અમેરિકન આર્મી માટે બેકિંગ કરી આવેલો આ ગુજરાતી શેફ હવે મુંબઈને દેશી ટચ સાથેની વિદેશી ડિઝર્ટ્‍સ ખવડાવે છે

21 January, 2026 12:55 PM IST  |  Mumbai | Kajal Rampariya

ડૉક્ટર-એન્જિનિયર બનવાની પરંપરાગત ઘરેડ તોડીને આંતરરાષ્ટ્રીય સ્તરના શેફ બનેલા દહિસરમાં રહેતાં હર્ષદ સેંજલિયાએ વર્લ્ડની તેમ જ એશિયાની સૌથી મોટી ક્રૂઝમાં, અમેરિકન આર્મી માટે કામ કર્યા બાદ લૉકડાઉનમાં હોમ-કિચન શરૂ કર્યું અને હવે તેની પોતાની બેકરી ચલાવે છે

ફૅક્ટરીમાં હર્ષદ પોતે જ ડિઝર્ટ્‍સ અને કેક બનાવે છે

સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં કારકિર્દી એટલે માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે CA; પરંતુ દહિસરમાં રહેતા ૩૬ વર્ષના હર્ષદ સેંજલિયાના મનમાં નાનપણથી જ મસાલેદાર વાનગીઓ અને મીઠાઈઓના સ્વાદનું ગણિત કંઈક અલગ જ રીતે ગોઠવાયેલું હતું. આસપાસના સામાજિક દબાણ છતાં તેણે પોતાના પૅશન પર ભરોસો રાખ્યો અને સ્કૂલ બાદ સીધો જ શેફ બનવાનો માર્ગ પકડ્યો. વિદેશી શેફ્સ સાથે કામ કરીને તેણે જે કૌશલ્ય મેળવ્યું એનો ઉપયોગ તેણે ભારત પરત ફરીને પોતાના હોમ-કિચનમાં કર્યો. ૨૦૨૧માં તેણે પડકારજનક સમયને અવસરમાં બદલી નાખ્યો અને પાંચ વર્ષથી તે આંતરરાષ્ટ્રીય સ્તરનાં ડિઝર્ટ્સને દેશી ટચ આપીને પોતાના બેકરી સ્ટાર્ટઅપને ગ્રો કરી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સફર

