સ્કૉલર નહીં, ટૉપર બનવાનું છે

13 March, 2021 02:07 PM IST  |  Mumbai | Sanjay Raval

સ્કૉલર નહીં, ટૉપર બનવાનું છે

સ્કૉલર નહીં, ટૉપર બનવાનું છે

ઘણાને એવું હોય કે લોકો તેને સાંભળે એ વાતની તેને ખુશી હોય. એવું જ મને છે, પણ એ વાત દરેક તબક્કે લાગુ નથી પડતી. કેટલીક વાર એવું પણ બને કે એવા લોકો મને મળે જેને સાંભળીને મને બહુ મજા આવી જાય. આનું જ નામ જીવન છે. દુનિયા જેમ બીજાને સાંભળીને મોટિવેટ થતી હોય છે એવું જ મારી સાથે પણ હોય કે કેટલાક મિત્રો પાસેથી મને મોટિવેટ થવાની તક મળે, તેમની પાસેથી ઘણું નવું જાણવા પણ મળે. મારી લાઇફમાં તો એવી અનેક તક આવતી હોય છે અને હું એનો ભરપૂર લાભ ઉઠાવું પણ ખરો. મુંબઈ આવ્યો હોઉં અને ચાન્સ મળે તો મનોજ જોષી કે સંજય ગોરડિયા કે પછી કહો કે પરેશ રાવલ જેવી વ્યક્તિને મળી લઉં અને જો વડોદરા ગયો હોઉં તો એ શહેરના મહાનુભાવને મળી લઉં.
અગાઉ આપણે વાત થઈ હતી કે આપણી શિક્ષણ-પ્રણાલી બહુ વિચિત્ર છે, એમાં તાત્કાલિક બદલાવ આવે એ બહુ જરૂરી છે. શું બદલાવ કરવા જોઈએ અને શા માટે કરવા જોઈએ એ વિશે પણ મારી માનસિકતા બહુ સ્પષ્ટ છે, પણ હું એવું ધારતો હતો કે મારા જ વિચારો એવા છે, પણ ના, એવું નથી. ગુજરાતના જાણીતા શિક્ષણકાર ગિજુભાઈ ભરાડના વિચારો પણ એ જ પ્રકારના છે. આગળ વાત કરીએ એ પહેલાં તમને ગિજુભાઈ ભરાડની સહેજ ઓળખ આપી દઉં. ગિજુભાઈ ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં ખૂબ માનનીય નામ. તેમના હાથ નીચે ૫૦૦૦થી વધુ ડૉક્ટર-એન્જિનિયર અને આર્કિટેક્ટ તૈયાર થયા હશે.
ગિજુભાઈ માને છે કે આપણી શિક્ષણપ્રથામાં આપણે બાળકોના માત્ર માનસિક વિકાસ પર જ ફોકસ કરીએ છીએ, જે ખોટું છે. હકીકતમાં તો આપણે બાળકના માનસિક અને શારીરિક વિકાસની સાથોસાથ સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જો સાર્વત્રિક વિકાસ થશે તો જ બાળક આવતી કાલ માટે તૈયાર થશે અને દરેક પ્રકારની મુશ્કેલી સામે ટટ્ટાર ઊભો રહીને લડી શકશે, હરીફાઈમાં ટકી શકશે અને જો એ ટકવામાં ક્યાંક નિષ્ફળ ગયો તો પોતાની માનસિક પરિપક્વતા દેખાડીને નવેસરથી આરંભ કરવાની તૈયારી પણ દર્શાવશે.
