લાગણી કેદ છે, મંદિર બંધ છે અને પ્રિયજનની આંખમાં ઝાંકવાનું પણ બંધ છે.

12 May, 2020 01:16 PM IST  |  Mumbai | Pravin Solanki

લાગણી કેદ છે, મંદિર બંધ છે અને પ્રિયજનની આંખમાં ઝાંકવાનું પણ બંધ છે.

પ્રતીકાત્મક તસવીર

કમ્બખ્ત આવો રોમૅન્ટિક શેર વાંચ્યા પછી પણ આજે રૂંવાડાં ઊભાં થતાં નથી. મુક્તિ‍ની મુદત લંબાઈ તો સહન થઈ શકે, આ તો જામીનની મુદત પણ લંબાતી જાય છે. લાગણી કેદ છે, મંદિર બંધ છે અને પ્રિયજનની આંખમાં ઝાંકવાનું પણ બંધ છે. સુલભ હતું એ બધું દુર્લભ બન્યું છે. આજે તો આપણે પોતે જ મોહમ્મદ ગઝની બનીને પોતાની જાતને લૂંટી રહ્યા છીએ.
બચપણમાં ‘હું રાજા હોઉં તો’ નામનો નિબંધ લખવાનો આવતો. આજે હું રાજા હોઉં તો કોરોના અને લૉકડાઉન એ બે શબ્દો બોલનાર, લખનાર, સાંભળનારને જન્મટીપની સજા ફરમાવું. આ બે શબ્દોથી એટલી હદે કંટાળી ગયો છું કે આ બે શબ્દો હવે સૂતેલા સાપ લાગે છે, આદમખોર જંગલી ભયાનક પ્રાણી લાગે છે અને આપણી જાત પામર, તુચ્છ જંતુ લાગે છે. આવી માનસિક સ્થિતિમાં રાચતો હતો ત્યાં જ ફોનની ઘંટડી રણકી. પત્રકાર હતો. પૂછ્યું, ‘સર, બે મિનિટ વાત કરી શકું?’ મેં કહ્યું, ‘બે મિનિટ શું કામ, બે કલાક કરને, પણ હું સાંભળીશ કે નહીં એની ગૅરન્ટી નથી આપતો.’ ઘડીભર તે થંભી ગયો, પછી બોલ્યો, ‘સર, તમે સાંભળવાના ન હો તો પછી વાત કોની સાથે કરું? શું કામ કરું? બિઝી હો તો અડધો કલાક પછી કરું?’ જો ભાઈ બિઝી અને ઈઝી શબ્દો બે મહિનાથી ભુલાઈ ગયા છે. લેઝી થઈ ગયો છું અને લેવાઈ ગયો છું. વાત કરવાની તો ઠીક, સાંભળવાની પણ ઇચ્છા નથી થતી.
‘તો હું ફોન મૂકું?’
‘ક્યાં મૂકીશ?’
‘એમ નહીં, કટ કરું?’
‘કરવત સાથે છે?’
‘શું થઈ ગયું છે સર તમને?’
‘એ શોધી કાઢવાનું કામ તારું છે, તું પત્રકાર છે.’
‘સાહેબ, એ મેં અત્યારે જ, તમારી સાથે વાત કર્યા પછી શોધી કાઢ્યું છે કે તમે અપસેટ છો.’
‘ના હું સેટ છું. બોલ, તારે શું પૂછવું છે?’
‘મારે એટલું જ પૂછવું છે સાહેબ કે લૉકડાઉનના આટલા દિવસ પછી તમને મનમાં કેવું લાગે છે?’
‘મન? કયું મન? કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. અત્યારે તો હું ગલીના નાકા સુધી પણ જઈ શકતો નથી.’
‘એ જ, એ જ... મારે તમારી વ્યથા જાણવી છે.’
‘મારી વ્યથા તમારે શું કામ જાણવી છે?’
‘મારે એટલે... લોકોને મારે જણાવવી છે. લોકોને મોટા માણસની વ્યથા જાણવાની જિજ્ઞાસા હોય છે.’
‘હું મોટો માણસ નથી, ખોટો માણસ છું અને મોટા માણસની વ્યથા ખોટી હોય છે અને ખોટા માણસની વ્યથા કોઈ સાચી માનતા નથી.’
‘સમજાણું નહીં. કંઈક ફોડ પાડીને સમજાવોને?’
‘અરે ભાઈ, તું કોઈ વાત સમજતો કેમ નથી?’
