વક્ત ને કિયા, ક્યા હસીં સિતમ તુમ રહે ન તુમ, હમ રહે ન હમ

17 June, 2020 01:50 PM IST  |  Mumbai | Pankaj Udhas

વક્ત ને કિયા, ક્યા હસીં સિતમ તુમ રહે ન તુમ, હમ રહે ન હમ

હૅપી ફૅમિલી: ગીતા દત્ત, ગુરુ દત્ત અને તેમના સૌથી મોટા સંતાન તરુણ દત્ત. જબરદસ્ત ટૅલન્ટેડ એવા આ પરિવારના આ ત્રણમાંથી એક પણ સભ્ય અત્યારે હયાત નથી.

એ દિવસોમાં હું જુનિયર બીએસસી ભણતો હતો અને મારા મોટા ભાઈ મનહર ઉધાસ સાથે જ અમે બન્ને નાના ભાઈઓ નિર્મલ અને હું રહેતા હતા. ભુલાભાઈ દેસાઈ રોડને એ વખતે વૉર્ડન રોડના નામે ઓળખવામાં આવતો. આ રોડ પર ગીતા ભવન નામનું બિલ્ડિંગ અને એમાં અમે ભાઈઓ રહીએ. હું સવારથી કૉલેજ માટે નીકળી જાઉં અને પછી જાતજાતની પ્રવૃત્તિમાં બિઝી અને એ પછી મોડી સાંજે પાછો આવું. મુંબઈ યુનિવર્સિટીની ભાતભાતની સોસાયટીઓ ચાલતી એમાં હું પ્રવૃત્ત હતો અને એ વાત મેં અગાઉ અહીં કહી જ છે. સિન્ગિંગ મારી ફેવરિટ સોસાયટી, પણ એ ઉપરાંત નાટક અને ડાન્સિંગ સોસાયટી પણ મને ગમે એટલે કૉલેજ પછીનો મારો મોટા ભાગનો સમય સોસાયટીની પ્રવૃત્તિમાં જ વીતી જાય, પણ હું જે દિવસની આજે વાત કરવા માગું છું એ સાંજે હું ઘરે જ હતો. મેં જોયું કે મારા મોટા ભાઈ મનહરભાઈ સરસમજાના તૈયાર થઈ રહ્યા છે. નવાં સારાં કપડાં પહેરીને તેમને તૈયાર થતા જોઈને મારાથી ભૂલથી પુછાઈ ગયું કે તમે ક્યાં જાઓ છો?
સામાન્ય રીતે ઘરમાંથી કોઈ બહાર જતું હોય ત્યારે તેને ‘ક્યાંકારો’ ન કરવો જોઈએ એવું મારાં બા-બાપુજીએ શીખવ્યું હતું અને એ પણ શીખવ્યું હતું કે ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછવાને બદલે ‘શીદ જાઓ છો’ એવું પૂછવું જોઈએ, પણ મને પાક્કું યાદ છે કે એ દિવસે મારાથી આવી ભૂલ થઈ હતી. પૂછી લીધા પછી મને ભાન થયું અને થયું પણ ખરું કે કદાચ હવે મોટા ભાઈ ગુસ્સે થશે, પણ એવું બન્યું નહીં અને મને મનહરભાઈએ કહ્યું, ‘લાયન્સ ક્લબનો એક કાર્યક્રમ છે, જેમાં મારી સાથે ગીતા દત્ત પણ ગાવાનાં છે. ફોન પર ગીતાજીએ હા પાડી છે એટલે ઍડ્વાન્સની ફૉર્માલિટી મારે પૂરી કરવા જવાની છે. એ બહાને અમે મળી પણ લઈશું અને કાર્યક્રમ વિશે વાત પણ કરી લઈશું.’
‘તારે મળવું છે ગીતા દત્તને?’
અચાનક તેમણે મને સામેથી જ આવું પૂછ્યું. તેમના આ સવાલની સાથે મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. એ સમયે હું રાજકોટમાં હતો અને રેડિયો પર આખો દિવસ ગીતાજીએ ગાયેલું ગીત વાગતું રહેતું,
‘વક્તને કિયા ક્યા હસીં સિતમ, તુમ રહે ન તુમ, હમ રહે ન હમ...’
