ફ્લાવરપૉટ આૅફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે

09 March, 2025 12:15 PM IST  |  Karnataka | Aashutosh Desai

કર્ણાટકના ગુંડલૂપેટેને આ ખિતાબ મળ્યો છે. કર્ણાટક અને કેરલાની બૉર્ડર પર આવેલા આ નાનકડા નગરમાં ફૂલોનું સામ્રાજ્ય છે

ગુંડલૂપેટે

ધારો કે કર્ણાટક અને કેરલાના સીમાંત વિસ્તાર તરફ તમારે ક્યારેક જવાનું થાય અને ધારો કે તમને પીળા, લાલ, જાંબલી જેવા અનેક રંગોની કુદરતી ચાદર ધરતી પર ફેલાયેલી નજરે ચડે; અરે ધારો કે એ ચાદર જોઈને તમારી નજરો અચંબિત થઈ જાય, હૃદય મઘમઘી અને મખમલી થઈ ઊઠે તો નક્કી સમજજો કે તમે કર્ણાટકના ગુંડલૂપેટે પહોંચી ગયા છો.

કર્ણાટક અને કેરલાની બૉર્ડર પર આવેલા આ નાનકડા નગરને ભારતના ફ્લાવરપૉટ તરીકે ઓળખવામાં આવે છે. ચામરાજનગર જિલ્લાનું મૈસૂરની નજીક આવેલું આ નગર ત્યાં ઊગતાં સૂરજમુખીઓ, ગલગોટાઓ અને એવાં બીજાં અનેક ફૂલોનાં વિશાળ ખેતરોને કારણે મશહૂર છે. અહીંના રહેવાસી ખેડૂતો ખૂબ મોટા પાયે ફૂલોની ખેતી કરે છે અને એને કારણે રસ્તાની બન્ને તરફ એવો જબરદસ્ત ખૂબસૂરત નઝારો બને છે કે બસ, આંખો જાણે એ જોતાં ધરાય જ નહીં. સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનાનો સમય આ શહેર માટે જાણે એક અનેરી વસંતનો સમય છે. ફૂલોના ખીલવાની આ મોસમ. આ ચાર મહિના દરમિયાન આખાય ગુંડલૂપેટેમાં ફૂલો જ ફૂલો ખીલેલાં દેખાય છે. આ ફૂલો માત્ર આ શહેરની શોભા વધારવા માટે ઉગાડવામાં આવે છે કે માત્ર શોખથી ઉગાડેલાં હોય છે એવું નથી. આ ફૂલો ગુંડલૂપેટેની સ્થાનિક અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે એમ કહો તો ચાલે. આ એકમાત્ર નાનકડા શહેરમાં ઊગતાં ફૂલો
ત્રણ-ત્રણ રાજ્યોનાં તાજાં ફૂલોની માર્કેટમાં માલ પહોંચાડે છે : કર્ણાટક, કેરલા અને તામિલનાડુ. આ ત્રણે રાજ્યોનાં ફૂલબજારમાં અને ત્યાંથી મંદિરોમાં કે ઘરોમાં ગુંડલૂપેટેનાં ફૂલો જ પહોંચે છે.

આ શહેરના ખેડૂતો એટલી સાવચેતી અને કાળજીપૂર્વક આ ફૂલોની ખેતી કરે છે કે હવે તો અનેક ખેડૂતો અહીંના ખેડૂતો પાસે ફૂલોની ખેતી શીખવા પણ આવે છે.

જો તમે ગુંડલૂપેટેને એના અત્યંત આહલાદક, નયનરમ્ય અને મેસ્મેરાઇઝિંગ લુકમાં જોવા માગતા હો તો શ્રેષ્ઠ સમય છે જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધીનો સમય. આ સમય ત્યાં જે-જે ફૂલોની ખેતી કરવામાં આવે છે એ બધાં જ ફૂલોનો ખીલી ઊઠવાનો સમય છે. માનો કે જાણે રસ્તાની બન્ને તરફ એ ફૂલો તમારા જ સ્વાગત માટે સજાવટની ચાદર પાથરીને પ્રતીક્ષામાં ઊભાં હોય એમ રંગબેરંગી માહોલ બનાવી છોડ પર લહેરાતાં હોય છે.

columnists karnataka india national news