મને પપ્પાના હાથની રોટલી બહુ ભાવે

15 July, 2020 03:32 PM IST  |  Mumbai | Rashmin Shah

મને પપ્પાના હાથની રોટલી બહુ ભાવે

નેત્રી ત્રિવેદી

 ‘છેલ્લો દિવસ’, ‘અરમાન’, ‘ફેરાફેરી હેરાફેરી’, ‘શું થયું?’ જેવી સુપરહિટ ફિલ્મની ઍક્ટ્રેસ નેત્રી ત્રિવેદી અત્યારે મલ્હાર ઠાકર સાથે એક ફિલ્મ કરે છે તો તેની એક હિન્દી વેબ-સિરીઝનું શૂટ પણ શરૂ થવાની તૈયારીમાં છે. આ બન્ને પ્રોજેક્ટનાં શૂટિંગ લોકેશન જાણીને અત્યારે નેત્રી એ સિટીના લોકલ ફૂડનું લિસ્ટ બનાવવામાં બિઝી છે. નેત્રી હસતાં-હસતાં કહે છે, મારે માટે શૂટિંગ ફૂડ-એક્સ્પીરિયન્સનું બહાનું છે. તેણે લૉકડાઉનમાં ફૂડ બનાવવામાં અઢળક અખતરા કર્યા છે. આ અખતરા અને પોતાની ફૂડ-હૅબિટ વિશે તેની મિડ-ડેના રશ્મિન શાહ સાથે થયેલી વાતો વાંચો તેના જ શબ્દોમાંફૂડ પર હું ખૂબ બધું બોલી શકું અને એટલું જ હું ખાઈ શકું. હું ફૂડી છું એવું કહેવાને બદલે હું એવું કહેવાનું પસંદ કરીશ કે ફૂડની સાઇકોલૉજી મને ગમે છે. આપણે ત્યાંના બે રીજનલ ફૂડની સાઇકોલૉજી લગભગ એકસમાન છે. ગુજરાતી અને પંજાબી ફૂડ. આ બન્ને ફૂડને તમે જુઓ તો એમાં તમે અઢળક ઇમોશન્સ ઉમેર્યા હોય એવું દેખાઈ આવે. થાળીમાં ફૂડને જે વરાઇટી હોય એ જ દેખાડી દે કે કેટલા ઇમોશન્સ સાથે એ ફૂડ બનાવવામાં આવતું હશે. આ બે રીજનલ ફૂડમાં વરાઇટી પણ કેટલી છે. આવું જ ત્રીજું ફૂડ હોય તો એ બેન્ગોલી છે. એની પાસે પણ અઢળક વરાઇટી છે. સાઉથ ઇન્ડિયન ફૂડને જુઓ તો તમને દેખાય કે હરીફરીને ચાર-છ આઇટમ અને પછી એ આઇટમમાં બેટરમેન્ટ કરીને ડેવલપ કરવામાં આવી હોય એ વરાઇટી, એની સામે તમે આપણી વાનગીઓ જુઓ. 