એ સમયે સાંભળેલું આ ગીત મગજમાં જડાઈ ગયું હતું અને એણે દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ગીતમાં એટલું દર્દ હતું કે તમે એ સાંભળો ત્યાં જ દુનિયાભરનાં તમામ દુખ તમને ઘેરી વળે. ગીતા દત્તના અવાજની આ ખૂબી હતી, તાસીર હતી. તેમના અવાજમાં એક એવી વાત હતી કે એ અવાજ બધાથી નોખો તરી આવે. હું કહીશ કે આજે બધા ગાનારાઓ જોવા મળે છે, પણ ગીતાજીના અવાજની તોલે હજી સુધી કોઈ નથી આવ્યું.
‘હા, મારે આવવું છે.’
મેં તરત જ હા પાડી દીધી. ગીતાજીને મળવાનો આવો અવસર હું કેવી રીતે જવા દઉં. નાનપણથી તેમને સાંભળતા આવ્યા હોઇએ, જેમણે આટલાં સુંદર ગીતો આપ્યાં હોય તેમને મળવા જવાનું કેવી રીતે ટાળી શકાય?
મનહરભાઈએ મને ફટાફટ તૈયાર થવાનું કહ્યું એટલે હું તૈયાર થઈ ગયો અને પછી અમે બન્ને ભાઈઓ ગાડીમાં બેસીને પાલી હિલ પહોંચ્યા. એ સમયે ગીતાજી પાલી હિલમાં રહેતાં હતાં. અમે તેમના ઘરે પહોંચ્યા એટલે તેમના માણસે અમને સીટિંગ-રૂમમાં બેસાડ્યા અને ગીતાજી થોડી વારમાં આવે છે એવું કહીને તે અંદર ચાલ્યો ગયો.
મને હજી પણ યાદ છે કે ગીતાજી જોવા મળશે એ વાતથી હું એકદમ એક્સાઇટેડ હતો. મારું ધ્યાન એ સીટિંગ-રૂમમાં પડતા બધા દરવાજા તરફ હતું અને હું એકધારું જોતો હતો કે તેઓ કયા રૂમમાંથી બહર આવે છે. થોડી વાર પછી કૉટનની વાઇટ સાડીમાં ગીતાજી બહાર આવ્યાં. મનહરભાઈ તેમને મળ્યા, હું તેમને પગે લાગ્યો. મનહરભાઈએ પોતાની ફૉર્માલિટી પૂરી કરી અને તેઓ જેને માટે આવ્યા હતા એ એન્વલપ તેમને આપી દીધું. ગીતા દત્તે એ કવર હાથમાં લઈને બાજુમાં મૂકી દીધું અને પછી મહેમાનગતિની વાત થઈ. ચા-કૉફી અને કોલ્ડ ડ્રિન્ક્સનું તેમણે પૂછ્યું. અમે ફક્ત પાણી પીધું અને પાણી પીધા પછી અચાનક ગીતાજીનું ધ્યાન મારી તરફ ગયું. મનહરભાઈ પણ પારખી ગયા. તેમણે મારી ઓળખાણ કરાવીને કહ્યું કે આ મારો નાનો ભાઈ છે, અહીં કૉલેજમાં ભણે છે.
‘તુમ ભી ગાતે હો ક્યા?’
ગીતાજીએ મને સવાલ પૂછ્યો એટલે હું સહેજ થોથવાયો. તેમના જેવાં મહાન ગાયક આવો સવાલ પૂછે ત્યારે સ્વાભાવિક રીતે સહેજ બીક તો લાગે. એ બીક બીજી કોઈ વાતની નહીં, પણ આદરમાંથી જન્મી હોય છે.
‘શૌખ સે ગાતા હૂં મૈં, પર વૈસે તો પઢાઈ ચલ રહી હૈ તો જ્યાદાતર ઉસી મેં બિઝી હોતા હૂં?’
મારી બીજી વાત પર ધ્યાન આપ્યા વિના જ તેમણે બૂમ પાડીને હાર્મોનિયમ મગાવ્યું. માણસ આવીને હાર્મોનિયમ મૂકી ગયો એટલે ગીતાજીએ ફરી મારી સામે જોયું,
‘કુછ સુનાઓ તુમ. કહો ક્યા સુનાઓગે તુમ?’
એ સમયે હું થોડી ઘણી ગઝલ ગાતો, પણ મને જૂની ફિલ્મોનાં ગીતો ખૂબ ગમે. મુકેશજીનો હું બહુ મોટો ફૅન, ત્યારે પણ અને અત્યારે પણ. એ સમયે ‘કનૈયા’ નામની એક ફિલ્મ આવી હતી જેનું એક ગીત મને ખૂબ ગમતું,
‘મુઝે તુમ સે કુછ ભી ન ચાહિયે,
મુઝે મેરે હાલ પે છોડ દો...
મેરા દિલ અગર કોઈ દિલ નહીં,
ઉસે મેરે સામને તોડ દો...’
હાર્મોનિયમ લઈને મેં ગાવાનું શરૂ કર્યું.
