મારી અંદર પ્રવેશી રહેલી તું, એક ધારદાર છરી છે

29 December, 2024 07:35 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

લખાયેલાં ચુંબનો એના નિર્ધારિત મુકામ સુધી નથી પહોંચતાં, ફક્ત ‘કરાયેલાં’ ચુંબનો જ પ્રેમને આગળ વધારે છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

‘મારી અંદર પ્રવેશી રહેલી તું, એક ધારદાર છરી છે, જે મને લોહીલુહાણ કરે છે. એ જ ઘટનાને હું પ્રેમ કહું છું.’

Wow. સો રોમૅન્ટિક! પ્રાગમાં જન્મેલા ટૂંકી વાર્તાઓના લેખક અને નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કાએ પોતાની રહસ્યમય પ્રેમિકા મિલેનાને આ લાઇન એક પ્રેમપત્રમાં લખેલી. ફ્રાન્ઝ કાફ્કા જેવા મહાન વિશ્વ-સાહિત્યકારે કરેલી પ્રેમની ઝનૂની અભિવ્યક્તિઓ આપણને આ પત્રો તરફ ખેંચી જાય છે. આવા જ એક અન્ય પ્રેમપત્રમાં કાફ્કાએ લખ્યું છે કે ‘લખાયેલાં ચુંબનો એના નિર્ધારિત મુકામ સુધી નથી પહોંચતા.’ એનો અર્થ એમ છે કે ઇમોજી સ્વરૂપે કે કાગળ પર મોકલાયેલી Kisses નિરર્થક છે. ફક્ત ‘કરાયેલાં’ ચુંબનો જ પ્રેમને આગળ વધારે છે.

ફ્રાન્ઝ કાફ્કા અને મિલેના જેસેન્સ્કા વચ્ચેનો લવ—અફેર ૧૯૨૦માં પત્રોના માધ્યમથી શરૂ થયેલો. એ સમયે કાફ્કા એક પ્રસ્થાપિત, સર્વસ્વીકૃત અને ખ્યાતનામ સાહિત્યકાર બની ગયેલા અને મિલેના સંઘર્ષ કરી રહેલાં ફક્ત ૨૩ વર્ષના એક નવોદિત લેખિકા. ટ્રાન્સલેટર તરીકે વિએનામાં કામ કરી રહેલાં મિલેના એ સમયે એક એવા લગ્નજીવનમાં ફસાયેલાં જે ધીમે-ધીમે તૂટી રહ્યું હતું. એ જ સમયે તેમના બ્લૅક ઍન્ડ વાઇટ, ડલ અને બોરિંગ જીવનમાં કાફ્કા પ્રવેશ્યા જેમણે પોતાનાં લખાણ, વાર્તા અને વિચારો દ્વારા મિલેનાની સૃષ્ટિનું નવેસરથી રંગરોગાન કરાવી આપ્યું. કાફ્કાની લેખનશૈલી, શબ્દો અને વિચારોએ મિલેના પર એવો જાદુ કર્યો કે અચાનક તેઓ પોતાની જિંદગીને પૂરી તીવ્રતા અને સમગ્રતાથી ચાહવા લાગ્યા. તેમને એવા રંગો દેખાવા લાગ્યા, જે રંગો આજ પહેલાં ક્યારેય તેમણે જોયા જ નહોતા. માત્ર કોઈના દૃષ્ટિકોણથી, મિલેનાની આખી સૃષ્ટિ સજીવન અને જીવંત થઈ ઊઠી. એ જ તો પ્રેમ છે! બન્ને વચ્ચે ધીમે-ધીમે પત્રવ્યવહાર વધતો ગયો. નિકટતા કેળવાતી ગઈ. પ્રાગમાં રહેતા કાફ્કા અને વિએનામાં રહેતી મિલેના વચ્ચે એક વિશાળ મહાસાગર જેટલું લાંબું ભૌગોલિક અંતર હોવા છતાં પણ સમયની સાથે તેમનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. તેમનો સંબંધ તીવ્ર અને આત્મીય બનતો ગયો.

આ પત્રવ્યવહારની શરૂઆત ત્યારે થયેલી, જ્યારે કાફ્કાની એક ટૂંકી વાર્તા ‘The Stoker’નો જર્મનમાંથી ચેક ભાષામાં અનુવાદ કરવા માટેની મંજૂરી માગતો એક પત્ર મિલેનાએ કાફ્કાને લખ્યો. વળતા પત્રમાં કાફ્કાએ સુંદર જવાબ લખ્યો. સાવ સાદી અરજીથી બન્ને વચ્ચે શરૂ થયેલી વાતચીત, બહુ જ ટૂંકા સમયમાં અત્યંત પ્રગાઢ અને પ્રેમસભર પત્રવ્યવહારમાં પરિણમી માર્ચથી ડિસેમ્બર ૧૯૨૦ની વચ્ચે કાફ્કાકાએ મિલેનાને અઢળક એવા પત્રો લખ્યા જેમાં પ્રેમની ઊંડાઈ અને પ્રેમીની ઊંચાઈ બન્ને જોઈ શકાય છે.

