✕

મર્દાનગી કોણ નક્કી કરશે?

04 October, 2026 07:03 PM IST  |  Mumbai | Raam Mori

મારી અંદર તમે અને તમારો પ્રેમ અકબંધ છે. મનની અંદર જે આગળિયો દઈને બેસી ગયા છો એને ખોલો.

ઇલસ્ટ્રેટર

હેલો વિવેક,

હું નિકિતા. તમારી પત્ની આજે તમારી પાસે પહેલી વાર કશુંક માગી રહી છે, ના ન પાડશો. પ્લીઝ, એકદમ નૉર્મલ થઈ જાઓ. તમને આ રીતે આખો દિવસ ઊખડેલા-ઊખડેલા, મૂડલેસ અને ક્યાંય કોઈ સાથે વાતો ન કરતા જોવા એ મારા માટે કાળા પાણીની સજા હોય એવું મને લાગે છે. આ હું લખી રહી છું ત્યારે મને રડવું આવે છે, કેમ કે જ્યારથી હું સાસરિયે આવી ત્યારથી લઈને અત્યાર સુધી આ પાંચ વર્ષમાં આ ઘર મને જેટલું પારકું નથી લાગ્યું એટલું અજાણ્યું અત્યારે તમારા આ મૂડને કારણે લાગે છે. તમે વાત નથી કરતા, રૂમમાં પુરાઈ રહો છો, માથા પર હાથ દઈ આંખો બંધ કરીને બેડ પર સૂઈ રહો છો, જમવા નથી આવતા, આખી રાત ખુલ્લી આંખે છતને જોયા કરો છો, શેવિંગ નથી કરાવતા, કલાકો સુધી બાથરૂમમાંથી બહાર નથી નીકળતા. કોઈના ઘરે લગ્નપ્રસંગમાં કે પાર્ટીમાં જવાનું માંડી વાળ્યું છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમારી કોઈ લાઇક, સ્ટોરી કે સ્ટેટસ દેખાતાં નથી. આ બધું કોના માટે વિવેક? આવું બધું કરીને તમે મને સજા આપી રહ્યા છો. આખી વાતમાં જાણે મારો વાંક હોય એવું મને લાગે છે. વિવેક, હું બધું સહન કરી શકું પણ તમારા અબોલા નહીં. હું તમને પરણીને આ ઘરમાં આવી છું. તમારો હાથ પકડીને અગ્નિની સાક્ષીએ ૭ વચન આપ્યાં છે. તમારા ખભે માથું મૂકી મેં મારા બધા પ્રશ્નો શમાવી દીધા છે અને હવે તમે એવી રીતે વર્તી રહ્યા છો કે હું કોઈને ઓળખતો નથી અને મારે કોઈને ઓળખવા નથી. આ તો કેવી રીતે ચાલશે? તમારા સુખમાં જો મારો બરોબરીનો હિસ્સો હોય તો તમારા દુ:ખમાં પણ હું બરોબરની ભાગીદાર છું. તમારા હરખમાં હું હિસ્સેદાર હોઉં તો તમારા સંતાપનો તાપ ખાવા પણ હું અધીરી છું જ. મારે તમને કોઈ રાજા રામ નથી થવા દેવા, કેમ કે રાજા રામ થઈને પણ બળતરા તો સીતાના ભાગે જ વધારે આવેલી. તમને થશે કે નિકિતા ફરી અત્યારે નારીવાદની વાતો લઈને બેસી ગઈ, પણ શું કરું વિવેક... અરીસામાં જોઈને તૈયાર થઈ શકાય, એમાં જોઈને એકલા-એકલા બોલ-બોલ ન કરી શકાય. મારી એકલતા મને અંદરથી કોરી ખાય છે. તમારી આ રીસ કોના માટે છે? આઇ નો, હું જાણું છું કે તમારો આ ગુસ્સો તમારા પોતાના માટે જ છે, તમારા પોતાના પર જ છે; પણ વિવેક, મને એમ કહો કે આ જે કંઈ થયું એમાં તમારો દોષ ક્યાં છે?  વિવેક, ટ્રસ્ટ મી. મને કોઈ જ ફરક નથી પડ્યો. તમારા માટેની મારી કોઈ ફીલિંગ્સ નથી બદલાઈ. શું એક રિપોર્ટનું કાગળિયું નક્કી કરશે કે તમે મર્દ છો કે નહીં? વિવેક, તમારામાં શુક્રાણુઓ ઓછા છે, સંવેદનાઓ નહીં. શુક્રાણુઓની સંખ્યા નક્કી કરશે કે તમે યોગ્ય છો કે નહીં?