જેમ-જેમ ગાતો ગયો એમ-એમ ગીતાજીના એક્સપ્રેશન ચેન્જ થવાનું શરૂ થયું. મેં હજી તો મુખડું શરૂ કર્યું અને પહેલો અંતરો પૂરો કર્યો ત્યારે તો તેમની આંખમાંથી આંસુની ધારા નીકળવાની શરૂ થઈ ગઈ. એ સમયે મારી ઉંમર માત્ર ૧૭ વર્ષની. તકલીફો જોઈ હતી, હેરાનગતિમાંથી પસાર થતા હતા, પણ એ બધી તકલીફો નહોતી જોઈ જેમાં દિલ તૂટવાની વાત આવતી હોય. દુનિયાદારીની દૃષ્ટિએ એમ તો હું નાદાન હતો અને એને લીધે જ દુનિયાની ઘણીખરી તકલીફોથી હું અપરિચિત હતો અને એવો કોઈ આ દુનિયાના સંબંધોનો અનુભવ પણ નહીં, પણ ગીતાજી તો જમાનાનાં ખાધેલાં અને અઢળક મોટી સફળતા પછી પણ તેમની પાસે કડવા અનુભવોનો બહુ મોટો ઢગલો હતો. ખબર નહીં, પણ કેમ, મારું ગીત સાંભળતાં-સાંભળતાં તેઓ લાગણીવશ થઈ ગયાં અને તેમની આંખમાંથી આંસુ બહાર આવી ગયાં. મેં ગીત પૂરું કર્યું એટલે આંસુ લૂંછીને તેમણે મને બહુ પ્રેમથી કહ્યું, ‘બેટા, તું ગાવાનું છોડતો નહીં. બહુ સરસ ગાય છે તું.’
તેમના જેવી વ્યક્તિ પાસેથી આવા સરસ ઍન્કરેજમેન્ટના શબ્દો નીકળે એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે. નીકળતી વખતે મેં તેમના આશીર્વાદ લીધા અને તેઓ છેક તેમના ઘરના દરવાજા સુધી અમને મૂકવા આવ્યાં. અંદર પાછાં જતાં પહેલાં ફરીથી તેમણે તાકીદ કરીને કહ્યું, ‘તું ગાવાનું છોડતો નહીં, ભગવાને તને અવાજ નહીં, સૂર આપ્યો છે અને ભગવાને આપેલી ભેટને જાણી લીધા પછી એને બહાર લાવવાનું કામ ન કરીએ તો એ ભગવાનનું અપમાન કર્યા સમાન ગણાય.’
ગીતાજી સાથેની એ મુલાકાત પહેલાં મને ગાવાનો શોખ હતો અને હું ગાતો પણ ખરો. લોકો વખાણ પણ કરતા અને એ વખાણને લીધે ગાવાના આ શોખને જાળવી પણ રાખ્યો હતો, પણ મનમાં એવું જરાય નહોતું કે હું ગાયક બનીશ. શોખને શોખ પૂરતો સીમિત રાખી મને તો સાયન્સના ક્ષેત્રમાં આગળ વધવું હતું, પણ એ દિવસે, ગીતાજીના શબ્દો સાંભળીને પહેલી વખત મારું ગાવાનું કામ શોખ સુધી જ અકબંધ હતું, પણ એ સાંજે ગીતાજીની ઘરેથી નીકળ્યા પછી પહેલી વખત મને સમજાયું હતું કે મારે ખરેખર આ કરીઅરની બાબતમાં પણ સાચી રીતે વિચારવું જોઈએ. ગીતાજી સામે ગીત ગાતી વખતે પણ શરીરમાં ઝણઝણાટી થતી હતી અને એ ઝણઝણાટી આજે પણ શરીરમાંથી એમ જ પસાર થઈ જાય જ્યારે આ પ્રસંગ યાદ આવે છે. આ પ્રસંગ પછી મેં મારા સિન્ગિંગ પર ધ્યાન વધારી દીધું અને એ સમયે આજના આ સમયનું ઘડતર શરૂ થયું અને એ પછીની વાત સૌકોઈની સામે છે. ગીતાજીની આ વાત કરતી વખતે અત્યારે પણ મેં તેમનું પેલું ‘કાગઝ કે ફૂલ’નું ગીત શરૂ કર્યું છે અને મારા બેડરૂમમાં એ વાગી રહ્યું છે...
‘બેકરાર દિલ ઇસ તરહ મિલે
જિસ તરહ કભી હમ જુદા ન થે
તુમ ભી ખો ગએ, હમ ભી ખો ગએ
એક રાહ પર ચલ કે દો કદમ
વક્તને કિયા ક્યા હસીં સિતમ
તુમ રહે ન તુમ, હમ રહે ન હમ...’

pankaj udhas guru dutt columnists