બા, તમે સાંભળો છો? (પ્રકરણ ૨)

26 October, 2025 09:58 AM IST  |  Mumbai | Raam Mori

‘તને ખબર છે નીતા? આંય મંદિરમાં બાયું શું વાતો કરતીતી? ઈ કે’તી હતી કે હંસાબા, તમારું ઘર વેચાઈ જવાનું છે, મંદિર માટે. મેં શું કીધું ખબર? મેં કીધેલું કે મારી નીતલી ઊભી છે વાઘણ જેવી હજી. મારી ડેલીએ કોઈ હાથ મૂકે તેને ઊભા ફાડી ખાય એવી.

બા, તમે સાંભળો છો? (પ્રકરણ ૨)

બાનો હાથ પકડી હું ઘરમાં આવી.

કમરથી ઝૂકેલી ઘરડી બાએ આવકારો આપીને ઘરમાં બોલાવી. મૂંઝવણ એ હતી કે બાને કયા શબ્દોમાં કહેવું કે હું તમને જાકારો આપવા આવી છું, રિદ્ધિ અને જિગરે મને તમારી પાસે એટલે મોકલી છે કે મારે તમને કહેવાનું છે કે આપણું આ જૂનું ઊધઈ લાગેલું ઘર આપણે વેચી દેવાનું છે, જિગરને પૈસાની જરૂર છે અને મંદિરનું ટ્રસ્ટ સારા પૈસા આપવા તૈયાર થયું છે, હું તમારી સૌથી નજીક છું તો મારે જ આ કપરું કામ પાર પાડવાનું છે અને એટલે અમદાવાદથી ડાકોર આવી છું તમારી પાસે!

લીમડાના લાકડાનું, બેલા પથ્થર અને ચૂનાનું મેડીવાળું ઘર હતું અમારું. ઘરમાં પ્રવેશતાં જ બહારના લોકોને ઓછાં વાસણો અને ઘરવખરીનો નાનકડો અસબાબ જોઈને સમજાઈ જાય કે આ ઘરની અંદર રહેનાર જણની જરૂરિયાત બહુ ઓછી છે. હું ઓસરીની કોરે થાંભલાને ટેકો દઈ ઊભી રહી.

‘સાંભળે છે? નીતા, ચા મેલું કે?’ એકદમ મોટા અવાજથી બા બોલી. મને નિખિલની યાદ આવી ગઈ. માંડ હસવું રોકીને બોલી, ‘નથી પીવી બા. તું આરામ કર.’

‘હેં? શું કીધું?’ બાએ કાન મારી તરફ ધર્યો એટલે મેં ઇશારાથી સમજાવ્યું કે મારે ચા નથી પીવી! તે થોડી વાર મારી સામું જોઈ રહી અને પછી કોઈ કારણ વિના તેણે મોટું સ્મિત આપ્યું ને પછી હરખાતી-પોરસાતી તે ઓસરીની કોરે બેસી ગઈ. પોતાનાં સંતાનોના ચહેરાને જોઈને કોઈ કારણ વિના પણ રાજી થઈ શકે એ માવતર. મેં જોયું કે બાએ કાનમાંથી મશીન કાઢી નાખ્યું હતું. મેં ઇશારાથી તેને કીધું કે બા આ મશીન પહેરી રાખો. જવાબમાં તે નિર્દોષ હાસ્ય સાથે બોલી કે ‘બહારનું ગમ્મે એવું તોય ઈ આપડું તો નય જને. નથી ફાવતું બોવ. ભગવાનનું આપેલું નો હોય ઈ બહુ સદે નહીં આપણને.’