‘સાચા પત્રકારની આ જ ખૂબી છે. સમજતો હોવા છતાં ન સમજ્યાનો ઢોંગ કરે.’ હવે મારો પિત્તો ગયો. મેં જરા મોટે અવાજે પૂછ્યું, ‘તારું નામ શું છે?’ તણે કહ્યું, ‘નામને મૂકોને સર, કાલિદાસે કહ્યું છેને કે વૉટ ઇસ ધેર ઇન નેમ.’ મેં ત્રાડ પાડીને કહ્યું, ‘મહાશય, એ કાલિદાસે નહીં, શેક્સપિયરે કહ્યું છે.’ તો મારો બેટો જવાબ આપે કે કાલિદાસે કહ્યું હોઈ કે શેક્સપિયરે, વૉટ ઇસ ધેર ઇન નેમ?’ મારાથી રોષમાં બોલાઈ ગયું કે ‘તું કઈ જાતનો માણસ છે?’ તો મને કહે, ‘ગૂગળી બ્રાહ્મણ છું.’ જવાબ સાંભળીને મારું મગજ ફરી ગયું. નો’તી બોલવી છતાં એક ગાળ બોલાઈ ગઈ. તે પણ સમજી ગયો હોય એવું લાગ્યું. ‘સર, ગુસ્સામાં છો? કિચનમાં છો? દાળમાં વઘાર વધારે થવાથી વાઇફ પર વીફર્યા છો? તમે શાંત થઈ જાઓ. હું અડધા કલાક પછી ફરીથી ફોન કરીશ.’ હું એકદમ બોલ્યો કે ‘ના, હવેથી કોઈ દિવસ ફોન કરતો નહીં. તો તે વિવેકપૂર્વક બોલ્યો, ‘અચ્છા સર, કોઈ દિવસ નહીં કરું, બસ! અત્યારે મારા થોડા સવાલના જવાબ આપી દો. લૉકડાઉન પછી આપની લાગણીમાં શું પરિવર્તન આવ્યું?’ તે જલદીથી ટળે એ આશયથી મનમાં થયું કે લાવ થોડા જવાબ આપીને મુક્તિનો માર્ગ લઉં. મેં કહ્યું, ‘મારા ભાઈ, મારા બાપ, મારી લાગણીમાં નહીં, માગણીઓમાં પરિવર્તન આવ્યું છે. મારે પહેલાં જે જોઈતું નહોતું એ બધું જ હવે જોઈએ છે. ઑફિસ, કામ, પૈસા, આઝાદી, શાંતિ બધું જ.’
‘એટલે? ઘરમાં આઝાદી નથી? શાંતિ નથી?’
‘ના નથી. ઑફિસમાં હું જે કહું તે થતું હતું. ઘરમાં બધા કહે એમ મારે કરવું પડે છે. બહાર અનેક માણસો ‘સલામ’ કરતા હતા, ઘરમાં ગુલામ બની જવું પડ્યું છે. સાલું સમયસર ઊઠી જવાનું, નાહી લેવાનું, જમી લેવાનું, મારી પસંદગીની નહીં, બધાને જે પસંદ હોય એ જ સિરિયલ કે ફિલ્મ જોવાની, બધાને પસંદ હોય એ જ રસોઈ આરોગવાની, બધા હળદરવાળું દૂધ પીએ તો મારે પણ આંખ મીંચીને પીવાનું. એની જાતને, બધાની સરમુખત્યારી સહન કરીને મારે લોકશાહીના પાઠ શીખવાના. બાપ, હું તો જાણે ર.પા.નો આલાખાચર બની ગયો છું.’
‘આ ર.પા. કોણ? રખડુ પાગલ?’ મને ફોનમાં જ તેને એક લાફો મારવાનું મન થયું, પણ એ શક્ય ન હોવાથી ગુસ્સામાં ફોનને માર્યો, મારો હાથ સમસમી ગયો. મેં કહ્યું, ‘તને ર.પા. નથી ખબર? તને પત્રકાર કોણે બનાવ્યો?’ તેણે કહ્યું, ‘સર, કોઈએ નથી બનાવ્યો, મારી મેળે જ બની ગયો છું. રોજ ત્રણ વ્યક્તિના ઇન્ટરવ્યુ લઉં છું,’
‘એ બધા મૂર્ખાઓએ તને આપ્યા?’
‘કેમ સર, તમે આપી જ રહ્યા છોને!’ હું ગમ ખાઈ ગયો.
‘જવા દો સર, આ ર.પા. અને આલાખાચર કઈ બલા છે?’
