21 January, 2024 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘આ ચહેરો બહુ જાણીતો લાગે છે...’ હડસન રિવર-વૉકવે પર સામેથી એક ચહેરો નજીક આવી રહ્યો હતો. ‘આ ચહેરો કેમ આટલો જાણીતો લાગે છે? સાવ ક્યાંક જોયો હોય એમ નહીં, પણ બહુ જાણીતો લાગે છે.’ શૈલેશભાઈ વિચારમાં પડ્યા,‘તે વૉક કરે છે. ટર્ન મારીને આ તરફ આવશે ત્યાં સુધીમાં જો ઓળખાણ નહીં પડે કે યાદ નહીં આવે તો સામેથી તેની પાસે જઈને પૂછી લઈશ.’ શૈલેશભાઈ દૂર ચાલી જતી આકૃતિના લહેરાતા વાળને જોતા રહ્યા. ‘જે ઝડપે ચાલે છે એ જોતાં વધુમાં વધુ દસેક મિનિટમાં અહીંથી ફરીથી પસાર થશે. યાદ કેમ નથી આવતું? આ સ્ત્રી બહુ જાણીતી લાગે છે તો પણ ઓળખાતી નથી!’
માથું ખંજવાળતાં આંખો ચુંચી કરીને ભૂતકાળમાં ઊંડે-ઊંડે સર્યા કર્યું, પણ કંઈ હાથમાં ન આવ્યું.
એમાંય દીકરીની સૂચના યાદ આવી, ‘પ્લીઝ પાપા, ઇન્ડિયન ફેસ જોઈને શરૂ ન થઈ જતા. યુ નો, દરેક ઇન્ડિયનને એવી રીતે ઓળખાણ કાઢવાનો શોખ નથી હોતો.’
શૈલેશભાઈ રેલિંગની સામે બેન્ચ પર બેઠા. અમસ્તું સૌનું નિરીક્ષણ કરતાં-કરતાં એ ચહેરાએ મન-મગજ પર કબજો જમાવી લીધો, ‘ત્યાંથી બધા પાછા વળે છે. તે પણ પાછી ફરશે જ. એક વખત પૂછી તો લઈશ જ.’ ચશ્માંના ગ્લાસ સાફ કર્યા. ગળું ખોંખારીને સાફ કર્યું. મફલર ખોલીને વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. હુડ જરાક પાછળ કર્યું. સાથે-સાથે તેમની ડૂબકી ભૂતકાળના પટારામાં ઊંડે ને ઊંડે લેતી ગઈ.મરજીવાની જેમ સ્મૃતિના તળમાં એ ચહેરાનું નામ શોધતા હતા ત્યાં જ એ ચહેરો નજીક આવવા લાગ્યો, ‘અરે, અરે, આ તો રાજશ્રી. રાજશ્રી અમીન!’ શૈલેશભાઈએ લગભગ બૂમ જ પાડી. હવે એ દૂર જઈને નજીક આવી રહેલી આકૃતિનું એક નામ હતું, રાજશ્રી. રાજશ્રી અમીન.
બન્ને ચહેરા એકબીજાને જોઈ રહ્યા. ઓળખાણ પામવા ઝીણી કરાયેલી આંખોની આસપાસની કરચલીઓ જરા ઊંડી થઈ. આંગળીઓ વાળમાં થોડીક વાર ફરી.
‘વર્ષો પછી કોઈ જૂના નામથી બોલાવે ત્યારે અફકોર્સ બહુ સારું લાગે. હવે હું રાજશ્રી પટેલ છું આમ તો...’ થોડું અટકીને કહ્યું, ‘સૉરી, પણ તમારું નામ? હજી ખ્યાલ નથી આવતો.’
શૈલેશભાઈ એકદમ ટટ્ટાર થઈ બોલ્યા, ‘હું માલવપતિ મુંજ, દેવી...’
...અને એક પછી એક વર્ષો અને દાયકાઓ ખરવા લાગ્યાં. ન્યુ યૉર્કની પાનખરમાં પાંદડાંઓ ખરે એમ જ... ભવન્સ કૉલેજ, વાર્ષિક ઉત્સવ, બે-પાંચ વર્ષની દોસ્તી અને પછી ખોવાઈ જતા અને વિસારે પડી જતા દોસ્તો અને સંબંધો.
