ગરબા-કિંગ નૈતિક નાગડાની આ ફરિયાદનું શું કરવું બોલો?

13 May, 2020 01:28 PM IST  |  | Ruchita Shah

ગરબા-કિંગ નૈતિક નાગડાની આ ફરિયાદનું શું કરવું બોલો?

નૈતિક કહે છે, ‘અત્યારે જે કંઈ કરું છું એ આનંદ અને મજા માટે છે. કોઈ પ્રોફેશનલ અભિગમ સાથે નહીં, પણ પોતાના શોખ માટે થાય છે.

હિયાન અને ફિઓના એમ બન્ને બાળકોને નવડાવવાનાં, તેમને જમાડવાનાં, તેમને રમાડવાનાં, ઘરના ડૉગ હાઇફાઇનું બધું જ ધ્યાન રાખવાનું, આખા ઘરમાં પોતું મારવાનું અને બધાને સાંજની કૉફી પીવડાવવાની. છેલ્લા બે મહિનાથી ઘરકામની આટલી જવાબદારી નિભાવ્યા પછી પણ તેની મમ્મી ચેતનાબહેન અને વાઇફ ઈશિતાને તો એમ જ લાગે છે કે નૈતિક તો ઘરમાં કંઈ કામ જ નથી કરતો. છેલ્લા દાયકાઓ પછી ઘણા લોકો માટે પહેલી વાર એવો સમય આવ્યો છે જેમાં કામકાજની બધી ચિંતાઓ છોડીને ઘરે રહેવાનું છે. ઘરના લોકો સાથે એન્જૉય કરવાનું છે. ગરબા-કિંગ નૈતિક નાગડા માટે પણ આ સમય મજાનો છે. રિયાઝ કરવાનો તેને ભરપૂર સમય મળી રહ્યો છે. છ વર્ષના દીકરા હિયાન સાથે કેટલાક મ્યુઝિકલ વિડિયો બનાવીને પણ ફેસબુક પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. નૈતિક કહે છે, ‘અત્યારે જે કંઈ કરું છું એ આનંદ અને મજા માટે છે. કોઈ પ્રોફેશનલ અભિગમ સાથે નહીં, પણ પોતાના શોખ માટે થાય છે. સંગીત સાથે વધુ રહેવાનો સમય મળે છે તો સાથે ઘરની જવાબદારીઓ પણ થોડીક લઈ લીધી છે. આજ સુધી ક્યારેય નહોતાં કર્યાં એવાં કામો પણ કરી રહ્યો છું.’

જવાબદાર સભ્ય


અત્યારે હાઉસહેલ્પ માટે બહારથી કામવાળા કે કુક આવી નથી રહ્યા એટલે ભલભલી સેલિબ્રિટીએ હાથમાં ઝાડુ ઉપાડવાના દિવસો આવ્યા છે. સેલિબ્રિટી દ્વારા ઘરકામ કરતા વિડિયો પણ સોશ્યલ મીડિયા પર તમે જોયા હશે. નૈતિક પણ એમાંથી બાકાત નથી. તે કહે છે, ‘મારાં દીકરા અને દીકરીનું સંપૂર્ણ ધ્યાન મારે રાખવાનું છે. એ લોકો સવારે ઊઠે ત્યારે તેમને બ્રશ કરાવવાથી લઈને તેમને નવડાવવાનાં, જમાડવાનાં અને તેમનો ટાઇમપાસ કરાવવાની જવાબદારી મારી છે. બાળકોને ગમે એવી બોર્ડ ગેમ્સ તેમની સાથે રમું છું તો ક્યારેક તેમનું નૉલેજ વધે એવી મોટાઓની ગેમ્સ પણ રમું છું. આટલો બધો સમય બાળકો સાથે માણવા મળશે એની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અમારું બૉન્ડિંગ વધી રહ્યું છે. અમારી પાસે એક ડૉગ છે હાઇફાઇ. એનું પણ અત્યારે બધું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે. એ સિવાય ઘરમાં પોતું મારવાની અને સાંજે કૉફી, મિલ્કશેક અથવા મૉકલેટ જેવું કોઈ પણ સિમ્પલ ડ્રિન્ક બનાવીને બધાને પીવડાવવાની જવાબદારી પણ મને સોંપાઈ છે. એ સિવાય સ્ટુડિયો પરથી બધાં જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવ્યો છું એથી બાકીના સમયમાં રિયાઝ કરું છે. હું રેગ્યુલરલી જે કામ ઘરમાં કરતો હતો એના કરતાં ઍવરેજ અત્યારે વધારે જ કામ કરું છું છતાં મારી મમ્મી અને વાઇફને તો એમ જ લાગે છે કે હું ખાસ કોઈ કામ નથી કરતો.’
એ સિવાય ક્યારેક કિચનમાં ચા અને મૅગી બનાવવાનો મોકો પણ નૈતિકને મળી જાય છે. વચ્ચે એક વાર ચીઝ ચિલી ટોસ્ટ સૅન્ડવિચ પણ તેણે બનાવેલી.