મને કોઈ જવાબ ન સૂઝ્યો એટલે હું મેડીને જોવા લાકડાના જૂના દાદરાઓ ઠેકતી ઉપર ગઈ. મેડી પર ખાસ્સી ધૂળ અને જાળાં બાઝી ગયાં હતાં. જૂનો સામાન અને તૂટેલા ખાટલાની ઈસો, લોખંડની ટ્રંક, પ્લાસ્ટિકનાં પીપ, તાંબા-પિત્તળની મોટી બે ગોળી વર્ષોથી એમનેમ પડી હતી. કબૂતરોની ચરકની ગંધ નાકમાં પેસી ગઈ. મેં દુપટ્ટાનો છેડો મોં પર દબાવ્યો અને બારી તરફ ગઈ. આ ખુલ્લી બારીમાંથી જ કબૂતરો ઘરમાં આવી જતાં હશે. બારી બંધ કરવા ગઈ તો નીચે રણછોડરાયનું  સફેદ ગુંબજવાળું મંદિર દેખાયું. આખી બારી કટાઈ ગઈ હતી. બે-ત્રણ પ્લાસ્ટિકના જાડા વાયરથી કસકસાવીને બાંધી રાખેલું બારીનું બારણું લટકી રહ્યું હતું. જાણે હાંફતું હોય એમ એ બારણું પવનમાં હાલકડોલક થઈ રહ્યું હતું. આ બાનું જ કામ હશે. ઘરની કોઈ વસ્તુ આડાઅવળી થાય તો એની ઊંઘ હરામ થઈ જાય. ઘરની દરેક વસ્તુને ટકાવી રાખવાનો છેલ્લામાં છેલ્લો પ્રયત્ન બા કરતી. વરસાદ પહેલાં તે જાતે પોત્તે નળિયાં સરખાં કરવા છાપરા પર ચડતી અને એક-એક દેશી નળિયું જાતે ચકાસતી. કમર પર બેય હાથ ટેકવી આંખો ઝીણી કરી ફળિયામાં ઊભી-ઊભી હું નળિયાં ગોઠવતી બાને જોયા કરતી. બા ગામની ભાગોળે નવેળામાંથી ચીકણી માટી ખોદી લાવતી અને રાત-રાતભર છાણીની ગાર કરતી. ઘરના ઊંચા મોભ સુધી હાથ ન પહોંચતા તો પાડોશીના ઘરેથી નિસરણી લઈ આવતી. મને કે રિદ્ધિને નિસરણી પકડી રાખવાનું કહીને પોતે ઉપર ચડતી અને પગના અંગૂઠાઓ પર ભાર આપીને ઊંચી થઈ-થઈ મોભ સુધીની ગારમાં અંકોળી કરતી. રિદ્ધિને બહુ અકળામણ થતી. તે બૂમોય પાડતી કે ‘બા, આમ મોઢામાં ફીણ આવી જાય એટલી મહેનત શું કામ કરો છો?’ બાને સંભળાતું નહીં કે રિદ્ધિ શું બોલી પણ તે શું કહેવા માગે છે એનો ભાવ ચહેરો જોઈને સમજી જતી એટલે તે જવાબમાં હસતી અને મારી સામે જોતી. રિદ્ધિ મને કહેતી કે ‘મોટી બેન, તું જ બાને સમજાવ. આમ ક્યારેક નીચે પડશે તો હાડકું બાડકું સરખું નહીં રહે. હું તો રાગડા તાણી-તાણીને મરી જઈશ પણ બા સુધી મારો અવાજ નહીં જ પહોંચે.’

હું કશું કહ્યા વિના હસ્યા કરતી તો તે વધુ અકળાતી. હું તેને ક્યારેય સમજાવી ન શકતી કે રિદ્ધિ, આ ઘર માટે જાત તોડ્યાનો સંતોષ બાના ચહેરા પર તેણે જાતે કરેલી ગારની અંકોળીની જેમ ઊપસી આવે છે. મારી આ વાત રિદ્ધિને હંમેશાં વિચિત્ર લાગતી. આખરે બધાં હથિયાર નાખી દેતી હોય એમ તે કહેતી, ‘બન્ને મા દીકરી સંપી ગયાં છો. જાઓ જે કરવું હોય એ કરો. મારે ક્યાં આખી જિંદગી તમારા બેયની બળતરા કરવાની છે.’

બા રિદ્ધિ અને જિગરને કાયમ એવું કહેતી કે ‘ભલે તમે કોઈ મારી વાત સમજી ન શકો પણ મારી નીતા જાણે જ છે મારા વિશે બધું જ, હું બોલું એય તે અને ન બોલું એ તો વધારે.’

અચાનક નીચે સાણસી પડવાનો અવાજ આવ્યો એટલે હું બારી પાસેથી ઊભી થઈ. પેલ્લી લટકતા બારણાવાળી ખુલ્લી બારી બંધ કરવા મેં બારણાં અંદર તરફ ખેંચ્યાં પણ જાણે મારાથી રિસાયાં હોય એમ બારણાં મારી તરફ આવતાં જ નહોતાં. વધારે જોર કરવા ગઈ તો બાએ બાંધેલા વાયર તૂટી ગયા અને બારીનાં બારણાં એકદમથી બહારની તરફ ઢળી પડ્યાં. મને લાગ્યું જાણે બાએ બાંધેલા ઘરને તોડવાની શરૂઆત મેં કરી જ દીધી. 

ફટાફટ દાદરા ઊતરી નીચે આવી. જોયું તો બા રસોડામાં હતી.

