નામને સાર્થક કરી જાણ્યું રામજીએ

21 December, 2025 02:23 PM IST  |  Mumbai | Rashmin Shah

પથ્થરમાં પ્રાણ પૂરી અહલ્યાને પુનર્જીવિત કરનારા ભગવાન રામની જેમ જ પથ્થરમાં પ્રાણ પૂરીને દેશની વિભૂતિઓને કંડારતા સ્ટૅચ્યુમૅન ઑફ ઇન્ડિયાના હુલામણા નામે ઓળખાતા શિલ્પકાર રામ વનજી સુતારને જાણીએ

કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને આખરી ઓપ આપી રહેલા શિલ્પકાર રામ સુતાર. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના ચીફ મિનિસ્ટરે શ્રી નૈનાદેવીજી ટેમ્પલ કૉમ્પ્લેક્સના બ્યુટિફિકેશન તથા ડેવલપમેન્ટ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે.

દેશ-વિદેશમાં ૪૫૦ મૂર્તિઓ રામ સુતારની કળાએ ભારત ઉપરાંત ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, રશિયા, મલેશિયા અને ઇટલી સહિત અનેક દેશોમાં છાપ છોડી છે.

‘રામજીની મોટામાં મોટી ખૂબી એ હતી કે તેમને પથ્થરમાં જ મૂર્તિ દેખાતી. આપણે એવું કહેતા હોઈએ કે સાવ પથ્થર હૃદયનો માણસ છે, પણ રામજી માટે આ પથ્થરમાં દિલ હતું. તેમની સાથે સીધી તો કામ કરવાની કોઈ તક નથી મળી પણ તેમને કામ કરતા જોવાની તક મળી છે. તેઓ કામ કરતા હોય ત્યારે તેમના ચહેરા પર જે એક્સપ્રેશન હોય એ તમે જુઓ તો તમે બસ એ જોતા જ રહી જાઓ. જાણે કે કોઈ જીવને સંભાળતા હોય એ રીતે તે પથ્થર કે મેટલને પ્રેમથી સંભાળે અને એને પ્રેમપૂર્વક સ્પર્શ કરે.’
અયોધ્યાનું રામલલાનું મંદિર ડિઝાઇન કરનારા દેશના જાણીતા વાસ્તુકાર પદ્‍મશ્રી ચંદ્રકાન્ત સોમપુરા દેશના ખ્યાતનામ શિલ્પકાર રામ વનજી સુતાર વિશે વાત કરતાં કહે છે, ‘રામજીનું જવું ખરેખર આ દેશ માટે શૂન્યાવકાશ છે, પણ આપણાં સદ્નસીબ છે કે તેમણે તૈયાર કરેલાં શિલ્પો આપણી વચ્ચે છે જે તેમની યાદ બનીને સદાય આપણી વચ્ચે રહેશે.’
આયુષ્યનું એક શતક પૂરું કરી ગુરુવારે નોએડામાં અંતિમ શ્વાસ લેનારા પદ્‍મભૂષણ શિલ્પકાર રામ વી. સુતારની દસકાઓની ઇચ્છા હતી કે તે એક એવું શિલ્પ બનાવે જે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરી જાય અને તેમને એ જશ મળ્યો ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી બનાવીને. ૧૮૨ મીટર ઊંચા સરદારના એ શિલ્પનો વિચાર ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો, પણ તેમના મનમાં વિચારનું એ બીજ રોપવાનું કામ ગુજરાતના ક્રાન્તિકારી વિચાધારા ધરાવતા સ્વામી સચ્ચિદાનંદજીએ કર્યું હતું. સ્વામી સચ્ચિદાનંદજીએ એ સમયે કહ્યું હતું કે સરદારે રાષ્ટ્ર માટે જે ભોગ આપ્યો, જે જહેમત ઉઠાવી એને કોઈ ને કોઈ કારણસર દબાવી દેવામાં આવી; હવે સમય છે કે એ વાતને દુનિયા સામે એવી પ્રચંડ રીતે લાવવી કે જગત આખું તેમને જોતું રહી જાય. સ્વામી સચ્ચિદાનંદ પણ રામ વી. સુતારને મળ્યા હતા. સ્વામીજી કહે છે, ‘સરદારના સ્ટૅચ્યુનું લોકેશન કેવડિયા નક્કી થયું એ પછી કેવડિયા જતી વખતે તેઓ એક વાર આશ્રમ પર આવ્યા અને તેમણે પોતાના મનમાં રહેલા એ સ્ટૅચ્યુની વાત કરી હતી. સુતારજીનું કહેવું હતું કે સરદારના હાવભાવમાં મક્કમતા દેખાતી હશે, એવી દૃઢતા જેને કોઈ તોડી ન શકે. મૂર્તિ વિશે હજી તો કંઈ નક્કર નહોતું એ પછી પણ તેમણે મનોમન જે સ્ટૅચ્યુ ઊભું કર્યું હતું એ વાતો સાંભળીને હું ગદ્ગદ થઈ ગયો હતો. એ પછી તો રામજીએ તૈયાર કરેલી ધ્યાનમગ્ન ગાંધીજીની પ્રતિમા જોવાનો પણ મોકો મળ્યો અને હું તેમના કામને નતમસ્તક થયો. રામજી તેમના નામને સાચા અર્થમાં સાર્થક કરતા હતા. જેમ પથ્થરને સ્પર્શીને ભગવાન રામ અહલ્યા જન્માવી શકતા એવી જ રીતે આપણા આ રામ પથ્થરને સ્પર્શીને એમાં આપણા ઇતિહાસના મહાન વિરલાઓના પ્રાણ પૂરી દેતા.’

