દેવ આનંદ અને સુરૈયાજી લગ્ન કરશે એની ખાતરી આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને હતી

20 May, 2020 10:57 PM IST  |  | Pankaj Udhas

દેવ આનંદ અને સુરૈયાજી લગ્ન કરશે એની ખાતરી આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને હતી

દેવ આનંદ અને સુરૈયાજીઃ આ સંબંધોની સૌથી મોટી વાત એ હતી કે બન્ને છૂટાં પડ્યાં, પણ એમ છતાં ક્યારેય કોઈએ એ સંબંધોની ગરિમાને ડંખ લાગવા નહોતો દીધો.

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ
હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ

સુરૈયા માટે ૧૯૪૯નું વર્ષ અત્યંત મહત્ત્વનું રહ્યું. એ એક વર્ષમાં તેમની ત્રણ ફિલ્મો આવી અને ત્રણેત્રણ સુપરહિટ થઈ. સુરૈયાજીએ રાતોરાત તેમની પ્રાઇસ ત્રણગણી કરી નાખી. આખું બૉલીવુડ એક જ વાત કરે કે જો ફિલ્મ હિટ કરવી હોય તો સુરૈયા તમારી ફિલ્મ સાથે હોવી જોઈએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે દેવ આનંદ અને સુરૈયા બન્ને પહેલી વાર ‘વિદ્યા’ના સેટ પર મળ્યાં હતાં. દેવ આનંદે તેમની પાસે જઈને કહ્યું હતું, ‘મેરા નામ દેવ આનંદ હૈ, આપ મુઝે કિસ નામ સે બુલાના પસંદ કરોગી?’

