પ્રિય પપ્પા - સિદ્ધાર્થ રાંદેરિયા

16 June, 2019 12:19 PM IST  | 

પ્રિય પપ્પા - સિદ્ધાર્થ રાંદેરિયા

સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમનાં મમ્મી તથા પપ્પા મધુકર રાંદેરિયા

મિસ્ટર મધુકર રાંદેરિયા,

તમારી સામે એક ફરિયાદ છે.

વર્ષોથી આ ફરિયાદ અકબંધ છે, એ કોઈને કહી પણ નથી અને એવી કોઈ તક પણ ક્યારેય મળી નહીં. આજે એ તક મળી છે એટલે હું એને જતી કરવા માગતો નથી. કહી દેવા માગું છું તમારી વિરુદ્ધની એ ફરિયાદ. તમે બહુ ખરાબ રીતે એક્ઝિટ કરી ગયા. દુનિયાની નજરે તમારી જવાની આખી પ્રક્રિયા સર્વશ્રેષ્ઠ હતી, પણ મારી નજરે, એક દીકરાની નજરે, એક કમ્પેનિયનની નજરે તમારી એ એક્ઝિટ બહુ ખરાબ હતી અને એ કાયમ એવી જ રહેશે. કોઈ જાતની બીમારી નહીં, કોઈ જાતની તકલીફ નહીં અને સહેજ પણ અણસાર નહીં. સાવ જ અચાનક અને એકાએક તમે ગયા. દુનિયામાં જે કોઈ તમને ઓળખતા કે ઓળખે છે એ બધાએ તો મનોમન પોતાની એક્ઝિટ પણ આવી જ માગી રહ્યા છે.

એ સમયે મને સમજાવતાં કહ્યું હતું કે ખરા કે સારા અને સાચા માણસનું મોત આવું જ હોય. હસતાં આવ્યા અને ધીમેકથી સરકી ગયા. બીમારી મટી જાય એવી કોઈ પ્રાર્થના પણ કોઈની પાસે નહીં કરાવવાની અને બીમારી પછીની સેવા પણ કોઈની પાસે નહીં કરાવવાની. વાત સાચી છે. આજે જીવનની પૂર્વસંધ્યાના દિવસો છે ત્યારે હું પણ એવી જ એક્ઝિટ માગું છું, યાચું છું અને એ પછી પણ કહું છું કે મને તમારી એક્ઝિટ જરાય યોગ્ય નથી લાગી.

કેટલી વાતો તમારી સાથે કરવાની હતી. કેટલું ફરવાનું હતું તમારી સાથે. પ્રાઉડ ફીલ આપી શકાય એવી કેટલીયે મોમેન્ટ્સ તમારી લાઇફમાં ઉમેરવાની હતી. અરે, એ બધું તેલ પીવા ગયું. ખાસ તો એ કે તમારી બાજુમાં બેસીને તમને ધીમેકથી આઇ લવ યુ કહેવાનું હતું, પણ ના, તમે એવી કોઈ દરકાર કર્યા વિના જ રજા લઈ લીધી.

ઇટસ નૉટ ફેર સર.

આ હળાહળ અન્યાય છે. દીકરો જ્યારે પોતાનું કૌવત દેખાડવાને લાયક થાય ત્યારે તમારે તેની બાજુમાં ઊભા રહેવાનું હોય અને એ કૌવત યોગ્ય રીતે દેખાડે છે કે નહીં એ નક્કી કરવાનું હોય. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે પોતે દીકરો જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં બાપ ગણાતા હો. ઍની વે, આઇ ઍમ સૉરી પપ્પા. લેટરની શરૂઆતમાં સંબોધન વાપરવાને બદલે તમારા નામનો ઉલ્લેખ કર્યો. મને ખબર છે કે તમને એમાં કોઈ જાતનું ખરાબ નહીં લાગે, કારણ કે તમને ગાંઠે બાંધીને ફરવાની આદત હતી જ નહીં. કહ્યું, સાંભળ્યું, બોલ્યું અને જવાબ આપ્યો. બસ, વાત અહીંયાં પૂરી થઈ ગઈ. ગમ ખાઈ જવાની તમારા જેવી ક્ષમતા કેળવવા વિશે વિચાર પણ કરું એ પહેલાં તો તમે ચાલ્યા ગયા એટલે સ્વાભાવિક રીતે એ વાતનું દુ:ખ મનમાં રહ્યા કરે છે અને તમે કહેતા એ રીતે, દુ:ખ લાંબો સમય મનમાં રહ્યું એટલે એ ગુસ્સો બનીને બહાર આવી ગયું, પણ હકીકત તો એ છે કે તમે આજે ડગલે ને પગલે યાદ આવો છો. દીકરા ઈશાનની સાથે હોઉં છું ત્યારે તમારી યાદમાં તીવ્રતા ઉમેરાઈ જાય છે. કહી શકું કે તમારી યાદ ધારદાર બની જાય છે. હમણાં જ, થોડા સમય પહેલાં જ ઈશાનને કહ્યું કે, સારું થયું તું મારી જ લાઇનમાં આવ્યો. સાથે વધારે રહેવા મળે છે એટલે મજા આવે છે.

