મુઠ્ઠી ખોલી નાખ - (લાઇફ કા ફન્ડા)

24 February, 2020 04:34 PM IST  |  Mumbai | Heta Bhushan

મુઠ્ઠી ખોલી નાખ - (લાઇફ કા ફન્ડા)

દિશા એન્જિનિયર થઈ ગઈ. સરસ જૉબ મળી. કંપનીમાં સાથે કામ કરતા સિનિયર નિહાર સાથે દિલ મળી ગયું. ખાસ એકબીજા માટે જ બન્યા હોય તેવા દિશા અને નિહારના પ્રેમ પર બધાએ પોતાની સંમતિ પણ આપી દીધી. સગાઈ થઈ ગઈ. છ મહિના પછી લગ્ન નક્કી થયા, પણ નિહારને સગાઈના બે મહિના બાદ વિદેશથી બહુ સારી જૉબની ઑફર આવી. તરત જ જૉઈન કરવાનું હતું; ત્રણ વર્ષનો કૉન્ટ્રૅક્ટ હતો. નિહારે દિશાને જણાવ્યા વિના નોકરી સ્વીકારી લીધી અને વિદેશ જવાના અઠવાડિયા પહેલાં જણાવ્યું કે તે ત્રણ વર્ષ માટે વિદેશ જઈ રહ્યો છે અને લગ્ન કૅન્સલ છે. ત્રણ વર્ષ પછી પાછો આવીશ પછી લગ્ન કરશું. નિહારનું આવું વર્તન દિશાના દિલને ચોંટ પહોંચાડી ગયું...કે લગ્ન નક્કી થઈ ગયા હતા, તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે નિહારે આટલો મોટો નિર્ણય લીધો અને નિર્ણય લેવા પહેલાં પૂછ્યું પણ નહીં. બન્ને વચ્ચે ઝઘડો થયો, વાત વધી ગઈ...સગાઈ તોડી નિહાર વિદેશ ચાલ્યો ગયો અને દિશાનું દિલ તૂટી ગયું.

પ્રેમમાં મળેલી નિષ્ફળતાએ દિશાને ચારે બાજુથી ઘેરી લીધી. તે હસવાનું ભૂલી ગઈ. જૉબ છોડી દીધી. કોઈ સાથે કંઈ બોલતી નહીં. નિહારનો ફોટો લઈને બેસી રહેતી અને આંખોમાંથી આંસુ વહેતા રહેતા. દિશાને ડિપ્રેશન આવી ગયું અને હતાશા અને નિરાશા સતત વધતાં જ રહ્યાં. માતા- પિતા, ભાઈ-બહેન દિશાને ખુશ કરવાના પ્રયત્નો કરતા. ડિપ્રેશનનો ઈલાજ પણ શરૂ કર્યો...પણ કંઈ ફરક પડતો નહોતો.

એક દિવસ દિશા હાથમાં નિહારનો ફોટો લઈને રડતી હતી ત્યારે તેના દાદી તેની પાસે આવ્યાં અને ધીમેથી તેની સાથે વાતો કરવા લાગ્યાં. દાદીએ પૂછ્યું, ‘દિશા આપણે કોઈ વસ્તુ સજ્જડ મુઠ્ઠી વાળીને પકડી રાખીએ તો શું થાય?’ દિશાએ કહ્યું, ‘તે વસ્તુ આપણી સજ્જડ મુઠ્ઠીમાં રહે, આપણી પાસે જ રહે.’ દાદી બોલ્યા, ‘એકદમ બરાબર દીકરા, તું તો મારી સમજુ દીકરી છે. જો આપણે મુઠ્ઠી ખોલી નાખીએ તો?’ દિશાએ કહ્યું, ‘તો...તો તે વસ્તુ હાથમાંથી સરી જાય.’ દાદીએ કહ્યું, ‘બસ દીકરા તો તું તારી મુઠ્ઠી ખોલી નાખ... નિહારે આપેલા દુઃખને તે સજ્જડ મુઠ્ઠીવાળી પકડી રાખ્યું છે. એકના એક દુઃખ કે મુશ્કેલી કે નિરાશાને પકડી રાખીએ તો તે દૂર થતાં નથી. જીવનમાંથી હસી-ખુશી દૂર થઈ જાય છે...બેટા, મારું માન... મુઠ્ઠી ખોલી નાખ, આ દુઃખને સમય સાથે સરી જવા દે, જીવનમાં આગળ વધ.’ આટલું કહી દાદીએ નિહારનો ફોટો દિશાના હાથમાંથી લઈ લીધો. દિશાએ આંખોના આંસુ લૂછી દાદીને કહ્યું, ‘મુઠ્ઠી ખોલી નાખવાથી શું મારું દુઃખ દૂર થશે?’ દાદીએ કહ્યું, ‘હા બેટા, ખોલ મુઠ્ઠી...તેમાં બંધ દુઃખને સરી જવા દે, તું દુઃખથી દૂર થવા આગળ વધ.’

- હેતા ભૂષણ

heta bhushan columnists