ગુજરાતી ફૂડમાં પણ મને કાઠિયાવાડી ફૂડ બહુ ભાવે. વઘારેલો રોટલો, ઢોકળીનું શાક, ઊંધિયું, ખાટી કઢી અને લસણની ચટણી મારાં ફેવરિટ છે. જો પ્લેટમાં આ બધી વરાઇટી આવી જાય તો હું એક પણ પ્રકારના ફૂડ રિસ્ટ્રિકશનને ફૉલો ન કરું. ગૅરન્ટી. મને તીખું અને મસાલેદાર ફૂડ વધારે ભાવે એટલે જ્યારે પણ કોઈ તીખા કે મસાલેદાર ફૂડની વાત કરે ત્યારે મારા કાન સરવા થઈ જાય. શૂટ કે પ્રમોશન માટે જે કોઈ સિટીમાં જવાનું થાય એ સિટીની ચટાકેદાર વરાઇટી મેં શોધી લીધી હોય. જો તમારે સિટીને ઓળખવું હોય કે પછી સિટીનો નેચર જાણવો હોય તો લોકલ ફૂડ અને એ પણ સ્ટ્રીટનું લોકલ ફૂડ ટ્રાય કરવાનું, તમને એ સિટીની બધી ખબર પડી જશે. યુરોપમાં તમે જો લોકલ ફૂડ ટ્રાય કરો તો તમને સાવ ફીકો ટેસ્ટ મળે. માણસો પણ એવા જ અને ફૂડ પણ એવું જ પણ જો તમે થાઇલૅન્ડમાં સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરો તો તમને ચટાકેદાર ફૂડનો ટેસ્ટ મળે. માણસો પણ ત્યાંના એવા જ છે.
કાઠિયાવાડી ફૂડની જેમ મને પંજાબી ફૂડ પણ ખૂબ ભાવે, પણ શરત એટલી જ કે વરાઇટી ચટાકેદાર અને મસાલેદાર હોવી જોઈએ. મારો અને મારા પપ્પા નિસર્ગભાઈનો ફૂડ-ટેસ્ટ સરખો છે. અમને બન્નેને તીખું ફૂડ ભાવે અને અમારા બેથી સાવ ઊલટું મારાં મમ્મી હિનાબહેનનું. તે સૌથી માઇલ્ડ ફૂડ ખાય. જો મારે તેમનું ફૂડ ખાવાનું આવે તો મારે એને હૅપનિંગ બનાવવું પડે. મમ્મીના શાકમાં હું જાતજાતની ચટણીઓ નાખીને કે પછી ચિલી ફ્લેક્સ નાખીને સ્પાઇસી બનાવું પછી જ મારે લાયક બને. આઇટમને હૅપનિંગ બનાવવાનાં આવાં કેટલાંય ગતકડાં મને આવડે છે, જેનો મને લાભ મળતો રહે છે.
મારાં મમ્મી જ નહીં, મારા પપ્પા પણ બહુ સરસ કુક છે. તેને બધી રસોઈ બનાવતાં આવડે. નૅચરલી જો પપ્પાને આવડતી હોય તો તેમણે મને પણ એના માટે તૈયાર કરી જ હોય. અમારા ઘરની એક વરાઇટી છે, ખદબદ. પપ્પા એ બહુ સરસ બનાવે. ખદબદ મસાલેદાર અને એકદમ તીખું હોય. દાળભાતને સાથે એમાં વઘારવાનાં હોય. દાળનો બે વખત વઘાર થાય એટલે નિમકનું ધ્યાન રાખવાનું, પણ મસાલા છૂટથી વાપરવાના. ખદબદ ખાધા પછી
આંખ અને નાકમાંથી પાણી નીકળે જ નીકળે.
સ્કૂલ અને કૉલેજના દિવસોમાં રજા મળે ત્યારે કંઈક બનાવું, પણ બાકી ખાસ ટાઇમ ન મળે અને કૉલેજ પછી તરત જ ફિલ્મ કરીઅર શરૂ થઈ એટલે એ રીતે પણ કુકિંગનો ખાસ કોઈ અવસર મળ્યો નહીં, પણ હમણાં લૉકડાઉનમાં મેં બધી કસર પૂરી કરી.
લૉકડાઉનમાં સાંજના સમયનું ફૂડ મોટા ભાગે હું જ બનાવતી. દરરોજ નવી-નવી રેસિપી ટ્રાય કરું અને એ બનાવું. જો રૂટીન ફૂડ બનાવવાનું હોય તો પણ હું એમાં કોઈ ને કોઈ એક્સપરિમેન્ટ કરું જ કરું. દાખલા તરીકે પનીરની સબ્ઝી બનાવતી હોઉં તો એમાં ટેસ્ટ મુજબ કંઈક નવું કરવા માટે કાં તો ક્રીમ ઍડ કરું કે પછી ટમૅટો અને ફુદીનાની પ્યુરી ઍડ કરીને અલગ ટેસ્ટ લાવું. હું એક