શેફ બનવાની જર્ની હર્ષદ માટે રોલરકોસ્ટર જેવી રહી હતી. એ વિશે વાત કરતાં તે જણાવે છે, ‘જેમ બધા પેરન્ટ્સની ઇચ્છા હોય છે કે મારો છોકરો CA, એન્જિનિયર કે ડૉક્ટર બને એવી જ ઇચ્છા મારાં મમ્મી-પપ્પાની પણ હતી. મારા મોટા ભાઈએ મેકૅનિકલ એન્જિનિયરિંગ લીધું હતું એટલે મારી પાસેથી પણ એવી જ અપેક્ષા હતી, પણ મને પહેલેથી જ શેફ બનવાનો શોખ હતો. રસોઈ મારો ફેવરિટ સબ્જેક્ટ હતો અને મને એમાં જ આગળ વધવું હતું. એમાં હું મક્કમ હતો. જ્યારે મેં ઘરે જણાવ્યું કે મારે હોટેલ મૅનેજમેન્ટ કરવું છે ત્યારે ઘરે થોડી બબાલ તો થઈ હતી, પણ મારા ભાઈએ સિચુએશન સંભાળીને મારા ડ્રીમને સપોર્ટ કર્યો. જનરલી હોટેલ મૅનેજમેન્ટમાં વેજિટેરિયન લોકો એટલે નથી આગળ વધતા કારણ કે એમાં તેમને નૉનવેજ પણ બનાવવું અને ચાખવું પડે છે. મારા કેસમાં પણ આ જ મુદ્દો વિલન બન્યો હતો, પણ એમાં મેં નક્કી કર્યું કે મારે બેકરીના ફીલ્ડમાં આગળ વધવું છે જે સેફ પણ છે. મારા ભાઈએ એ વાતને સમજી અને પેરન્ટ્સને પણ સમજાવી. તેના સપોર્ટને કારણે હું શેફ બની શક્યો છું. મેં હોટેલ મૅનેજમેન્ટ કરીને ટોચની હોટેલ્સમાં કામ કર્યું અને વર્લ્ડની સૌથી મોટી ક્રૂઝ શિપ રૉયલ કૅરિબિયનમાં પણ મને ત્રણ વર્ષ સુધી કામ કરવાની તક મળી અને પછી એશિયાની સૌથી મોટી ક્રૂઝમાં પણ મેં બેકર તરીકે કામ કરેલું છે. જોતજોતાંમાં મને અમેરિકન આર્મી બેઝમાં શેફની વેકેન્સી હોવાની ખબર પડી તો મેં અપ્લાય કરી દીધું અને સદ્નસીબે એક મહિનામાં જ મને રિસ્પૉન્સ આવ્યો અને ત્યાં નોકરી મળી ગઈ. આ વાત ૨૦૧૮ની છે. અમેરિકન આર્મીનો બેઝ-કૅમ્પ અફઘાનિસ્તાનના કંદહારમાં હતો તો મેં ત્યાં કામ કર્યું. બહુ જ સરસ અને હાઈ ક્વૉલિટીના મટીરિયલનો ઉપયોગ કરીને આર્મી માટે ખાવાનું બનાવાતું હતું. ત્યાં મેં ઍઝ અ હેડ બેકર કામ કર્યું. જે ભોજન આર્મીને પીરસાતું એ જ ભોજન અમને પણ મળતું. ત્યાં સમાનતા હતી અને એ વાત મને બહુ ગમી. એ વૉર-ઝોન જ હતો, જૉબ પણ રિસ્કી હતી અને મને આવાં રિસ્ક લેવાં ગમતાં હતાં એટલે મને ખબર હોવા છતાં આ નોકરી કરવા તૈયાર થયો. જ્યારે નોકરીમાં જોડાયો ત્યારે અમુક બેસિક ટ્રેઇનિંગ આપવામાં આવી હતી કે જ્યારે હુમલો થવાનો હોય ત્યારે કઈ રીતે પોતાનો બચાવ કરવો. ઘણી વાર સાયરન વાગે એટલે સેફ્ટી-જૅકેટ પહેરીને બંકરમાં જતા રહેવાનું. ઘણી વાર તો જૅકેટ અને કૅપ પહેરીને કામ કરવું પડતું. મારે લાઇફમાં ત્રણ ઍડ્વેન્ચર કરવાનાં હતાં અને મેં એ કર્યાં એટલે એનો વસવસો મને નહીં રહે. એક તો ઇન્ડિયાની હોટેલમાં કામ કરવાનો અનુભવ, ક્રૂઝનો અનુભવ અને આર્મીમાં સર્વ કરવાનો અનુભવ. કોરોનાના સમયમાં અમેરિકન આર્મી લોકોને ઓછા કરી રહ્યા હતા. પહેલા લૉકડાઉનમાં તો હું ત્યાં જ હતો પણ બીજા લૉકડાઉન વખતે મને રિલીઝ કરાયો ત્યારે હું ત્રણ વર્ષ બાદ ભારત પરત ફર્યો.’

