સમયદ્વીપ ભગવદ્ગીતા

04 December, 2022 07:13 PM IST  |  Mumbai | Kana Bantwa

અવ્યય, અજર એવા જીવતા વિચારોએ આ વિશ્વને સુંદર, જીવવાયોગ્ય બનાવ્યું છે: શ્રીકૃષ્ણે પ્રબોધેલી ગીતા સમયના વહેણની સાથે વહેવા સક્ષમ છે એટલે જ દરેક સમયમાં પ્રસ્તુત રહે છે

સમયદ્વીપ ભગવદ્ગીતા

ગીતા જીવંત વિચારધારા છે જે સમયની મર્યાદાને ઓળંગી ગઈ છે. સમય તેને ભૂતકાળ બનાવવા સમર્થ નથી. તે સમયની સાથે વહેવા સક્ષમ છે. ગીતા પાંચ હજાર વર્ષથી દરેક પેઢીને કશુંક નવું, કશુંક અર્થપૂર્ણ આપતી રહી છે. સમયની સાથે ચાલવું નહીં, ઊડવું પડે છે.

શ્રીમદ્ ભગવદ્ગીતા સમયની નદી પર તરતો જીવંત દ્વીપ, ટાપુ છે. એ એક સમયખંડમાં અટકી ગયેલી નથી, સમયના વહેણની સાથે સતત તરતી રહે છે અને એથી સદાય વર્તમાનમાં રહે છે. ક્યારેય ભૂતકાળમાં જતી નથી, ભૂતકાળ બનતી નથી. હા, ક્યારેક ભવિષ્યમાં ડોકિયું જરૂર કરી આવે છે, વહેણની આગળ નીકળી જાય છે એટલે જ ગીતા ભવિષ્યનો ધર્મગ્રંથ છે. જેમ-જેમ સમય વહેતો જાય છે તેમ-તેમ ગીતા વધુ ને વધુ સાંપ્રત-સુસંગત બનતી જાય છે. શનિવારે જ ગીતાજયંતી હતી એટલે થોડી હટકે ચર્ચા ભગવદ્ગીતાની કરીએ.
  મોટા ભાગનું ચિંતન, વિચારો જે તે સમયમાં રિલેવન્ટ, પ્રસ્તુત, પ્રાસંગિક, સમયોચિત હોય છે, પણ જેમ-જેમ સમય વીતતો જાય છે તેમ-તેમ આ વિચારો જૂના થતા જાય છે, જગત આગળ નીકળી જાય છે, તે ચિંતન ભૂતકાળમાં ફસાઈને ત્યાં જ રહી જાય છે. તેની પ્રસ્તુતતા ઘટતી જાય છે, અપ્રાસંગિક, અસંગત બનતા જાય છે. તેની જડતા ઉઘાડી પડતી જાય છે. તેનાં છિદ્રો વધુ ઉજાગર થાય છે. તેની નબળાઈઓ સામે આવવા માંડે છે. તેની મર્યાદાઓ સ્પષ્ટ થઈ જાય છે. અંતે આ વિચારો-ચિંતન બિનઉપયોગી બની જાય છે, ક્ષીણ થઈ જાય છે, ભુલાઈ જાય છે, પણ જે વિચારો સમયના વહેણની સાથે ચાલી શકે એટલા નિત્ય, શાશ્વત હોય તે સમય જતાં ધર્મ બની જાય છે, જીવનનો માર્ગ બની જાય છે, સામાજિક નિયમો બની જાય છે. સમયની સાથે તે નીખરે છે, પ્રસ્તુત રહે છે, કાલજયી બની જાય છે. સમયની થપાટો તેને ક્ષીણ કરી શકતી નથી. વિચારોની સુસંગતતા, રિલેવન્સ તેને જીવંત રાખે છે. અવ્યય, અજર એવા જીવતા વિચારોએ આ વિશ્વને સુંદર, જીવવાયોગ્ય બનાવ્યું છે, માનવીને પશુતાથી ઉઠાવીને પ્રબુદ્ધતા સુધી પહોંચાડ્યો છે. જે વિચારો એક સમયખંડ માટે પ્રસ્તુત હતા પણ તે પછીના સમય માટે જે બંધબેસતા નહોતા તેને જગતમાંથી આપમેળે જ જાકારો મળ્યો છે. કાર્લ માર્ક્સનો સામ્યવાદનો વિચાર તે સમયે સુસંગત હતો એટલે તેણે વિશ્વના બહુ મોટા સમુદાયને પોતાની તરફ આકર્ષિત કર્યો હતો, પરંતુ સમય જતાં આ વિચારધારાની ખામીઓ સામે આવી. એના અમલમાં પડનારી મુશ્કેલીઓ સામે આવી અને એ વિચારધારા ક્ષીણ થઈ ગઈ. હજુ પણ સામ્યવાદ સદીઓ સુધી અમુક મર્યાદિત સમુદાયને આકર્ષતો રહેશે, પણ જે જુવાળ માર્ક્સે દાસ કૅપિટલ લખ્યું તે સમયે હતો તે પરત નહીં આવે. દર્શનશાસ્ત્રમાં, ધર્મમાં એવી ઘણી વિચારધારા આવી જે તત્કાલીન સમયમાં ઉપયુક્ત હતી, જરૂરી હતી, બંધબેસતી હતી પરંતુ એ વિચારધારા ભવિષ્યમાં ટકી રહી શકે એટલી મજબૂત નહોતી. ભારતમાં એક સમયે નિરીશ્વરવાદ, વામમાર્ગ વગેરેની બોલબાલા હતી. બૌદ્ધ અને જૈન ધર્મ પણ એક સમયે બહુ મોટા પાયે વિકસ્યા હતા. આજે ભારતમાં જૈન ધર્મ મર્યાદિત સમૂહમાં છે. બૌદ્ધ ધર્મ પણ મર્યાદિત ચોકઠામાં છે. એ જ બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધના નિર્વાણનાં ઘણાં વર્ષો પછી બૌધિધર્મ દ્વારા ચીનમાં પ્રસરાવવામાં આવ્યો અને આજે પણ ચીન-જપાનમાં બૌદ્ધ ધર્મ પ્રવર્તે છે.
ગીતા જીવંત વિચારધારા છે જે સમયની મર્યાદાને ઓળંગી ગઈ છે. સમય તેને ભૂતકાળ બનાવવા સમર્થ નથી. તે સમયની સાથે વહેવા સક્ષમ છે. ગીતા જીવંત ટાપુ છે, એવો જીવંત ટાપુ જે સમયની નદીમાં તેના પ્રવાહની સાથે વહેતો રહે છે, એ જમીનનો નિર્જીવ ટુકડો નથી, જેમાં જીવંતતા હોય તે જ સતત નવું આપતાં રહીને સમયને માત આપી શકે. ગીતા પાંચ હજાર વર્ષથી દરેક પેઢીને કશુંક નવું, કશુંક અર્થપૂર્ણ આપતી રહી છે. સમયની સાથે ચાલવું નહીં, ઊડવું પડે છે. કાળ સાથે સ્પર્ધા સહેલી નથી હોતી. ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાને પોતાને કાળ ગણાવ્યા છે. કાસોસ્મિ અહં લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો. હું કાળ છું, લોકોનો નાશ કરવા વૃદ્ધિ પામેલો છું. જે સ્વયં કાળ હોય એ જ સમયને પરાજિત કરવા સમર્થ એવું શાશ્વત્ જ્ઞાન આપી શકે. સમય સાથે ચાલવા માટે સરળ, સહજ હોવું પણ જરૂરી છે. ગીતામાં જ્ઞાનનો ભંડાર છે છતાં તે ભારેખમ નથી. કૃષ્ણે ગહન જ્ઞાન બહુ જ સરળ, રસાળ, કાવ્યાત્મક અને લોકભોગ્ય ભાષામાં આપ્યું છે. એમાં ઉપમાની ચમત્કૃતિઓ જરૂર છે, પણ આલંકારિકતાનો આડંબર નથી. પાંડિત્યનો દેખાડો નથી છતાં રચનાકારની સિદ્ધહસ્ત કવિ હોવાની પ્રતીતિ તે અવશ્ય કરાવે છે. કૃષ્ણે ગીતામાં જ પંડિતોને તો આડે હાથ લીધા છે અને તેમના માટે વેદવાદરતા એવો શબ્દ વાપર્યો છે. ગીતાની સરળતા, રસાળતા અને સહજતાને લીધે તે દરેક યુગમાં લોકોના હૃદયની નજીક રહી છે. વિશ્વની લગભગ તમામ ભાષામાં તેનાં ભાષાંતર અને ભાષ્ય થયાં છે અને દરેક ભાષા, દરેક સમાજ, દરેક ધર્મના વાચકને તેણે સમાન અપીલ કરી છે. ગીતા ધર્મથી પર છે. તે ખરે જ ધર્મનિરપેક્ષ છે. કૃષ્ણ ગીતામાં કોઈ ચોક્કસ ધર્મની તરફેણ નથી કરતા કે નથી ગીતામાં પોતાનો કોઈ પંથ કંડારતા. ગીતા ધર્મગ્રંથ નથી, કર્મગ્રંથ છે. ગીતા ધાર્મિક આડંબરોનો તો વિરોધ કરે છે. તે ક્રિયાકાંડનો પણ વિરોધ કરે છે. યજ્ઞની તરફેણ કરે છે ખરા, પણ એ તરફેણ પણ તેઓ જ્ઞાનયજ્ઞની સર્વોચ્ચતા સાબિત કરવા માટે જ કરે