ગર્લ્સને સૅનિટરી પૅડ્સ વાપરતી તો કરી દીધી પણ શું એનો નિકાલ યોગ્ય થાય છે

29 October, 2020 03:40 PM IST  |  Mumbai | Divyasha Doshi

ગર્લ્સને સૅનિટરી પૅડ્સ વાપરતી તો કરી દીધી પણ શું એનો નિકાલ યોગ્ય થાય છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પિરિયડ્સ દરમ્યાન હાઇજિન જાળવવા અને પૅડ્સનો ઉપયોગ કરવા બાબતે સારીએવી જાગૃતિ આવી છે. ગામડાંમાં પણ બહેનોને સસ્તા દરે પૅડ્સ ઉપલબ્ધ થાય એ માટેની વ્યવસ્થાઓ ઊભી થવા લાગી છે. એક રૂપિયામાં એક પૅડ મળે એવાં વૅન્ડિંગ મશીનો લાગી ગયાં છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટેનું આ સારું પગલું ક્યાંક પર્યાવરણ પર ભારી પડ્યું છે અને એનું કારણ છે આ પૅડ્સને ડિસ્પોઝ કરવાની યોગ્ય વ્યવસ્થાનો અભાવ...

હજી આજે પણ ભારતમાં એવી મહિલાઓ છે જેમણે ક્યારેય સૅનિટરી પૅડ્સનો ઉપયોગ નથી કર્યો તો હવે એવી સ્ત્રીઓ પણ મળી રહેશે કે જેમણે ક્યારેય માસિક સમયે કપડાંનો ઉપયોગ કર્યો ન હોય કે એનો ઉપયોગ કરવાનું વિચારી પણ શકે. તો એવી પણ સ્ત્રીઓ મળી રહેશે જેમણે કિશોરાવસ્થામાં અને યુવાનીમાં કપડાંનો ઉપયોગ કર્યો હોય, કારણ કે એ સમયે એટલે કે આજથી ચાલીસેક વરસ પહેલાં સૅનિટરી નૅપ્કિન ખરીદવાનું તેમને પોસાતું ન હોય. જોકે આજે પણ એવી મહિલાઓ મળી રહેશે જેમને હજી આજે પણ મોંઘો સૅનિટરી નૅપ્કિન ખરીદવો પોસાય નહીં.
દર મહિને જે રક્તસ્રાવ થાય છે એની સાથે જીવવું સહેલું નહોતું. સદીઓથી સ્ત્રીઓ એના માટે રસ્તઓ કાઢતી આવી છે. એક સમયે પાંદડાં, ઘાસ, રેતીનો ઉપયોગ થતો અને પછી ગાભાનો ઉપયોગ થતો આવ્યો છે. હવે સૅનિટરી પૅડ્સ આવ્યાં છે અને એની સૌથી ગમતી બાબત એ છે કે એને ધોવા-સુકાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. પણ જેમ-જેમ સૅનિટરી પૅડ્સ વાપરવા બાબતે જાગૃતિ આવે છે એમ-એમ સાથે એના નિકાલની વ્યવસ્થા બાબતે પણ સભાનતા જરૂરી છે. મોટા ભાગનાં સૅનિટરી પૅડ્સ બાયોડિગ્રેડેબલ નથી હોતાં. એટલે એ પ્લાસ્ટિકની જેમ હજારો વર્ષ સુધી ખતમ નથી થઈ શકતાં. પર્યાવરણની ચિંતા કરીએ તો લાગે કે બાયોડિગ્રેડેબલ પૅડ્સ જ વાપરવાં જોઈએ, પણ એવાં પૅડ્સ મળવાનું બહુ જ મુશ્કેલ છે અને મોટા ભાગે એ ઑનલાઇન જ અવેલેબલ હોય છે.