રાજશ્રી હસી પડી, ‘અરે, શૈલેશ... શૈલેશ માવાણી. ઍમ આઇ રાઇટ? તમે... તું... તમે... તું યુએસમાં જ છો? ન્યુ યૉર્કમાં જ? આઇ ડોન્ટ બિલીવ, આપણે ક્યાંય મળ્યાં કેમ નહીં?’ તે ફુટપાથના કિનારે લાગેલી બેન્ચ પર બેસી પડી, ‘જોને મારે તો સવારે શું ખાધું હતું એ યાદ કરવું પડે, પણ અમુક સ્મૃતિઓ સ્પ્રિંગ જેવી હોય છે. જેવી તક મળે કે તરત જ ઊછળે. એમાં કૉલેજની યાદો તો જીવનભર સાથ આપે. કેટલાં વર્ષ થયાં? તું અહીં જ રહે છે?’
‘ચાલ, સૌથી પહેલાં ફોન નંબર આપ. વાતો તો પછી પણ થતી રહેશે. વાતો વાતોમાં નંબર ચેન્જ કરવાનું ભુલાઈ જશે.’ રાજશ્રીએ નંબર આપ્યો. શૈલેશે ડાયલ કર્યો, ‘સેવ કરી લેજે, આપણે ક્યારેક કૉન્ટૅક્ટ કરી શકીએ. અહીં ક્યાં રહે છે?’
‘રિગો પાર્ક...’
‘અરે વાહ! હું પણ ત્યાં જ છું. મારી ડૉટર ત્યાં રહે છે. તેની સાથે થોડા દિવસ રહેવા આવ્યો છું.’
દસેક મિનિટ સુધી કૉલેજના મિત્રોને યાદ કરતાં રહ્યાં. પ્રોફેસરની વાતો, સાથે ભજવેલાં નાટક અને એમાં કરેલા છબરડાની વાતો. ‘તું ડાયલૉગ્સ ભૂલી ગઈ અને બધાએ કેવો હુરિયો બોલાવેલો, યાદ છે?’ રાજશ્રી આજે પણ અકળાઈ.
‘એ તો તારે લીધે જ!નાટક તો ગંભીર હતું અને તું કેવાં-કેવાં મોઢાં બનાવતો અને મને હસવું આવ્યા કરતું. પ્રોફેસર કેવા ભડકેલા?’
બન્ને હસી પડ્યાં, ‘ચાલ, તને ઘર સુધી રાઇડ આપું’, રાજશ્રીએ કહ્યું.
યાદો તાજી કરતાં-કરતાં રસ્તો કપાતો રહ્યો.
‘આજના રિવર સાઇડ ફરવાના પ્રોગ્રામમાં મને જબરદસ્ત સરપ્રાઇઝ મળી. જ્યારે-જ્યારે ન્યુ યૉર્ક આવું ત્યારે એકાદ વાર અહીં જરૂર આવું, નાઇસ પ્લેસ, પણ આપણે છેક આજે મળવાનું હશે.’
‘રાઇટ, હું અહીં અવારનવાર આવું છું. મારું ઘર તો આવી પણ ગયું. હવે તને ક્યાં ડ્રૉપ કરું?’ શૈલેશ હસી પડ્યો, ‘અહીં સેકન્ડ ફ્લોર પર મારી ડૉટર રહે છે. તારો ફ્લોર?’
‘સિરિયસલી?’ રાજશ્રીની મોટી આંખો થોડી વધુ મોટી થઈ, ‘વૉટ અ સ્મૉલ વર્લ્ડ! એક જ બિલ્ડિંગમાં રહીને પણ ક્યારેય ન મળ્યાં! અને મળ્યાં તો વૉકવે પર! એક મિનિટમાં હું કાર પાર્ક કરીને આવું છું, તું લિફ્ટ પાસે આવ.’
રાજશ્રીએ સેકન્ડ અને એઇટીન્થ ફ્લોરનાં બટન દબાવીને કહ્યું, ‘આ સન્ડે બ્રેકફાસ્ટ સાથે કરીશું. તારી ડૉટરને પણ લઈ આવજે, જો આવે તો! નહીં તો આપણે ગપ્પાં મારીશું.’
‘વર્ષો પછી આટલું બધું બોલવા મળ્યું...’ શૈલેશથી કહેવાઈ ગયું.
