26 October, 2025 10:29 AM IST | Mumbai | Dr. Dinkar Joshi
કવિવર રવીન્દ્રનાથ ટાગોર
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વીસ વર્ષની ઉંમરે જે કાવ્યો લખ્યાં હતાં એનો એક સંગ્રહ ‘ભગ્ન હૃદય’ નામે પ્રગટ પણ કર્યો હતો. આ ‘ભગ્ન હૃદય’ કાવ્યસંગ્રહ એ પછી તો ભુલાઈ ગયો. વીસ વર્ષના કવિ ચાલીસ વર્ષના થયા અને એ પછી ચાલીસ વર્ષના કવિ સાઠ વર્ષના પણ થયા. હવે રવીન્દ્રનાથ ટાગોરના નામની બોલબાલા થઈ ગઈ હતી. તેમના પ્રકાશકોની નજરે આ ‘ભગ્ન હૃદય’ કાવ્યસંગ્રહ પડ્યો. તેમણે આ સંગ્રહ પુનઃ મુદ્રિત કરવા માટે છાપી પણ નાખ્યો ને પછી પ્રકાશન પૂર્વે એ પુસ્તક રવીન્દ્રનાથને આપ્યું અને એને જોઈ જવા વિનંતી કરી.
રવીન્દ્રનાથે આ સંગ્રહ જોયો. એનાં કાવ્યો વાંચ્યાં અને પછી વિચારમાં પડી ગયા. તેમને થયું કે – ‘કાવ્યો તે કંઈ આવાં હોય!’ તેમણે પ્રકાશકોને કહ્યું, ‘આવો કાવ્યસંગ્રહ પુનઃ મુદ્રિત કરવાની જરૂર નથી.’ પ્રકાશકોએ કવિવરની અનિચ્છા છતાં આ પુસ્તક છાપ્યું અને હવે તો રવીન્દ્રનાથનાં કાવ્યો એટલે એની સર્વત્ર પ્રશંસા જ થાય. રવીન્દ્રનાથના આ કાવ્યસંગ્રહની પણ સમીક્ષકોએ પ્રશંસા કરી. કવિને પોતાને આ કાવ્યો ગમ્યાં નહોતાં.
અહીં વાત એ કરવી છે કે આજે આપણને જે ગમે છે એ બધું જ આવતી કાલે પણ એવું ને એવું જ ગમશે ખરું? એ પ્રશ્ન છે. વૈચારિક વિચારોને સંબંધ છે ત્યાં સુધી આજનું જે કંઈ ગમતું કે અણગમતું હોય એ આવતી કાલે એવું ને એવું ન જ રહે એ સત્ય છે. ગઈ કાલે જે કંઈ આપણે જાણતા હતા એ બધું એ સમયે આપણી સમક્ષ જે વિચારો ઉપલબ્ધ હતા એને આધારે હતું. ગાંધીજીના વિચારો અવારનવાર બદલાતા રહ્યા છે. અને તેમણે પોતાના બદલાયેલા વિચારો વિશે જાહેરમાં વાત પણ કરી છે. જ્યારે ગાંધીજીના વિચારોને પરમ સત્ય માનીને તેમનું અનુસરણ કરનારાઓએ એવા બદલાવ વિશે તેમને પ્રશ્ન પૂછ્યો કારણ કે આ બદલાવથી તેમના અનુયાયીઓમાં ભારે પ્રશ્ન પેદા થતા હતા. ગાંધીજીએ એનો જવાબ આપતાં કહ્યું છે કે – ‘ગઈ કાલે હું જે માનતો હતો એ મારે મન સત્ય હતું અને મારી એ સમજણ મુજબ એ વિચારો ત્યારે પ્રગટ કર્યા છે. લોકોએ જ્યારે મારા વિચારો વિશે આવો પ્રશ્ન પેદા થાય ત્યારે મેં જે છેલ્લી વાત કરી હોય એ માનવી જોઈએ.’
