પહેલાં મન ફાવે એ કરી લેવું અને પછી પિતૃસત્તાક સમાજની દુહાઈઓ દેવી

15 September, 2020 05:02 PM IST  |  Mumbai | Taru Kajaria

પહેલાં મન ફાવે એ કરી લેવું અને પછી પિતૃસત્તાક સમાજની દુહાઈઓ દેવી

પ્રતીકાત્મક તસવીર

હમણાં-હમણાં ટીવી પર અને સોશ્યલ મીડિયા પર એક શબ્દ બહુ જોવા-સાંભળવા મળે છે- ‘પેટ્રિઆર્કી’ અર્થાત્ પિતૃસત્તાક. ભગવદ્ગોમંડળમાં આ શબ્દોનો અર્થ અપાયો છે : પૂર્વજોને લગતું, પૈતૃક, આનુવંશિક, પરંપરાગત, પિતૃસત્તાક, માતૃપિતૃસંબંધી, માતૃસત્તાક, માતૃસદૃશ, માતૃવત્, પિતૃવત્, માતૃતુલ્ય, વારસાક્ષમ, વારસો આપી શકાય તેવું, વંશપરંપરાગત, કુલપરંપરાગત, કૌટુંબિક, વંશાવલીવિષયક, કુલના આંબાને લગતું, સીધા વંશજ, સીધી કુલપરંપરામાંથી આવેલા, પ્રજનનશાસ્ત્ર સંબંધી, દ્વિગુણમાંથી એક ગુણ વારસામાં ઊતરે એ સંબંધી.
હં તો પિતૃસત્તાનો મહિમા કરતી સામાજિક વ્યવસ્થાને આજકાલ કયા સંદર્ભે યાદ કરાઈ રહી છે? જાણીને નવાઈ લાગશે. કેફી દ્રવ્યો લઈને નશાની ઐયાશી કરતી, અનેક યુવાઓને એ દ્રવ્યોના સેવનને રવાડે ચડાવતી, પોતાના સગા નાના ભાઈને આ ડ્ર્ગ્સ મંગાવવા-મેળવવાના ધંધામાં ધકેલતી અને એ રીતે ખતરનાક ડ્રગ પેડલર્સના સંપર્કમાં નાખતી, પોતાના પ્રેમીને ડ્રગ્સનો બંધાણી બનાવી દેતી, તેના પર માનસિક–શારીરિક ત્રાસ ગુજારતી, તેનો આર્થિક લાભ લેતી એવી એક યુવતીના સંદર્ભે આ દેશના કેટલાક છીછરા અને જાતને બુદ્ધિશાળી સમજનારાઓ દ્વારા એ શબ્દ વપરાઈ રહ્યો છે. નવાઈ લાગીને? લાગે એવું જ છે.
પણ વેઇટ... વેઇટ. પેલી યુવતીના જે બધા ધંધા ઉપર વર્ણવ્યા છે એ બીજા કોઈનાં અવલોકન નથી, એ દરેક બાબતના પુરાવા એ યુવતીના પોતાના જ ફોનના વાર્તાલાપ કે વૉટ્સઍપ સંદેશાઓમાંથી જ મળ્યા છે. અરે, હા. હજી આ કન્યાની સૌથી મોટી કળા નોંધવાની તો રહી જ ગઈ. બેફામ જૂઠાણાં અને હળહળતા દંભની કલા તેને વરેલી છે. આ બે કલામાં પીએચ.ડી. કર્યું હોય એટલી માહેર એવી આ યુવતીના પેલા પ્રેમીનું તાજેતરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સ (સીબીઆઇ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા એની વિશદ તપાસ થઈ રહી છે. અને એની તપાસમાં યુવતીનાં આ બધાં કારનામાં બહાર આવ્યાં. તેના પરના તમામ આરોપો જે અત્યાર સુધી તેણે ખુલ્લેઆમ નકાર્યા હતા એ બધાના સજ્જડ પુરાવાઓ તેની સામે મુકાયા ત્યારે તેની પાસે સચ્ચાઈ કબૂલી લેવા સિવાય વિકલ્પ નહોતો. આમ થોડા દિવસ પહેલાં જ તેણે કેટલીક ટીવી ચૅનલ્સ પર શ્રોતાઓ સાથે કરેલી છેતરપિંડી પણ ઉઘાડી પડી ગઈ. એનસીબીના નિષ્ણાત તપાસ-અધિકારીઓના આદેશ મુજબ તેની ધરપકડ થઈ. આ લખાય છે ત્યાં સુધી તે જેલમાં જ છે. બીજી બન્ને એજન્સીઓ પણ તેના ગોરખધંધાના તાણાવાણા મેળવવામાં વ્યસ્ત છે. હવે આ બધી હકીકતો જાણવા છતાં આપણા કેટલાક કહેવાતા ‘આધુનિકવાદીઓ’ જુદો રાગ છેડીને પોતાને ઇન્ટેલેક્ચ્યુઅલ સાબિત કરી શકાય એવા ભ્રમમાં રાચતા મિડિયોકર્સ અને સ્વાર્થી હિતો ધરાવતા ચમચાઓ એ યુવતી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા નીકળી પડ્યા છે. આ ટોળામાં એક વર્ગ એવો પણ છે જે એ યુવતી જેવું જ બૅકગ્રાઉન્ડ અને ઍટિટ્યુડ ધરાવે છે એટલે તેઓ તેની સાથે પોતાની જાતને આઇડેન્ટિફાઇ કરે એ સમજી શકાય એવું છે. હા, તો આ પૂરા શંભુમેળા જેવી આખી ટોળકીને એ ‘બિચારી’, ‘નિસહાય અબળા’ને જેલમાં જવું પડ્યું એનું બહુ દાઝે છે! તેમને લાગે છે કે ‘આટલીક અમથી ડ્રગની ચૂસકી મારી એમાં આવી આકરી સજા?’ ‘બધા મળીને બિચારીની પાછળ પડી ગયા છે’! આમાં તેમને ‘પેટ્રિઆર્કીનો હાથ’ દેખાય છે. તેમના મતે આ તો ‘પિતૃસત્તાક માનસિકતાવાળો સમાજ એક બિચારી છોકરીને રંજાડી રહ્યો છે’!
હકીકતમાં આવી દલીલો કરનારાનું પોતાનું પોત જ છતું થાય છે. ખરેખર સૂગ ચડે એવો અને એટલો પક્ષપાત ધરાવતી આ લૉબીનો દંભ અને ધતિંગ બન્ને કોઈ પણ ઍવરેજ સ્માર્ટ માણસ પણ પકડી પાડી શકે એમ છે. એ યુવતીએ તેના લિવ-ઇન પાર્ટનર સાથે જે પ્રકારનો દુષ્ટતાભર્યો વ્યવહાર કર્યો હોવાનું કહેવાય છે એ જો સાચું હોય તો એ પણ તેને આકરી સજાને પાત્ર ઠેરવવા પૂરતો છે. પરંતુ એ પાસું તો વણસ્પર્શ્યું છે. એક બાજુ આવી સ્ત્રી પ્રત્યે આ છીછરી લૉબીની સહાનુભૂતિ ઊભરાઈ જાય છે. તો બીજી બાજુ એક યુવતીના સ્વતંત્ર અવાજને રુંધવાનાં પગલાં ભરાય છે ત્યારે આ લૉબીને કંઈ અડતું પણ નથી? ત્યારે તેમની બધી આઇડિયોલૉજી અને આદર્શો ક્યાં ચરવા જાય છે? ગેરબંધારણીય બાંધકામના ઓઠા હેઠળ એ યુવતીની જાત મહેનતે ઊભી કરેલી ઑફિસ સ્થાનિક સત્તાધીશો ‘અસાધારણ ઉતાવળ’ દાખવીને તોડી પાડે છે એમાં આ લૉબીને ‘પેટ્રિઆર્કી’ નથી દેખાતી એ કેવી નવાઈની વાત છે!
હકીકતમાં હાલતાં-ચાલતાં પુરુષપ્રધાન સમાજને ઉઘાડો પાડવાનાં બહાનાં શોધતી આ કહેવાતી નારીવાદી બ્રિગેડની ઘણી નારીઓને જરૂર પડે ત્યારે ‘લાચાર’, ‘બિચારી’, ‘પીડિત’ નારી–કાર્ડ વાપરી જે-તે લાભ અંકે કરતી જોઈ છે. લાભ મેળવવા માટે જે કોઈ પણ સ્કીમ કે કાર્ડ સુલભ હોય એનો ઉપયોગ કરવામાં તેમને કોઈ છોછ નથી હોતો. કોઈ સ્ત્રી અધમમાં અધમ હરકત કે ગુનો આચરે, પણ સજા ભોગવવાની આવે ત્યારે આવા ‘અબલા નારી’નું કાર્ડ ઊતરીને કે ‘પિતૃસત્તાક’ અને ‘પુરુષપ્રધાન માનસિકતા’ની દલીલ કરીને સજામાંથી છટકવાના પ્રયાસો કરે! આવી અનેક દલીલો આ લૉબીના ભાથામાં હોય છે અને એ વાપરવામાં એ પાવરધી હોય છે, પણ તેમના કમનસીબે તેઓ સમજે છે એટલી જનતા બુદ્ધુ નથી. ઝાંબાઝ ટીવી પત્રકાર નાવિકા કુમારે આ દંભી લૉબી અને એમની ‘પેટ્રિઆર્કી’ની ખોખલી દલીલનાં જે છોતરાં ઉડાડ્યાં એ જોઈને મજા આવી ગઈ હતી. મને ખાતરી છે દેશના લાખો નાગરિકોના દિલની વાતને નાવિકાએ વાચા આપી હતી.
આજે તપાસનો રેલો મુંબઈના અનેક ડ્રગ માફિયાઓ અને તેમના અડ્ડાઓ સુધી પહોંચ્યો છે અને આ શહેરમાંથી ડ્રગ્સનો ભસ્માસુર ભસ્મ થવાની આછેરી અપેક્ષા જન્મી છે. કિશોર વયનાં સંતાનોનાં માતા-પિતા અને સ્વસ્થ સમાજ માટે કાર્ય કરી રહેલા કરોડો નાગરિકો આ હિલચાલથી ખુશ છે પરંતુ ડ્ર્ગ્સની ગંદી લત ધરાવનારા અને અબજોની કમાણી કરાવતા આ ગંદા ધંધા સાથે સંકળાયેલાઓ ભારે નારાજ છે. એટલે જ કોઈ-કોઈ ચૅનલ્સ સરકારની આ ડ્રગ્સ વિરોધી કવાયત વિશે ગેરમાર્ગે દોરવતા સમાચારો ફેલાવ્યા કરે છે. એમના જૂઠા પ્રચારથી છેતરાવું નહીં.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

taru kajaria columnists