‘બા, શું કરે છે ત્યાં?’ આંખોને અંધારું બહુ જલદી જચ્યું નહી એટલે બાને એ અંધારિયા રસોડામાં શોધતાં મને વાર લાગી. જોયું તો ગારમાટીના નાનકડા એ રસોડામાં બા ચૂલા પર ચા મૂકતી હતી. મેં દીવાલની ગાર પર હાથ મૂકીને સ્વિચબોર્ડ શોધવા ફાંફાં માર્યાં અને સ્વિચ પર આંગળી અડી તો કાળાશ બાઝેલું ઝાંખુ અજવાળું થયું. બા ચૂલો પેટાવતી હતી. મેં તેના હાથમાંથી ફૂંકણી લઈને ચૂલો પેટાવ્યો. ચૂલાની આગમાં બા હરખાતી દેખાઈ. મેં ઇશારાથી તેને બહાર જવાનું કહ્યું અને હું ચા બનાવવા લાગી. તે હળવેથી ઝૂકીને ઊભી થઈ, વાંકી-વાંકી રસોડાની બહાર નીકળી. કેટલા સમય પછી આ રીતે આ રસોડામાં હું આમ કશું કરવા બેઠી.

‘સાંભળે છે? નીતા... મારા માટે રૂપિયાભાર જ ચા બનાવજે. બોવ નથી પીવી મારે.. પછી છાતીમાં બળતરા થાય છે. નકરા ઓડકાર આવેસ.’ બહાર ઓસરીની કોરે બેસેલી બાની મોટી બૂમ સંભળાઈ. મેં ફટાફટ ચા બનાવી. ચાની તપેલી ઉતારવા સાણસી હાથમાં લીધી તો જોયું કે હજુય આ સાણસીમાં રેણ ઢીલું છે, પહેલાં હતું એમ જ. આટલી જૂની સાણસી હજીયે આ ઘરમાં યથાવત છે? એકદમ ઢીલી નક્કામી. મને તો આવી ઢીલી સાણસીથી ગરમ તપેલી ઊંચકતાં બહુ ડર લાગતો. પણ બા તો આ ઢીલી સાણસીમાંય ફટાફટ કામ ઉકેલી શકતી. ઢીલી સાણસીથી ડગમગ થતી ગરમ ચાની તપેલી અને રકાબી લઈને બહાર આવી તો બા ઓસરીની કોરે બેસીને આવળના દાતણથી દાંતે બજર ઘસતી હતી. 

‘બા, સાંભળે છે? આ ચા મૂકી જ હતી મેં તો શું કામ બજર ઘસવા બેસી ગઈ?’ તેણે કશું જ સાંભળ્યું નહોતું. મેં ચા નીચે મૂકી અને બાને કાનનું મશીન પહેરવાનો ઇશારો કર્યો. તેણે કોગળા કર્યા પછી મશીન કાનમાં ભરાવ્યું. હરખાતી ઉભડક બેસી રહી ઓસરીની કોરે.

‘આ બજર હવે મૂક બા, મોઢામાં ગણીને ચાર-પાંચ દાંત છે એય નહીં રહે, નવરી પડી નથી કે દાંત ઘસવા બેઠી નથી. લે ચા પી લે.’