‘ર.પા. એટલે ગુજરાતના ગૌરવ સમા કવિ, ગીતકાર રમેશ પારેખ.’
‘ક્યાં રહે છે તે?’
‘તારે તેમને મળવું છે?’ હું તું’કારા પર આવી ગયો.
‘હા, તમારા પછી હવે તેનો વારો, પણ એ છોડો. ર.પા.નો આલાખાચર કોણ છે? તેના કાકા, મામા?’
હું હવે તેની અક્કલના આર્કિટેક્ટને ઓળખી ગયો હતો એટલે ગુસ્સે થયા વગર જવાબ આપ્યો કે ‘મોટા ભાઈ, ‘આલાખાચર’ એ ર.પા.ની કવિતા છે. ખુવાર થઈ ગયેલા એક રજવાડાના બાપુના અહંની ગાથા છે. ગઢમાં ગાબડાં પડ્યાં છે, પણ મનમાં નહીં. અસ્સલ મારી જેમ, પણ એક દિવસ મારી જેમ જ આલાખાચર ચિત્કારી ઊઠે છે, ‘ગદ્યનું આ એકનું એક, એકનું એક ક્યાં સુધી?’
‘ગદ્યનું એકનું એક તો પદ્યનું જુદું હતું?’
સારું થયું એ ફોન પર હતો, નહીં તો તેના શરીરના ગદ્ય-પદ્ય જુદાં કરીને એક ખંડનાત્મક કાવ્ય બનાવી દીધું હોત. મેં કહ્યું કે ‘મહામૂર્ખશિરોમણિ ગદ્ય નહીં ગધ! ગ ગધેડાનો ગ. તેને ભાન થઈ ગયું હશે કે આમાં બહું ઊંડા ઊતરવા જેવું નથી એટલે તેણે સવાલ બદલ્યો, ‘સર, ઘાટકોપર તમારી કર્મભૂમિ છે. તમે ઘાટકોપરને અને ઘાટકોપરે તમને ખૂબ જ પ્રેમ કર્યો છે, તો લૉકડાઉનમાં ઘાટકોપરની સ્થિતિ શું છે?’
ઘાટકોપરનું નામ આવે એટલે મારામાં ચેતન આવી જાય. ઘાટકોપર એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ધામ છે.
રાજકીય રીતે પટાબાજી શીખવાનું ઉત્તમ સ્થાન છે, ધર્મક્ષેત્રે તીર્થધામ છે. ઘાટકોપરમાં જે છે એ બીજે ક્યાંય નથી અને બીજે ક્યાંય જે છે એ બધું જ ઘાટકોપરમાં છે. ઘાટકોપરની વિશિષ્ટતા એ છે કે કોઈ પણ આપત્તિમાં એ નાત-જાત, ધર્મ, પક્ષાપક્ષ છોડીને, એક થઈને લડ્યું છે. એ ક્યારેય ડગ્યું નથી કે ડર્યું નથી. અચાનક મને ફોનમાં તાળીઓનો અવાજ સંભળાયો. મેં પૂછ્યું, ‘આ શું?’ તેણે કહ્યું, ‘બોલો, આગળ બોલો... ટેબલ પર ચડીને બોલો, ઘાટકોપરની ગૌરવગાથા તમારા મોઢે બહુ શોભે છે.’ મેં ગુસ્સામાં કહ્યું, ‘મારી મજાક કરે છે?’
‘નહીં સર, તમે એકાએક તાનમાં આવી ગયા એટલે બહુ ખુશ થઈ ગયો છું. ઓકે સર, તમે મૂડમાં છો તો પૂછી લઉં કે ઘાટકોપરમાં મોટા ભાગના રાજકીય નેતાઓ સાથે અંગત સંબંધ છે. આ બધા નેતાઓનો કોરોનાકાળમાં શું ફાળો છે?’
‘મારો અનુભવ ખૂબ જ હૂંફાળો છે. મનોજ કોટક, પરાગ શાહ, બિન્દુબહેન ત્રિવેદી, પ્રવીણ છેડા અને બીજા અન્ય પક્ષના નેતાઓ રાત-દિવસ ખડેપગે લોકોને મદદ કરી રહ્યાં છે. અરે, નેતાઓ સાથે ઘાટકોપરની સંખ્યાબંધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ પોતાનાથી બનતું બધું જ કરે છે - આ લોકો...’
