનો સાથે વાંધો પડે કે બીજે ક્યાંક ત્યારે ફળ, ફૂલ, શાકભાજી, દૂધના ખટારા રસ્તામાં ઢોળી નાખે કે પછી જંગલમાં ફેંકી દે છે. અનાજ ઢોરને ખવડાવી દે એ તાત નથી, બાપ છે. આપણો ખેડૂત અવારનવાર તાત મટીને બાપ બની જતો હોય એવું લાગે છે. માની છાતીએ વળગીને જેને દૂધનું ટીપું મળતું નથી તેને ચમચી દૂધ પાવાને બદલે દૂધના ખટારા હાઇવે પર ઢોળી નાખવામાં આવે ત્યારે દલપતરામે પુનર્વિચારણા કરવી પડે.
ફાર્મહાઉસ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. તમારા ઘણા મિત્રોનાં ફાર્મહાઉસ હશે. મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, કલકત્તા, અમદાવાદ કે એવાં મોટેરાં શહેરમાં બંગલા કે મોટાં ક્લબહાઉસ એ બધા વચ્ચે જીવ્યા પછી તમારા આ મિત્રો વીક-એન્ડમાં હાઉસમાં જાય છે. ફાર્મ શબ્દનો અંગ્રેજી ભાષામાં સ્થાપિત થયેલો અર્થ વાડી-ખેતર છે. દલપતરામે જે જગતના તાત ખેડૂતની વાત કરી છે એ આ ખેતર કે વાડીના ધણીની છે. પેલા દૂધના ખટારા ઊંધા વાળી દેતા ખેડૂતની નહીં.
આ ફાર્મહાઉસ કોનાં છે? ખેડૂતનાં છે?! આપણે સૌ સમજીએ છીએ. આ ફાર્મહાઉસનો ઉદ્દેશ શું હોય છે. લાખો-કરોડો રૂપિયા ઇન્કમ-ટૅક્સ ભરતા દેશભક્તોનાં ઇન્કમ-ટૅક્સ રિટર્ન જોવા મળે તો ક્યારેક જોજો. આ ફાર્મહાઉસની આવક ખેડૂતના નામે કોણ જમી જાય છે એ પૂછવા મળે તો ક્યારેક કોઈક સરકારશ્રીને પૂછજો.
તાત, બાપ અને દાડિયો
ખેડૂત મહેનત કરે છે એ સાચું, પણ આ ખેડૂત એટલે ફાર્મહાઉસના ધણીધોરી નહીં. આ ખેડૂત એટલે અડધી રાતે વરસતા વરસાદમાં ચોયણીના પાંયચા ગોઠણ સુધી ચડાવીને કાદવમાં રસ્તો કરીને ક્યારાને સરખા કરતો ખેડૂત મહેનતુ છે. યાદ રાખજો કે આ કાળી મજૂરી જીવના જોખમે કરનારો આ ખેડૂત તેના ફાર્મહાઉસના માલિક પાસેથી રોજી જ મેળવે છે. તાત નથી, એ બાપ પણ નથી એ દાડિયો છે અને રોજિયો છે.
હવે ભલા માણસ, કલ્પના કરો કે આખો દેશ જેના નામે અડફેટે ચડ્યો છે એ ખેડૂત છે કોણ?