મેં તો તમને પહેલાં પણ ના જ પાડી હતી વિવેક કે મારે કોઈ રિપોર્ટ નથી કરાવવા. તમને તાલાવેલી હતી કે જોઈ લઈએ શું પ્રૉબ્લેમ છે. હું તમને સારું લગાડવા નથી કહેતી, પણ હું ખરેખર કોઈ પણ પ્રકારના રિપોર્ટમાં ઇન્ટરેસ્ટેડ નહોતી. મેં તમને એક પણ વખત એવું નહોતું કહ્યું કે વિવેક, હવે મને બાળક જોઈએ છે. ઘરના બધા લોકો સતત એવું કહેવા લાગ્યા હતા કે ‘લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં... હવે કંઈક વિચારો.’ આ કંઈક વિચારો પછી મેં ક્યારેય નહોતું વિચાર્યું, પણ તમે જાણે કે સતત વિચારતા રહેતા. મને યાદ છે કે એ રાત્રે તમે મને કહેલું કે ‘નિકિતા, આપણે પ્રિકૉશન લેવાનું બંધ કર્યું એ વાતને ૬ મહિના થયા. બધું બરાબર છેને? તને એવું નથી થતું કે તારે પ્રેગ્નન્સી ચેક કરાવવી જોઈએ?’ હસી પડેલી હું. તમારા વાંકડિયા વાળમાં આંગળીઓ ફેરવતાં હું બોલેલી કે ‘મારા ભોળા ઘરવાળા, આ કંઈ તાવ-શરદી નથી કે ખબર પણ ન પડે... ખબર પડી જ જાય...’ મને યાદ છે, એ પછી તમે સમયાંતરે મને સતત પૂછતા રહેતા કે ‘નિકિતા, કશું લાગે છે... કંઈ લાગે છે?’ હું તમને સતત ના પાડતી રહેતી પણ વિવેક, મને શું ખબર કે મારી આ સતત ના તમારા માથા પર હાવી થઈ રહી છે. તમે જ્યારે રિપોર્ટની વાત કરી ત્યારે જ મેં તમને અટકાવ્યા હતા કે ‘વિવેક, આ બધું કોના માટે કરી રહ્યા છો. તમને ખબર છે કે મને તો હજી બાળક જોઈતું નથી. તમે પણ મને સતત કહેતા કે નિકિતા, લગ્નનાં ૭-૮ વર્ષ આપણે બેબી પ્લાન નહીં કરીએ... આપણી ઉંમર, સપનાં, ફ્યુચર પ્લાન... અને હવે તમને અચાનક આ શું થઈ ગયું... પ્રિકૉશન લેવાનું તમે બંધ કર્યું ત્યારથી મારા મનમાં આ બધું ચાલી રહ્યું છે.’ એ દિવસે મારો હાથ પકડીને કહેલું કે ‘નિકિતા, બહું થયું. હવે કંટાળો આવે છે. આપણી પાસે વાતો કરવા માટે કોઈ ટૉપિક પણ નથી, ઝઘડવા માટે કોઈ મુદ્દાઓ પણ નથી. હવે બાળક જોઈએ છે.’ આટલું બોલતાં તો તમારી આંખો ભરાઈ આવી. હું બધા વિચારો ખંખેરીને ઊભી થઈ ગઈ કે ‘ચલો, અત્યારે ને અત્યારે જ હૉસ્પિટલ જઈએ.’ એનું પરિણામ જુઓ, તમારી લાંબી ચુપકીદી આવ્યું. વિવેક, એવો કોઈ પહાડ નથી તૂટી પડ્યો કે તમારે બધાથી આમ મોઢું સંતાડતા ફરવું પડે. કમ ઑન યાર, એ શુક્રાણુઓ છે, શ્વાસ નહીં કે તમારું જીવવું કપરું થઈ જાય.

