વાટકી વહેવાર - (લાઇફ કા ફન્ડા)

08 July, 2020 10:11 PM IST  |  Mumbai | Heta Bhushan

વાટકી વહેવાર - (લાઇફ કા ફન્ડા)

આપણે ત્યાં આડોશ-પાડોશ અને સ્વજનો સાથે વાટકી વહેવાર ચાલતો જ હોય. કાંઈ સરસ બનાવ્યું હોય તો પાડોશમાં મોકલવાનું અને કંઈક ખૂટી પડે તો વેળ સાચવવા બાજુમાંથી માગી લેવાનું, પછી પાછું આપી દેવાનું...ન આપો તો પણ વાંધો નહીં, જ્યારે પાડોશીને જરૂર પડે ત્યારે તે માગવા આવે તે પ્રેમથી આપવાનું...આ વાટકી વહેવાર સ્નેહ-પ્રેમની નિશાની.
નીપાની મમ્મી બાજુના ઘરમાં ગઈ હતી અને આવી ત્યારે એક વાટકો મીઠું લઈ આવી. મમ્મીના હાથમાં મીઠું ભરેલો વાટકો જોઈને નીપાને નવાઈ લાગી કે ઘરમાં મીઠાનો ડબો ભરેલો છે અને વળી પાછું એક પેકેટ પેક પડ્યું છે તો પછી મમ્મી બાજુમાંથી મીઠું માગીને શું કામ લાવી હશે? નીપાએ મમ્મીને પૂછ્યું ‘મમ્મી, તું બાજુમાંથી એક વાટકી મીઠું શું કામ માગીને લઈ આવી?’ મમ્મીએ કહ્યું ‘વાટકી વહેવાર સાચવવા અને સંબંધોને મધુર રાખવા.’
નીપાને કંઈ સમજ ન પડી, તેણે ફરી પૂછ્યું ‘મમ્મી તું શું કહે છે કંઈ સમજાયું નહીં?’ મમ્મીએ કૉલેજમાં ભણતી નીપાને કહ્યું ‘દીકરા હવે તું મોટી થાય છે. મારી વાત યાદ રાખજે, પાડોશીઓ જોડે મધુરા સંબંધ રાખવા કારણ કે પહેલો સગો પાડોશી. અને સંબંધ મીઠા બનાવવામાં આ વાટકી વહેવાર બહુ મોટો ભાગ ભજવે છે એટલે તે વ્યવહાર પણ સાચવવો. અને હવે વાત આ એક વાટકી મીઠાની.દીકરા તને ખબર છે કે ઘરમાં મીઠું છે તો મને તો ખબર જ હોય, પણ અત્યારના આ કપરા સંજોગોમાં તને ખબર છે બધાને ઘણી આર્થિક મજબૂરી પણ સતાવતી હોય છે. આપણી પર ભગવાનની કૃપા છે; પણ આપણી બાજુમાં રહેતાં મીનાબહેનના પતિ બીમાર છે, તેઓ ઘરે ઘરે જઈ રસોઈ કરે છે અને અત્યારે તેમનું કામ બંધ છે. મોટી દીકરી નોકરી કરી ઘર ચલાવે છે પણ અત્યારે આ મહામારીમાં તેને પણ પગાર મળ્યો છે કે નહીં તે રામ જાણે...તેથી તેઓ તકલીફમાં છે અને જરૂર પડે કંઈ ખૂટે ત્યારે આપણા ઘરે માગવા આવે છે. હું પ્રેમથી તેમને જે જોઈએ તે આપું છું. તેઓ આપણે ઘરે ચાર પાંચ વાર કંઈક ને કંઈક લઈ જાય પછી હું તેમને ત્યાં જઈ કોઈ વાર લીમડો કે કોઈ વાર બે બટાટા કે બીજું કાંઈ માગીને લઈ આવું છું. જેથી તેમને કાંઈ જરૂર પડે તો તેઓ આપણા ઘરે માગવા આવવામાં ઓછપ કે નાનપ ન અનુભવે; એમ ન વિચારે કે તેઓ આપણી પાસે હંમેશાં માગે જ છે, સામે કાંઈ આપી શક્તા નથી એટલે હું કંઈક નાની વસ્તુ ખાસ માગીને લાવું છું અને એટલે જ આજે આ મીઠું લઈને આવી છું. જેથી વાટકી વહેવાર ચાલતો રહે અને તેઓ કાંઈ પણ જરૂર પડે તો જરાપણ નાનપ રાખ્યા વિના આપણી પાસે પણ માગવા આવી શકે.’ નીપાને તેની મમ્મીની સમજ અને સમભાવ પર માન થયું.

heta bhushan columnists