હજીયે તેમની ડિઝાઇન કરેલી મૂર્તિઓ આવશે

રામ સુતારના દીકરા અનિલ સુતારે પિતાની લેગસીને આગળ ધપાવવાનું કામ કર્યું છે. તેમણે ડિઝાઇન કરેલી કેટલીક પ્રતિમાઓનું નિર્માણકાર્ય અત્યારે ચાલી રહ્યું છે. ડૉ. ભીમરાવ આંબેડકરની ૪૫૦ ફીટની પ્રતિમા બની રહી છે જે દાદરમાં મુકાવાની છે. બરેલીમાં મુકાનારી ૫૧ ફીટની ભગવાન રામની મૂર્તિ ઑલમોસ્ટ તૈયાર થઈ ચૂકી છે. મહારાષ્ટ્રના મોશીમાં છત્રપતિ સંભાજી મહારાજની ૧૪૦ ફીટની પ્રતિમાનું નિર્માણ પણ લગભગ પૂરું થઈ ગયું છે. 

નાના ગામથી મુંબઈ સુધી

રામ વનજી સુતારનો જન્મ ૧૯૨પની ૧‍૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ગોન્દુર નામના ગામમાં થયો હતો. બાપુજી વનજી હંસરાજ સુતાર કર્મે પણ સુતાર અને માતા ગૃહિણી. આર્થિક સ્થિતિ અત્યંત નબળી એટલે ભણવામાં અવ્વલ રહેવું એ અનિવાર્યતા હતી. રામજીએ પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જો મારે ભણવું હોય તો મારે સારા માર્ક્સ જ લાવવા પડે. સારા માર્ક્સ હોય તો જ સ્કૉલરશિપ મળે અને સ્કૉલરશિપ મળી હોય તો જ ફી ભરાય.’
રામજીનાં લગ્ન ૧૯પ૨માં પ્રમિલાબહેન સાથે થયાં, આ મૅરિડ લાઇફ થકી તેમને એક દીકરો અનિલ થયો. અનિલ સુતાર આર્કિટેક્ટ બન્યા પણ સમય જતાં તે પોતાની આર્કિટેક્ચરશિપ છોડી પપ્પાની સાથે તેમના નોએડાસ્થિત સ્ટુડિયો અને વર્કશૉપમાં જોડાઈ ગયા. રામજી અને પ્રમિલાબહેનનાં લગ્ન પાછળ પણ ભણતર જ કારણભૂત હતું. બન્યું એમાં એવું કે રામ સુતારને તેમના ગુરુ રામકૃષ્ણ જોષીએ મુંબઈ ભણવા જવા માટે કહ્યું અને પિતાએ શરત મૂકી કે તે એક જ શરતે તેમને જવા દેશે, જો તે ગૃહસ્થી શરૂ કરી દે. રામજીએ શરત માન્ય રાખી અને લગ્ન કરી લીધાં. 