હકીકત એ છે કે આજના સમયના વિદ્યાર્થીઓને સૌથી વધારે મોટિવેશનની જરૂરિયાત છે. નાની અને સાવ વાહિયાત એવી વાતોથી તેમને ડિપ્રેશન આવે છે અને એ આત્મઘાતી પગલાં ભરી લે છે. ઓછાં માર્ક્સ આવ્યા હોય કે એકાદ સબ્જેક્ટમાં ફેલ થયા હોય તો પણ ડિપ્રેશન આવી જાય. પેરન્ટ્સ ગેમ રમવા ન દે તો પણ ડિપ્રેશન આવી જાય. પપ્પા ખિજાય તો ડિપ્રેશન અને મમ્મી ખિજાય તો ડિપ્રેશન. ભાઈ પોતાનો નવો શર્ટ પહેરવા ન દે તો ડિપ્રેશન અને બહેન સ્કૂટીની ચાવી ન આપે તો ડિપ્રેશન. હું તો કહીશ કે ડિપ્રેશન લાવવા માટે આજનાં બાળકોને કારણ જોઈએ અને જો કારણ નહીં મળતું હોય તો પણ તેને ડિપ્રેશન આવી જતું હશે. આ ડિપ્રેશન આવી જાય પછીનું સ્ટેપ કયું?
જવાબ છે, એક, સુસાઇડ.
હમણાં રાજકોટમાં એક છોકરાએ સુસાઇડ કર્યું. કારણ સાંભળીને તમે સાચે જ ગભરાઈ જશો. ટીવી જોવાનો ટાઇમ નહોતો મળતો એટલે ભાઈએ જીવન ટૂંકાવી દીધું. ઉંમર હતી બાળકની ૧૬ વર્ષની. આપણે મૂળ વિષય પર આવીએ એ પહેલાં મારે એક વાત કહેવી છે. જો કોઈ બાળકને એવું લાગતું હોય કે સુસાઇડથી તેનો છુટકારો થઈ જશે તો યાદ રાખજો કે બાળકનું એવું સ્ટેપ તેના પેરન્ટ્સ અને ફૅમિલીના બીજા મેમ્બર્સને કાયમ માટે ડિપ્રેશનમાં ધકેલી દે છે. થોડા સમય પહેલાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું કે જે ફૅમિલીમાં સુસાઇડની શરૂઆત થાય છે એ ફૅમિલીના સભ્યોની સુસાઇડ કરવાની હિંમત વધી જાય છે અને પછી એવી ઘટનાઓ એ ફૅમિલીમાં બનતી રહે એવા ચાન્સિસ ઊભા થાય છે.
બાળકોને ખરેખર મોટિવેશનની જરૂર છે, જે તેમને સ્કૂલમાંથી જ મળવું જોઈએ અને સ્કૂલ-ટાઇમથી જ તેમને એ પ્રકારની કેળવણી મળવા માંડવી જોઈએ કે તે મોટિવેટ રહે, નાની-નાની વાતમાં અપસેટ કે ડિપ્રેશ ન થાય. બાળકોને સમજાવવું પડશે કે સ્કૂલમાં જે ભણાવવામાં આવે છે એ ભારરૂપ નથી, એ ભણતર આવનારા ભવિષ્યનો પાયો છે. ભણતર ભારરૂપ બની ગયું છે એવું પહેલાં વડીલો બોલતા હતા, હવે એ વાત બાળકો બોલતાં થઈ ગયાં છે. હું તો કહીશ કે બાળકો સામે એ પ્રકારની ચર્ચા પણ ન કરવી જોઈએ.
અપસેટનેસ કે ડિપ્રેશન ન આવે એ માટે બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. પેરન્ટ્સ પોતાના આંતરિક વિખવાદો બાળકોથી દૂર રાખે એટલે કે બાળકોની હાજરીમાં તેઓ ઝઘડા ન કરે.
