આ સમયમાં બાળકને જન્મ આપવો એ જુદી જ ચૅલેન્જ છે

10 May, 2020 09:26 PM IST  |  Mumbai Desk | Bhakti D Desai

આ સમયમાં બાળકને જન્મ આપવો એ જુદી જ ચૅલેન્જ છે

પ્રતીકાત્મક તસવીર

શુક્રાણુ અને અંડબીજના મિલનથી પેદા થતા ભ્રૂણને પોતાની કૂખમાં ૯ મહિના પોષવું અને આ પૃથ્વી પર એનું અવતરણ કરવું એ અત્યંત કપરું કામ છે. માતૃત્વની પ્રબળ ઝંખનાને કારણે સ્ત્રીઓ એ કામ ખૂબ સ્નેહથી કરે છે અને એમાં જ તેને પરમ તૃપ્તિનો અહેસાસ થાય છે. જોકે ગર્ભાવસ્થા અને પ્રસવની આ પળો હાલમાં ચાલી રહેલી મહામારીને કારણે વધુ ચૅલેન્જિંગ બની ગઈ છે. ઘરમાં નવજાતનો જન્મ થવાનો છે એ આનંદનો વિષય તો છે જ, પણ અત્યારના કોરોનાયુદ્ધના કાળમાં પ્રેગ્નન્સી અને પ્રસવ બેમાંથી કોઈ પણ સ્થિતિમાં કેવી સાવધાની રાખવી જરૂરી છે એ જાણીએ...

પરિવારમાં બાળકનો જન્મ થવાનો હોય ત્યારે સૌનું એક્સાઇટમેન્ટ અપરંપાર હોય છે. ૯ મહિનાથી જેના આગમનની ઇન્તેજારી મનમાં ભરી રાખી હોય, પણ ડિલિવરી સમયે સૌનું મન પડીકે બંધાયેલું રહે છે. સામાન્ય સંજોગો હોય ત્યારે પણ ક્યારે પ્રસવની પીડા ઊપડશે અને એ વખતે જરૂરી સવલતો તરત મળી રહેશે કે નહીં એની ચિંતા હોય છે, જ્યારે અત્યારે તો લૉકડાઉન ચાલી રહ્યું છે. નર્સિંગ હોમ્સ પણ માત્ર ઇમર્જન્સી કેસ જ લઈ રહ્યા છે. મા અને આવનારા બાળકને વાઇરસનું સંક્રમણ ન લાગી જાય એની ચિંતા છે. આ મહામારીએ નવા બાળકને જન્મ આપનારી માતાઓ, બાળક અને ગાયનેકોલૉજિસ્ટ એ ત્રણેય માટે ખૂબ જ મોટા પડકાર ઊભા કરી દીધા છે. નવી મમ્મી બનનારીઓની ઍન્ગ્ઝાયટી તો ઠીક, પણ ગાયનેકોલૉજિસ્ટ્સ
પણ અત્યારે તેમના પેશન્ટ્સને લઈને તાણમાં છે.

ગર્ભાવસ્થામાં સાચવણી
સામાન્ય ગર્ભવસ્થા કરતાં અત્યારે પ્રેગ્નન્ટ મહિલાઓએ પોતાની અને કૂખમાં ઊછરી રહેલા બાળકની વિશેષ કાળજી રાખવી જરૂરી છે. અંધેરીના ગાયનેકોલૉજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જ્યન ડૉ. પ્રીતિ વ્યાસ ગર્ભવતી સ્ત્રીઓએ પોતાની કાળજી રાખવા શું કરવું જોઈએ એ વિશે કહે છે, ‘હાલમાં પ્રેગ્નન્ટ મહિલાઓએ ઘરની બહાર કદમ પણ ન મૂકવો જોઈએ. તેમણે શ્વસનતંત્રના આરોગ્યને સાચવવા માસ્કનો ઉપયોગ કરવો, ઘરની અંદર પણ તેઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, દર બે કલાકે સાબુથી હાથ ધોવા અને પોતાના ચહેરાને અડવાનું ટાળવું. જ્યારે પણ ઉધરસ આવે તો હાથ આડો ન રાખતાં કોણીનો સહારો લેવો જેથી એ ડ્રૉપલેટ્સ હાથ પર ન લાગે અને એના દ્વારા મોઢા કે આંખમાં ન જાય. તેમણે ખાસ ધ્યાન રાખવું કે ઘરના અન્ય સભ્યોની વધારે નજીક ન જવું. અહીં એક વાત કહેવી જરૂરી છે કે એવાં કોઈ પ્રમાણ નથી જેનાથી કોરોના-સંક્રમણની શક્યતા ખાતરીપૂર્વક કહી શકાય કે ગર્ભવતી સ્ત્રીઓને અન્ય કરતાં વધારે છે, પણ વાસ્તવિકતા એ છે કે તેઓ ગર્ભાવસ્થામાં આ વાઇરસનો ચેપ લાગ્યો તો એનાથી કૉમ્પ્લીકેશન્સ વધી શકે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ ઘરમાં ગર્ભવતી સ્ત્રી પર વિશેષ ધ્યાન અપાય છે તો હાલની સ્થિતિમાં સ્વાભાવિક છે કે તેઓ કોઈ રીતે કોરોના વાઇરસના સંક્રમણમાં ન આવે એ વિશે સાવચેતી વર્તવી જ જોઈએ.’

