પરિવારનું સુખ (લાઇફ કા ફન્ડા)

26 February, 2021 11:45 AM IST  |  Mumbai | Heta Bhusha

પરિવારનું સુખ (લાઇફ કા ફન્ડા)

પરિવારનું સુખ (લાઇફ કા ફન્ડા)

એક બહુ જૂની લોકકથા છે. એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. માતા–પિતા મૃત્યુ પામ્યાં હતાં. મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતા અને એક દીકરો હતો. નાનો ભાઈ હજી અપરિણીત હતો. માતા-પિતાએ મૃત્યુ પહેલાં જ બે ભાઈઓ માટે બાજુ-બાજુમાં બે નાનાં ઘર બનાવ્યાં હતાં અને સમજાવ્યું હતું કે પોતાના પરિવાર સાથે આ ઘરમાં રહેજો. સાથે મળી ખેતી કરજો અને જે પાક થાય તે અડધો-અડધો વહેંચી લેજો.
બન્ને ભાઈઓએ સાથે મળી બહુ મહેનત કરી ખેતી કરી અને હવે પાક ઊગીને તૈયાર થઈ ગયો હતો. પાકની કાપણી કરવાનું નક્કી કર્યું. વહેલી સવારથી બન્ને ભાઈઓએ આખો દિવસ કામ કર્યું, સારો પાક થયો હતો. પાકના બે સરખા ભાગ કર્યા. કામ કરી થાકીને ચૂર થઈ ગયા હતા. રાત પણ પડવા આવી હતી. બન્ને જણે નક્કી કર્યું કે આજની રાત અહીં ખેતરમાં જ રહીને પાકની રખેવાળી કરવી. સવારે મજૂર કરી ઘરે લઈ જશું. બન્ને ભાઈઓએ પાકના બે સરખા ભાગ કર્યા અને રખેવાળી કરવા લાગ્યા.
મોટો ભાઈ ઘરે જમવા ગયો ત્યારે ખેતરમાં રહેલા નાના ભાઈએ વિચાર્યું, ‘મોટા ભાઈ પર પત્ની અને દીકરાની જવાબદારી છે, હું તો સાવ એકલો છું, મારા કરતાં મોટા ભાઈને અનાજની વધારે જરૂર પડશે એટલે તેણે પોતાના ભાગમાંથી થોડું અનાજ મોટા ભાઈના ભાગના ઢગલામાં મૂકી દીધું. મોટો ભાઈ આવ્યો. નાના ભાઈનું જમવાનું લેતો આવ્યો અને નાના ભાઈને કહ્યું, ‘તું જમીને સૂઈ જા, હું રખેવાળી કરું છું. બે કલાક પછી તને જગાડીશ.’ નાનો ભાઈ જમીને ખાટલો ઢાળીને સૂઈ ગયો. રખેવાળી કરતાં મોટા ભાઈને વિચાર આવ્યો, ‘મારું ધ્યાન રાખવા પત્ની છે, દીકરો છે, મારા ભાઈનું કોઈ નથી. લાવ તેને થોડું વધારે અનાજ આપી દઉં અને આમ વિચારી મોટા ભાઈએ પોતાના ઢગલામાંથી થોડું અનાજ નાના ભાઈના ઢગલામાં મૂકી દીધું.
આમ બન્ને અનાજના ઢગલા તો પ્રમાણસર બરાબર હતા પણ બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ અમાપ હતો અને સંપ મજબૂત હતો. આ નાનકડી લોકકથા આપણને પરિવારનું સુખ કઈ રીતે વધે અને જળવાઈ રહે તેનું સચોટ સત્ય સમજાવે છે કે જો પરિવારમાં બધા સભ્યો પોતાની જવાબદારી સમજે, હળીમળીને સંપથી રહે અને પોતાના પહેલાં બીજાની ચિંતા વધારે કરે તો તેમની વચ્ચે પ્રેમ મજબૂત થાય છે અને જે પરિવારમાં પ્રેમની દોર મજબૂત હોય છે તે ઘરમાં સંપ અને શાંતિ બની રહે છે. કોઈ દિવસ વાદવિવાદ થતો નથી. પરસ્પર સાચા પ્રેમ અને સ્નેહમાં જ પરિવારનું સુખ છે.

heta bhushan columnists