ઍડ્વાઇઝ અહીં બધી મમ્મીને આપીશ. દીકરીને કિચનમાં તેની રીતે કામ કરવા દેશો તો તે બરાબર શીખી શકશે અને તે જાતને એક્સપ્લોર પણ કરશે. તેને જરૂર હશે તો તમારી ઍડ્વાઇઝ લઈ લેશે, પણ તેની બાજુમાં ઊભા રહીને તેને શીખવવાનું કામ નહીં કરતા. આજે મને જે કંઈ આવડે છે એ બધું મમ્મીએ મને આ જ રીતે, કિચનમાં એકલી મૂકીને જ શીખવ્યું છે. દરેકને ભગવાને એક ગૉડ-ગિફ્ટ આપી છે. કોઈ પણ આઇટમ ઍડ કરવાથી એનો ટેસ્ટ કેવો આવશે એ ઇમૅજિન કરી શકાય છે, પણ આપણે એ ગિફ્ટને ડેવલપ કરવી પડે છે. જો ટકટક અને કચકચ કરશો તો એ ગૉડ્સ ગિફ્ટ ક્યારેય ડેવલપ નહીં થાય. લૉકડાઉનમાં ચૉકલેટ પૂરણપોળી બનાવી, બહુ સરસ બની અને મેં જેવું વિચાર્યું હતું એવો જ એનો ટેસ્ટ હતો. ચૉકલેટ પૂરણપોળી માટે કંઈ વધારે હેરાન નથી થવાનું. પૂરણપોળીનું પૂરણ બનાવી લીધા પછી એમાં થોડો કોકો પાઉડર ઍડ કરી દેવાનો અને ફરીથી એ પૂરણને સાંતળી લેવાનું. જો ચૉકલેટના ઝીણા ટુકડા નાખવા હોય તો એ પણ નાખી શકાય. પૂરણપોળીમાં ચૉકલેટ ટેસ્ટ ઉમેરાઈ જશે. હજી નવું કંઈ કરવું હોય તો પૂરણપોળી પર ચૉકલેટ છીણીને એને ગાર્નિશ કરો. બચ્ચાઓને બહુ ભાવશે.
લૉકડાઉનની જ બીજી એક વાત કહું. એક વાર મેં સ્ટફ્ડ પરાઠાં બનાવવાનું ચાલુ કર્યું, પણ પરાઠાં બને જ નહીં. જેટલી વખત સ્ટફિંગ ઍડ કરું પરાઠું વચ્ચેથી ફાટી જાય. પાંચ-સાત પરાઠાંમાં એવું થયું એટલે છેવટે મેં પપ્પાને કહ્યું કે તમે મને હેલ્પ કરો. પછી હું સ્ટફિંગ કરું અને પપ્પા વણે. એકદમ મસ્ત-મસ્ત પરાઠાં બન્યાં. પરાઠાં બની ગયા પછી સમજાયું કે એને હળવા હાથે વણવાનાં હોય. મને પપ્પાના હાથની રોટલી પણ બહુ ભાવે છે પણ તેમના જેવી ક્રિસ્પી રોટલી મારાથી બનતી નથી.
લૉકડાઉનમાં જ હું ચીઝ બટર પટેટો પૅટીસ પણ હું શીખી. આ રેસિપી મેં સ્પૅનિશ રેસિપીના મિક્સચર સાથે બનાવી. થોડો ઇન્ડિયન ટેસ્ટ અને થોડો સ્પૅનિશ ટેસ્ટ. જોકે આ બધામાં મારા હાથે જો કંઈ બેસ્ટ બન્યું હોય તો એ છે બટાટાનું શાક. બટાટાનું શાક ઓછામાં ઓછું પાંચ વખત મારી પાસે પપ્પાએ બનાવડાવ્યું. મારા બટાટાના શાકનું એક સીક્રેટ ઇન્ગ્રીડિઅન્ટ છે, જે આજે તમને કહું છું. બટાટાનું શાક રેગ્યુલર શાકની જેમ જ બનાવી લેવાનું અને શાક બની જાય એના પછી એમાં મેથિયાનો મસાલો નાખવાનો. મેથિયાનો મસાલાને કેટલાક પંજાબી આચાર મસાલા તરીકે પણ ઓળખે છે. આ મસાલો આમ તો અથાણામાં નાખવાનો હોય, પણ જો તમે એને શાકમાં નાખો તો એકદમ મસ્ત ટેસ્ટ આવે. આ મેથિયાના મસાલાની ખાસિયત છે. એ દરેક આઇટમના ટેસ્ટને એક સ્ટેપ આગળ લઈ જાય છે. તમે ખાખરા ઉપર ભભરાવીને ખાઓ તો પણ તમને ભાવે અને મોળી કે પછી નીરસ કહેવાય એવી દાળમાં ઍડ કરી દો તો દાળનો ટેસ્ટ પણ બદલાઈ જાય. છાશ અને ભાત ખાતી વખતે એમાં નાખીને ખાઓ તો પણ તમને બહુ ભાવશે. શરત એક જ, તમને મસાલેદાર ખાવાનો શોખ હોવો જોઈએ.