આ કામ પણ પતાવ્યું

નૈતિક નાગડા પાસે સ્ટેજ પ્રોગ્રામમાં પહેરાતા લગભગ ૧૫૦થી વધુ ડ્રેસ હતા. આ બધા ડ્રેસમાંથી કયા રાખવા અને કયા ન રાખવા એને જોવાનું કામ ઘણા લાંબા સમયથી લંબાયેલું હતું. નૈતિક કહે છે, બે આખા વૉર્ડરોબ અને એક આખો બેડ આ ડ્રેસથી ભરેલા હતા. સમય મળે તો આ બધું ચેક કરીને ન પહેરતો હોઉં એવા ડ્રેસ બાજુ પર મૂકવાનું કામ છેલ્લા ઘણા સમયથી લંબાઈ ગયું હતું. જોકે આ વખતે સમય મળ્યો અને ત્રણ દિવસ આ જ કામમાં લાગી ગયો. લગભગ ચાલીસેક ડ્રેસ બાજુ પર મૂકી દીધા જે હવે કોઈને આપી દઈશ. આ એક કામ પત્યું તો પણ લાગ્યું કે જાણે બહુ જ મોટો ભાર દૂર થઈ ગયો.’

કદાચ નવરાત્રિ આવી હોઈ શકે!

આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે આ કોરોનાનો પ્રકોપ પૂરો થાય. લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે એમ જણાવીને આ વખતની નવરાત્રિ વિશે નૈતિક કહે છે, ‘હજી તો નવરાત્રિને થોડોક સમય છે અને જો પરિસ્થિતિ કાબૂમાં આવી જાય તો કદાચ નવરાત્રિના પ્રોગ્રામો થાય પણ ખરા. જોકે લૉકડાઉન પૂરું થયા પછી પણ જો નવરાત્રિ યોજાશે તો કેવી હશે એની કલ્પના કરું છું તો મને બધા માસ્ક પહેરીને ગરબા રમતા હશે એવું દેખાય છે. ઇન ફૅક્ટ, સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલા લગભગ ચાલીસેક જેટલા આર્ટિસ્ટો પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મોઢા પર માસ્ક અને હાથમાં ગ્લવ્ઝ પહેરીને બેઠા હશે. ગ્રાઉન્ડ પર સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા રમાતા હશે. એન્ટ્રી ગેટ પાસે તમારા પાસ સાથે ટ્રેમ્પરેચર ચેક થતું હશે અને તમને આખા સૅનિટાઇઝ કરનારાં સ્પ્રે મશીન લગાવવામાં આવ્યાં હશે. આ વખતની નવરાત્રિ થઈ તો પણ એ બાકીની નવરાત્રિઓ કરતાં જુદી હશે.’

dhollywood news ruchita shah columnists