06 April, 2025 07:38 AM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
૭૦ વરસના દાદાના હાથમાં ૧૫ વરસના પૌત્રે મોબાઇલ પકડાવી તો દીધો છે, પણ મોબાઇલની ડિજિટલ દુનિયાની કેટલીક વાતો દાદા સમજી શકતા નથી. ૧૫ વરસનો પૌત્ર તે બધી વાત ફટાફટ સમજે છે. દાદાને જ્યારે સમજાતું નથી ત્યારે દીકરાને પૂછે છે અને દીકરો જવાબ વાળે છે, ‘રહેવા દો દાદા, તમને એ નહીં સમજાય.’ અને પૌત્રની વાત દાદા સ્વીકારી પણ લે છે. તેમને ઘણી વાતો આજકાલ સમજાતી નથી.
તો ક્યારેક એવું પણ બને છે કે વહેવાર-જગતમાં બનતી કેટલીક વાતો પૌત્રને સમજાતી નથી એટલે તે દાદાને પૂછે છે, ‘દાદા, આ મને ન સમજાયું, સમજાવોને.’ દાદા હસી પડે છે અને પૌત્રના મસ્તક પર હાથ મૂકીને કહે છે, ‘તને હમણાં એ નહીં સમજાય. મોટો થાય ત્યારે આપોઆપ સમજી જઈશ.’
કેટલીક ઘટનાઓ નજર સામે જ બને છે. એ ઘટના આમ જ બની છે એમાં આપણને કોઈ શક હોતો નથી અને આમ છતાં એ ક્યારે અને કેમ બની એ આપણને સમજાતું નથી. કાકાસાહેબ કાલેલકર ભારે મોટા ચિંતક હતા. મૃત્યુ વિશે તેમણે એક ભારે ચિંતનીય પુસ્તક લખ્યું છે - ‘પરમ સખા મૃત્યુ’. એ જ રીતે શેક્સપિયરે તેમના એક નાટકમાં સંવાદ મૂક્યો છે. આ સંવાદ આજે ૫૦૦ વરસ પછી પણ તરોતાજા છે. એક પાત્ર કહે છે, ‘આ જગત એક રંગમંચ છે ને પ્રત્યેક માણસે આ રંગમંચ પર સાત ભૂમિકા ભજવવાની હોય છે.’ કાકાસાહેબ મૃત્યુ-ચિંતનમાં જે વાત કરે છે અને શેક્સપિયર એ જ ચિંતન વિશે બીજી વાત કરે છે, પણ બન્નેમાં જે વિચાર વ્યક્ત થાય છે એનું સામ્ય સમજવા જેવું છે. મૃત્યુ વિશે જે લેખકોએ ચિંતન કર્યાં છે અથવા લેખો લખ્યા છે એમાં ક્યાંય પોતાના મૃત્યુની વાત તેમણે કરી નથી. જ્યારે પણ ઉદાહરણ આપવાનું થાય ત્યારે નામ બીજાનું જ લેવાય છે. કૉલેજમાં તર્કશાસ્ત્ર ભણાવતી વખતે પ્રાધ્યાપક એવું કહેતા કે ‘માણસ મર્ત્ય પ્રાણી છે.’ અને ફલાણા-ફલાણા (અહીં પછી ગાંધીજીથી માંડીને કોઈ પણ નામ મૂકી દેવાય) માણસ છે માટે તે પણ મર્ત્ય છે. આમ માણસ મર્ત્ય હોવાનું વર્ગખંડમાં પુરવાર કરે છે, પણ આમાં ક્યાંય પોતે આવતો નથી.
બાળકથી બુઢ્ઢા સુધી
ફલાણા-ફલાણાના ઘરે બાળકનો જન્મ થયો એવું જ્યારે આપણે કહીએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે આ બાળકની એક બચુકડી પ્રતિમા આપણી આંખ સામે અચાનક આવી જાય છે. પેલા ૭૦ વરસના દાદા જ્યારે પૌત્રને એમ કહે છે કે તું બાળક છે, આ વાત તને નહીં સમજાય ત્યારે આ વાત સાંભળનાર પૌત્ર ૧૫ વરસનો પણ હોઈ શકે અથવા પચીસ વરસનો પણ હોઈ શકે. અહીં બાળકનું ચિત્ર બદલાઈ જાય છે.
બાલ્યાવસ્થામાંથી જ કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યૌવનાવસ્થા એક પછી એક આપણી નજર સામે જ બદલાતી રહે છે; પણ ક્યારે બદલાઈ ગઈ એની આપણને ક્યારેય ખબર પડતી નથી. આ કળીમાંથી જ ફૂલ બન્યું છે અને આપણને કોઈ શક નથી, એમ જ બને; પણ એ ક્યારે કઈ ચોક્કસ ક્ષણે આ બદલાવ થયો એ જાણી શકાતું નથી.
