20 July, 2025 04:56 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાર ગાઉએ બોલી બદલે, તરુવર બદલે શાખા;
બુઢાપામાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા
લોકસાહિત્યનો આ જૂનો દુહો છે અને કાઠિયાવાડી લોકસાહિત્યની આ મજા છે. કાઠિયાવાડી ભાષાનો આ મીઠો લહેકો જેવા તમે અમદાવાદ તરફ જાઓ કે ઓસરી જાય. મહેસાણાથી પાલનપુર બાજુ જાઓ એટલે શબ્દોમાં જરૂર વગરના કાનો-માતર લાગવા માંડે. મહેસાણી બોલીમાં પાણીને ‘પોણી’ ને કાકાને ‘કોકા’ કહે. વાક્યના ગમે એ શબ્દ પર સેંથકનું વજન આપવામાં આવે. ‘ક્યાં ગયો હતો?’ને ‘ઓં જ્યોં તો?’ એમ બોલે એટલે સૌરાષ્ટ્ર અને મહેસાણાના લોકોની પરસ્પરની ગુજરાતી જબરી કૉમેડી લાગે.
મહેસાણાથી મારા એક મિત્ર મહેમાન થયા. ઘરે બેઠાં ભેગું તેમણે પોણી માગ્યું તો મારાં ધર્મપત્નીએ પોણી ચા આપી. પછી મારે મધ્યસ્થી કરવી પડી કે પેલાને પીવાનું પાણી આપ. ફળિયામાં બેસવા મહેસાણી મહેમાને કહ્યું, ‘બોકડો આલોને ભાભી.’
આ સાંભળીને મારાં મિસિસના મગજનો બાટલો ફાટ્યો. મને કહે, ‘હાય-હાય, આ કેવા મહેમાન? બ્રાહ્મણના ઘરે આવીને ‘બોકડો’ માગે છે! શરમ નથી આવતી આ લોકોને?’
મેં સુધાર્યું કે ‘પ્રાણપ્રિયે, એ બોકડો અર્થાત્ બકરો નહીં, બેસવાનો બાંકડો માગે છે.’
ચરોતરની ભાષા ગુજરાતી જ, પણ ઉચ્ચારણ ખૂબ બદલાઈ જાય. ચરોતરનો એક સેલ્સમૅન અમારા રાજકોટમાં બામની શીશી થેલીમાં લઈને વેચવા નીકળ્યો. રાજકોટમાં પાર્ટીઓ બહુ થાય એટલે પોલીસ રૅન્ડમ ચેકિંગ કરતી રહે. એમાં આ ચરોતરનો બામ વેચતો સેલ્સમૅન ઝપટે ચડી ગયો. પોલીસવાળાએ પૂછ્યું, ‘થેલીમાં શું છે?’
પેલો કહે, ‘બોમ છે સાહેબ!’
બોમ સાંભળતાં કૉન્સ્ટેબલનાં રૂવાડાં બેઠાં થઈ ગ્યાં. તેને ઈ થેલીમાં પોતાનું પ્રમોશન દેખાયું. તરત સેલ્સમૅનનો કાંઠલો પકડીને બીજા બધાને બોલાવી લીધા. બીજા કૉન્સ્ટેબલોએ સેલ્સમૅનને મારી-મારીને તોડી નાખ્યો. પેલો બિચારો માર ખાતો જાય ને પૂછતો જાય કે અલ્યા, મને શાનો મારો છો? ભલું થાજો દંડાનું કે એક પોલીસવાળાનો દંડો પેલાની થેલી પર વાગ્યો, થેલી ઊડી ને એમાંથી બામની શીશી ઢોળાઈ. એક પોલીસવાળો બોલ્યો, ‘ભાઈ, આમાં તો બામ છે!’
સેલ્સમૅન રડતાં-રડતાં કહે, ‘એ તો ક્યારનો કહું છું કે આમાં બોમ છે, પણ મારું આ કોઈ સોંભરે છે ચ્યાં?’
એકે પૂછ્યું, ‘ક્યાંનો છો?’
પેલો કહે, ‘મહેસાણા પાસે ચાણસ્મા ગોમનો.’
એ સાંભળીને પોલીસે હથિયાર મૂકી દીધાં. સૌને બોમ અને બામનો લય સમજાઈ ગયો.
ચાણસ્માના એક આયોજકે પંદરેક વર્ષ પહેલાં મારો ચરોતરમાં પહેલો ડાયરો રાખેલો. મને બરાબર ઈ પ્રસંગ યાદ છે. મારા આયોજકને રાજકોટ સાથે વ્યાવસાયિક જોડાણ હોવાથી તેમને એમ કે ચાણસ્મામાં વટ પડી જાય એવો ડાયરો કરવો છે.
ચરોતરમાં ત્યારે ડાયરો એટલો પ્રચલિત નહીં. કીર્તિભાઈ મને કહે, ‘એકાદ લેડીઝ કલાકાર પણ લોકગીતો માટે સાથે લાવજો. ડાયરો રાત્રે આઠ શરૂ કરવો છે ને અગિયારે પૂરો, માટે જરા વહેલા પહોંચી આવજો.’