‘દેવ.’
આ કિસ્સો કપોળકલ્પિત નથી. એ કિસ્સો દેવ આનંદે પોતાની બાયોગ્રાફી ‘રોમૅન્સિંગ વિથ લાઇફ’માં લખ્યો છે. દેવ આનંદ જ્યારે સંઘર્ષ કરતા હતા ત્યારે સુરૈયાનું સ્ટારિઝમ શરૂ થઈ ગયું હતું. સુરૈયાજીને સૌથી વધારે એ વાત ગમી ગઈ હતી કે દેવ આનંદ તેમની સાથે સ્ટાર તરીકે વર્તન નહોતા કરતા, એક ફ્રેન્ડની સાથે રાખતા હોય એવું વર્તન રાખતા હતા. તેમની સાથે વાતો કરવામાં દેવસાહેબને કોઈ ખચકાટ થતો નહીં, તેમની સાથે હસીમજાક પણ તેઓ એટલી જ કરતા. સુરૈયાજીને આ વાતથી આત્મીયતા લાગવા માંડી અને બન્ને વચ્ચેનો પ્રેમ ધીમે-ધીમે આગળ વધવા માંડ્યો. જો વાત સાચી હોય તો એક તબક્કે બન્નેએ લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું હતું. ઇન્ડસ્ટ્રીમાં પણ સૌકોઈને ખાતરી હતી કે દેવ આનંદ અને સુરૈયા બન્ને મૅરેજ કરશે. બન્નેએ એકબીજાને હુલામણાં નામ પણ આપ્યાં હતાં. સુરૈયાજીએ દેવ આનંદનું નામ ‘સ્ટીવ’ રાખ્યું હતું. દેવ આનંદને ગ્રૅગરી પૅક સાથે સરખાવનારા તો ઘણા હતા, પણ સુરૈયાને એવું લાગતું હતું કે દેવ આનંદ હૉલીવુડના કોઈ પણ હીરો કરતાં વધારે હૅન્ડસમ દેખાય છે. દેવ આનંદે સુરૈયાજીનું નામ ‘નોઝી’ રાખ્યું હતું. આ નામ તેમણે ટીખળ ખાતર રાખ્યું હતું. દેવ આનંદ કહેતા કે જો તારા શરીરમાંથી કોઈ ભાગને સહેજ શેપ આપવો પડે એમ હોય તો એ તારું નાક છે. તારું નાક જરા ટૂંકું હોત તો તું વિશ્વની બેસ્ટ બ્યુટીમાં સમાવિષ્ટ હોત.
દેવ આનંદ અને સુરૈયાજીના સંબંધોમાં જો કોઈએ અંતરાય ઊભો કર્યો હોય તો એ હતાં સુરૈયાજીનાં નાની બાદશાહ બેગમ. સુરૈયાનાં અમ્મીને દેવ આનંદ સામે કોઈ વિરોધ નહોતો, પણ તેમનાં નાનીને આ રિલેશન મંજૂર નહોતાં. દેવ આનંદ અને સુરૈયાજીના સંબંધોની વાતો બધે થવા માંડી એટલે નાનીએ સૌથી પહેલાં આ રિલેશન પર બ્રેક મારવાનું શરૂ કર્યું અને તેમણે દેવ આનંદને ઘરે આવવાની મનાઈ ફરમાવી દીધી. સુરૈયા કે દેવસાહેબને કોઈ વાંધો નહોતો. તેમને ખબર હતી કે વિરોધ થઈ શકે છે એટલે તેઓ બન્ને બહાર મળતાં. વાત અટકી નહીં એની પણ ખબર નાની સુધી પહોંચી ગઈ હતી અને એ વાત પણ તેમના સુધી પહોંચી ગઈ કે દેવસાહેબ અને સુરૈયા બન્ને મૅરેજની તૈયારી કરી રહ્યાં છે. દેવ આનંદ અને સુરૈયાએ કોર્ટ-મૅરેજ કરીને નવું જીવન જીવવાનું લગભગ નક્કી કરી લીધું હતું, પણ ફિલ્મ ‘જીત’ના સેટ પરથી આ વાત કોઈ રીતે સુરૈયાજીનાં નાની સુધી પહોંચી ગઈ અને બન્નેની ઇચ્છા અધૂરી રહી ગઈ. આ ઘટના પછી બન્ને પર ખૂબ આકરી નજર રાખવામાં આવતી, તો ઘણી વખત તો સુરૈયાજીનાં નાની પોતે પણ સરપ્રાઇઝ ચેકિંગ માટે સેટ પર પહોંચી જતાં. નાનીમાએ અનેક નવા નિયમ સુરૈયાજી પર લગાડી દીધા તો દેવ આનંદ અને સુરૈયાજીની જે ફિલ્મો હોય એમાંથી રોમૅન્ટિક સીન પણ કપાવવાનું શરૂ કરી દીધું હતું. યાદ હશે તમને કે એ સમયે તો રોમૅન્ટિક સીન પણ કેટલા ઇનોશન્ટ આવતા પણ એમ છતાં એની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. સુરૈયાજી પોતે તેમનાં નાનીથી ખૂબ ડરતાં એટલે તેઓ વિરોધ કરી શક્યાં નહીં અને તેમણે નાનીની બધી વાતો ચૂપચાપ માનવાનું ચાલુ રાખ્યું.