મૅરેજ પછી રામ સુતાર મુંબઈ આવ્યા અને તેમણે સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં ઍડ્‍મિશન લીધું. રામ સુતાર કહેતા, ‘ચિત્રકલા અને શિલ્પકલામાં એક બહુ મોટો ફરક એ છે કે ચિત્રકલામાં તમને રબરનો સાથ મળે છે પણ શિલ્પકલામાં તમે કશું ઇરેઝ નથી કરી શકતા. કાં તો તમારે ભૂલ સુધારવી પડે અને કાં તો તમારે બધું એકડેએકથી શરૂ કરવું પડે. મને ભૂલ કરવી જ ગમે નહીં એટલે મેં આ બીજો રસ્તો અપનાવી સ્ક્લ્પ્ચરના ફીલ્ડમાં આગળ જવાનું નક્કી કરી એનું એજ્યુકેશન શરૂ કર્યું.’
જે. જે. સ્કૂલમાં શરૂઆતનાં વર્ષોમાં તેમને અલગ-અલગ ફ્રૂટ્સનાં સ્ટૅચ્યુ બનાવવા આપવામાં આવતાં જેમાં કેળાં, સફરજન, પાઇનૅપલ જેવાં ફ્રૂટ્સ હોય તો સાથોસાથ કારેલાં અને કપાયેલા તરબૂચ જેવા કોતરણીમાં અઘરા કહેવાય એવા ઑબ્જેક્ટ્સ પણ મળે. રામજી અને પથ્થર વચ્ચે પ્રેમ આ દિવસોથી શરૂ થયો. કલાકો ને કલાકો સુધી તે પથ્થર પર ટાંકણું લઈને બેસી રહે. ખુદ રામજી સુતારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પોતે છત્રીસ કલાક સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરતા રહ્યા હોય એવું સેંકડો વખત બન્યું છે.
સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો અને એ પછી તેમણે ઔરંગાબાદના આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટને જૉઇન કર્યો જ્યાં તે પાંચ વર્ષ રહ્યા. આ પાંચ વર્ષ દરમ્યાન તેમણે અજન્તા-ઇલોરાની ગુફાઓમાં રહેલી મૂર્તિઓનું રીસ્ટોરેશનનું કામ કર્યું. ત્યાર પછી તેમણે બ્રૉડકાસ્ટ મિનિસ્ટ્રીમાં પણ બે વર્ષ નોકરી કરી પણ પોતાની એ જૉબ દરમ્યાન તેમને સમજાઈ ગયું કે તે ‘નાઇન-ટુ-ફાઇવ’નો આત્મા નથી અને તેમણે નિર્ણય લીધો જૉબ છોડવાનો. એ સમયે તેમને રોકનારાઓ અઢળક લોકો હતા. ખુદ તેમના સિનિયર્સ પણ તેમને સમજાવતા રહ્યા કે રામજીએ આવું ન કરવું જોઈએ, પણ રામ એકના બે ન થયા અને તેમણે જૉબ છોડી ફુલટાઇમ શિલ્પકારનું પ્રોફેશન સ્વીકારી લીધો જે પ્રોફેશને તેમને માત્ર દેશમાં જ નહીં, દુનિયાભરમાં અદ્ભ‍ુત લોકચાહના આપી.