અમે તો સાંજે પાંચ વાગ્યે ચાણસ્મા ગામમાં એન્ટર થઈ ગ્યા. આખુંય ગામ ‘ડાયરો આયો, લ્યા ડાયરો...’ કહેતું અમને જોવા આવ્યું અને સાંજે સાડાસાતે તો ડાયરાને જોવા (?) ગામ સ્ટેજ સામે ગોઠવાઈ ગ્યું. શરૂઆતમાં પંદર મિનિટ જોક્સ આવ્યા. એ પછી ભજનિક ભરતભાઈએ ગણપતિ બેસાડ્યા, પણ ઑડિયન્સે કશો ખાસ પ્રતિસાદ ન આપ્યો. ઑડિયન્સ ગંભી૨ થઈ જાય એટલે કલાકાર મૂંઝાય. અમને થ્યું કે થયું શું, અમને આવડતું નથી કે તમને સમજાતું નથી?
૨૦ મિનિટ પછી મને પરિસ્થિતિનો તાગ મળી ગ્યો કે પ્રૉબ્લેમ કાઠિયાવાડી બોલીનો છે. મેં તરત કીર્તિભાઈને બોલાવીને કહ્યું કે તમારા ગામમાં કોઈ વક્તા હોય તો ૧૦ મિનિટ તેમને માઇક સોંપો જેથી શ્રોતાઓને શું જોઈએ છે એની અમને ખબર પડે.
કીર્તિભાઈએ હાથીના મદનિયા જેવા એક વિશાળકાય બાપજીને સ્ટેજ સોંપ્યું, જેમણે મહેસાણી ભાષામાં જગતની ફાસ્ટેસ્ટ રામાયણ ૧૦ મિનિટમાં રજૂ કરી. લ્યો સાંભળો બાપજીના જ શબ્દોમાં કે કેવી હતી એ ચરોતરની ફાસ્ટેસ્ટ રામાયણ, સૉરી રોમાયણ.
‘રોમચંદ્ર ભગવાનની જે. દેવતાઓ ને દાનવો ઝઘડી પડ્યા. દેવતાઓએ રાજા દશરથને વિનંતી કરી કે એય દશરથ, મદદ આલો. દશરથ ક્યે શું કરવાનું કો? દેવતાઓ ક્યે દાનવોને ટીંચી કાઢવા. તો દશરથે તો દાનવોને પકડી-પકડીને ટીંચ્યા ને ટીંચી-ટીંચીને પકડ્યા. એમાં પેલી કૈકેયી જોડે આઇ’તી તે તેને વચન આલ્યાં ને દશ૨થે લોચો માર્યો. ૧૪ વરસ વીત્યા પછી પેલી લુચ્ચી મંથરાએ ચકરડી ભમાઈ કે ભરતને આલો ગોદી ને રોમને આલો વનવાસ. દશરથને તો હાર્ટ-અટૅક આઇજ્યો...’
બાપજીની આ ચરોતરી સાંભળીને શ્રોતાઓ પાછા બોલતા જાય, બાપજી બોલે તો ફૂલડાં ઝરે...
‘રોમ તો વનમાં હેંડ્યા. જોડે જોનકી ને પેલો લક્ષ્મણ બી ખરો, પણ લંકાના રોવણે મા જોનકીનું અપહરણ કર્યું ને લોચો માર્યો. રોમે તો હનુમાનને ડાયમન્ડની વીંટી આલી ને લંકા મોકલ્યા. હનુમાન તો નોંકની દૌંડી સમા ઊડ્યા ને સીધા પહોંચ્યા મા જોનકી પાસે. હનુમાને માને પૂછ્યું, મા, તમને આંયા ગમે? જોનકી બોલ્યાં, બેટા અંઇયા કોને ગમે? હનુમાન કહે, તો હેંડો, હું તમને લેવા આયો. આમ હનુમાનજી સીતામાતાને ખભે બેસાડીને ભગવાન રોમ પાસે પાછા લઈ આયા. રોમાયણ પૂરી. બોલો, રોમચંદ્ર ભગવાન કી જે...’
સાંભળનારાઓ તો બાપજી પર આફરીન થઈને બોલ્યા કે વાહ ભૈ વાહ, બાપુજી બોલે તો ફૂલડાં ઝરે. જોકે મારાથી ન રહેવાયું એટલે મેં બાપજીને પૂરા વિવેક સાથે પૂછ્યું, ‘બાપજી, સીતામા હનુમાનજી સાથે લંકાથી આવી જાય તો રામ-રાવણનું યુદ્ધ ક્યાં ગયું?’
‘તમે કોઠ્યાવાડીઓ લડવા-ઝઘડવાની વાત બઉ કરો. શાંતિથી, પ્રેમથી તે સીતામા આઈ જતાં હોય તો ખોટી ચ્યમની બાકાઝીંકી બોલાવીને ભોંજગડ (માથાકૂટ) કરવી.’
બાપજીના જવાબથી મને ત્રણ દિ તાવ રહ્યો’તો.