કૉલમ: કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

13 June, 2019 12:04 PM IST  |  મુંબઈ | ઈમોશન્સનું ઈકૉનૉમિકસ - અપરા મહેતા

કૉલમ: કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

પ્રતીકાત્મક તસવીર

જૂન મહિનો આવે એટલે સમર વેકેશન પૂરું થાય અને સ્કૂલ-કૉલેજની નવી ટર્મ શરૂ થાય. દસમામાં હોય કે બારમા ધોરણમાં હોય, એ બન્ને સ્ટુડન્ટ્સને સ્કૂલ અને કૉલેજ શોધવાની, એમાં એડમિશન માટે દોડાદોડી કરવાની, એડમિશન ન મળે તો એની માટે હેરાન થવાનું, કોઈનાં કનેક્શન શોધવાનાં અને એ બધું આ મહિનામાં જોવા મળે તો સાથોસાથ આ જ ટર્મથી નાના બાળકને નર્સરી કે પછી પ્લે સ્કૂલમાં મૂકવાની શરૂઆત થાય. જે યંગ પેરન્ટ્સ હોય અને પોતાનાં નાનકડાં ભૂલકાંઓને નર્સરીમાં શરૂઆત કરાવતાં હોય તેમની મને ખૂબ દયા આવે, કારણ કે બાળકની સાથે-સાથે એ લોકોની પણ બારેક વર્ષની ફરી પાછી સ્કૂલની યાત્રા શરૂ થઈ જાય છે. જેણે જીવનનો આ ફેઝ પસાર કરી લીધો હોય એ એક રીતે ફ્રી થઈ જાય છે. હું જયારે પાછું વાળીને જોઉં છું ત્યારે મને એટલું સારું લાગે છે કે મારો એ ફેઝ ક્યારનો પૂરો થઈ ગયો.

મારી દીકરી ખુશાલી જ્યારે સ્કૂલમાં હતી ત્યારે પણ હું મારાં કામોમાં ખૂબ જ બિઝી હતી, જેના કોઈ ટાઇમ લિમિટ ન હોય એટલું કામ કરતી. પણ હા, એ પણ એટલું જ સાચું છે કે મેં કોઈ દિવસ ખુશાલીની એકપણ પેરન્ટ્સ કે ટીચર્સ મીટિંગ કે ઓપન-હાઉસ મિસ નથી કર્યાં. પહેલથી જ એ તારીખ અને દિવસ હું મારી દીકરી માટે અવેલેબલ રાખતી અને એવું પણ કરતી કે ભગવાન ઉપરથી નીચે આવે તો પણ હું ખુશાલીના ફંક્શનમાં પહોંચી જ જાઉં. ક્યારેક શૂટ માટે જવું જ પડે અને અનિવાર્ય હોય તો પણ મારે પહેલાં તો તેની સ્કૂલે જવાનું જ જવાનું અને એ ફંક્શન પતાવીને પછી જ શૂટ પર જવાનું. ઘણી વખત મેં અઢાર અને ‌વીસ કલાક કામ કર્યું છે અને એના અંતે મારો દિવસ પૂરો થયો છે. આજે હવે એ દિવસો યાદ કરું છું તો થાય છે કે આ બધું હું કેવી રીતે મૅનેજ કરતી, કેવી રીતે બધું મૅનેજ થઈ જતું? પણ સાચું તો એ જ છે કે આપણા બાળકના ભવિષ્ય માટે આપણે કંઈ પણ કરીએ, આપણને એનો કોઈ ભાર ક્યારેય લાગતો નથી.

દરેકને પોતાના બાળકને પોતાની રીતે ઉછેરવાની છૂટ છે; પણ એટલું ડેફિનેટલી ધ્યાન રાખવું કે બાળક પ્રેશરાઇઝ ન થાય, તેના પર કોઈ જાતું દબાણ ન આવે. હું આવું કેમ કહું છું એ માટે તમને મારો પોતાનો દાખલો આપું.