‘સેમ ટુ સેમ, તું તો દીકરી સાથે થોડુંક બોલતો હશે. મારે તો કંપની એટલે દીવાલો, પડદા, ફોન, ટીવી...’ શૈલેશે ફક્ત હળવું સ્મિત કર્યું. હોઠ સુધી આવતા સવાલોને પાછા વાળી દીધા. ‘સવાલ પૂરો થશે ત્યાં જવાબનો સમય જ નહીં રહે. સન્ડે વાત.’ તેણે ઉત્સુક મનને પટાવ્યું.
રવિવારે બરાબર ૯ વાગ્યે હાથમાં રેડ વાઇનની બૉટલ લઈને શૈલેશભાઈ દરવાજો ખોલવા ગયા ત્યાં હિમાની હસી પડી, ‘ડૅડી, રાજશ્રીએ તમને સાડાનવ વાગ્યાનો ટાઇમ આપ્યો છે. તમારે બહાર નીકળીને લિફ્ટ લેવાની છે, કૅબ કે બસ નહીં. જેમ લેટ ન થવાય એમ બિફોર ટાઇમ પણ ન જવાય. વેઇટ ફૉર સમ ટાઇમ. અને હા, રાજશ્રીને પણ ઇન્વાઇટ કરજો આ વીક-એન્ડમાં. ડિનર, હાઇ-ટી કે લંચ. જે ફાવે એ.’ શૈલેશભાઈએ થમ્બઅપ કરીને દરવાજો ખોલ્યો, ‘અરે અમારું મસ્ત ગ્રુપ હતું કૉલેજમાં. કૉલેજ છૂટી ને બધું છૂટતું ગયું. આ રાજશ્રી તો કેવી સરળ અને ગભરુ હતી. હવે અહીં તો જે રીતે કાર ચલાવે છે! ઍન્ડ વાતોમાં પણ ગ્રેટ કૉન્ફિડન્સ! આજે તેનો હસબન્ડ પણ મળશે. તેનાં લગ્નમાં મળેલાં, પછી પંદરેક વર્ષ પહેલાં ઇન્ડિયામાં મળેલાં. પછી છેક આજે મળ્યાં.’ હિમાનીએ રિસ્ટવૉચમાં જોયું.
‘ઓકે! ઓકે! હું જઈશ હવે...’ શૈલેશભાઈ ચાલવા માંડ્યા, ‘આવું છું કલાકેકમાં.’
રાજશ્રીની લિવિંગરૂમમાં એકલા બેસીને તે આંખો ફેરવતા રહ્યા. કોઈ બીજી વ્યક્તિની હાજરી હોય એવું કશું દેખાતું પહોતું. બધે ખાલીપો વર્તાયો, પોતાના મનની જેમ.
‘શું વિચારમાં પડી ગયો?’ રાજશ્રી ટ્રે લઈને કિચનમાંથી બહાર આવી. ‘ઓહ... કંઈ નહીં.’ શૈલેશભાઈએ રાજશ્રી પાસેથી ટ્રે લીધી અને ટેબલ પર મૂકી. રાજશ્રી ફરી કિચનમાં ગઈ અને કેસરોલ લઈ આવી, ‘બહુ મહેનત નથી કરી. હવે આદત જ નથી રહી. ઇડલી, બ્રેડબટર ચાલશેને?’
‘બધું ચાલશે. અહીં દીકરી પાસે ગરમ નાસ્તાની સાહેબી મળે. ત્યાં ફ્લૉરિડામાં તો હું, બ્રેડ અને કુકીઝ...’ કપમાં કૉફી રેડતી રાજશ્રી અટકી. મનમાં ઊઠેલા પ્રશ્નને શબ્દોમાં ગોઠવવાની મથામણમાં પડી. ‘એટલે? આઇ મીન તું ફ્લૉરિડામાં...’ શૈલેશભાઈએ કૉફીનો ઘૂંટ ગળે ઉતાર્યો. કૉફીની હલકીફૂલકી કડવાશને જરીક મમળાવી અને પછી કહ્યું, ‘શ્રુતિએ અમને, એટલે કે મને અને હિમાનીને છોડી દીધાં, એ એલએમાં છે તેના હસબન્ડ સાથે. તેની કંપનીમાં શ્રુતિની જૉબ હતી.