કલકત્તા ઍરપોર્ટ પર સુભાષ ચંદ્ર બોઝનું પૂતળું, મધ્ય પ્રદેશમાં ગંગાસાગર બંધ પર મા ચંબલદેવીનું સ્ટૅચ્યુ બનાવી રહેલા યંગ રામ સુતાર, સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની ધ્યાનમગ્ન મૂર્તિ પણ રામ સુતારના બેનમૂન સર્જનોમાંની એક છે. 

દિલ્હીથી વિશ્વ સુધી... 

ગયા મહિને ગોવામાં શ્રી રામની ભવ્યાતિભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. એ મૂર્તિની પરિકલ્પનાથી માંડીને એનું સર્જન બધું જ રામ સુતાર દ્વારા થયું હતું. ૧૦૦ વર્ષની ઉંમરે પણ કાર્યરત એવા રામજીને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા પદ્‍મશ્રી આપવામાં આવ્યો, પણ હકીકત તો એ હતી કે પદ્‍મશ્રીને રામ સુતાર પ્રાપ્ત થયા હતા. રામ સુતાર કહેતા, ‘હવે તો આધુનિકતાને કારણે કામ ઘણું આસાન થયું છે પણ પહેલાં તો ટાંકણી લઈને એવી રીતે બેસવું પડતું જાણે કે તમે આરાધના કરતા હો. મેં હંમેશાં એક વાત મનમાં રાખી છે કે પથ્થરમાંથી મારે મૂર્તિ નથી કોતરવાની, પણ પથ્થરની અંદર રહેલી મૂર્તિ મારે બહાર લાવવાની છે એટલે કામ ધીરજ સાથે કરવાનું છે.’
રામ સુતારે ઘડેલા દરેક સ્ટૅચ્યુ પાછળ કોઈ ને કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પણ એ તમામ વાતોમાંથી જો કોઈ એકને પસંદ કરવાની હોય તો એ ચંબલદેવીના સ્ટૅચ્યુની વાત છે. વાત છે ૧૯૬૦ની.
મધ્ય પ્રદેશ દ્વારા તેમને પ્રોજેક્ટ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ગંગાસાગર બંધ પર આપણે સ્ટૅચ્યુ મૂકવાનું છે. રામ સુતારે ધાર્યું હોત તો કોઈ પણ આર્ટિસ્ટિક સ્ટૅચ્યુ તૈયાર કરી શક્યા હોત, પણ તેમને કંઈક એવું કરવું હતું જેનાથી દુનિયા આખી યાદ રાખે અને સદીઓ સુધી તે લોકોની નજર સામે રહે. સુતારજીએ મંત્રીજીને વિશ્વાસમાં લીધા અને ૧૦,૦૦૦ રૂપિયાની ટોટલ ફી લઈને તે પોતાનાં વાઇફ અને દીકરા સાથે અંતરિયાળ વિસ્તારમાં ચાલ્યા ગયા. ૮ મહિના પછી તે એક ટ્રકમાં મૂર્તિ સાથે હાજર થયા અને આખું મંત્રીમંડળ એ સ્ટૅચ્યુ જોઈને હેબતાઈ ગયું.
એ ચંબલદેવીનું સ્ટૅચ્યુ હતું. અગાઉ આપણે ત્યાં નદી માતા કહેવાતી, પણ માતા તરીકે તેમને મૂર્તિસ્થ કરવાનું કામ ક્યારેય થયું નહોતું. રામજીએ પહેલી વાર માતાને એક રૂપ આપ્યું હતું. ચંબલ માતાનાં આભૂષણો માટે રામ સુતારે શાસ્ત્રોનો આશરો લીધો હતો તો સાથોસાથ દેવીના હાથમાં જળનો એક કળશ પણ આપ્યો હતો. આ દેવીની ડાબે અને જમણે એકેક બાળક હતું જે બાળક રાજસ્થાન અને મધ્ય પ્રદેશના પ્રતીકરૂપે હતાં. ૪પ ફીટ ઊંચી આ મૂર્તિ જોઈને કોઈની પણ આંખો એ મૂર્તિ પર સ્થિર થઈ જતી. મૂર્તિ વિશે વાત કરતાં રામ સુતારે કહ્યું હતું, ‘આ મૂર્તિએ પ્રસ્થાપિત કર્યું કે મૂર્તિકાર માત્ર મૂર્તિકાર નથી હોતા, તે એક ચિત્રકાર પણ છે અને તે એક આર્કિટેક્ટ પણ છે અને સાથોસાથ તે સોની પણ છે. આ ત્રણનું મિશ્રણ જ એક ઉમદા સ્ટૅચ્યુ તૈયાર કરી શકે.’

