કચ્છી નવા વર્ષ સાથે જોડાયેલાં તથ્યો ને બનાવો

23 June, 2020 01:03 PM IST  |  Mumbai | Mavji Maheshwari

કચ્છી નવા વર્ષ સાથે જોડાયેલાં તથ્યો ને બનાવો

આજે પ્રસાર માધ્યમોનું આધુનિક વિજ્ઞાન ચરમ પર છે. જગતના ખૂણામાં બનતા બનાવોની જાણ એક જ દિવસમાં તરત થઈ જાય છે. આ ઝડપી પ્રસાર માધ્યમો થકી જ ભારત અને ભારત બહાર પણ ખબર છે કે અષાઢી બીજ કચ્છી નવા વર્ષનો પહેલો દિવસ છે. જોકે હકીકત એ પણ છે કે આઝાદી બાદ કચ્છી નવું વર્ષ ઊજવવાનો કોઈ સમૂહ પ્રયાસ થયો ન હતો, પરંતુ ૨૦૦૬ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ‘અષાઢી બીજ અસાંજી બીજ, હલો કચ્છી કચ્છ મેં’ સૂત્ર આપી બૃહદ કચ્છીઓને નવા વર્ષની ઉજવણીમાં જોડ્યા હતા. અષાઢી બીજના સંદર્ભે એ મહત્ત્વનો પ્રસંગ હતો. જેમ કચ્છી નવું વર્ષ સ્વતંત્ર છે એમ કચ્છનાં સ્વતંત્ર પંચાંગ પણ બહાર પડે છે.

આમ તો અષાઢી બીજનો દિવસ ભારતમાં પુરીની ભગવાન જગન્નાથની રથયાત્રા માટે જાણીતો દિવસ છે. એવી જ રીતે ગુજરાતના અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. એટલે અષાઢી બીજ સામાન્ય રીતે રથયાત્રાના દિવસ તરીકે ઓળખાય છે, પરંતુ હવેના તરુણોને પણ ખબર છે કે અષાઢી બીજના દિવસે કચ્છી નવું વર્ષ શરૂ થાય છે. જોકે કચ્છી વર્ષના પોતાના સ્વતંત્ર મહિનાઓ નથી. કચ્છના મહિનાઓ વિક્રમ સંવત મુજબ જ ગણાય છે. કચ્છીભાષામાં માગશર મહિનાનું નામ જુદું છે. એ શેના પરથી આવ્યું એ એક સંશોધનનો વિષય છે. કચ્છીમાં ૧૨ મહિનાનાં નામો આ મુજબ બોલાય છે. કતી, નારી, પો, મા, ફગણ, ચેતર, વૈસાક, જેઠ, આસાટ, સરાણ, ભધ્રો અને અસુ. કચ્છના નવા વર્ષના સંદર્ભમાં એક મહત્ત્વની બાબત એ પણ છે કે કચ્છમાં સ્વતંત્ર કચ્છી પંચાંગ પ્રકાશિત થાય છે. મુંબઈથી પંડિત ગૌતમ જોશી હજીય કચ્છી પંચાંગ બહાર પાડે છે, જ્યારે ભુજથી ગુલાબશંકર શાસ્ત્રી, હરેકૃષ્ણ ખીંયરા અને નિરંજન જોષી ધરાદેવ કચ્છી પંચાંગ બહાર પાડતાં, જે હવે બંધ થઈ ગયાં છે. કચ્છી પંચાંગની વિશેષતા એ છે કે એ પંચાંગમાં ભારતના પ્રમાણ સમય ઉપરાંત કચ્છના સ્થાનિક સમયની નોંધ રહે છે. પંચાંગ અતિસૂક્ષ્મ ગણતરીનો વિષય છે. એટલે કચ્છનું સ્વતંત્ર પંચાંગ બનાવવાનો ચોક્કસ હેતુ હશે, કારણ કે રેખાંશની દષ્ટિએ કચ્છ ભારતના છેડે આવેલું છે. કચ્છી સ્વતંત્ર નવું વર્ષ અને સ્વતંત્ર પંચાંગ દર્શાવે છે કે કોઈ સમયે કચ્છ વર્તમાન ગુજરાત સાથે જમીનથી જોડાયેલું હતું, પરંતુ સાંસ્કૃતિક રીતે કદાચ સઘન રીતે જોડાયેલું નહીં હોય.