એક વાત મને બિલકુલ સમજાતી નથી કે તમે આમ સાવ ચૂપ કેમ થઈ ગયા?  કોઈ સાથે વાતો ન કરવાથી, ઘરમાંથી બહાર ન નીકળવાથી, શેવિંગ ન કરવાથી શુક્રાણુઓ શરીરમાં વધી જશે? અને એક મિનિટ, તમને આજકાલ આ મર્દ હોવાની જાણે સાબિતી વારંવાર આપવાની હોય એમ વાતે-વાતે મારા પર ગુસ્સો કરો છો, બધાની હાજરીમાં બૂમો પાડો છો. તમે સાબિત શું કરવા માગો છો? એમ કે તમે આ બધું કરી શકો છો અને હું તમારાથી ડરું છું એટલે તમે મર્દ સાબિત થઈ ગયા એમ? વિવેક, તમને આ સૂટ નથી થતું. યાદ છે એક દિવસ તમે ઑફિસમાંથી કોઈ બીજાનાં શૂઝ પહેરીને આવી ગયેલા અને પછી તમે મને કહેલું કે ‘નિકિતા, આ બીજાનાં શૂઝ છે... યાર, બાય મિસ્ટેક પહેરી લીધાં છે, મને બિલકુલ સૂટ નથી થતાં.’ બસ, તમે એ શૂઝવાળી ઘટના જ અત્યારે દોહરાવી રહ્યા છો. વિવેક, આ ગુસ્સે રહેવાનું, બૂમો પાડવાનું, કોઈ સાથે વાત નહીં કરવાની, શેવિંગ નહીં કરાવવાની આ બધું મને એવું લાગે છે જાણે તમે કોઈક બીજાનાં શૂઝ પહેરીને આવી ગયા છો. આ તમારું નથી. સ્ટૉપ ઇટ પ્લીઝ. હું તો એમ કહું છું વિવેક કે તમારે કોઈને સાબિતી આપવાની જરૂર જ શું છે કે તમે મર્દ છો કે નહીં? હું તમારી પત્ની છું. મને કોઈ પ્રશ્ન કે શંકા નથી તો પછી તમારે જગત પાસે સર્ટિફિકેટ લઈને શું કરવું છે? હું તો કહું છું કે મર્દાનગી નક્કી કોણ કરશે? હું અત્યારે આ લખી રહી છું એ ગુસ્સાથી લખી રહી છું, ખરાબ લાગે તો માફી નહીં માગું... હું એમ કહું છું કે શું મર્દાનગી ચાર ઇંચથી જ નક્કી થશે? જો એ રીત અને સાઇઝ હોય તો પુરુષોની મર્દાનગી બહુ નાની કહેવાય.

વિવેક, તમે બહુ સમજદાર છો. તમે મર્દની વ્યાખ્યાને કોઈ નાના કોચલામાં પૂરી ન દો. પેઢી તો કૂતરા-બિલાડા પણ જણી લે છે, એથી કંઈ એ મર્દ નથી સાબિત થતા. મર્દ એ છે જે પોતાની સ્ત્રીની ન કહેવાયેલી વાતોને પણ સમજી શકે. તે નામાં રહેલી હા અને હામાં રહેલી નાને સમજી જાય. પોતાની પત્ની, મમ્મી, બહેન કે બીજી કોઈ પણ સ્ત્રી હોય તેને નહીં તેના સ્વમાનને પ્રોટેક્ટ કરે. સ્ત્રીઓની આવડતોને તેમની મજબૂરી નહીં, શક્તિ સમજે. દરેક વસ્તુ અને વ્યક્તિ પર પોતાનો અધિકાર નહીં, જવાબદારી સમજે. મર્દ એ છે જે દરેકને સમ્માન આપી શકે, લાગણીઓની કદર કરી શકે. સંબંધો તોડી તો બધા જાણે, મર્દ તો સંબંધો સાચવી જાણે. કોઈની પીઠ તોડીને પરિસ્થિતિ તો સૌ સંભાળી શકે, પીઠ થાબડીને-પંપાળીને પરિસ્થિતિ સંભાળે તે મર્દ. મર્દ હોવાપણા સાથે બેફિકરાઈ નહીં, જવાબદારીઓ જોડાયેલી છે. ટ્રસ્ટ મી વિવેક, આ બધું તમારામાં છે તો કોઈ શુક્રાણુઓ કે સાઇઝનું સર્ટિફિકેટ નક્કી નહીં કરી શકે કે તમે મર્દ છો કે નહીં!