 બા માટે રકાબીમાં થોડી ચા ભરી પછી હું ટેવવશ બૂમ પાડવા જ જતી હતી કે ‘રિદ્ધિ..જિગર....હાલો, ચા ઠરી જશે....’ ત્યાં મારી બૂમ ગળામાં જ અટવાઈ ગઈ. આંખો ફરી છલકાઈ ગઈ. એવું લાગ્યું કે સમયની દીવાલો પરથી ગારની અંકોળીઓ ઊતરી ગઈ અને જાણે એ બધા જિવાયેલા જૂના દિવસો પાછા આવી ગયા અચાનક... મારો ઢળતો અંબોડો લાંબો ચોટલો બની ગયો અને હું ફરી નખ ખોતરતી મેડીની બારીએ ગોઠવાઈ ગઈ. ચાનો એક સબડકો લઈને બા બોલી, ‘બેન, તું આમ ખિજાતી હો ત્યારે બોવ વાલી લાગે હોં...!’ મને હસવું આવી ગયું. ચાની બન્ને રકાબીઓ અને સાણસી-તપેલી લઈ હું રસોડામાં ગઈ. અચાનક મને મારો ફોન યાદ આવ્યો. પર્સમાંથી મોબાઇલ કાઢ્યો. જોયું તો નિખિલના અને રિદ્ધિના લાગલગાટ મિસ્ડ કૉલ્સ હતા. જાણે મને મારું મૂળ કામ યાદ અપાવતા હતા. મને થયું કે મારે જલદી બા સાથે વાત કરવી પડશે, જેટલું મોડું કરીશ એટલું મારા માટે અઘરું થશે. હું હિમ્મત કેળવીને બહાર આવી. ઓસરીએ ખાટલા પર બેસી ગઈ. બા લમણે હાથ દઈ ફળિયા સામે કશુંક તાકતી બેસી રહી હતી. બાનો ચહેરો ફળિયા તરફ હતો અને પીઠ મારા તરફ એટલે મને થયું કે હાશ... આ બધું બોલતી વખતે બાનો ચહેરો નહીં જોવો પડે! થોડી રાહત અનુભવાઈ. થોડી વાર સુધી હું ચૂપ રહી અને મનોમન શબ્દો ગોઠવતી રહી કે ક્યાંથી શરૂઆત કરીશ? વિચાર્યું કે એમ બોલું કે ‘બા, તારે મુંબઈ જવાનું છે... ના, બા તારે હવે ડાકોર નથી રહેવાનું... બા, આ ઘર હવે વેચી દેવાનું છે. બા મને માફ કર!’ મને લાગ્યું કે કંઈકેટલીયે કરવત અમારી મેડીના થાંભલાઓ પર ચાલી રહી છે. લાકડા પર કરવત ઘસાતી હોય એવા અવાજથી તો જાણે મારી અંદર એક લખલખું પસાર થઈ ગયું. હું કાન પર હાથ દબાવીને ક્યાંય સુધી બેસી રહી. છાતીમાં એકસાથે બહુ મોટી ભરતી ચડી હોય એમ હાંફવા લાગી. રાતો સાડલો માથા સુધી ઓઢીને બેસેલી બાએ પાછું વળીને મારી સામે જોયું. તેની ફીકી આંખોમાં સન્નાટો વાંચ્યો. એક ક્ષણ માટે મને પકડાઈ ગયાનો અનુભવ થયો, પણ હું કશું કહું એ પહેલાં તે પાછી પીઠ ફેરવીને ફળિયા તરફ જોવા લાગી. કમરમાંથી માળા કાઢી ધીમા તાલ સાથે હલતી-હલતી ફળિયામાં જોતી માળા કરવા લાગી. બા જ્યારે માળા કરતી ત્યારે હંમેશાં ચૂપ રહેતી. એ સમયે જમાદાર આવે કે જમનો દૂત આવે પણ માળા પૂરી ન થાય ત્યાં સુધી કોઈને જવાબ નથી દેતી. મને વધારે હાશકારો થયો કે હાશ, મારી વાત પૂરી થઈ જશે અને બા જવાબ પણ નહીં આપી શકે. મારી વાત ફટાફટ કહી દેવાની આનાથી સારી તક મને પછી મળવાની નથી. મેં નક્કી કર્યું કે માળા પૂરી થાય એ પહેલાં મારી વાત બોલી દઉં, બધું જ કહી દઉં. 

રણછોડરાયના મંદિરેથી ઝાલરના અવાજ આવતા હતા. વચ્ચે-વચ્ચે કોઈ સ્તુતિ કે ગીત જેવું અડધુંપડધું અમારા ફળિયામાં વાયરા ભેગું આવીને જતું રહેતું હતું. નિખિલ અને રિદ્ધિની વાતો મારી છાતીમાં ભરડો લેતી હતી. ‘ન કરે નારાયણ અને કાલે સવારે કદાચ બાને કંઈ... સૌથી વધારે પસ્તાવો તને જ થશે. હવે બાએ મુંબઈ જ રહેવાનું છે. મોટી બેન, બા સાથે તું જ વાત... બા તને બહુ માને છે અને સમજે છે.’ એકસાથે બહુબધી બારીઓ ભટકાતી હોય મારી અંદર એવા કિચૂક.. ધાડ... અવાજ કાનમાં ચિચિયારી કરવા લાગ્યા. કબૂતરો ખુલ્લી બારીમાંથી મેડીના બદલે છાતીમાં ભરાઈ બેઠાં હોય એવું લાગ્યું. ફફડાટ વધ્યો. મેં બન્ને હાથે ખાટલાની ઈસને કસકસાવીને પકડી લીધી. ખરબચડી ઈસ મને બાની હથેળી જેવી લાગી. મેં મહામહેનતે થૂંક ગળ્યું અને ઊંડો શ્વાસ લઈને બોલી, ‘બા, તને કંટાળો નથી આવતો અહીં આમ એકલાં રહી-રહીને? હું તો આમ એકલી રહી જ ન શકું. આવી છું ત્યારની અકળાયા કરું છું. બાપ રે આ ઉંમરે તું આમ આવા ધૂળિયા ઘરમાં એકલી. મેં અને રિદ્ધિએ તો જિગરને ખખડાવી નાખ્યો કે બા ડાકોર એકલી ક્યાં સુધી રહેશે? તો તે બોલ્યો કે... મોટી બહેનો, તમે તો મારા મનની વાત કહી દીધી. તે કહેતો હતો કે થોડા જ દિવસમાં હું બાને લેવા આવું છું. બોલતો હતો કે હું સાવ અંગૂઠા જેવડો હતો અને તમે લોકોએ મને બાથી દૂર કરી દીધેલો, હવે તો બાને હું મારી સાથે લઈ જવાનો, તમને કોઈને મળવા જ નહીં દઉં પછી તમને ખબર પડશે કે બા વગર રહેવું કેટલું કપરું હોય.’ બોલતાં-બોલતાં મેં નોંધ્યું કે બાની માળા ધીમી પડી એટલે મારી હિંમત વધી.