સૌથી પહેલાં સોજીનો હલવો બનાવેલો

મને યાદ છે હું સ્કૂલમાં ભણતી ત્યારે મેં પહેલી વાર કુકિંગ કર્યું હતું. મમ્મી સોજીનો હલવો બનાવતી. મને એ બહુ ભાવે. મમ્મીને હલવો બનાવતી જોઈને મને પણ મન થયું કે હું ટ્રાય કરું. હલવો કેમ બને એ મેં મમ્મી પાસેથી જાણી લીધું અને પછી મેં જાતે હલવો બનાવ્યો. હલવો બનાવ્યો એ પહેલાં મેં ક્યારેય ચા પણ બનાવી નહોતી અને સીધો જ હલવો બનાવવાની ટ્રાય કરી. મેં ખાસ દાદા અને દાદી માટે હલવો બનાવ્યો હતો. એ બનાવીને મેં તેમને ટેસ્ટ કરવા આપ્યો. બન્ને તો બધો ખાઈ ગયાં. ખુશી-ખુશી ખાધો અને પ્લેટ સાવ સાફ થઈ ગઈ એટલે મને થયું કે મારાથી બહુ સરસ બન્યો હશે. મેં ત્યાર પછી ટ્રાય કર્યો પણ ટ્રાય કર્યો એટલે ખબર પડી કે મેં લોટ બાળી નાખ્યો હતો, જેને લીધે હલવો કડવો લાગતો હતો. પણ કડવા હલવાને ખાતી વખતે દાદા-દાદીએ ફરિયાદ તો ઠીક, મોઢું પણ કટાણું નહોતું કર્યું. આજે પણ જ્યારે મને આ વાત યાદ આવે છે ત્યારે મારી આંખો સહેજ ભીની થઈ જાય છે. જો એ દિવસે તેમણે ટેસ્ટ વિશે કોઈ ખરાબ કમેન્ટ કરી હોત તો મારો કૉન્ફિડન્સ ડગી ગયો હોત.

મારાં મમ્મી જ નહીં, મારા પપ્પા પણ બહુ સરસ કુક છે. અમારા ઘરની એક વરાઇટી છે, ખદબદ. પપ્પા એ બહુ સરસ બનાવે. ખદબદ મસાલેદાર અને એકદમ તીખું હોય. દાળભાતને સાથે એમાં વઘારવાનાં હોય. દાળનો બે વખત વઘાર થાય એટલે નિમકનું ધ્યાન રાખવાનું, પણ મસાલા છૂટથી વાપરવાના. ખદબદ ખાધા પછી આંખ અને નાકમાંથી પાણી નીકળે જ નીકળે

Rashmin Shah life and style Gujarati food columnists