કાફકાના જીવનમાં એ એક એવો સમયગાળો હતો જ્યારે તેઓ સંપૂર્ણ સમર્પિત અને ફુલટાઇમ પ્રેમી બની ગયેલા. તેઓ મિલેનાને દરરોજ પત્રો લખતા. ક્યારેક તો એક જ દિવસમાં અનેક પત્રો લખતા. એક પત્રમાં તેમણે લખ્યું છે, ‘તું પણ મને દરરોજ પત્ર લખતી જા. ભલે ટૂંકો, બે વાક્યનો કે એક જ શબ્દનો, પણ પત્ર દરરોજ લખતી જા. પત્ર લખવાની આળસ આવે તો ‘આળસ આવે છે’ એટલું લખીને પોસ્ટ કરી દેજે પણ તારા પત્રો વગર પસાર થતા દિવસો મને બહુ આકરા લાગે છે.’

૨૩ વર્ષની એક પરિણીત યુવતી અને ૩૮ વર્ષના એક અપરિણીત યુવક વચ્ચેના આ ઍક્સ્ટ્રા-મૅરિટલ લવ—અફેર વિશે સંપૂર્ણ સભાન રહેલા કાફ્કાએ શરૂઆતમાં જ મિલેનાને ચેતવેલી કે ‘તું મારા પ્રેમમાં નહીં, એક એવી ઊંડી ખીણમાં પડી રહી છે જેમાંથી બહાર નહીં નીકળી શકે.’ પણ મિલેનાને ખીણમાં પડવું મંજૂર હતું. વાસ્તવિક જીવનમાં તેઓ બન્ને ફક્ત બે જ વાર રૂબરૂ મળ્યાં. ૧૯૨૦ના જૂનમાં ચાર દિવસ તેઓ વિએનામાં સાથે રહ્યાં અને ત્યાર બાદ ઑગસ્ટ મહિનામાં એક ટૂંકી મુલાકાત ઑસ્ટ્રિયન-ચેક બૉર્ડર પર.

એક સુંદર લૉન્ગ-ડિસ્ટન્સ રોમૅન્ટિક રિલેશનશિપનો અણધાર્યો અને દુર્ભાગ્યપૂર્ણ અંત આવવાનાં અનેક કારણો હતાં. તેમની વચ્ચે રહેલું ભૌગોલિક અંતર, ધીમે-ધીમે બગડી રહેલી કાફ્કાની તબિયત અને પતિને ન છોડી શકવાની મિલેનાની મજબૂરી. છેવટે કાફ્કાએ જ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. એક અમર પ્રેમકથા રચાતાં પહેલાં જ ભૂંસાઈ ગઈ. બ્રેકઅપનાં બે-ત્રણ વર્ષ પછી કાફ્કાનું અકાળે અવસાન થયું. વીસ વર્ષ પછી એક કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બીમાર અને એકલતાની હાલતમાં મિલેનાએ દેહ છોડ્યો. બહુ જ ટૂંકા સમય માટે એકબીજાંની નજીક આવેલાં પંખીઓ માળો બાંધતાં પહેલાં જ પોતપોતાના આકાશમાં ઊડી ગયાં. એ પ્રેમકથા અમર ભલે ન હોય, પણ યાદગાર જરૂર રહેશે કારણ કે એ પત્રોમાં કાફ્કાએ પોતાની જાત નિચોવીને મૂકી દીધી છે. એ પ્રેમપત્રો કાફ્કાના પ્રેમ અને સાહિત્યિક જિનીયસનાં પ્રમાણપત્રો છે. છે. આ પત્રો પુસ્તકરૂપે ઉપલબ્ધ છે, જેનું નામ છે ‘લેટર્સ ટુ મિલેના’.

એમાંના એક પત્રમાં રહેલી કાફ્કાની ચમત્કૃતિનો અંશ તમારી સામે પ્રસ્તુત કરું છું. એક પત્રના અંતમાં લિખિતંગ પછી પોતાનું નામ લખવાને બદલે કાફ્કાએ ફક્ત ‘Yours’ (તારો) લખ્યું છે. એમાં એક બ્રૅકેટ બનાવીને કાફ્કાએ લખ્યું છે : ‘તારા પ્રેમમાં હું મારું નામ અને ઓળખ બન્ને ગુમાવી ચૂક્યો છું. એટલે ફક્ત તારો.’ પ્રેમની સાથે ભેટમાં મળતી અસંખ્ય યાતનાએ કાફ્કાની વાતને સાચી પુરવાર કરી. ‘મારી અંદર પ્રવેશી રહેલી તું, એક ધારદાર છરી છે.’

relationships columnists gujarati mid-day mumbai sunday mid-day