‘પણ બા, મેં તો જિગરને કહી જ દીધું હોં કે બા થોડા દિવસ મારી સાથે અમદાવાદ ભલે રહે, પછી તારે ત્યાં મુંબઈ લઈ જજે. પેલી રિદ્ધિને તો બા હજીયે બધી વસ્તુઓમાં ભાગ પડાવવાની ટેવ નથી ગઈ... દરેક વાતમાં ‘હુંય ખરીને!’ એમ કરીને કૂદી ન પડે તો એ ભમરાળી રિદ્ધિ કેમ કહેવાય? બૅન્ગલોર બેઠી-બેઠી તે તો કૂદકા મારે છે કે બા સૌથી પહેલાં તો મારા ઘરે આવે અને પછી જ મુંબઈ જાય. મેં તો કીધું કે હવે બૅન્ગલોર ને મુંબઈ ક્યાં દૂર છે? બા પાસે આવતી-જતી રહેજે. સૌથી વધારે તો રિદ્ધિ ખુશ છે કે બા હવે મારા શહેરની બહુ નજીક હશે.’ અવાજ થોડો ગળગળો થઈ ગયો પણ તરત થૂંક ગળે ઉતારી બાની માળા પૂરી થાય એ પહેલાં હું ફરી બોલવા લાગી, ‘બા, આ તારો જમાઈ જબરો છે હોં. નિખિલ મને કહે કે તારી બા તો ચુસ્ત વૈષ્ણવ છે, એ કંઈ દીકરીઓના ઘરમાં ન રહે. મેં કીધું એ બધું હવે જૂનું થઈ ગયું, મારી બા માટે દીકરો-દીકરી બધું એક જ છે, તેને મન જેટલો જિગર એટલી જ નીતા ને એટલી જ રિદ્ધિ. તને કહું બા, મારી પાડોશણ છેને પેલી કંચન? જે મારી પાસે વારંવાર ડાકોરના ગોટા મગાવતી હોય છે એ! તે કહેતી હતી કે તારી બા તો નસીબદાર છે કે તેને જિગર જેવો દીકરો મળ્યો, તારી બાને સાથે રાખવા જિગર કેવા મીઠા ઉધામા કરે છે, બાકી અત્યારના છોકરાઓ તો તોબા તોબા...’  બાની માળા સાવ ધીમી પડી ગઈ. મારા ધબકારા વધવા લાગ્યા. બસ, હું હવે મારી મૂળ વાતથી થોડીક જ દૂર હતી. સહેજ વધારે દોડવાનું છે. બસ, સહેજ જ...

‘નિખિલ શું કહેતા હતા ખબર છે બા? તે કહે કે તારી બાએ જિંદગી આખી રણછોડરાયની સેવા કરી અને જો જતેદહાડેય રણછોડરાયને કામ લાગ્યાં. જિગર તને મુંબઈ બોલાવી લે છે એટલે આ ઘરને તો તાળું લાગશે બા. ઊધઈ બધું ખાઈ જાય અને કબૂતરોથી બધું ગંધાઈ જાય એની કરતાં છોને આપણું ઘર રણછોડરાયને ખપનું થાય બા! નિખિલ તો બહુ રાજી થયા જ્યારે તેણે જાણ્યું કે જિગર આ ઘર ટ્રસ્ટને આપી દેવાનો છે.’ મેં જોયું કે બાની માળા બંધ થઈ ગઈ. હવે મારામાં વધારાનો એક પણ શબ્દ બોલવાની તાકાત નહોતી. મને થયું કે હવે બધું સળગાવ્યું જ છે તો ઠારી પણ નાખું, લાંબો શ્વાસ લઈ ફરી બોલવા લાગી.