હું તમને પ્રેમ કરું છું અને એટલે મન મોટું રાખીને તમને સ્વીકારી રહી છું એવી કોઈ વાત નથી વિવેક. બે લોકો સાથે જોડાય છે અને આખી જિંદગી સાથે રહેવાનું નક્કી કરે છે. પછી કોણે શું કર્યું, કોણે કેટલું જતું કર્યું અને કોણ કેટલું પામ્યું એ ગણતરી ત્યાં જ એ ક્ષણે પૂરી થઈ જાય છે. સાથે જીવન જીવવાની કોઈ બ્લુપ્રિન્ટ નથી હોતી. સમય કસોટી કરે છે, આવી અઘરી પરિસ્થિતિઓ ઊભી કરે છે; પણ આપણે એકબીજાનો હાથ પકડીને આમાંથી પસાર થઈ જવાનું છે. તમે તો બેસી પડ્યા છો. હજી સાથે રહીને આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે. ટ્રસ્ટ મી વિવેક, ફૉર મી બાળક બહુ મોટી વાત નથી. મારા માટે તમારી ખુશીઓથી વધુ અગત્યનું કશું જ નથી. જે બાળક આવ્યું જ નથી તેની હાજરી કે ગેરહાજરીની બળતરામાં તમારું હોવાપણું હું કેવી રીતે ગુમાવી શકું ? તમને બાળક જોઈએ છેને વિવેક? આપણે અડૉપ્ટ કરી લઈશું. બહુબધાં એવાં બાળકો છે જેમને યોગ્ય આંગળીઓની જરૂર છે. ઝાલી લઈશું કોઈ આંગળી. એકબીજાના સહારે આખી જિંદગી છાંયડો બની જશે. પણ તમે આમ એકલતાની જેલમાંથી બહાર આવો પ્લીઝ. હું તમને પહેલાં પણ પ્રેમ કરતી હતી અને આગળ પણ કરીશ. મારા માટે તમે મારા વિવેક છો અને મારા વિવેક જ રહેવાના. કોઈ રિપોર્ટ કે પરિસ્થિતિ મારી અંદર તમારા માટેની જે લાગણીઓ છે એમાં એક દોરો સમાય એટલી જગ્યા પણ નહીં કરે. મારી અંદર તમે અને તમારો પ્રેમ અકબંધ છે. મનની અંદર જે આગળિયો દઈને બેસી ગયા છો એને ખોલો.

ઘરે કોઈ નથી. બધા લગ્નમાં બહાર ગયા છે. હું ગરમાગરમ ચાના બે કપ લઈને અગાસી પર ગઈ છું. થોડો ગરમ નાસ્તો પણ લેતી આવી છું. સાંજ થવા આવી છે. અગાસી પર આવી જાઓ. તમારું ફેવરિટ ગીત વાગી રહ્યું છે... રફી અને લતાના અવાજમાં... સૌ સાલ પહલે મુઝે તુમસે પ્યાર થા, આજ ભી હૈ ઔર કલ ભી રહેગા... હું આંખો બંધ કરીને રિપીટ મોડ પર વારંવાર સાંભળી રહી છું... તમે આવી જાઓ... આપણી સાંજ સુધારી લઈએ... એક મિનિટ, ઝડપ કરજો... ચા ઠરી જાય તો ફરી ગરમ નહીં કરું હા!

તમારા એકલાની... બીજા કોઈની નહીં એવી નિકિતા

columnists Raam Mori gujarati mid day lifestyle news life and style