લૅન્ડમાર્ક્સ સર્જન 

 ૧.મધ્ય પ્રદેશના ગંગાસાગર બંધ પર મૂકવામાં આવેલી ૪પ ફીટની ચંબલદેવીની મૂર્તિ.
 ૨. અમ્રિતસરમાં ૨૧ ફીટ ઊંચી મહારાજા રણજિતસિંહની મૂર્તિ.
 ૩. દિલ્હીમાં સંસદભવનમાં ૧૮ ફીટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ.
 ૪. ગાંધીનગરમાં ૧૭ ફીટ ઊંચી ગાંધીજીની મૂર્તિ.
 પ. જમ્મુમાં ૯ ફીટ ઊંચી ડૉ. ભીમરાવ આંબેડકરની મૂર્તિ.
 ૬. કેવડિયામાં પ૯૭ ફીટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ.
 ૭. કુરુક્ષેત્રના બ્રહ્મસરોવરમાં કૃષ્ણ-અર્જુનની રથ સાથેની મૂર્તિ.-શ્રી કૂર્મમની નજીક અરસાવલ્લી ગામે સૂર્ય મંદિર છે જે દર્શનીય તો છે જ. તો ૪૫ કિલોમીટરના અંતરે આવેલા શ્રી મુખલિંગમ શિવમંદિરનાં દર્શન કરવા જવું જ રહ્યું.

રામ સુતારે પથ્થર ઉપરાંત અનેક ધાતુની મૂર્તિઓ પણ બનાવી. ચારસોથી વધારે મૂર્તિ અને સ્ટૅચ્યુ બનાવનારા રામ સુતારને ચંબલદેવીની આ મૂર્તિ ઉપરાંત જો કોઈ મૂર્તિ અત્યંત પ્રિય રહી હોય તો એ છે ધ્યાનમગ્ન ગાંધીજીની પ્રતિમા. ચંબલદેવીની પ્રતિમા જોઈને જવાહરલાલ નેહરુ અત્યંત અભિભૂત થયા અને તેમણે રામજીને મહાત્મા ગાંધીની મૂર્તિ બનાવવા માટે આમંત્રણ આપ્યું. રામ સુતારે કહ્યું હતું, ‘મહાત્મા ગાંધીમાં રહેલા મહાત્માને બહાર લાવવા માટે મારી પાસે વાતો હતી પણ કોઈ નક્કર રેફરન્સ નહોતો એટલે મેં પાંચેક હજાર ફોટોગ્રાફ્સ અને એટલાં જ પાનાંઓનું અધ્યયન કર્યુ અને પછી ધ્યાનમગ્ન ગાંધીજી ત્યાર કર્યા.’
તમારી જાણ ખાતર આ ધ્યાનમગ્ન ગાંધીજીનું સ્ટૅચ્યુ ભારતીય સંસદભવનમાં તો છે જ પણ સાથોસાથ આપણી સરકારે દુનિયાભરનાં શહેરોને આ સ્ટૅચ્યુની રેપ્લિકા ભેટ તરીકે પણ આપી છે તથા અનેક વિદેશી મહેમાનોને પણ ભેટ તરીકે આપી છે.
સદી જીવી જાણનારા રામ વી. સુતારે ભલે આપણી વચ્ચેથી વિદાય લીધી પણ તેમણે અલગ-અલગ ધાતુમાંથી કંડારેલા મહાત્માઓ થકી તે સદાય આપણી વચ્ચે અકબંધ રહેશે એ નિર્વિવાદ છે.

columnists statue of unity Rashmin Shah gujarati mid day exclusive