હવે ફૅમિલી નાની થઈ ગઈ છે. એક કે બે બાળકોએ વાત પૂરી થઈ જાય છે. ગ્રૅન્ડ પેરન્ટ્સ સાથે રહેતા નથી એટલે આપણને આપણાં દાદા-દાદીના જે લાડ મળ્યા હતા એ આ બાળકોને મળતા નથી. અધૂરામાં પૂરું હસબન્ડ-વાઇફને પણ હવે એકબીજા સાથે એટલા પ્રૉબ્લેમ છે કે તેમની વચ્ચે વાત તો થતી જ નથી, ઝઘડા જ થાય છે, ખરેખર. તમે પણ જોશો તો તમને પણ દેખાશે. વાત ત્યારે જ થાય છે જ્યારે ઘરમાં મહેમાન આવે છે અને મહેમાન ન હોય ત્યારે ઝઘડા. બાળકો આ ઝઘડા જોઈ-જોઈને પણ થાક્યાં છે, કંટાળ્યાં છે. તમે લડો, જો સાથે જ રહેવાનાં હો તો લડાઈ કરી લો, પણ એ લડાઈને કાયમી નહીં રાખો. જે પ્રશ્ન માટે લડ્યાં હો એ પ્રશ્નનો કાયમી અંત લાવો અને એ અંત લાવવાનું કામ પણ બાળકોની ગેરહાજરીમાં કરો. બાળકોની સામે તમે મૅચ્યોર છો એટલું દેખાડો. જો તમે બાળકોની હાજરીમાં પણ મૅચ્યોર ન બની શકતાં હો તો તમને ખરેખર એ બાબત માટે પનિસમેન્ટ મળવી જોઈએ કે તમે મૅચ્યોરિટીના અભાવ વચ્ચે પણ બાળકો કેમ કર્યાં. માન્યું કે ચાલો, તમારાથી આવી ભૂલ થઈ ગઈ, પણ હવે એ ભૂલનું પુનરાવર્તન ન કરો. હવે મૅચ્યોરિટી દેખાડો, જેથી તમારાં બાળકોમાં પણ તમારા જેવી મૅચ્યોરિટી આવે અને ખોટી ગેરસમજણને એ ડિપ્રેશન ગણીને બેસી ન રહે.
વધુ એક મહત્ત્વનું સૂચન.
આજે એટલાં ગૅજેટ્સ આવી ગયાં છે કે બાળકો શેરીમાં જઈને રમવાનું કે પછી ગ્રાઉન્ડમાં જઈને રમવાનું રીતસર ભૂલી જ ગયાં છે. સ્પોર્ટ્સ જ છે જે તમારામાં સ્પોર્ટ્સમૅન સ્પિરિટ લાવે છે. બાળક બહાર બધા સાથે રમશે તો તેનામાં ટીમ-સ્પિરિટ પણ આવશે અને ટીમવર્કની ભાવના પણ તેને શીખવા મળશે, જે હવે તો ઘરમાં શીખવા મળતી નથી. અગાઉ તમને કહ્યું એમ, ફૅમિલી તો ન્યુક્લિયર બની ગઈ છે. આખા ઘરમાં ત્રણ કે મૅક્સિમમ ચાર વ્યક્તિ જ રહે છે. ચાર જણ હોય એમાં પણ પેરન્ટ્સને મૂકી દો તો એક કે બે જ વ્યક્તિ, જે જોઈએ એ મળે. પપ્પા ના પાડે તો મમ્મી હા પાડી દે અને મમ્મી ના પાડી દે તો પપ્પા લાડ લડાવે. ટીમ-સ્પિરિટ અને સ્પોર્ટ્સમૅન સ્પિરિટનો અભાવ હવે ભારોભાર છે અને જ્યારે અભાવ હોય ત્યારે અપસેટનેસ સૌથી પહેલી હાવી થઈ જાય. જો આ અને આવી બીજી વાતો સ્કૂલ સમયથી જ સમજાવવામાં અને શીખવવામાં આવશે તો માત્ર સ્કૉલર જ નહીં પણ સામાજિક દૃષ્ટિએ પણ ટૉપર હોય એવી પેઢીનું ઘડતર થશે.

Sanjay Raval columnists weekend guide