સુરૈયાજીને મળવા ન મળે એટલે દેવ આનંદ આકુળ-વ્યાકુળ થઈ જતા. દેવ આનંદે લખ્યું છે કે એવો દિવસ પસાર કરવો મારે માટે મુશ્કેલ થઈ જતો જેમાં મેં એક વખત પણ સુરૈયાને જોઈ ન હોય. દેવ આનંદના આ પ્રેમની વાત તેમના મોટા ભાઈ અને ડિરેક્ટર વિજય આનંદે પણ ઇન્ટરવ્યુમાં કહી હતી તો તેમના વિશે લખાયેલાં પુસ્તકોમાં પણ આ બધી વાતો આવે છે. વિજય આનંદ પણ તેમના ભાઈની આ માનસિક અવસ્થા જોઈને બહુ અપસેટ રહેતા. વિજય આનંદે એક વખત કહ્યું હતું કે સુરૈયા માટે દેવે એન્ગેજમેન્ટ-રિંગ પણ લીધી હતી અને એ સુરૈયાને આપી હતી. સુરૈયા એ રિંગ પહેરતી હતી, પણ એક દિવસ તેના હાથની આંગળીમાં વીંટી જોવા ન મળી એટલે દેવ આનંદ સમજી ગયા કે તે શું સંદેશ આપવા માગે છે.
અધૂરી રહી ગયેલી આ પ્રેમકથામાં એકબીજા પ્રત્યેના માન અને આદરની વાત પણ સ્પષ્ટ નીતરે છે. દેવ આનંદ અને સુરૈયાએ ક્યારેય તેમના આ પ્રેમને મજાક બનવા ન દીધો અને પોતાના સંબંધોની ગરિમા કાયમ માટે અકબંધ રાખી. સુરૈયા સાથેના સંબંધોમાં કોઈ આપશી મતભેદ વિના જ એ પૂરા થયા હતા. જે રાતે દેવ આનંદે મનથી એ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું એ રાતે તેઓ વિજય આનંદ પાસે પુષ્કળ રડ્યા હતા. બીજા દિવસથી તેમણે સજાગપણે સુરૈયાના રસ્તામાં નહીં ઊતરવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો તો એવું જ સુરૈયાના પક્ષમાં પણ હતું.
સુરૈયાજી આજીવન કુંવારાં રહ્યાં અને તેમણે દેવ આનંદની યાદમાં પોતાનું જીવન વિતાવ્યું. ૨૦૦૪માં તેમનો દેહાંત થો. તેમના અંત સાથે એક ખૂબસૂરત પ્રણયકથાનો પણ અંત આવ્યો હતો. સુરૈયાજી જ્યારે સ્ટાર હતાં ત્યારે દેવ આનંદનો સંઘર્ષકાળ ચાલતો હતો તો દેવસાહેબ સ્ટાર બનવા માંડ્યા ત્યારે સુરૈયાજીએ પોતાનું કામ ઓછું કરવાનું શરૂ કરી દીધું હતું. સમય પસાર થતો ગયો અને સૌકોઈ પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થવા માંડ્યાં. દેવ આનંદસાહેબનો સમય આવ્યો અને સુરૈયાજી વીસરાતાં ગયાં પણ એમ છતાં તેમણે પોતાના આ એકાંતવાસમાં પણ તમામ પ્રકારની ગરિમા અકબંધ રાખી હતી. સુરૈયાજીના દેહાંત પછી પણ કોઈએ આ સંબંધ વિશે કશી વાત કરી નહીં તો દેવ આનંદસાહેબે પોતાની અંગત જિંદગી વચ્ચે પણ આ સંબંધો માટે ક્યારેય આનાકાની કરી નહીં અને સુરૈયાજી પ્રત્યેના માનને જાહેરમાં પણ સ્વીકાર્યું.
‘પંકજ ઉધાસ ઇન રૉયલ આલ્બર્ટ હૉલ’ મ્યુઝિક આલબમના લૉન્ચિંગ સમયે એ આલબમ કોની પાસે લૉન્ચ કરાવવું જોઈએ એવી ચર્ચા ચાલુ થઈ અને અચાનક મારી આંખ સામે સુરૈયાજી આવી ગયાં. યુનિવર્સિટીની અલગ-અલગ સોસાયટીઓ પૈકીની મ્યુઝિક સોસાયટી સાથે જોડાયેલો હતો અને પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યો હતો એટલે સુરૈયાજી યાદ આવવાં એમાં કોઈ નવી વાત નહોતી, પણ સુરૈયાજીના નામ સાથે જે વિચાર મનમાં ઝબકી ગયો એ ગજબનાક વિચાર હતો.
‘આપણે સુરૈયાજીને લાવીએ તો?’
કહ્યું કોઈને નહોતું, પણ મનમાં જ આ વિચાર આવ્યો હતો. ૮૦નો દસકો હતો અને વર્ષ હતું ૧૯૮૩નું. સુરૈયાજીનાં આલબમ હજી પણ માર્કેટમાં ધૂમ મચાવતાં હતાં, પણ સુરૈયાજી સ્વયંસ્વીકૃત અજ્ઞાતવાસમાં હતાં. ક્યાંય જોવા મળતાં નહોતાં અને કોઈ જગ્યાએ તેમનું નામ પણ સંભળાતું નહોતું. આવા સમયે સુરૈયાજીને આવવાનું કહ્યું હોય તો શું તેઓ આવે ખરાં? તેઓ વાત માને ખરાં? આટલા મોટા સિંગર, જેમના નામ પર સદીના દસકા લખાયા હોય, જેમણે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ આપી હોય અને એ ઊંચાઈ પર રહીને જાતે જ તેમણે પોતાની જાતને પાછી ખેંચી લીધી હોય એ હસ્તી આલબમના લૉન્ચિંગમાં આવવા તૈયાર થાય ખરાં?
મનમાં અનેક પ્રશ્નો હતા અને એ પ્રશ્નો વચ્ચે મેં સૌકોઈ સામે નામ મૂક્યું,
‘સુરૈયાજી... આપણે તેમને આલબમના લૉન્ચિંગમાં લાવવાં જોઈએ.’

pankaj udhas columnists