આ બદલાતી અવસ્થા વિશે આપણે ક્યાંય કોઈને પ્રશ્ન કરતા નથી. આ અવસ્થા તો બદલાતી જ રહે એ આપણે સૌ જાણીએ છીએ અને છતાં ક્યારે આ બદલાય છે અને કેમ બદલાય છે એ વિશે ક્યાંય કોઈને પૂછપરછ કરતા નથી. એ તો આવે જ. ભલે આવે, આવવી પણ જોઈએ. એનું આગમન પ્રાકૃતિક છે એમાં વળી વાત શી કરવાની? બાળક કિશોર થાય, પછી યુવાન થાય, પછી પ્રૌઢ થાય અને પછી વૃદ્ધ થાય.
આમાંની એકેય અવસ્થાની આપણે કોઈ વાત કરતા નથી, પણ વૃદ્ધાવસ્થા પછી જીર્ણાવસ્થાની સાહજિકતા આપણે ઝટ સ્વીકારતા નથી. આ જીર્ણાવસ્થા પછી જે અવસ્થા આવી રહી છે એના વિશે આપણને ખ્યાલ નથી હોતો એવું નથી. જે રીતે નવજાત બચુકડા બાળકને આપણે જોઈએ છીએ એ જ રીતે જીર્ણાવસ્થા પછી જે અવસ્થા સાહજિક છે એનો આપણે સ્વીકાર કરી શકતા નથી. જેમ બાળકની અવસ્થા બદલાતી રહે છે એ જ રીતે વૃદ્ધાવસ્થા અને એ પછી જીર્ણાવસ્થા સહજ છે અને સાહજિકતા પછી મૃત્યુની અવસ્થા પણ પ્રાકૃતિક છે. આ પ્રાકૃતિક લક્ષણ વિશે પુષ્કળ ચિંતન કર્યા પછી પણ કોણ જાણે કેમ આપણે એ અવસ્થા ક્યાંક દૂર-દૂર રહેવાની હોય એમ એના વિશે ઝાઝો વિચાર કરતા નથી. જે વિચાર કરીએ છીએ એને ચિંતન કહીએ છીએ અને ચિંતનના ઓઠા હેઠળ મૃત્યુ એ પણ સહજ અવસ્થા છે – ‘બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થાની જેમ જ.’
મહાભારતકાર અને મૃત્યુ
મહાભારતથી મોટો મૃત્યુનો કોઈ ખેલ સંસારમાં ક્યાંય હજી સુધી બન્યો નથી. માણસે અપાર યુદ્ધો કર્યાં છે, અપાર મૃત્યુ જોયાં પણ છે; પણ મહાભારતે મૃત્યુ પછીના જીવનની પણ એક વાત કહી છે. મહાભારતકાર જિંદગીને જુએ છે. જ્યારે જિંદગીને જોવાની હોય ત્યારે મૃત્યુ વગરની જિંદગી કઈ રીતે હોઈ શકે? જો જિંદગીની વાત કરવી હોય તો જેને આપણે જિંદગીનો અંત કહીએ છીએ એનો થોડો વિચાર તો કરવો પડે. મહાભારતકારે કુરુક્ષેત્રના મહાવિનાશ પછી થોડી વાર માટે તમામ મૃત્યુ પામેલાઓને એક ક્ષણ સજીવન કર્યા છે. પિતામહ ભીષ્મથી માંડીને અભિમન્યુ સુધીની ત્રણ કે ચાર પેઢીના જીવાત્માઓ મહારાજ યુધિષ્ઠિરના આગ્રહથી પ્રગટ થાય છે અને યુધિષ્ઠિર જ્યારે તેમને સદેહે હસ્તિનાપુર પાછા ફરવાનું કહે છે ત્યારે આ મૃતાત્માઓ હસતાં-હસતાં કહી દે છે, ‘હે પુત્ર, અમે અત્યારે જે અવસ્થામાં મુકાયા છીએ એ અવસ્થા વીતી ગયેલી અવસ્થાઓ કરતાં સૌથી વધુ સુખદ છે અને આ હવે આ અવસ્થામાં જ રહીશું.’ જેને આપણે જીવન કહીએ છીએ અને જેના અંતથી આપણે દૂર રહીએ છીએ એ અવસ્થા કરતાં એ અવસ્થાનો અંત એટલે કે મૃત્યુ જેના વિશે આપણે કંઈ જાણતા નથી એ સૌથી સુખદ અવસ્થા છે એના સંકેત મહાભારતકાર અહીં આપે છે.
મૃત્યુ એ કોઈ બહારથી આવતી આપત્તિ નથી પણ જીવનની સાથે જ જકડાયેલી એક અવસ્થા છે. જે રીતે બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીની અવસ્થાઓને આપણે જાણેઅજાણે પ્રતીક્ષા કર્યા વિના પણ સ્વીકારી લઈએ છીએ એ જ રીતે મહાભારતકારના સંકેતને સમજી લઈએ તો આ આખરી અવસ્થા પણ કદાચ ઓછી ભયપ્રદ થાય.