એવી જ મજા જેવી મજા તમારી સાથે રહેવાની આવતી. મુંબઈમાં હવે વરસાદ પડવાનો શરૂ થયો છે. દરેક વરસાદે તમે મારી આંખમાંથી વરસો છો. યાદ આવી જાય છે એ બધી ડ્રાઇવ, જેમાં આપણે એક જ ગાડીમાં વરસાદ માણવા સાથે જતા અને તમે ધીમેકથી કહેતાં પણ ખરા: જા, બિયર લઈ આવ. આજે સાથે ડ્રિંક્સ લઈએ. મને ખબર હતી કે તમને ડ્રિંક્સમાં બહુ મજા નહોતી આવતી. તમે તો તમારા સર્જન અને તમારામાં રહેલી સર્જનાત્મકતા સાથે જ મસ્ત રહેતા, પણ તમને મારો ક્ષોભ છોડાવવો હતો. પિતા તરીકેનો રોલ પૂરો થયા પછી દીકરા સાથે મિત્રતાના સંબંધોનો આરંભ કરવા માટે જે કંઈ જરૂરી હોય એ બધું તમે કરતાં. આજે એ જ અવસ્થા મારી છે અને મારે એ જ કરવાનું આવ્યું છે જે તમારા હિસ્સામાં હતું. ભૂમિકા બદલાય છે એટલે સમજદારી પણ આવી રહી છે કે એ કામ કેટલું અઘરું અને આકરું હતું. દીકરા ઈશાન સાથે એ કરતી વખતે હજુ પણ કોઈ વખત મારા ચહેરાના હાવભાવ બદલાઈ જાય, પણ તમે તો ક્યારેય એ પણ નહોતું દેખાડ્યું. એક જ તમારો હેતુ હતો કે ખુશી સાથે રહો. એક વખત તમે કહ્યા હતા એ શબ્દો આજ સુધી યાદ રાખ્યા છે.

‘સિદ્ધાર્થ, રાત પડ્યે જો એમ થાય કે આજનો દિવસ યોગ્ય રીતે જિવાયો છે તો પછી આવક, જાહોજલાલી અને પ્રસિદ્ધિની ચિંતા કર્યા વિના શાંતિથી સૂઈ જવું. કારણ કે ઍટ ધ એન્ડ ઑફ ડે, યોગ્ય રીતે જીવન જિવાય એ જ મહત્વનું હોય છે.’

જે સમયે પપ્પાના શબ્દોનો ઉપયોગ કરવાનો દિવસ આવી જાય એ સમયે સમજી જવું કે તમારો દીકરો મોટો થઈ ગયો છે. જે સમયે પપ્પાની કરકસરની વાતોનો અર્થ સમજાવા માંડે એ સમયે સમજી લેવું કે નવી જનરેશન હવે આગળ વધવા માંડી છે. આજે તમારા બધા શબ્દો સાચા લાગે છે એવું કહેવાને બદલે કહીશ કે આજે જ્યારે પણ હું અને ઈશાન સાથે હોઈએ ત્યારે મારામાં ક્યાંક અને ક્યાંક તમે જન્મી જતા હો છો. ઈશાનની કોઈ વાત ન સમજાય કે કોઈ વાત યોગ્ય ન લાગે તો મને તરત જ પેલો દિવસ યાદ આવી જાય, જે દિવસ મેં ઘરે આવીને આર્કિટેક્ચર છોડવાની વાત તમારી સામે મૂકી હતી.

પાંચ વર્ષનું એજ્યુકેશન અને એ પછી શાંતિ સાથે મોટી ઇન્કમની મસ્તમજાની લાઇફ. બધું બરાબર ચાલતું હતું અને મેં આવીને કહી દીધું હતું કે પપ્પા, મને આર્ટ્સમાં જવું છે. તમે કોઈ જાતનો વિરોધ નોંધાવ્યા વિના જ જયહિંદ કૉલેજના પ્રિન્સિપાલને ફોન કર્યો અને ઍડમિશનની વાત કરી લીધી. ફોન પૂરો થયો પછી તમે ધીમેકથી કહ્યું હતું: ‘એમાં તો મજા આવશેને?’