કોવિડ-19 ટેસ્ટ ડિલિવરી પહેલાં જરૂરી
ઘણા નર્સિંગ હોમ્સમાં ડિલિવરી પહેલાં કોવિડ-19ની ટેસ્ટ કમ્પલ્સરી કરવામાં આવી છે. આ માત્ર હૉસ્પિટલની જ નહીં, મહિલાની સેફ્ટી માટે પણ બહુ જરૂરી છે. ડૉ. પ્રીતિ આ વિશે કહે છે કે, ‘જે સ્ત્રીઓની ડિલિવરીને એક અઠવાડિયાનો સમય બાકી હોય અંદર કે એ પહેલાં થવાની શક્યતા હોય અને ખાસ કરીને જ્યારે આવી સ્ત્રીઓ ગીચ વસ્તીમાં અથવા કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતી હોય તેઓ માટે સરકાર તરફથી એવી સૂચના પણ આવી છે કે તેમણે ડિલિવરી પહેલાં કોવિડ-19ની ટેસ્ટ કરાવી લેવી જરૂરી છે. આનો ફાયદો એ છે કે કોવિડ-19 રોગના દરદીઓમાં જોવામાં આવ્યું છે કે ફેફસાંની રક્તવાહિનીઓમાં લોહીનું ગઠન થઈ જાય છે, જેને મેડિકલ સાયન્સમાં થ્રોમ્બોસિસ કહે છે અને ગર્ભવતી સ્ત્રીઓને આનાથી વધારે તકલીફ થઈ શકે છે એથી આ ટેસ્ટ જરૂરી છે.’

નવજાતને પણ દૂર રાખો
ડિલિવરી પહેલાં માત્ર માની કાળજી રાખવાની હોય છે, જ્યારે ડિલિવરી પછી મા અને બાળક બન્નેની. ડૉ. પ્રીતિ વ્યાસ નવજાત બાળક અને તેમના પરિવાર માટે કહે છે, ‘નવું બાળક હોય એટલે સ્વાભાવિક છે કે પરિવારના સભ્યોને તેને રમાડવાની ઇચ્છા થાય, પણ મહામારીનો આ સમય તમને તમારા બાળકને રમાડવાની કે હાથમાં લેવાની ભાવનાઓ માટે પરવાનગી નથી આપતો. તેની તરફનો પ્રેમ વ્યક્ત કરવાનો માર્ગ એટલે બાળકથી થોડું દૂર રહીને તેની સુરક્ષિતતા સુનિશ્ચિત કરવી.’
બાળકનો જન્મ થયા પછી તેને પરિવારની નજીક રહેવાથી સુરક્ષિતતા અને હૂંફ મળે છે, પણ કોરોના વાઇરસે સુરક્ષિતતાની વ્યાખ્યા બદલીને સોશ્યલ ડિસ્ટન્સિંગથી બાળક અને પરિવાર વચ્ચે થોડું અંતર લાવી દીધું છે.

ડિલિવરી દરમ્યાન પણ સ્પેશ્યલ કૅર
નૉર્મલ કે સિઝેરિયન ડિલિવરી પહેલાં ડૉક્ટર્સ દ્વારા પણ વિશેષ કાળજી રખાય છે. ડૉ. પ્રીતિ કહે છે, ‘ડિલિવરી કરાવતી વખતે અમારે શરીરનો ઉપરનો ભાગ જે કોરોના-સંક્રમિત થવાનો ભય રહે છે એ ન થાય એ માટે અમે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટ પહેરીએ છીએ. આનાથી ઇન્ફેક્શન લાગવાનો ભય રહેતો નથી. જો કોઈ ઇમર્જન્સી આવી જાય તો આ પીપીઈ કિટ પહેરતાં જ અમને ૧૫ મિનિટ લાગી જાય છે. એક પેશન્ટ બતાવીને જાય પછી આશરે ૪૫ મિનિટ સૅનિટાઇઝ કરવામાં લાગી જાય છે. જ્યાં પહેલાં અમે દર દિવસે ૨૫ પેશન્ટ જોતા હતા ત્યાં આજે માત્ર દિવસે ચાર જ સ્ત્રીઓનું ચેકઅપ કરી શકાય છે.’