વિચારો બદલાય, હકીકત નહીં
જગતમાં જે કંઈ બને છે એમાં રાત-દિવસ પરિવર્તન થતાં જ હોય છે. વિચારો આ પરિવર્તનને આધારે બદલાતાં પણ રહે પણ જે નક્કર અને નઠોર સત્ય છે એ તો કંઈ બદલાઈ શકે નહીં. સૉક્રેટિસના જમાનામાં જે સૉક્રેટિસના વિરોધીઓ હતા તેઓ સોફિસ્ટો કહેવાયા હતા. સોફિસ્ટોએ એવું કહ્યું હતું કે જેને તમે સત્ય માનો છો એવું કોઈ સત્ય છે જ નહીં. આજે અમુક ચોક્કસ પરિસ્થિતિઓ અને વાતાવરણ વચ્ચે જે કંઈ દેખાય છે એ આજનું સત્ય છે. આવતી કાલે આ પરિસ્થિતિ બદલાઈ જાય છે અને આ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે પેલું ગઈ કાલે જે જોયું હતું એને સત્ય કહી શકાય નહીં.
સોફિસ્ટોની વાત આજે પણ વિચાર કરવા જેવી નથી એમ તો નહીં કહી શકાય. સૉક્રેટિસ હોય કે ગાંધી હોય, સત્ય વિશે ગમેતેટલી વાતો કહે તો પણ સોફિસ્ટોનો મુદ્દો આજે પણ એવો ને એવો વિચારણા કેવા જેવો તો છે જ. સત્ય કે અસત્યની આવી કોઈ વિચારણા ઘડીક એક તરફ રહેવા દઈએ અને આપણા રોજિંદા જીવનમાં આપણને રોજેરોજ જે ગમતું કે અણગમતું થઈ જાય છે એને પણ ઘડીક જોઈ લેવા જેવું હોય છે. આપણા સાંપ્રત ગમા-અણગમા સાથે આપણું તાત્પૂરતું હિત સંકળાઈ જતું હોય છે અને પેલા ગમા-અણગમા આ હિત દ્વારા જ આપણને દોરી જતા હોય છે. વ્યવહારમાં બને છે એવું કે આપણે જે ગઈ કાલે કહ્યું હતું એ આવતી કાલે વિસ્મૃત પણ થઈ જાય છે. આનું સર્વોત્તમ ઉદાહરણ મહાભારતમાં જ મળે છે. શ્રીકૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ્ ભાગવત ગીતાનું પરમ જ્ઞાન આપ્યું. આવો કોઈ પ્રશ્ન અર્જુનના મનમાં અગાઉથી થયો નહોતો અને શ્રીકૃષ્ણે આ પછી જે વાતો કરી એનો તો કોઈ વિચાર તેમને પણ અગાઉ આવ્યો જ નહોતો. યુદ્ધ પૂરું થયા પછી શાંતિના દિવસોમાં અર્જુને ગીતાની એ વાણી ફરી વાર સાંભળવાની ઇચ્છા કૃષ્ણ સમક્ષ પ્રગટ કરી છે. અર્જુને કહ્યું છે – ‘હે શ્રીકૃષ્ણ, એ વાત ફરી વાર મને કહો, હું ભૂલી ગયો છું.’ જવાબમાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ‘હે પાર્થ, જે રીતે તું એ વાત ભૂલી ગયો છે એ જ રીતે હું પણ એ વાત ભૂલી ગયો છું. હવે ફરી વાર હું એને યાદ કરી શકું નહીં.’ કોઈ પણ ગમા-અણગમા આ જ રીતે બહાર આવે છે અને પછી ભુલાઈ જાય છે. એનું કોઈ ચોક્કસ વિજ્ઞાન કે ગણિત હાથવગું કરી શકાય નહીં.
ગઈ કાલ, આજ અને આવતી કાલ
સમયખંડનાં આ ત્રણ વિભાજનો તો આપણે આપણી અનુકૂળતા માટે કર્યાં છે. વાસ્તવમાં આવું કંઈ છે નહીં. આજે ભાવતી એક ખાદ્ય સામગ્રી આવતી કાલે પણ એવી જ ભાવતી રહેશે એવું કહી શકાય નહીં. આજે જેને આપણે ભાવપૂર્વક ચાહીએ છીએ એને આવતી કાલે પણ એવા જ ભાવથી ચાહતા રહીશું એવું ખાતરીપૂર્વક કહી શકાતું નથી. આમાં કોઈ પ્રતારણા નથી પણ નરી નઠોર વાસ્તવિકતા છે.