મેં મસ્તક હલાવીને હા પાડી એટલે તમે કહ્યું: ‘બસ, આપણને એ જ જોઈએ છે.’

ઈશાન પણ જ્યારે મારા વિચારોની બહારની કોઈ વાત લઈને આવે, જેમાં દેખીતી રીતે જ સાહસ હોય ત્યારે મારી આંખો સામે તમે જ આવી જાવ છો અને કાનમાં તમારા શબ્દો પ્રસરી જાય છે. આંખ સામે તમે અને કાનમાં તમારા શબ્દો પછી મારા મોઢેથી પણ એવી જ વાત થઈ જાય છે.

‘એમાં તને મજા આવે તો બસ, આપણે એ જ કરીએ...’

તમારા માટે ક્યારેય કોઈ ફરિયાદ રહી નહોતી, એક અંતિમ સમયને છોડીને, કારણ કે અંતિમ સમયમાં મારે સાથે રહેવું હતું, વધારેમાં વધારે સાથે રહેવું હતું. તમે એ તક આપી, પણ તમારો અંતિમ સમય ઝડપી હતો એટલે મનમાં ચાલતા વિચારો શબ્દો બનીને તમારી સામે રજૂ થાય એ પહેલાં જ તમે એક્ઝિટ લઈ લીધી. એક્ઝિટ લીધી ત્યારે તમે મને બે વારસા આપતા ગયા. એક તમારા જેવી સાહિત્ય સૂઝ અને બીજો વારસો, ટાલ. ટાલ પર જ્યારે પણ હાથ ફેરવું ત્યારે મને તમે યાદ આવો. લોકોના વાળ ખરવા માંડે કે ઊતરવા માંડે ત્યારે તેને દુ:ખ થાય. ઍક્ટિંગના ફીલ્ડમાં તો ખાસ, કારણ કે હીરો બનવાના બધા ઓરતા અધૂરા રહી જાય કે પછી કાયમ માટે પૂરા થઈ જાય, પણ મને એવું નહોતું થયું. મારા વાળ ખરવાના શરૂ થયા ત્યારે મને આનંદ થયો હતો. આજે પણ જ્યારે મને જૂના સમયના કોઈ મળી જાય અને કહે કે તું તો ડિટ્ટો મધુકરભાઈ જેવો લાગે છે ત્યારે, ત્યારે પપ્પા મજા આવી જાય છે અને એ મજા કેવી હોય છે એ ઈશાન જ અનુભવી શકતો હશે, કારણ કે એ દિવસ હું બિલકુલ તમારા જેવો થઈ જાઉં છું. કોઈ રોકટોક નહીં, કોઈ કચકચ નહીં, કોઈ જાતનું ડહાપણ નહીં. બસ, દીકરાને જેમ જીવવું હોય એમ જીવવા દેવાનો.

આ પણ વાંચો : પ્રિય પપ્પા - શાહબુદ્દીન રાઠોડ

એ તક તમે મને આપી છે અને એ તકોના અનુભવ પછી જ કહું છું કે પપ્પા, તમે મારા માત્ર પપ્પા જ નહીં, પણ તમે મારા પહેલાં કમ્પેનિયન પણ હતા.

આઇ મિસ યુ.

ખાસ કરીને ત્યારે, જ્યારે જ્યારે ઈશાન સાથે હોઉં છું.

તમારો સિધુ

પપ્પા વિશે થોડું

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના ખ્યાતનામ ઍક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયાના પપ્પા મધુકર રાંદેરિયા પોતે પણ જાણીતા નાટ્યલેખક અને વિવેચક હતા. જૂની રંગભૂમિમાંથી નવી રંગભૂમિ બનાવવાનો પ્રયાસ કરનારા કેટલાક રંગકર્મીઓમાં મધુકરભાઈનો પણ સમાવેશ થાય છે. મુંબઈની કૉલેજમાં પ્રોફેસરી કરી ચૂકેલા મધુકરભાઈએ લખેલાં અનેક નાટકો ગુજરાતી રંગભૂમિમાં લૅન્ડમાર્ક પુરવાર થઈ ચૂક્યા છે. મધુકરભાઈના અવસાનને લગભગ અઢી દશકા થઈ ગયા છે.

siddharth randeria columnists weekend guide fathers day