ડિલિવરી દરમ્યાન માસ્કને કારણે ગૂંગળામણ થતી હતી
લોખંડવાલામાં રહેતાં એચ. આર. પ્રોફેશનલ સુરુચિ અસાવાએ ૧૪ એપ્રિલે દીકરીને જન્મ આપ્યો હતો. ડિલિવરી પહેલાંની પોતાની ચિંતાઓ વિશે સુરુચિ કહે છે, ‘હું કોવિડ-19ને કારણે મારી અને બાળકની સુરક્ષાને લઈને હૉસ્પિટલમાં કેવી રીતે જવું એ વિશે દ્વિધામાં હતી, પણ ડિલિવરી માટે હૉસ્પિટલમાં તો જવું જ પડે. મને ડિલિવરી સમયે પણ ખૂબ ચિંતા હતી, પણ લેબરરૂમમાં પ્રવેશ કરતાંની સાથે જ જ્યારે મેં જોયું કે ડૉક્ટરો અને અન્ય સ્ટાફે સુરક્ષાનાં કેટલાં મોટાં પગલાં લીધાં હતાં એટલે મારી ચિંતા દૂર થઈ ગઈ. મને પણ વિશેષ આવરણ અને માસ્ક પહેરાવ્યાં હતાં. ડિલિવરી દરમ્યાન માસ્કને કારણે ગભરામણ થઈ રહી હતી એવું મને લાગ્યું. ડૉક્ટરે મને સમજાવી કે ચિંતા અને તણાવને કારણે મને શ્વાસમાં તકલીફ જણાઈ રહી હતી અને સંભાળી લીધી, પણ માસ્ક ન કાઢવા દીધો. વાસ્તવમાં ડૉક્ટર પણ જીવના જોખમે અમને મદદ કરી રહ્યા છે.

બાળકને અત્યારથી સોશ્યલ ડિસ્ટન્સિંગ કરાવવું પડે છે
કાંદિવલીમાં રહેતા કોટક લાઇફ ઇન્શ્યૉરન્સના ચીફ મૅનેજર તથા કુમળી દીકરી રૂહીનાં મમ્મી વિનોલિયા સાદરાણી અહીં પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘મારી ડિલિવરી ૨૭ એપ્રિલે થઈ હતી. કોવિડ-19ના સમયમાં ડિલિવરીનો અનુભવ માતૃત્વની લાગણી સાથે જ ચિંતા અને તણાવને પણ જન્મ આપે છે. હું મારી ગર્ભાવસ્થાના પહેલા દિવસથી જ નજીકની એક હૉસ્પિટલમાં નિયમિત બતાવવા જતી હતી અને આ મહામારી પછી મારી પહેલી ચિંતા એ હતી કે જો મારો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવશે તો તેઓ મને એ હૉસ્પિટલમાં નહીં લે તો હું શું કરીશ? પણ મારી બધી ચિંતાઓનો અંત ત્યારે આવ્યો જ્યારે હું હૉસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ થઈ ગઈ. પછી માસ્ક અને બધી કિટ પહેરીને રૂહીને જન્મ આપ્યો, પણ ખૂબ જ આકરું લાગ્યું. ડિલિવરી પછી મને મારી રૂહીનો ચહેરો તો બતાવ્યો, પણ મને તેને અડવા ન દીધી. આ સમયે મને એમ થયું કે ‘અરેરે, આ તે કેવી પરિસ્થિતિ છે કે આટલી વેદના પછી હું મારી હમણાં જ જન્મેલી દીકરીને માતૃત્વનો પહેલો સ્પર્શ પણ નથી કરી શકતી?’ ત્યાર બાદ બે કલાક પછી રૂહીને મારી પાસે લાવ્યા. એ બે કલાકની પ્રતીક્ષામાં કેટલાયે વિચારો મને આવી ગયા. હવે ઘરે આવ્યા પછી પણ મા સિવાય અન્ય સભ્યોને તેની નજીક રાખવાની મનાઈ છે. કોરોના વાઇરસે ડિલિવરીની આખી પ્રક્રિયા ખૂબ અઘરી કરી નાખી છે. આ સમયમાં ઘરેથી હૉસ્પિટલ પહોંચવું અને નિયમિત તપાસ કરવા જવું પણ થોડું અઘરું થઈ જાય છે.’

‘હાલમાં પ્રેગ્નન્ટ મહિલાઓએ ઘરની બહાર કદમ પણ ન મૂકવો જોઈએ. તેમણે શ્વસનતંત્રના આરોગ્યને સાચવવા માસ્કનો ઉપયોગ કરવો, ઘરની અંદર પણ તેઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, દર બે કલાકે સાબુથી હાથ ધોવા અને પોતાના ચહેરાને અડવાનું ટાળવું. - ડૉ. પ્રીતિ વ્યાસ