મારી મમ્મીએ મારી આખી સ્કૂલ લાઇફ પૅક કરી દીધી હતી. એકેક કલાકનું પ્લાનિંગ કરી નાખ્યું હતું. સવારે જાગીને ફ્રેશ થઈ પહેલાં સ્કૂલ જવાનું, સ્કૂલ પતે એટલે ઘરે આવીને જમી, અડધા કલાક જેટલું ફ્રી રહીને પછી ઘરેથી સીધા ડાન્સ ક્લાસમાં પહોંચવાનું. ડાન્સ ક્લાસમાંથી પેઇન્ટિંગ ક્લાસ, પછી ત્યાંથી સ્વિમિંગ ક્લાસમાં જવાનું. ફરી ઘરે આવવાનું અને ઘરે આવીને જમવાનું અને હોમવર્ક કરવાનું, ત્યાં મ્યુઝિક ક્લાસનો સમય આવી જાય અને એ પછી ફરી પાછું નવું કંઈ. ટ્યુશનની જરૂર નહોતી, મારાં મમ્મી-પપ્પા પોતે મને ભણાવતાં એટલે હું એ લખતી નથી; પણ તેમની પાસે ભણવા બેસવાનું એ તો પાછું નક્કી જ અને આ જ શેડ્યુલમાં. સાચું કહું તો એક બાળક તરીકે મને હજી પણ યાદ છે કે મારે આમાંનું કશું જ કરવું નહોતું. મારે તો સમયસર ભણવું હતું અને પછી ફક્ત ને ફક્ત મારા ફ્રેન્ડ્સ સાથે રમવું હતું. પણ મને એ સમય મળ્યો જ નથી અને એનો અફસોસ પણ મને જિંદગીભર રહ્યો છે, રહેવાનો છે.

આ જ કારણ હતું કે જ્યારે મારે ત્યાં ખુશાલીનો જન્મ થયો ત્યારે મને મારું નાનપણ યાદ આવી ગયું, એ સમયનો મારો અફસોસ યાદ આવી ગયો અને જે ભૂલ કે પછી જે પંક્ચ્યુઆલિટી મારી લાઇફમાં આવી હતી એ મેં તેનામાંથી કાઢી નાખી અને ખુશાલીને મેં એકપણ ક્લાસમાં મૂકી નહીં. સ્કૂલ પછી ઘર અને ઘર પછી ફ્રેન્ડ્સ. ખુશાલી એકદમ મુક્ત રીતે જીવી છે એવું કહીશ તો એમાં કશું ખોટું નહીં લેખાય. ખુશાલી હૅપી ચાઇલ્ડ હતી અને અમે બધાએ એકબીજા સાથે ખૂબ ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો છે જે આજે પણ અમારી મેમરીમાં અકબંધ છે.

હું વાંચવાની ખૂબ શોખીન છું. દર્શન જરીવાલા, મારા હસબન્ડને પણ વાંચવાનો ખૂબ શોખ છે અને મારી દીકરી પણ વાંચવાની જબરદસ્ત શોખીન છે. સંગીત, નાટક, નૃત્ય, લિટરેચર અને જુદી-જુદી જગ્યાએ ફરવાનો ખૂબ શોખ આ અમારા ત્રણેયના બ્લડમાં છે એવું કહું તો પણ ચાલે. આ બધું અમે ખૂબ એન્જૉય કર્યું છે. દર્શન ઘણી વાર કહે છે કે અમે બન્નેએ તને એક પર્ફેક્ટ નાનપણ આપ્યું છે જે યાદ કરીએ ત્યારે ક્લાસિસમાં જતી નાની છોકરી નહીં પણ ઘરમાં ખૂબ મજા કરતી, મસ્તી કરતી અને એક આઝાદ પક્ષીની જેમ લહેરાતી દીકરી જોવા મળે.

એવું નથી કે આવું મારાં મમ્મી-પપ્પાએ જ મારી સાથે કર્યું છે. દરેક માતાપિતાનું આવું જ બનતું હોય છે. મારાં મમ્મીએ અધૂરી રહી ગયેલી પોતાની ઇચ્છાઓ મારા થકી પૂરી કરી અને મારી અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ મેં ખુશાલી થકી પૂરી કરી. આ આખી વાતનો ખ્યાલ મને ત્યારે આવ્યો જયારે ખુશાલીએ એક દિવસ મને સવાલ કર્યો હતો કે તને તો તારી મમ્મીએ કેટલું બધું શીખવાડ્યું છે નાનપણમાં પણ તેં કેમ તારી દીકરીને શીખવ્યું નહીં? ખુશાલીના આ સવાલે મને વિચારમાં મૂકી દીધી કે સાચું કોણ હતું, હું કે પછી મારી મમ્મી? કોણે સાચું પગલું લીધું હતું? શું તેમણે મારા નાનપણને એક ટાઇટ શેડ્યુલ વચ્ચે મૂકીને સાચું કામ કર્યું હતું કે પછી મેં ખુશાલીને સાચી ખુશી આપીને સાચું કામ કર્યું હતું?