‘બા, રિદ્ધિના સાસરિયામાં તો વાહવાહી થઈ ગઈ કે હંસાબાએ આખો ભવ રણછોડરાયની સેવા કરી અને હવે તેનું ઘર પણ ઠાકોરજીની સેવામાં કામ લાગશે. મને તો સાચું કહું બા? એવું જ લાગતું કે આપણે આપણા ઘરમાં નહીં, રણછોડરાયના ફળિયામાં રહીએ છીએ, ઝાલર આપણા જ ઘરમાં વાગે છે. એનું હતું ને એણે માગી લીધું હેંને બા! કેવો યોગાનુયોગ. ટ્રસ્ટને મંદિરનું ફળિયું મોટું કરવું છે અને આપણું ઘર એમાં સૌથી પહેલું નજરે ચડ્યું. જિગર તો કહેતો હતો કે મુંબઈમાં જ્યાં તેનું ઘર છેને બા, એની પાછળ જ ઇસ્કૉનનું મોટું રણછોડરાયના મંદિરથીયે મોટું મંદિર છે. જિગર કહેતો હતો કે બાને એવું બિલકુલ નહીં લાગે કે તે ડાકોરમાં નથી. લે બોલો, તારે તો કેવું સુખ, નહીં?’ 

મારો અવાજ મને જ એટલો બોદો લાગ્યો કે હું બોલતી અટકી ગઈ. ધીરેથી ઊભી થઈ બા પાસે આવી અને ઓસરીની કોરે બેસીને બા સામે જોયું તો બાની આંખમાંથી ટપ-ટપ આંસુ નીતરતાં હતા. ફળિયામાં એક જગ્યાએ બા એકીટશે જોઈ રહી હતી. હું ફફડી ગઈ. પહેલી વાર મેં મારી બાની આંખમાં ચોધાર આંસુ જોયાં. હું એટલીબધી ગૂંગળાઈ ઊઠી કે મેં તરત બાનો હાથ પકડી લીધો. મને પોતાને રડવું આવી ગયું પણ મન મક્કમ કરી બાની પીઠ પર હાથ મૂકી તેના બરડા પર હાથ ફેરવવા લાગી. મારી આંખમાં આંસુ ઊભરાયાં એટલે બા મને ઝાંખી-ઝાંખી દેખાવા લાગી. બાનું ધ્યાન તો ફળિયામાં જ હતું. ટગર-ટગર તે ત્યાં જોઈ રહી હતી. મને કોઈ શબ્દો મળતા નહોતા. આજ સુધી આવી કોઈ ક્ષણની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. મને મારા પર ખૂબ ગુસ્સો આવ્યો. હું અહીં આવી જ શું કામ? મારે બાને સાંત્વન આપવા માટે કશુંક કહેવું હતું પણ કંઈ બોલવા જાઉં તો ગળે ડૂમો ભરાઈ આવતો હતો. બાએ મારો ડાબો હાથ કસકસાવીને પકડ્યો. કોઈ નાની છોકરી જોડે વાત કરતાં હોય એ રીતે તે ફળિયા તરફ આંગળી ચીંધીને બોલવા લાગી, ‘નીતા, આંય જો...આંઈઈઈ...

તાર બાપુની નનામી મૂકી હતી, તને યાદ છે?’ મને એ બધું બરાબર યાદ છે. હું સાત વર્ષની હતી. હકડેઠઠ માણસોથી ડેલી ભરેલી. ફળિયામાં બાપુની નનામી હતી. જિગરને પાડોશીના ઘરે મોકલી દેવાયો હતો. રિદ્ધિ ચીસો પાડી-પાડીને રડતી હતી. હું બાના પાલવમાં મોઢું સંતાડી બાની બાજુમાં બેસી રહી હતી. હું એકીટશે બાપુને જોઈ રહી હતી. બા નનામી પાસે બેઠી હતી. તે બેઠાં-બેઠાં નનામી પાસે આવતી માખીઓને બાપુના ચહેરા પરથી દૂર કરતી હતી. બાપુના મોઢામાં અને નાકમાં રૂનાં પૂમડાં હતાં એ બરાબર છે કે નહીં એ ઘડીએ-ઘડીએ બા તપાસતી હતી. ગામની બાયું બાને ખભે હાથ મૂકીને છુટ્ટા મોંએ રડતી-રડતી કહેતી હતી કે ‘હંસા...રોઈ લે મારી બેન... રોઈ લે, જનારા તો જતા રહ્યા, વસમી વેળાને છાતીમાં સંઘરી ન રાખ, રડી લે...!’ પણ મને યાદ છે કે બા બિલકુલ રડી નહોતી. રડી નહોતી કે રડી શકતી નહોતી એ વાત સાત વર્ષની ઉંમરે મને સમજાઈ નહોતી. પાડોશીના ઘરે કજિયો કરતા જિગરને બાએ સાંજે ખોળામાં બેસાડી ચાદૂધ પાયું અને રિદ્ધિને પોતાના હાથે જમાડી હતી. હું મેડીની બારીએ બેસીને બાપુના નામનું રોયા કરતી હતી. ગામ આખું બાના નામના ગુણ ગાતું હતું કે ‘હંસા જેવું કાળજું તો મલકમાં શોધ્યું ન મળે!’ જેમ ઢાળો એમ ઢળી જતી બા, દરેક પરિસ્થિતિનો એણે સ્વીકાર કરી લીધેલો હંમેશાંની જેમ. ક્યારેય કોઈ ફરિયાદ નહીં કે ક્યારેય કોઈ કવેણ નહીં. અત્યારે બાની આંખમાંથી બોર-બોર જેવડાં આંસુ પડતાં હતાં અને એ દરેક આંસુ પર હું મારા પર ફિટકાર વરસાવતી હતી. 