સૅનિટરી પૅડ્સની સૌથી મોટી સમસ્યા એનું ડિસ્પોઝલ છે. અમે કૉલેજ અને ઑફ ધ કૉલેજ કેટલીક સ્ત્રીઓને પૂછ્યું તો મોટે ભાગે બધા જ હાલ જે બજારમાં બ્રૅન્ડ મળે છે એ જ વાપરે છે. ઑનલાઇન સૅનિટરી પૅડ કોઈ મંગાવતું નથી. વળી એના નિકાલ વિશે પણ ખાસ માહિતી નથી. આમ તો આ પૅડ કાગળમાં વીંટાળીને કચરાની ટોપલીમાં નાખવાના હોય છે, પણ કાગળના અભાવે કેટલીક સ્ત્રીઓ એનો નિકાલ ટૉઇલેટમાં કરતી હોવાને કારણે બાથરૂમ ચોક થઈ જવાની ફરિયાદો વધી છે અને એનું કારણ સૅનિટરી પૅડ્સ હોવાનું સફાઈ કામદારો કહે છે. મીઠીબાઈ કૉલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ખેવના દેસાઈ કહે છે કે તેમની કૉલેજના સ્ટાફ રૂમમાં અમે પૅડ કાગળમાં વીંટાળીને કચરાના ડબ્બામાં જ ફેંકીએ છીએ. એ છતાં ક્યારેક કોઈ એમ જ પણ નાખી દેતું હોય. બાયોડિગ્રેડેબલ પૅડ વિશે જાણકારી હોવા છતાં એ વાપરવાનું હાલ બન્યું નથી. કપ વાપરવા કમ્ફર્ટેબલ નથી હોતા એવું ખેવનાનું કહેવું છે.
હકીકતમાં આ પૅડ્સનો નિકાલ બાળીને અથવા તો અલગ હેઝાર્ડઝ કચરાની સાથે અલગથી કચરા ટોપલીમાં નાખીને કરવાનો હોય છે સિવાય કે એ બાયોડિગ્રેડેબલ પૅડ્સ હોય.
ઇકો-ફ્રેન્ડ્લી વિકલ્પો શું છે?
કેળાના રેસા, બામ્બુના રેસામાંથી પણ પર્યાવરણને નુકસાન ન કરે છતાં વાપરવામાં સહેલાં પૅડ મળતાં હોય છે. સિલિકોન કપ પણ ખરા જ પણ એ વિશે જાણકારીનો અભાવ તો ખરો જ પણ એને વાપરવાની માનસિકતા પણ ઊભી નથી થઈ.
રહી વાત ટૅમ્પોન્સની તો એ વિશે હજી પણ ઘણી સ્ત્રીઓ અજાણ છે. આ ટૅમ્પોન્સ બાયોડિગ્રેડેબલ હોય છે, કેમ કે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થયો હતો. નાનકડા પ્લગ જેવો કૉટનનો ટુકડો વજાઇનામાં મૂકવાની સુગમતા દરેક સ્ત્રીને અનુકૂળ આવે એ જરૂરી નથી.
સૅનિટરી પૅડ્સનો વપરાશ વધી જવાને કારણે આજે એના નિકાલની સમસ્યા પણ વધી રહી છે.
રક્તરંજિત પૅડ્સ કચરાના ડબ્બામાં બધા અન્ય કચરાની સાથે જ નાખવામાં આવે છે. ૨૦૧૧ની સાલના આંકડા મુજબ દર મહિને ૯ હજાર ટન સૅનિટરી પૅડનો કચરો ભારતમાં પેદા થાય છે. નવ વરસ બાદ આજે જે આંકડો હશે એ નક્કી વધ્યો જ હોય. આ કચરાને જો બાળવામાં આવે તો પણ એમાં રહેલું પ્લાસ્ટિક ખતમ નથી થતું. બીજું, એને બાળવાથી હવાનું પ્રદૂષણ વધે છે. આ કચરાનો નિકાલ કેવી રીતે કરવો એ મોટી સમસ્યા બની ગઈ છે આજે. કચરો વીણનારાઓને વપરાયેલાં પૅડ્સ ઉપાડીને બાજુએ મૂકવાં પડે છે. ભારતમાં કચરો વીણનારી સ્ત્રીઓ કે બાળકોના હાથમાં ભાગ્યે જ ગ્લવ્સ પહેરેલાં હોય છે જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
શ્રેષ્ઠ નિકાલ માટે શું?
પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે પૅડ્સનો નિકાલ કઈ રીતે કરવો એ મોટી સમસ્યા છે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટના નિયમ પ્રમાણે સૅનિટરી પૅડ્સને સૂકા કચરાની બૅગમાં નાખવાનાં હોય છે. પણ હજી કચરાને સૂકો તેમ જ ભીનો પ્રમાણે વર્ગીકરણ દરેક જગ્યાએ થતું ન હોવાથી કચરાના ઢગલા સુધી વપરાયેલાં સૅનિટરી પૅડ પહોંચે છે. એને બાળી નખાય એવા મશીનની શોધ કરાઈ છે. ભારતમાં પણ આ મશીનો કેટલીક કૉલેજોમાં લગાવવામાં આવ્યાં છે પણ દરેક જગ્યાએ મશીન વર્કિંગ કન્ડિશનમાં જોવા મળતાં નથી. અનેક જગ્યાએ આ મશીનો બંધ થઈ ગયાં હોવાનું કારણ જાણ્યું તો ઓવરલોડને કારણે મશીન અટકી ગયાં છે એવું કહેવાય છે. બીજું, એમાં ગમે તેટલા ઊંચા તાપમાને બાળવામાં આવે, એમાંથી નીકળતો ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક જ રહે છે. એક તરફ સૅનિટરી પૅડ સ્ત્રી માટે વરદાનરૂપ છે તો બીજી તરફ પર્યાવરણ માટે એ સમસ્યા બની ગયાં છે.
કે-વૉર્ડના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઑફિસર ધીરજ બાંગર અંદાજ લગાવતાં કહે છે, ‘હકીકતમાં ત્રણ જાતનો કચરો જુદો કરવાનો હોય લોકોએ. એક તો સૂકો જેમ કે પેપર-પ્લાસ્ટિક વગેરે. બીજો કિચન વેસ્ટ, ત્રીજો હેઝાર્ડસ વેસ્ટ. પણ એવું થતું ન હોવાથી હજી એના નિકાલની સમસ્યાઓ તો છે જ. આજે દરરોજ ફક્ત મુંબઈમાં જ ૯ મેટ્રિક ટન સૅનિટરી પૅડનો વેસ્ટ ઉત્પન્ન થતો હોઈ શકે. જોકે એને સૂકા કચરા સાથે ફેંકવાના હોય છે તો પણ હજી મોટા ભાગના લોકો કચરો જુદો તારવતા ન હોવાથી આ વપરાયેલાં પૅડ ભીના બાયોડિગ્રેડેબલ કચરા સાથે જ ફેંકી દે છે. બાકી મ્યુનિસપાલિટીની ગાડી જ્યાં કચરો ઠાલવે છે ત્યાંથી આ પૅડ જુદાં કરી હેઝાર્ડસ મેડિકલ વેસ્ટ સાથે એને ખાડો કરીને દાટી દે છે. લોકો પોતે જો ધ્યાન રાખીને એને સૂકા કચરામાં નાખે તો જ એ શક્ય છે.’
બાયોડિગ્રેડેબલ પૅડ્સ જ ઉકેલ
બાયોડિગ્રેડેબલ સૅનિટરી પૅડની માગ વધી રહી છે પણ જોઈએ એટલી નહીં. એ છતાં પર્યાવરણ વિશે જાગૃત મહિલાઓ કપડાંથી બનેલાં સૅનિટરી પૅડ પણ વાપરી રહી છે અને પર્યાવરણ ફ્રેન્ડ્લી સૅનિટરી પૅડ પણ વાપરી રહી છે. પર્યાવરણ વિશે જાગૃત મહિલાઓ ડિસ્પોઝેબલ સૅનિટરી પૅડ્સ વાપરવા તૈયાર નથી એ આશાસ્પદ બાબત છે, પરંતુ એ માટે હજી ઘણી જાગૃતિ લાવવાની જરૂર છે. જ્યાં સૌથી વધુ યુવતીઓ અને મહિલાઓની જ અવરજવર રહે છે એવી એસએનડીટી મહિલા કૉલેજની જ વાતા કરીએ તો એમાં દરેક બાથરૂમમાં મશીનો નથી લાગ્યાં. હા, સૅનિટરી પૅડ વેન્ડિંગ મશીનો મોટા ભાગના બાથરૂમમાં છે.