છે. દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ ચડિયાતો છે તેમ ચોથા અધ્યાયના તેંત્રીસમા શ્લોકમાં કહેનાર કૃષ્ણ તે પછી જ્ઞાનની પ્રતિષ્ઠા કરતાં મહાવાક્યો ઉચ્ચારે છે છતાં શુષ્ક જ્ઞાનની તેઓ તરફેણ નથી કરતા. કોરા જ્ઞાનથી વિતંડાવાદ કરનાર પંડિતોને તેઓ ઠમઠોરે છે. વાણીને શણગારીને, શબ્દોનો કઠારો કરીને ભાષા પ્રયોજતા આવા વિતંડાવાદી પંડિતોની ભાષાને કૃષ્ણ ‘પુષ્પિતાં વાચ’ આડંબરયુકત છોગાં લગાડેલી ભાષા કહે છે.
અર્જુનમાં રહેલા દ્વંદ્વ કૃષ્ણ મનુષ્યમાત્રમાં રહેલાં દ્વંદ્વ સાથે એટલી સહજતાથી જોડી દે છે કે અર્જુન માટેનો ઉપદેશ માનવજાતિ માટેનો શાશ્વત ઉપદેશ બની જાય છે. તેઓ અર્જુનને માત્ર યુદ્ધ માટે જ તૈયાર કરતા નથી, જીવન માટે પણ સજ્જ કરે છે. ઉપનિષદ અને વેદાંતના જ્ઞાનના ગહન સમુદ્રમાંથી કૃષ્ણ એક એવી અંજલિ ગીતારૂપે ભરે છે જે આ સમગ્ર જ્ઞાનના અર્કરૂપ છે. ક્યાંક ઉપનિષદના શ્લોકો લગભગ યથાતથ આવે છે, ક્યાંક ઉપનિષદના વિચારો પડઘાય છે છતાં ગીતાની મૌલિકતાને જરાય આંચ નથી આવતી. ઉપનિષદમાંથી કૃષ્ણે હંસની જેમ નીરક્ષીર વિવેક કરીને પોતાને જરૂરી હતું તે જ્ઞાન જ ઉઠાવ્યું છે, બધું જ ઉપાડી લીધું નથી. કૃષ્ણની ગીતા વેદાંતના જ્ઞાન અને પોતાના વિશાળ અનુભવનું અદ્ભુત મિશ્રણ છે. કૃષ્ણનું જીવન ગીતામાં પડઘાય છે અને ગીતા કૃષ્ણના જીવનમાં પ્રતિબિંબિત થાય છે. ગીતામાં કૃષ્ણે જે કહ્યું છે તે તેમણે અગાઉ પોતાના જ જીવનમાં તાવી જોયું છે, ચકાસી જોયું છે. જે અનાસક્તિની કૃષ્ણ વાત કરે છે એ અનાસક્તિ કૃષ્ણમાં માત્ર તેર વર્ષની ઉંમરે વૃંદાવન, ગોપીઓ, ગોપાલો અને માતા-પિતા નંદ અને યશોદાને છોડતી વખતે જ દેખાઈ ગઈ હતી. નિષ્કામ કર્મ કરવાનો ઉપદેશ કૃષ્ણે કંસને માર્યા બાદ સમગ્ર રાજ્ય કંસના પિતા ઉગ્રસેનને સોંપીને જીવી બતાવ્યો હતો. ધર્મ માટે સ્વજનોને મારવાનો ઉપદેશ આપ્યા પહેલાં કૃષ્ણ આ જ કામ કંસ, શિશુપાલ વગેરેના કિસ્સામાં કરી ચૂક્યા હતા અને જીવનના છેલ્લા પડાવે પોતાના જ પ્રિય બાંધવો એવા યાદવોનો યાદવાસ્થળીમાં સંહાર કરતી વખતે પણ કર્યું હતું. ગીતાનો દરેક ઉપદેશ કૃષ્ણ કાં તો જીવ્યા છે અથવા કસોટી કરીને તપાસી ચૂક્યા છે. પરબ્રહ્મ પરમેશ્વર વિશેની કૃષ્ણની અદ્ભુત વિભાવના લો કે ત્રણ ગુણ, સત્ત્વ રજસ અને તમસના પ્રકૃતિ સાથેના મિલનથી તેમણે આપેલો સૃષ્ટિની અદ્ભુત વૈવિધ્યસભરતા અને દરેક માણસના સ્વભાવ અલગ-અલગ શા માટે છે એ કોયડાનો ઉત્તર લો, કૃષ્ણની મૌલિકતા દરેકમાં ઊભરી આવે છે. સંભવામિ યુગે યુગે કહીને માનવજાતને આશ્વાસન આપનાર શ્રીકૃષ્ણની ગીતાના પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે, પણ મારી સલાહ એવી છે કે માત્ર પઠન ન કરશો, સમજવાની કોશિશ કરજો. ગીતા પઠનનો નહીં, સમજવાનો, જીવનમાં ઉતારવાનો ગ્રંથ છે.

columnists kana bantwa