ગાંધીજીનો ખેડૂત
ગાંધીજીએ પોતાના ‘હિન્દ સ્વરાજ’ નામના પુસ્તકમાં ખેડૂતની વાત કરી છે. ગામડાનો એક ખેડૂત ૧૦ વીઘા જમીનનો માલિક છે. સવારથી સાંજ સુધી તે આ જમીન પર મહેનત કરે છે. શિયાળામાં ટાઢ વેઠે છે, ઉનાળામાં તાપ વેઠે છે અને ચોમાસામાં ધોધમાર વરસાદ વેઠે છે. આ બધું કરીને તે અનાજ પકવે છે. શાકભાજી અને ફળફૂલ મેળવે છે. દૂધના બોઘડા ભરાય છે. ઘર પૂરતું ખાવા-પીવાનું રાખીને બાકીનું વેચી દે છે. સીઝન પ્રમાણે જેકાંઈ ભાવતાલ મળશે એનાથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદશે, છોકરાછૈયાને રમાડશે, મા-બાપની સેવા કરશે અને સાંજ પડ્યે ગામના શિવમંદિરે કાં તો કથા સાંભળશે કાં તો ભજન કરશે. બસ આથી વધારે સુખની તેને જરૂર નથી. સુખ આથી વધારે પોટલાં બાંધીને કોઈ એક ઝાડ પર ઊગે છે એ કશું જાણતો નથી. જે ઘડીએ શહેરી ભણેલાએ તેને શીખવ્યું કે સુખ તો એમબીએ થવામાં છે, સુખ તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવામાં છે કે પછી સુખ તો ડૉક્ટર કે એન્જિનિયર થવામાં છે. આ વાત જે દિવસે તેના ગળે ઉતારી દેવામાં આવશે એ જ દિવસે તે જે ભોગવી રહ્યો છે એ તમામ સુખ અદૃશ્ય થઈ જશે અને નવા સુખની શોધમાં દુખી-દુખી થઈ જશે.
મહેનત કોણ કરે છે?
દેશમાં ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે અને ફાર્મહાઉસના ફાઇવસ્ટાર ખેડૂતોની સંખ્યા વધતી જાય છે. ખેડૂતના નામે ઋણમુક્તિ, વ્યાજમુક્તિ, ટેકાનો ભાવ, ખાસ માર્કેટો એ બધું આપવામાં આવે છે અને છતાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ પાર નથી. ખેડૂતોના પ્રશ્નોનો કોઈ વિરોધ નથી કરવો. પ્રશ્નો દરેક વ્યવસાયમાં હોય છે. ચાની રેંકડી, પાનનો ગલ્લો કે પછી કરોડો રૂપિયાના વ્યવસાય આ બધાને પ્રશ્નો તો છે જ. ચાની રેંકડી કે પાનના ગલ્લા માટે કોઈ રાહત અપાય છે? ખેતી પણ આવો જ એક વ્યવસાય છે. ખેડૂત મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, કબૂલ, પણ રોજ સવારે મલાડ રેલવે-સ્ટેશનથી જીવના જોખમે ટ્રેન પકડીને બપોરનું લંચ-બૉક્સ છાતીએ વળગાડીને જે નોકરિયાત મુસાફરી કરે છે એ મહેનત નથી કરતો? પ્રત્યેક વ્યવસાયમાં પ્રશ્નો તો છે જ, પણ પોતાના પ્રશ્નોને દુનિયાભરમાં ફંગોળીને રામનામનો જપ કરવા બેસી જવું એમાં રામ ક્યાંય નથી.
પ્રશ્નો અને પરિશ્રમ બન્ને આપણા પોતાના છે. આપણે એને હલ કરવાના છે. બીજાના માથા પર હથોડી ઠોકીને આપણા પોતાના માથા પર ફેંટો ન વીંટળાય.

પ્રશ્નો દરેક વ્યવસાયમાં હોય છે. ચાની રેંકડી, પાનનો ગલ્લો કે પછી કરોડો રૂપિયાના વ્યવસાય આ બધાને પ્રશ્નો તો છે જ.  ચાની રેંકડી કે પાનના ગલ્લા માટે કોઈ રાહત અપાય છે? ખેતી પણ આવો જ એક વ્યવસાય છે. ખેડૂત મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, કબૂલ, પણ રોજ સવારે મલાડ રેલવે-સ્ટેશનથી જીવના જોખમે ટ્રેન પકડીને બપોરનું લંચ-બૉક્સ છાતીએ વળગાડીને જે નોકરિયાત મુસાફરી કરે છે એ મહેનત નથી કરતો?

weekend guide columnists