વીમાકંપનીના બાબુઓની સાન સાદા, સરળ અને સચોટ ટ્વીટ દ્વારા ઠેકાણે આવી

07 March, 2020 01:40 PM IST  |  Mumbai | Dhiraj Rambhiya

વીમાકંપનીના બાબુઓની સાન સાદા, સરળ અને સચોટ ટ્વીટ દ્વારા ઠેકાણે આવી

આરટીઆઈ

મલાડ (વેસ્ટ)માં રહેતા ભાવેશભાઈ છેડાની જીવનસંગિની અંજલિબહેનના ગર્ભાશયના ઑપરેશનના મેડિક્લેમની રકમમાંથી ૫૪,૬૪૦ રૂપિયાની રકમ નામંજૂર કરીને આપેલા માનસિક સંતાપ અને એક ટ્વીટ માત્રથી આવેલા સુખદ અંતની આ રસદાયક અને અત્યંત ઉપયોગી કથા છે.

૨૦૧૯ની ૭ નવેમ્બરએ દક્ષિણ મુંબઈસ્થિત સૈફી હૉસ્પિટલમાં અંજલિબહેનને ગર્ભાશયના ઑપરેશન માટે દાખલ કરવામાં આવ્યા. ઑપરેશન પહેલાંની તપાસણી, રિપોર્ટસ્  તથા ઑપરેશન અને ત્યાર બાદની તપાસણી અને રિપોર્ટ્સ વગેરેનો ટોટલ ખર્ચ ૭૭,૫૯૬ રૂપિયાનાં બિલો, પ્રિસ્ક્રિપ્શન્સ ડિસ્ચાર્જ કાર્ડ વીમાકંપનીનું રીઇર્મ્બસમેન્ટ માટેનું અરજીપત્રક ભરી મૅક્સબુપા હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીને ૨૦૧૯ની ૧૩ નવેમ્બરે મોકલવામાં આવ્યું. પૉલિસીમાં કૅશલેસ ફૅસિલિટી ન હોવાથી હૉસ્પિટલ બિલની પૂર્ણ રકમ ભાવેશભાઈને ચૂકવવી પડી.

ડિસેમ્બર,૨૦૧૯ના વીમાકંપનીએ એસએમએસ દ્વારા ક્લેમમાંથી ૫૯,૦૩૬ રૂપિયાની રકમ નામંજૂર કરી ૨,૧૮,૫૬૦ની ચુકવણી ૨૦૧૯ની ૧૬ ડિસેમ્બરે કરવામાં આવી હોવાની જાણ કરી. વધુમાં એસએમએસ દ્વારા જણાવવામાં આવ્યું કે ૪૩૯૬ રૂપિયાની રકમ નામંજૂર કરવાના કારણમાં ઑપરેશન દરમ્યાન વપરાયેલી નૉન-મેડિકલ આઇટમ્સની આ રકમ છે અને ૫૪,૬૪૦ રૂપિયા સર્જ્યનની ફીની રકમની ચુકવણી ન કરવા માટે કારણમાં જણાવ્યું કે વીમાકંપનીના નિયમ મુજબ રીઝનેબલ ઍન્ડ કસ્ટમરી ચાર્જિસ હેઠળ આ રકમ ચુકવણી પાત્ર નથી.

ઉપરોક્ત મેસેજ વાંચી ભાવેશભાઈ અવઢવમાં સરી પડ્યા. વિચાર અંતે તેમણે ટ્વિટર ઍપનો ઉપયોગ કરવાનું વિચાર્યું. વીમાકંપનીના ટ્વિટર હૅન્ડલ પર ટૅગ કરવાનું મનોમન નિશ્ચિત કર્યું.

ટ્વિટર હૅન્ડલ @ મૅક્સબુપા પર ટૅગ કરી આવેલા વિચારનું અમલીકરણ કર્યું. ૫૪,૬૪૦ની રકમ રીઝનેબલ ઍન્ડ કસ્ટમરી ચાર્જિસના કારણે આપે ક્લેમમાંથી કપાત કરી છે એ અસ્પષ્ટ, અસીમિત અને અનિર્ધારિત છે. આથી પૉલિસીની કઈ કલમ કે ક્લૉઝ હેઠળ આ કપાત કરી છે એ ક્લૉઝ નંબર સ્પષ્ટપણે જણાવશો. ટ્વીટ કર્યા બાદ વીમાકંપનીના સંબંધિત અધિકારીને ફોન કરી ટ્વીટનો જવાબ જલદીથી આપવા જણાવ્યું તથા જો જવાબ નહીં મળે તો વીમા લોકપાલને ફરિયાદ કરવાનો મારો અધિકાર અબાધિત રાખું છું તથા ક્લેમની રકમ ચૂકવવામાં થનારા વિલંબ પર વ્યાજ તથા થનારા માનસિક સંતાપ માટે મોંબદલો માગવાનો મારો અધિકાર અબાધિત રાખું છું, જેની નોંધ લેશો.

ક્લેમ ન આપવાના, મોડો આપવાના કે ક્લેમની રકમમાં અસંદિગ્ધ કપાત કરવા માટે બહાનાબાજ વીમાકંપનીના અધિકારીના ઉપરોક્ત ટ્વીટ તથા વાતચીત બાદ પસીના છૂટી ગયા હોવા જોઈએ. વણમાગી મુસીબતને આમંત્રણ આપવા માટે જ્યેષ્ઠ અધિકારીનો ઠપકો પણ સાંભળવો પડ્યો હશે. જે હોય તે, ટ્વીટના ત્રીજા દિવસે બૅન્કના ખાતામાં વીમાકંપનીએ ચૂપચાપ ૫૪,૬૪૦ રૂપિયાની રકમ જમા કરી દીધી અને ફાઇટ ફૉર યૉર રાઇટની સંકલ્પના સાકાર થઈ અને એનો જયજયકાર થયો.

right to information columnists weekend guide