જીવનનું સત્ય (લાઇફ કા ફન્ડા)

17 July, 2020 07:03 AM IST  |  Mumbai | Heta Bhushan

જીવનનું સત્ય (લાઇફ કા ફન્ડા)

મિડ-ડે લોગો

ગુરુજી આશ્રમમાં અભ્યાસ પૂરો કરી જનારા શિષ્યોને છેલ્લો ઉપદેશ આપી રહ્યા હતા. ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, મેં તમને મારી પાસે હતી એ બધી જ વિદ્યા તમારી પાત્રતા અનુસાર આપી છે અને તમે તમારી પાત્રતા અનુસાર ગ્રહણ કરી છે. આવતી કાલથી તમે આશ્રમની બહાર પગ મૂકશો અને મેં આપેલી વિદ્યાનો ઉપયોગ કરી નવું જીવન એવી રીતે સજાવજો કે એમાં તમારું, તમારા પરિવારનું, તમારા ગામનું, તમારા સમાજનું બધાનું ભલું થાય. બધાને ઉપયોગી થજો અને કોઈનો બિનજરૂરી ઉપયોગ કરી, સ્વાર્થી બની મારું નામ અને વિદ્યાને લજવતા નહીં. મારા આશિષ હંમેશાં તમારી સાથે રહેશે.’

એક શિષ્ય ઊભો થયો અને બોલ્યો,
‘ગુરુજી, અમે તમને વચન આપીએ છીએ કે તમને અમારી પર ગર્વ થાય એવું જીવન જીવશું. આપ અમને સમજાવો કે જીવનને આનંદથી કઈ રીતે જીવી શકાય? સુખ કયાં અને કઈ રીતે મળે.’
ગુરુજી બોલ્યા, ‘મારા મતે જીવનને આનંદથી જીવવાના બે રસ્તા છે. પહેલો રસ્તો છે કે તમને જે જોઈતું હોય, તમને જે ગમતું હોય એ મેળવા માટે મહેનત કરો અને ગમતું મેળવી લો તો જીવન આનંદ જ આનંદ છે અને બીજો રસ્તો છે કે જે મળ્યું હોય એને સ્વીકારીને પસંદ કરી લો. જે પાસે હોય તેને જ ગમાડી લો તો જીવન આનંદ જ આનંદ છે. એક તમે જીવનમાં દિન-રાત સખત મહેનત કરી મનવાંછિત મેળવવા મંડી પાડો અને મેળવીને જ જંપો અથવા બીજું જે છે એનો મનથી સ્વીકાર કરી લો. આ બન્ને રસ્તા સુખ તરફ લઈ જાય છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયાં રસ્તે ચાલવું છે. બન્ને રસ્તામાંથી એક પણ રસ્તો અઘરો નથી અને એક પણ રસ્તો સહેલો પણ નથી અને ત્રીજો કોઈ રસ્તો પણ નથી. યાદ રાખજો કે જો તમે તમારી પાસે જે છે એને પસંદ નહીં કરો તો દુઃખ થશે અને જે ગમે છે, જે મેળવવું છે એ મેળવવા માટે મહેનત નહીં કરો તો પણ જીવનમાં દુઃખ જ દુઃખ છે. જીવનમાં સાચા સુખનો અનુભવ કરવા બન્ને રસ્તાને અલગ ન સમજતાં એ જ્યાં મળે છે એ બિન્દુએ પહોંચો. સૌથી પહેલાં તમારી પાસે આજે અત્યારે, વર્તમાનમાં જે છે એનો દિલથી સ્વીકાર કરો, પ્રેમ કરો, આજની ઘડી સુખમય બની જશે અને હવે આગળ તમને વધુ સુખ મેળવવા શું જોઈએ છે એ નક્કી કરો અને એ મેળવવા મહેનત શરૂ કરી દો. મનગમતું મહેનતથી મેળવશો તો અનેકગણો આનંદ મળશે, પણ કદાચ પૂરેપૂરી મહેનત કર્યા બાદ પણ મનગમતું ન મળે તો એટલું યાદ રાખજો કે જે થાય છે એ પ્રભુઇચ્છા છે અને સારા માટે જ થાય છે. નિરાશ થયા વિના પ્રયત્નો ચાલુ જ રાખજો. જીવનની સફરમાં મહેનતની તૈયારી અને સંતોષસભર સ્વીકાર હશે તો સુખ કોઈક વળાંકે અચૂક મળશે.’
ગુરુજીએ જીવનનું સત્ય સમજાવ્યું.

heta bhushan columnists