‘નીતલી, આમ જો માર પેટ... મારું એક વેણ હાચવજે બટા. તાર બાપુ હંગાથે લાંબો પંથક તો નો કાપી હકી, ઈ મને અડધે મૂકીને વિયા ગ્યા. આ હું તને અટલે કવ છું કેમ કે તું જ યાદ રાખીશ. મારી મંછા છે કે અમદાવાદમાં બેઠા-બેઠા તને આવા જ એક દિવસે સંદેહો મળશે કે ‘નીતા, હંસાબા ખાટલામાંથી ઊભાં નથી થ્યાં.’ સૌથી પહેલી તું જ ધોડતી આવીશ ઈય મને ખાતરી છે બેન. તું દોડી આવેને તો રોવાનું કામ પછી કરજે પણ પેલું કામ મારી નનામી આંયા, તાર બાપુની નનામી મૂકી હતી એ જગ્યાની સોડ્યમાં મુકાવજે. પછી દીવો કરાવજે હોં! જીવતે જીવ બવ નસીબ નો થ્યું પણ મૂઆ પછી તો તેની નનામીની જગાએથી જ જાઉં એવી મારી મંછા છે બેન. યાદ રાખીશને માર પેટ? માર નીતલી, બાકી બધા ભૂલી જાશે પણ તને તો મારી બધી ખબર હોય છે. બોલું ઈય તે અને નો બોલું ઈ તો વધારે. ભૂલતી નહીં હોં બેન... આંય તારા બાપુની નનામી પાંહે જ, આ જ ફળિયામાં હોં.’

થોડો શ્વાસ લઈને તેણે મારો હાથ થોડો વધુ કસકસાવીને પકડી રાખ્યો. હું ટગર-ટગર તેને જોઈ રહી ને અંદરથી ઢગલો થઈને ઢોળાતી હતી. તેણે ગળું ખંખેર્યું અને બોલી, ‘તને ખબર છે નીતા? આંય મંદિરમાં બાયું શું વાતો કરતીતી? ઈ કે’તી હતી કે હંસાબા, તમારું ઘર વેચાઈ જવાનું છે, મંદિર માટે. મેં શું કીધું ખબર? મેં કીધેલું કે મારી નીતલી ઊભી છે વાઘણ જેવી હજી. મારી ડેલીએ કોઈ હાથ મૂકે તેને ઊભા ફાડી ખાય એવી. ઈ છે ત્યાં હુધી અમારી ડેલીની કાંકરીયે કોઈથી નો ખરે.’

આટલું સાંભળીને મારું રડવુંય અટકી ગયું. કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ મારી. ક્યારેય કશું નહીં બોલનારી બા આટલું બધું એક શ્વાસે! હાંફતી બા બધું બોલ્યા પછી ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડી. મને લાગ્યું કે જાણે ડાઘુ અત્યારે હજી હમણાં જ બાપુની નનામી ડેલીમાંથી કાઢી ગયા. હું દોડીને પાણિયારેથી પાણીનો લોટો ભરી લાવી. હું મારું માથું કૂટવા લાગી કે હું આ બધું શું કામ બોલી? બાની આખી વાતને પહેલાં સાંભળી લીધી હોત તો હું ઘર વેચવાવાળી વાત જ ન કરત. આ મારાથી શું થઈ ગયું? પાણીનો લોટો ભરી લીધા પછી પણ મારાથી બા પાસે નહોતું જવાતું. દુપટ્ટો મોઢામાં દબાવી અવાજ ન નીકળે એમ મેં થોડું રોઈ લીધું. મને નિખિલની ખૂબ યાદ આવી. હે ભગવાન, મેં શું કરી નાખ્યું આ! બાને ઘર વેચવાની વાતથી જેટલી તકલીફ થઈ એટલી તકલીફ તો પહેલાં ક્યારેય નહીં થઈ હોય, કદાચ બાપુ ગુજરી ગયા હતા ત્યારેય નહીં. હું ઓળખું છું મારી બાને. હવે હું કહીશ કે બા, તારે હવે આ ઘરમાં જ રહેવાનું છે તોપણ તે નહીં રહે. જિગર સાથે મુંબઈ જતી જ રહેશે. તેણે આ રીતે જ હાએ હામાં આખી જિંદગી કાઢી નાખી. મને લાગ્યું કે હવે આ સજા એકલી બાની નથી, મારી પણ છે. આખી જિંદગી આ વસવસો છાતીમાં કરચ બની ખૂંચ્યા કરશે કે બાને ડાકોર મેં છોડાવ્યું!