‘ઓહ, ઓકે, ફાઇન!’ રાજશ્રીએ પ્લેટ શૈલેશ તરફ ખસેડી, ‘આ જ તો લાઇફ છે. સાથ છૂટવાનો હોય તો છૂટે જ, ક્યારેક સાથી સાથ છોડી દે, ક્યારેક કુદરત છોડાવી દે. આશુતોષ ૧૦ વર્ષ પહેલાં એક કાર-ઍક્સિડન્ટમાં... અને દીકરો છે એ પણ તેની લાઇફમાં, યુ નો... અહીંનું કલ્ચર. તે અને તેની પાર્ટનર બિઝી છે પોતાની લાઇફમાં! આવે ક્યારેક મળવા.’
ટી-ડેટ થોડી ભારઝલ્લી બનતી જોઈ શૈલેશભાઈએ વાત બદલી. વાત બદલવાનો એકદમ હાથવગો વિષય એટલે વેધર. ન્યુ યૉર્કની પાનખર વિશે અને પાનખર પછી આવતા લાંબા શિયાળા વિશે વાતો થતાં-થતાં કેટલાય વિષયો બદલાયા. આખરે લંચ પછી, ‘ફરી મળીશું’ કહી શૈલેશભાઈ છૂટા પડ્યા.
ત્રીજા દિવસે શૈલેશભાઈના ફોન પર મેસેજ બ્લિન્ક થયો...
‘હાય, ક્યાં છો?’
‘ફ્લૉરિડા... આવવું પડ્યું અચાનક.’
‘ઓકે... ઓલ ફાઇન?’
‘ઓહ યસ...’
‘ગુડ મૉર્નિંગ! કાલે હડસન રિવર ફ્રન્ટ પર ગયેલી. તું જ્યાં મળેલો એ બેન્ચ પર બેસી આવી થોડી વાર.’
‘મને કહ્યું હોત તો હું આવી જાત!’
‘તારી આદત ગઈ નહીં ફેંકાફેંક કરવાની!’
‘ના, ના સાચે જ! હું ફોન કરી શકું?’
‘ઓકે!’
મહિનાઓ સુધી ફોન અને મળવાનું. રિગો પાર્ક સુધીની રાઇડ હવે ટૂવે હતી. રિગો પાર્કથી રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટથી રિગો પાર્ક. તેમણે એકબીજાની એકલવાયી જિંદગી જોઈ. અંદરનો ખાલીપો હોંકારો માગતો હતો. એક સૂનકાર હતો બન્નેની અંદર. એક દિવસ શૈલેશે હળવેકથી રાજશ્રીના હાથ પર હાથ મૂકીને કહ્યું, ‘સાંભળ, આપણે એકબીજાને સમજવા કરતાં કંઈક વધુ નથી? દોસ્તી નથી, કંઈક બીજું જ...’ રાજશ્રી વચ્ચે જ બોલી, ‘હવે જતી જિંદગીએ? આપણે પંચાવન પાર કર્યાં. લોકો...’
‘હું આપણી વાત કરું છું રાજશ્રી. તું કહે એ રીતે આપણે જોડાઈએ. આમ તો જો, તેં તારા મનની વાત તો કહી જ દીધી છે. જોને... તારા હાથને હજી તેં ક્યાં પાછો ખસેડ્યો? અને હજી વીસેક વર્ષ દીવાલો સાથે વાતો કરતાં કાઢી નાખીએ એના કરતાં મન ભરીને જીવી લઈએ.’
પછી હળવેકથી કહ્યું, ‘દરેક સંબંધમાં ન દગો હોય, ન કુદરતની નારાજગી હોય. મારો સવાલ થોડો ફેરવીને પૂછું છું, આપણે સાથે જીવીએ? આ બાકીનાં વર્ષો જીવી લઈએ?’
રાજશ્રીએ બીજો હાથ શૈલેશના હાથ પર મૂક્યો. હડસન રિવરફ્રન્ટની વહેતી હવાથી રાજશ્રીના ચહેરા પર ઊડીને બેઠેલી લટને શૈલેશભાઈએ હળવેકથી ખસેડી દીધી.
બેઉ એકબીજાની સભર થઈ જવા માંડેલી આંખોમાં જોતાં રહ્યાં.
(સ્ટોરીઃ દીના રાયચુરા)