આ સવાલના જવાબમાં એક ગઝલની પંક્તિ અત્યારે મને યાદ આવે છે.

કભી કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા
કહીં જમીં તો કહીં આસમાન નહીં મિલતા

પેરન્ટિંગ અઘરું છે, પણ સૌકોઈ પોતાની રીતે એના રસ્તા શોધી લેતું હોય છે. પણ એક વાત સનાતન સત્ય છે કે દરેક માતાપિતા પોતાના બાળક માટે બેસ્ટ જ વિચારતાં હોય છે. જોકે એ પછી પણ મારે એટલું તો કહેવું જ છે કે આજના આ અત્યંત કૉમ્પિટિટિવ જમાનામાં પોતાના બાળકને અત્યારથી જિંદગીની કૉમ્પિટિશનમાં નહીં ઉતારતાં, બીજા બાળક સાથે કમ્પેર નહીં કરતાં. દરેક બાળક અલગ છે, દરેકની ખાસિયત અલગ છે અને દરેકની ગુણવત્તા અલગ છે. આઇન્સ્ટાઇનની મમ્મી જો શૉન કોનરી સાથે તેની સરખામણી કરવા માંડે તો આઇન્સ્ટાઇન પણ પાછો પડે અને વિક્રમ સારાભાઈના ફૅમિલી મેમ્બર જો વિક્રમ સારાભાઈ પાસેથી બલરાજ સહાની જેવી એક્ટિંગની અપેક્ષા રાખે તો પરિણામ અયોગ્ય આવે.

બીજાનાં બાળકોને જોઈને તમારા બાળકને પર્ફેક્ટ બનાવવાના પ્રયત્નો ન કરવો જોઈએ. ઊલટું એવું કરવાને બદલે તમારા બાળકની જે ક્વૉલિટી છે એમાં તેને પ્રોત્સાહન આપવું જોઈએ અને જ્યાં તે નબળો છે ત્યાં તેને સાથ આપવો જોઈએ. આ ઉપરાંત મારે એક બીજી એડ્વાઇઝ પણ આપવી છે. મોબાઇલ અને ટીવીના સમયમાં કમ્યુનિકેશનનો સ્તર ખૂબ ઘટી ગયો છે, એને ઉપર લઈ આવો અને નાનપણથી બાળક સાથે ખુબ વાતો કરો. જો વાતો કરશો તો તે વાચાળ બનશે અને જો તે વાચાળ બનશે તો જ તેનામાં કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થશે. બાળકને પૂરતી ખાતરી આપવાની કે તે ભૂલ કરીને આવે તો પણ વિશ્વાસ સાથે તમને કહી શકે.

ડરને લીધે કોઈ વાત તમારાથી છુપાવે નહીં અને ક્યારેય એ વાતને ઢાંકવાની કોશિશ ન કરે. જે દિવસે એ કામ શરૂ થઈ જશે એ દિવસે વાતાવરણ બગડશે અને એ દિવસે ઘરની યુનિટીમાં પણ છિદ્રો પડશે. બહેતર છે કે ભૂલ કરવાની તેમને છૂટ આપો અને એ ભૂલને સ્વીકારવાની તમે તૈયારી રાખો. પરિવાર આમ જ અને આ જ રીતે એક થઈને રહેતો હોય છે. તૂટેલા ફ્લાવર વાઝને સંતાડવા કરતાં બહેતર છે કે એ ફ્લાવર વાઝ લઈને બાળક જ આવીને મમ્મી-પપ્પાને દેખાડે અને કહે કે શૉટ મારવા જતાં આ મારાથી તૂટી ગયું.

આ પણ વાંચો : સરકાર ક્યારે સમજશે વડીલોની તકલીફ?

સચિન તેન્ડુલકર આમ જ તૈયાર થતા હશે અને શ્રીદેવીએ પણ મમ્મીની લિપસ્ટિક ચોરીછૂપીથી જ પહેલી વાર લગાડી હશે.

Apara Mehta columnists