સ્ટાર્ટઅપની શરૂઆત

સ્ટાર્ટઅપ જર્નીમાં કોરોનાકાળનો રોલ મહત્ત્વનો રહ્યો છે એમ જણાવતાં હર્ષદ જણાવે છે, ‘એ સમયે કોરોનાનો પ્રકોપ બધે જ હતો અને લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનુ પસંદ કરતા હતા. ચાર-છ મહિના રહીને મેં અહીં જ જૉબ શોધવાની શરૂઆત કરી, પણ મેં જે પૅકેજમાં કામ કર્યું હતું અને જે પોસ્ટ પર કામ કર્યું હતું એના કરતાં ઓછામાં મને જૉબ મળી રહી હતી. એ સમયે મારો ભાઈ કુવૈતમાં જૉબ કરતો હતો અને તેણે મને ભલામણ કરી કે તું ઘરેથી કંઈ સ્ટાર્ટ કર. હોટેલ મૅનેજમેન્ટમાં ઊંચી પોસ્ટ પર કામ કરીને ઘરે આવ્યા બાદ મમ્મી-પપ્પા પણ ખુશ હતાં અને સ્ટાર્ટઅપ માટે એ લોકો પણ રાજી હતા. મેં ઘરેથી નાના અવનની મદદથી કેક, પેસ્ટ્રીઝ અને કુકીઝ જેવાં ડિઝર્ટ્સ બનાવીને ફ્રેન્ડ્સ અને ફૅમિલીમાં સેલ કરવાની શરૂઆત કરી. મારો હેતુ એ જ હતો કે ઓછું વેચીશ પણ સારું અને હેલ્ધી વેચીશ, જેથી લોકોની હેલ્થ ખરાબ ન થાય અને તેમને ટેસ્ટી પણ લાગે. ફ્રેન્ડ્સ-ફૅમિલીમાં તો મારી બનાવેલી આઇટમ્સ બહુ ભાવી અને ધીરે-ધીરે મને ઑર્ડર્સ મળવા લાગ્યા. ત્રણ મહિનાના સમયગાળામાં ૫૦૦થી વધુ થીમ-કેક અને ૫૦ કિલો કુકીઝના ઑર્ડર લીધા. લોકોને ક્વૉલિટી પ્રોડક્ટ્સ આપવામાં મને મારો ઇન્ટરનૅશનલ અનુભવ કામ લાગ્યો. હું પ્રિઝર્વેટિવનો યુઝ નથી કરતો, હાઇજીન મેઇન્ટેન કરું છું. પામ ઑઇલ અને માર્જરિન એટલે કે વેજિટેબલ ફૅટનો ઉપયોગ હું કરતો નથી. હું ટર્કિશ બકલાવા યુનિક સ્ટાઇલથી સર્વ કરું છું. જલેબી જેવા દેખાતા બકલાવા મધમાં ડુબાડેલા હોય અને એ રીતે જ ખવાય, પણ જૈનો મધ ન ખાઈ શકે એટલે અમે ક્રિસ્પી બકલાવા રાખીએ છીએ. મારી બનાવેલી રેસિપીમાં શુગર કન્ટેન્ટ બહુ ઓછું હોય છે, નહીં બરાબર છે એમ કહો તો પણ ચાલે. યુરોપિયન સ્ટાઇલ પેસ્ટ્રી પણ હું સર્વ કરું છું. એ પણ ખાવામાં સારી લાગશે પણ એમાંય શુગર બહુ ઓછી વાપરું છું. પછી સમય પ્રમાણે ઑર્ડર્સ વધતા ગયા અને અંતે મેં એક નાની દુકાન લીધી અને નામ રાખ્યું શેફ દે પાર્ટી. હોટેલ ઇન્ડસ્ટ્રીમાં આ એક પોસ્ટનું ફ્રેન્ચ નામ છે. કોઈ પણ એક ક્વિઝીનના હેડને શેફ દે પાર્ટી કહેવાય. દુકાન તો બાંદરા અને જુહુ જેવા પૉશ એરિયામાં રાખવી હતી, પણ બજેટને કારણે અમે દહિસરમાં જ શોધી. એકલા હાથે બધું મૅનેજ થઈ શકે એમ નહોતું તેથી ભાઈ તેની જૉબ છોડીને મારા બિઝનેસમાં જોડાયો. અત્યારે માર્કેટિંગ અને સેલ્સ તે જ સંભાળે છે અને હું પ્રોડક્શન સંભાળું છું. દુકાન ખોલી ત્યારે હું ઘરે બનાવતો હતો અને મારો ભાઈ દુકાનમાં બેસીને સેલ કરતો હતો, પણ હવે અમારી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધતાં નાની ફૅક્ટરી સેટઅપ કરી છે. એમાં હું મારાં ભાભી અને મારી પત્ની સાથે કામ કરું છું. મારાં ભાભી સૉફ્ટવેર એન્જિનિયર છે અને પત્ની લૉયર છે. અત્યારે બન્ને અમારા બિઝનેસ સાથે જોડાયેલાં છે. દુકાનમાં મમ્મી, પપ્પા અને ભાઈ રહે છે.’

gujaratis of mumbai united states of america dahisar columnists