હું હિંમત ભેગી કરી બા પાસે આવી અને બાને પાણીનો લોટો ધર્યો. ત્યાં સુધીમાં બાએ રોઈ લીધું હતું. પાણીનો લોટો બાના હાથમાં આપી બાની બાજુમાં બેસી ગઈ. બાએ માથે ઓઢેલી સાડીનો છેડો ખસેડ્યો તો હું ચોંકી ગઈ. 

આંખો પર વિશ્વાસ જ ન થયો કે આ શું ? 

બાએ તેના કાનમાં મશીન પહેર્યું જ નહોતું! 

એટલે મેં ખાટલે બેઠાં-બેઠાં બાને જે કંઈ કહ્યું એ કશું તેણે સાંભળ્યું જ નહોતું?

‘બા, તેં મશીન ક્યારે કાઢી નાખ્યું હતું?’ મેં ઇશારાની જોડાજોડ બૂમો પાડતાં પૂછ્યું. તેણે ફરી મશીન કાનમાં ગોઠવ્યું અને પછી હસીને બોલી, ‘મશીન? ઈ તો માળા કરતી વખતે હું કાયમ કાઢી નાખું છું! હું માળા કરતી હોવ ત્યારે ભગવાનનું નામ લઉં ઈ મને ને મને હંભળાય ઈ થોડું ફાવતું નથી એટલે નથી રાખતી.’

હું રીતસરની નીચે ફસડાઈ પડી. બારીના સળિયાને પકડતી હોઉં એમ બાના પાતળા હાથ પકડી છુટ્ટા મોંએ ધ્રુસકે અને ધ્રુસકે કેટલાય દિવસનું, કેટલીયે ફરિયાદોનું હું રડવા લાગી. બાનો પાલવ મારા મોં પર ઢાંકીને હું હીબકાં ભરવા લાગી. 

બાને પણ નવાઈ લાગી કે હું કેમ આમ સાવ અચાનક? તે મારા માથા પર, પીઠ પર હાથ ફેરવતી ફેરવતી પૂછવા લાગી, ‘શું થયું મારી દીકરીને? અય નીતા? માર સાવજ, બોલ તો ખરી મા. કોઈએ કાંઈ કીધું? નિખિલકુમાર કાંઈ બોલ્યા? માથાકૂટ થઈ છે કાંઈ? જિગર કાંઈ બોલ્યો‍?’ 

હું રડતી-રડતી બાના ચહેરાને જોવા લાગી. દીવાલની ગારના હરખની અંકોળી બાના ચહેરા પર કરચલી બની લીંપાઈ ગઈ હોય એવું લાગ્યું. બાની ડોકમાં મારા બન્ને હાથ પરોવી હું હીબકાં ભરવા લાગી. મારી પીઠ પર તેનો ખરબચડો હાથ ફરતો રહ્યો.

‘કાંઈ કે તો ખરી નીતલી? શું થયું? આ તારી આંગળીઓ ઉપર શું વાગ્યું? ઉપર મેડીએ ગઈ’તીને? બારી વાગી હશે હેંને? કટાઈ ગઈ છે. તું પણ આવ્યા ભેગી જ્યાં-ત્યાં ખાંખાંખોળા કર્યા કરે. જીવની સાવ ઊભા ઘોડા જેવી તું તો. જરાય જીવને જંપ નહીં બોલો. મારા જેવી જ થઈ સો તું!’ 

તે મને ક્યાંય સુધી ખિજાતી રહી અને હું હીબકાં ભરતી-ભરતી તેની સામે જોઈ-જોઈને કોઈ કારણ વિના હસતી રહી ક્યાંય સુધી!

(સમાપ્ત)

Raam Mori columnists exclusive gujarati mid day lifestyle news