કચ્છી નવું વર્ષ ક્યારે શરૂ થયું, કોણે શરૂ કર્યું એ વિશે જુદી-જુદી કથાઓ કચ્છના ઇતિહાસના કચ્છના રાજવી જામ લાખા ફુલાણી સાથે જોડાયેલી છે. એક કથા આમ છે કે વિક્રમ સંવત ૯૦૦ની આજુબાજુ વિકિયો સંઘાર અને કુડધર રબારી નામના બે માલધારી પોતાનાં ઢોર ચારી રહ્યાં હતાં ત્યારે તેમને નારીના રુદનનો અવાજ સંભળાયો. બેઉં અવાજની દિશામાં ગયા તો અકલ્પનીય રૂપ ધરાવતી એક યુવતી રડી રહી હતી. બેઉં જણાએ તેને નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ સોનલ હોવાનું જણાવ્યું. તે યુવતીને કુડધર રબારીએ પોતાની પાલક પુત્રી તરીકે રાખી લીધી. સોનલ કુડધરના પરિવાર સાથે રહીને માલધારી જ બની ગઈ. એક દિવસ તેણે રસ્તા વચ્ચે અલમસ્ત બે પાડાને લડતા જોયા. તેણે એ બેઉં પાડાને લડતા અટકાવ્યા એ દશ્ય બેલાડીગઢના રાજા જામ ફુલે જોયું. તેને થયું આવી હિંમતવાન સ્ત્રીના પેટે બાળક જન્મે તે કેટલું સામર્થ્યવાન થાય! તેણે કુડધર રબારી પાસે તેની કન્યાની માગણી કરી અને જામ ફુલ અને સોનલનાં લગ્ન થયાં. એ બન્નેનો એક પુત્ર થયો તે જામ લાખો. જે લાખા ફુલાણી તરીકે ઇતિહાસમાં જાણીતો છે. રણવાસના આંતરિક ખટરાગને કારણે લાખાને દેશવટો દેવાયો એ પછી બેલાડીગઢની પડતી શરૂ થઈ. ભયંકર દુષ્કાળ પડ્યા. આ સાંભળી લોકો જામ લાખાને પાછો બોલાવવાનું કહેવા લાગ્યા.  જામ લાખાને હકીકતની જાણ થઈ અને તે પરત ફર્યો. જામ લાખો બેલાડીગઢ આવ્યો ત્યારે અષાઢનો પહેલો દિવસ હતો અને એ દિવસે જ મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. લાખા જામના આગમનથી કચ્છમાં શ્રીકાર વરસાદ પડ્યો એથી માલધારીઓએ મેઘના અવતાર સમા લાખા જામને મુખી બનાવ્યો. એના બીજા દિવસથી નવું વર્ષ ગણવાની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. લાખો જામ ફુલનો પુત્ર હોવાથી લાખો ફુલાણી તરીકે ઓળખાય છે. જોકે કચ્છના બ્રિટિશકાળના પૉલિટિકલ એજન્ટ કર્નલ એબડ એવું નોંધે છે કે સોનલ નામની તે સુંદર સ્ત્રી એક યુરોપિયન યુવતી હતી, પણ એવું માની લેવાનાં કારણોમાં ભાષા બાધારૂપ શા માટે ન બની એ પ્રશ્ન છે.

બીજી કથા પણ લાખા ફુલાણી સાથે જોડાયેલી છે. કેરા કોટને પોતાની રાજધાની બનાવનાર લાખો ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતો. એક દિવસ તેને વિચાર આવ્યો કે આ ધરતીનો છેડો ક્યાં હશે? તેણે આવા વિચારને અમલમાં મૂક્યો અને તે નીકળી પડ્યો જમીનનો છેડો શોધવા. મહિનાઓની રઝળપાટ પછી નિરાશ થઈને તે પાછો આવ્યો. તે પાછો આવ્યો ત્યારે ચોમાસું બેસી ગયું હતું. વરસાદ પડી ગયો હતો. વનશ્રી ફાલીફૂલી હતી. તળાવડીઓ પાણીથી ભરેલી હતી. પોતાની માભોમને લીલીછમ્મ જોઈ પ્રકૃતિપ્રેમી લાખા ફુલાણીને બહુ જ આનંદ થયો. તે કેરા કોટ પહોંચ્યો ત્યારે અષાઢી બીજનો દિવસ હતો. જામ લાખા ફુલાણીએ એ દિવસે નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડ્યું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું એવું ઇતિહાસકારોએ નોંધ્યું છે.

