આનંદથી ધ્યાન સુધી

23 September, 2020 06:54 PM IST  |  Mumbai | Sejal Ponda

આનંદથી ધ્યાન સુધી

કામમાં ખોવાઈ જવાની અવસ્થા એટલે ધ્યાન

એક કઠિયારો હતો. જંગલમાં જઈ રોજ લાકડાં કાપવાનું કામ કરે. આ તેનો નિત્યક્રમ. લાકડાં કાપતી વખતે કઠિયારો એટલો બધો ઓતપ્રોત થઈ જાય કે આજુબાજુ શું ચાલે છે એનું તેને ભાન ન રહે અને લાકડાં કાપીને ઘરે આવે કે તેના ચહેરા પર આનંદ છલકાતો હોય.
એક દિવસ કઠિયારો જંગલમાં લાકડાં કાપવા ગયો ત્યાં બીજો પણ એક કઠિયારો લાકડાં કાપી રહ્યો હતો. આ કઠિયારાએ એ બીજા કઠિયારાને અહીં ક્યારેય જોયો નહોતો. તેને હળવું સ્મિત આપી કઠિયારો તો પોતાના કામમાં જોતરાઈ ગયો. આવું ઘણા દિવસ ચાલ્યું. બીજો કઠિયારો પહેલા કઠિયારા પાસે આવ્યો અને એક સોનાનું લાકડું આપતાં બોલ્યો ઃ જો મને સોનાનાં બે લાકડાં મળ્યાં છે. આમાંથી એક લાકડું તું લઈ લે. કાયમ માટે તારાં દુઃખ દૂર થઈ જશે. કોઈ વેઠ નહીં કરવી પડે. તારી સાત પેઢી તરી જશે. તારે રોજેરોજ અહીં આવી આટલી મહેનત કરવાની પણ જરૂર નહીં પડે. બેઠાં-બેઠાં ખાઈ શકીશ.
કઠિયારો સ્મિત સાથે બોલ્યો ઃ ભાઈ, મને આ સોનાના લાકડાની જરૂર નથી. જો હું આખી જિંદગી બેઠાં-બેઠાં ખાઈશ તો-તો મારા હાથનો હુન્નર જ જતો રહેશે. મારું કિસ્મત તો મારા હાથમાં છે. અને કઠિયારો ફરી પોતાના કામે લાગી ગયો.
બીજો કઠિયારો બોલ્યો ઃ મૂરખ છે તું મૂરખ. સામે ચાલીને તારાં દુઃખ દૂર થઈ રહ્યાં છે અને તું સુખને હડસેલી રહ્યો છે. પહેલો કઠિયારો બોલ્યોઃ ભાઈ, આ સોનાનું લાકડું તો ગમે ત્યારે ચોરાઈ શકે છે, પણ મારી પાસે જે હુન્નર છે એ કોઈ ચોરી નહીં શકે. હું માત્ર લાકડાં જ નથી કાપતો, એમાંથી જુદી-જુદી વસ્તુઓ પણ બનાવું છું. જો હું ઘરે બેસી જાઉં તો મારા હુન્નરને કાટ લાગી જશે. હું સાવ નકામો થઈ જઈશ અને મને કામ કરીને જે આનંદ મળે છે એ પણ હું ગુમાવી દઈશ. સુખ અને સંતોષ તો મને કામમાંથી મળે છે. જો હું કામ જ નહીં કરું તો હું આળસુનો પીર બની જઈશ. મારું મન કામમાં પરોવાયેલું નહીં રહે તો આમતેમ ખોટા વિચારોમાં દોડ્યા કરશે. આળસનું મળે એના કરતાં મહેનતથી જે મળે એ જ સાચું સુખ છે ભાઈ.
ખરેખર, અભણ કઠિયારો કેવી ગણતરીની વાત કરી ગયો. જે વ્યક્તિને પોતાના કામમાંથી આનંદ આવે છે એ વ્યક્તિને કોઈ દુઃખી કરી શકતું નથી. જીવનની ગૂઢ વાતો ઘણી વાર અભણ માણસ કરી જાય છે.
આપણામાંથી ઘણાને રોજિંદા કામનો કંટાળો આવવા લાગે છે. જે પોતાના કામમાંથી આનંદ લેવાની કળા જાણે છે તે સુખી માણસ છે. આપણે જે કામ કરીએ છીએ એમાંથી કેટલો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ એ મહત્ત્વનું છે. કરવા ખાતર થયેલા કામમાં કોઈ ભલીવાર નથી હોતી.
ધ્યાન અવસ્થા એટલે જાતને દુનિયાથી દૂર કરી દેવી. આજુબાજુનું કંઈ સ્પર્શે નહીં એ અવસ્થા ધ્યાન અવસ્થા કહેવાય છે. આપણે જે કામ કરતા હોઈએ એ વૈતરું કે વેઠ ન લાગે અને એ કામમાંથી એક પ્રકારની ખુશી મળે, સંતોષ મળે અને આપણે બીજું બધું જ ભૂલી જઈએ એ અવસ્થા ધ્યાન. આનંદથી થતું કામ એક પ્રકારની સાધના જ કહેવાય. રોજનું કામ જેટલું હળવાશથી થાય એટલો જ આનંદ ભેગો થાય. અને આ આનંદ એકધારો રહે છે. કમને કામ કરીએ, કકળાટ કરતાં-કરતાં કામ કરીએ તો એ કામ બોજો બની જાય. જે કામ આપણે કરવાનું જ છે એને મોજથી કરીએ કે મગજમારીથી એ આપણા પર નિર્ભર છે.
ઘરના ભોજનમાં મીઠાશ એટલા માટે જ હોય છે કારણ કે ઘરની સ્ત્રીઓ ભોજન મનથી બનાવે છે. સવારે ઊઠતાંવેંત તેને એવું નથી લાગતું કે હે ભગવાન! આજે ફરી રસોઈ બનાવવાની. મારા જીવનમાં તો ઢસરડા જ છે. પણ સ્ત્રીઓ સવારે ઊઠતાં વેંત સૌથી પહેલાં કુકર ચડાવે છે. તેના માટે રસોડું કંટાળો આવે એવી જગ્યા નથી. આજે શું બનાવું એ પ્રશ્નમાં કાલ કરતાં આજે વધુ સારું, સ્વાદિષ્ટ અને નોખું શું બની શકે એ જ ભાવના છુપાયેલી હોય છે. એટલે જ તે અન્નપૂર્ણા કહેવાય છે, કારણ કે પૂર્ણ મનથી ભોજન બનાવે છે. હા, તે ક્યારેક થાકી જાય અને કંટાળો આવે એ પણ હકીકત છે, પણ એવું મહિનામાં બે-ત્રણ કે ચાર વખત બનતું હશે. બાકીના દિવસો ઘરની અન્નપૂર્ણા કચકચ કરીને કે કમને રસોઈ નથી બનાવતી. રસોઈ બનાવવામાં તે એટલી ઓતપ્રોત થઈ જાય છે કે એ સમયે તે માત્ર તેના રસોડા સાથે જ જોડાયેલી રહે છે.
બાળક ભણતું હોય ત્યારે તેનું સમગ્ર ધ્યાન ચોપડીમાં જ હોય તો એ તેની ધ્યાન અવસ્થા કહેવાય. ઘરના પુરુષ ઘણી વાર છાપાં વાંચવામાં એટલા તલ્લીન થઈ જાય છે કે પત્નીએ બૂમ પાડી કંઈ પૂછ્યું હોય તો પણ તેમનું ધ્યાન નથી રહેતું.
ધ્યાન માટે દરેક વખતે આંખો બંધ કરી ધ્યાનકક્ષમાં બેસવાની જરૂર નથી. તમે જે કોઈ પ્રવૃત્તિ કરતા હો એ સમયે તમે એમાં તલ્લીન થઈ જાઓ. સો ટકા ત્યાં ખોવાઈ જાઓ અને આનંદ મેળવતા જાઓ તો એ જ તમારી સાધના કહેવાય.
પ્રવૃત્તિ ગમતી હોય કે અણગમતી, તમે એ પ્રવૃત્તિ કરતી વખતે કેટલા લીન છો, કેટલા ખુશ છો, કેટલા હળવા છો એ મહત્ત્વનું છે. કામમાં ખોવાઈ જવાની અવસ્થા એટલે ધ્યાન. રમતી વખતે બાળક જેમ રમકડાં સાથે ઓળઘોળ થઈ જાય છે, તેને આજુબાજુનું કંઈ સ્પર્શતું નથી એ જ તેની આનંદ અવસ્થા છે.
પોતાના કામને ગદ્ધાવૈતરું સમજનારા ક્યારેય એ કામ સાથે અટૅચ થઈ શકતા નથી. આપણને મનુષ્યોને કામ વગર ચાલવાનું નથી, પણ એ કામમાંથી આનંદ મેળવતાં પણ આવવું જોઈએ. એકના એક કામમાંથી એકધારો આનંદ મળતો રહે એ જ તમારી સાધના.
આપણામાંથી ઘણાને રોજિંદા કામનો કંટાળો આવવા લાગે છે. જે પોતાના કામમાંથી આનંદ લેવાની કળા જાણે છે તે સુખી માણસ છે. આપણે જે કામ કરીએ છીએ એમાંથી કેટલો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ એ મહત્ત્વનું છે. કરવા ખાતર થયેલા કામમાં કોઈ ભલીવાર નથી હોતી.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Sejal Ponda columnists