‘માફ કરજો સર, વચ્ચેથી અટકાવું છું, પણ મેં સાંભળ્યું છે કે આ લોકો જેટલું કામ કરે છે એનાથી વધારે ફોટો પડાવે છે.’ તેણે ફરીથી સળી કરીને મને ઉશ્કેર્યો. મેં જરા કડક થઈને કહ્યું, ‘તારે મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે. કામ થાય છે એ મહત્ત્વનું છે. કેટલાક તો કામ કર્યા વગર ફોટો પડાવે છે એનું શું? બાપુ, તારી ઉંમરનો અવાજ પરથી અંદાજ નથી આવતો, પણ અક્કલનો આવી ગયો છે. સમજ, રાજકારણમાં ફક્ત કામ કરવું જરૂરી નથી, કરેલું કામ દેખાવું પણ જોઈએ. એક હાસ્યરચના સાંભળી લે...
‘એ દાળમાં બિસ્કિટ બોળીને ખાય છે, એમાં તારા બાપનું શું જાય છે?’ એ દાળમાં બોળીને ખાય કે ચામાં, બિસ્કિટ મહત્ત્વનું છે.’ ‘પણ સર....’ ‘ખબરદાર, દુષ્ટ, છિદ્રાન્વેશી જો વચ્ચે બોલ્યો છે તો. ઘાટકોપરનું કોઈ બૂરું બોલે તો મને માતાજી આવે છે. હું બોલું એ સાંભળી લે! ઘાટકોપરનો મહિમા જાણી લે. હૉસ્પિટલની વ્યાખ્યા આમ આદમી માટે શું છે એ વિશે મારા નાટકમાં એક સંવાદ છે. હૉસ્પિટલ એટલે ધરતી પરથી સ્વર્ગમાં જતી વખતે વચ્ચે આવતું ટોલનાકું! આ ટોલનાકાને કોઈ નીતિનિયમો નથી હોતા. કાયદેસર રીતે લૂંટી લેવાનું કાવતરું છે. કોરોનાના એક પેશન્ટને માત્ર બે જ દિવસની સારવારનું એક પ્રાઇવેટ હૉસ્પિટલે સાડાચાર લાખ રૂપિયાનું બિલ આપ્યું. મેં એ બિલની કૉપી પ્રવીણભાઈ છેડાને મોકલાવી આપી. પ્રવીણભાઈએ બીજા જ દિવસે આ વાત સત્તાવાળાઓને પહોંચાડીને જાગ્રત કર્યા. અને છેલ્લે એ પણ સાંભળી લે કે ઘાટકોપરના લોકો પણ ખમીરવંતા છે.’
સરકારને સહાયનો ધોધ તો વરસાવ્યો જ છે, પણ વ્યક્તિગત રીતે પણ પાછીપાની કરી નથી. મારા કલાકાર અને સાથીઓ માટે મેં મારા મિત્રો પાસે ટહેલ નાખી તો બે દિવસની અંદર ૪ લાખ ૭૫ હજાર ભેગા કરી આપ્યા. એમાં મેં ૨૫,૦૦૦ રૂપિયા ઉમેરીને પાંચ લાખ રૂપિયા પૂરા કર્યા, પણ એ ઓછા પડ્યા. સહાય માટે મને સતત ફોન-સંદેશા આવતા રહ્યા. મને લોન ફન્ડનો વિચાર આવ્યો, મારા લાયનમિત્ર દિનેશભાઈ શાહને વિનંતી કરી કે મિત્રોને લોન આપવાનો મારો વિચાર છે, ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં લોન ભરપાઈ થઈ જશે એની ગૅરન્ટી મારી. મારી જબાન પર તેમણે તાત્કાલિક ૧૦ લાખ રૂપિયાની લોન મંજૂર કરી આપી. અરે, સાંભળે છેને તું? મારા વચન પર કોઈ ૧૦ લાખ રૂપિયાનું જોખમ લે છે એ વાત પર મને ગર્વ થયો. આ છે અમારા ઘાટકોપરનો ભાઈચારો.
હું ગર્વથી છાતી ફુલાવું ત્યાં મને કોઈક ઢંઢોળતું હોય એવું લાગ્યું, ‘અરે ઊંઘમાં શું બબડ્યા કરો છો. ઊઠો ૧૦ વાગી ગયા.’ સમાપનમાં મેં મારી વાઇફને કહ્યું...
‘મેરી ઝિંદગી કે તાલિબાન હો તુમ
બેમતલબ તબાહી મચા રખ્ખી હૈ.’

coronavirus covid19 Pravin Solanki columnists