આમ તો કચ્‍છ રાજ્‍યની સ્‍થાપના ખેંગારજી પહેલાએ સંવત ૧૬૦૫માં માગસર સુદ પાંચમના રોજ કરી હતી, પરંતુ કચ્‍છી નવું વર્ષ અષાઢી બીજથી ગણવાનું અને એની ઉજવણી કરવાનું જાડેજા શાસનકાળમાં યથાવત્ રહ્યું હતું. કચ્છનાં મહત્ત્વનાં શહેરો માંડવી, મુંદ્રા, ભુજ, અંજાર તેમ જ અન્ય વિસ્તારોમાં અષાઢી બીજની ઉજવણી નવા વર્ષની રીતે જ થતી હતી. લોકો એ દિવસે એકબીજાના ઘેર જઈને નવા વર્ષની શુભેચ્છા આપતા હતા. કારીગરો અને કસબીઓ પોતાનાં ઓજારોની પૂજા કરતા. કચ્છની દરિયાખેડૂ પ્રજા એ દિવસે દરિયાદેવની પૂજા કરતી. દરિયામાર્ગે વેપાર કરતી પેઢીઓ વહાણોની પૂજા કરાવતી. નાની ઉંમરના લોકો મોટેરાને પગે લાગવા જતા. શ્રેષ્ઠીઓ, વહીવટદારો, વેપારીઓ એ દિવસે પોતાના રાજાને વંદન કરવા જતા અને કીમતી ભેટો ધરતા. કચ્છમાં એ સમયે દેશી કેરી થતી. એ દિવસે બાળકોને કેરી વહેંચવાની પ્રથા પણ હતી. એવું કહેવાય છે કે કચ્છમાં નાગર જ્ઞાતિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બેઉં બાજુ સિંહ અને હાથીનાં ચિત્રો અષાઢી બીજને દિવસે ફરીથી દોરાવતાં. એ દિવસે સાંજે લાપસી રાંધવાની પ્રથા હતી. જોકે ક્રમે-ક્રમે દિવાળીનું મહત્ત્વ વધવા લાગ્યું, નવા વર્ષ તરીકે કારતક સુદ એકમ સ્થાપિત થતી ગઈ, સાથે અષાઢી બીજની મહત્તાને પણ ઘસારો લાગ્યો.

અહીં લાખા ફુલાણીની કથાઓ વરસાદ સાથે જોડાયેલી છે. એ રીતે જોઈએ તો કચ્છમાં પહેલો વરસાદ એક ઉત્સવ છે. લોકો જેઠમાં વરસાદની આશા ન રાખે, પણ અષાઢી બીજ કોરી જાય તો થોડા નિરાશ થઈ જાય. કચ્છના વરસાદને વ્યંગમાં ‘મંઢો મીં’ (લંગડો વરસાદ) કહે છે. કેરલાથી શરૂ થયેલું ચોમાસું કચ્છમાં પહોંચે ત્યારે મોડું થઈ ગયું હોય એટલે લંગડાતો વરસાદ કહે છે. એટલે અષાઢી બીજના દિવસે જો છાંટા પણ પડે તો એ શુકનવંતા ગણાય છે. નખત્રાણા તાલુકાના વિથોણ ગામના કડવા પાટીદાર જ્ઞાતિમાં આ દિવસે અનોખો જળોત્સવ ઊજવાય છે. એ સમાજની વહુવારુઓ અને દીકરીઓ માથે બેડું મૂકી સમૂહમાં જઈને જળાશયોમાંથી પાણી ભરી લાવે. ગામના એ જ્ઞાતિના તેમના જેઠ, સસરા એક ચોક્કસ જગ્યાએ ભેગા બેસી જાય. તે સ્ત્રીઓ પોતાના વડીલો પર પાણીનું બેડું ઠાલવે. આ એક અનોખો જળોત્સવ છે. માન્યતા એવી હોઈ શકે કે આ વરસાદના દેવતાને રીઝવવાની એક પ્રાર્થના છે અને સાથે-સાથે એક વિશુદ્ધ પારિવારિક આનંદ પણ છે. આમ સમગ્રતયા જોઈએ તો આ તહેવાર સાથે વરસાદ જોડાયેલો છે એમાં કોઈ શંકા નથી.

kutch saurashtra columnists mavji maheshwari