પાર્લા (વેસ્ટ)માં રહેતાં પ્રીતિ જરીવાલા પોતે આયુર્વેદના ડૉક્ટર છે અને તેમના પતિ એમડી ડૉક્ટર છે. તેમનું કહેવું છે કે તેમના ક્લિનિકમાં અને સોસાયટીમાં પણ સૅનિટરી પૅડનો હેઝાર્ડસ વસ્તુઓ જેમ કે નૉનબાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક સાથે નિકાલ કરવાનો હોય છે. તેમની સોસાયટીમાં મ્યુનિસિપાલિટી ત્રણ રીતે કચરાનું વર્ગીકરણ કરવાનું કહે છે. પ્રીતિબહેનની દીકરી અને પાડોશમાં દરેક જણ નૉનબાયોડ્રિગ્રેડેબલ સૅનિટરી પૅડ વાપરે છે.

સૅનિટરી પૅડનો ઇતિહાસ
સૌપ્રથમ સૅનિટરી પૅડનો ઉલ્લેખ દસમી સદીમાં રચાયેલા ગ્રીક એન્સાઇક્લોપીડિયામાં મળે છે. ગ્રીસની ગણિતજ્ઞ, તત્ત્વજ્ઞાની હાયપેશિયા નામની મહિલાને ૪૧૫ની સાલમાં મારી નાખવામાં આવેલી. તેણે પોતાનું વપરાયેલું રક્તસ્રાવવાળું પૅડ અધિકારી પર ફેંક્યું હોવાની નોંધ છે. લગભગ ૧૮૮૮ની સાલ પહેલાં સૌપ્રથમ બેન્જામિન ફ્રૅન્કલિને અનાયાસે ડિસ્પોઝેબલ પૅડ્સની શોધ કરી હતી. સૈનિકો માટે લોહી બંધ કરવા માટે વપરાતા મટીરિયલનો માસિક રક્તસ્રાવ રોકવા માટે ઉપયોગ થતાં એની શોધ થઈ હતી. એમાં લાકડાના ભૂસા પલ્પનો ઉપયોગ થતો હતો. આજે પણ સૅનિટરી પૅડમાં એ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે જેના પરથી પૅડમૅન ફિલ્મ બની હતી એ અરુણાચલ મુરુગન દ્વારા જે ઇકો-ફ્રેન્ડ્લી સૅનિટરી પૅડ બનાવવામાં આવે છે એમાં આ જ મટીરિયલ વપરાય છે.
૧૮૮૮ની સાલમાં હર્ટમેનની જાહેરાત સૌપ્રથમ લંડનના અખબારમાં છપાઈ હતી જેમાં હર્ટમેન સૅનિટરી વુડ વુલ જે રોગીની સ્વચ્છતા અને સગવડ માટે છે એવું લખાણ જોવા મળે છે. લાગે છે કે એસમયે માસિકને એક રોગ, બીમારી તરીકે જોવાતું હશે.
છેક ૧૯૨૧ની સાલમાં પહેલી વાર કોટેક્સની જાહેરાત આવવા લાગી હતી. એમાં વુડ વુલનો જ ઉપયોગ થતો હતો.

જાગૃતિ જરૂરી
અભિનેત્રી દિયા મિર્ઝાએ પોતે ડિસ્પોઝેબલ સૅનિટરી પૅડ નહીં વાપરે એવું જાહેર કરેલું એનું કારણ એ છે કે તેને પર્યાવરણની ચિંતા છે. તમને નથી લાગતું કે હવે આ વિશે મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે?

divyasha doshi columnists